કાવ્યસેતુ- લતા હિરાણી / જિંદગી જિંદગી

article by lata hirani

Divyabhaskar.com

Jul 30, 2019, 05:09 PM IST

કાવ્યસેતુ- લતા હિરાણી
કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પસંદગીના કેટલાક શેર વાંચીએ અને એના અર્થોમાં તરીએ. જિંદગીના કળણમાં ડૂબેલા તો છીએ જ આપણે સૌ, ક્યાંક આમ હાશને અનુભવવાની મથામણ.
આંસુ કે ક્રોધ એટલે જ હર વખત હશે
જોશો જરાક મૂળમાં ઊંડે મમત હશે.
જીવન ત્યારે સમજાય છે જ્યારે એ પૂરું થવા જાય છે. એટલે જ ‘અમારા અનુભવથી શીખો’ એ વાનપ્રસ્થની મમત અને ‘ના, અમે અમારા અનુભવથી જ શીખીશું’ એ યુવાનીની રમત! સદીઓથી વડીલો અને યુવાનો વચ્ચે વત્તે-ઓછે અંશે આ જ સંઘર્ષ છે. અલબત્ત, ઉપરના શેરમાં જે વાત છે એ માનવમાત્રની છે, પણ જ્યાં ન હોય આંસુ, ન હોય ક્રોધ, ત્યાં પૂરેપૂરી સમતા હશે અને ઊંડી સમજણ કે શાંતિથી સમજાવીએ. કોઈ જોર નહીં, કોઈ દબાવ નહીં. માને તો એની વાત, ન માને તો એ પોતાની તો છે જ. ન માન્યાનું કોઈ દુ:ખ કે અફસોસ નહીં. દાદાજી કહેતા, જંગલમાં જઈને સાધુ થવું સહેલું છે, પણ સંસારમાં રહીને અલિપ્ત રહેવું બહુ અઘરું છે અને વાનપ્રસ્થાશ્રમની એ જ કસોટી છે. જોકે એટલી સમતાવાળા લોકો જૂજ હોય. સરળ શબ્દોના એક શેરમાં જીવનના કેટલા મોટા સત્યને વિસ્તરતું અનુભવી શકાય છે.
કેટલાં વરસો ગયાં એ ભૂંસવામાં, ક્રોધમાં જે શબ્દ હું બે-ચાર બોલ્યો,
એક વેળા સાંભળ્યું મેં આત્માનું, ત્યારથી વચ્ચે એ વારંવાર બોલ્યો.
અનુભૂતિના ઓરામાં માણસ પ્રવેશે છે ત્યારે એને અમુક અંશે સત્યનો સાક્ષાત્કાર થતો હશે એમ લાગે છે. આવી ક્ષણો અમુક જ હોય છે બાકી જીવનની વાસ્તવિકતાઓના બંધન સ્વીકારીને જ જીવવાનું રહે છે. કવિને, કલાકારને, ચિંતકને, સર્જકને આવી ક્ષણો સહેલાઇથી સાંપડે છે. બોલાયેલા શબ્દો છૂટી ગયેલા તીર જેવા છે, પાછા ખેંચી શકાતા નથી અને જેને એ પહોંચે છે એનો ઘા ક્યારેય રુઝાતો નથી કે નથી એની કોઈ દવા. આ શેરની બીજી પંક્તિ ખૂબ સ્પર્શી જાય એવી છે. શું વ્યક્તિનો આત્મા ખરેખર એને કંઇ કહેતો હશે? જોકે એનું સાંભળનારાઓ કહેશે કે હંમેશા ‘અંદરની વાત’ સાંભળીને જ નિર્ણય લેવો જોઈએ. મતલબ દિલની જુબાં સાંભળવી જોઈએ. જો દિલ કહેતું જ હોય તો આ ગુનેગારો, ગુંડાઓને દિલ જેવું કંઇ હશે જ નહીં? છોકરી પર એસિડ ફેંકનારા કે નાની બાળકી પર બળાત્કાર કરનારા કે થોડા ધન ખાતર કોઈનો જીવ લઈ લેનારાનો આત્મા ચૂપ રહેતો હશે? આત્માનું સાંભળવાની ટેવ કેટલાને? બાળપણથી જ એ વાતાવરણમાં ઉછરે કે આત્મા ગૂંગળાઇ જાય. આત્માના અવાજને સાંભળવા માટે સમજણ જરૂરી. એ ઉછેરમાં જ મળે, માબાપ ને શિક્ષકો જ આપી શકે. સમસ્યા એ છે કે એમનેય નથી મળી. ‘બીજા વિદ્યાર્થીઓને મદદ નહીં કરવાની, એમને તમારી નોટ્સ નહીં આપવાની! તમારે રાતે વાંચી લઈ એમને દિવસે બીજા રવાડે ચડાવવા જેથી એ તમારા કરતાં વધારે માર્ક્સ ન લાવે. આ હરીફાઈનો જમાનો છે અને આટલું શીખવું જ પડે.’ આવું કહેનારા ટ્યૂશનિયા માસ્તરો આપણા શહેરમાં ચારે બાજુ જીવે છે એ કેટલું ખતરનાક છે! મૂલ્યોનું આટલી હદે ધોવાણ અને તેય માબાપ કે શિક્ષક દ્વારા થાય ત્યારે વિચાર આડે ધુમ્મસ છવાઇ જાય છે. સમાજના આત્માને શોધવા નીકળવું પડે એવી દશા આવી જ ગઈ છે.
ભાગ્ય પણ કેવું ઘડ્યું છે ઇશ્વરે
ખેતરો ખોવાય ત્યારે હળ મળે..
લગભગ બધું ત્યારે જ મળે કે જ્યારે એની જરૂરિયાત ન રહી હોય! જિંદગી આખી સુખ, સંપતિ, સંબંધો પાછળ દોડતા રહ્યા અને જ્યારે હાંફ ચડી ત્યારે ખ્યાલ આવ્યો કે આ દોડમાં જીવવાનું તો ભુલાઈ જ ગયું! જાત સામે જોવાનો વખત જ ન મળ્યો! ધન કમાયા પણ સ્વાસ્થ્ય ચુકાઈ ગયું. બાળકને જરૂર હતી ત્યારે માબાપને સમય નહોતો અને હવે ફરિયાદ કરે છે કે સંતાનો સામું જોતાં નથી! અલબત્ત, અપવાદો વગરનુંય જીવન નથી. સુખ, શાંતિ અને સંતોષ કાગળ પર મળે! સમયનું આ સત્ય આજનું કે ગઇકાલનું પણ? સત્યને સમય સાથે લેવાદેવા નથી એ વાત જ સ્વીકારવી પડે.
[email protected]

X
article by lata hirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી