Back કથા સરિતા
લતા હિરાણી

લતા હિરાણી

કાવ્ય (પ્રકરણ - 35)
લેખિકા જાણીતાં કવયિત્રી અને ‘દિવ્ય ભાસ્કર’નાં કોલમિસ્ટ છે.

મનને બાંધો દોર

  • પ્રકાશન તારીખ23 Jul 2019
  •  

કાવ્યસેતુ - લતા હિરાણી
​​​​​​​ગંદા, ગંધાતા, લીલ, શેવાળ અને કીડાઓથી ખદબદતા તળાવમાં ખીલેલું ફૂલ જોઈને એણે વિચાર્યું,
આ તો મારા હાથમાં જ હોવું જોઈએ!
એ તરત જ લપક્યો તળાવની દિશામાં,
ફૂલ હતું, આમ તો કિનારા પાસે જ.
એણે હાથ લાંબો કર્યો અને વિચાર્યું કે આ આવી જ ગયું હાથમાં.
પાણીમાં ઘૂસેલા હાથે વમળ સરજ્યા
અને ફૂલ તો સરકીને થોડું ખસી ગયું.
એને આગળ વધવું પડે એમ હતું.
એક પગ તળાવમાં મૂકવો પડશે એમ લાગ્યું. બૂટ કાઢી નાખ્યા.
પાણીમાં પગ મૂકી, થોડું વધારે ઝૂકી, એણે હાથ લંબાવ્યો.
પહોંચ થોડીક જ ટૂંકી પડી.
હવે તો ફૂલ સુધી પહોંચવા
બીજો પગ અંદર મૂકવો પડશે એમ લાગ્યું.
એણે તરત જ બીજો પગ પણ અંદર મૂક્યો. ફૂલ લેવા આગળ વધ્યો.
પગ મૂકવાને કારણે પાણીમાં ખળભળાટ થઈ ગયો.
એટલે ફરી ફૂલ થોડું.... સરકીને એનાથી દૂર ગયું!
હવે તો એ તળાવમાં ઊતરી જ ગયો હતો.
વિચારવાનો અવકાશ જ નહોતો. એ હજુ થોડો આગળ વધ્યો...
કપડાં પલળતા ગયા, એ અંદરને અંદર ઊતરતો ગયો....
ઊતરતો ગયો, ઊતરતો ગયો, ઊતરતો જ ગયો.
ફૂલ સરકતું ગયું, સરકતું ગયું, સરકતું જ ગયું.
માથું ઊંચું કરીને એણે જોયું.
અરે, કિનારો તો ક્યાંય પાછો રહી ગયો!
અત્યારે તો એ ગંદા, ગંધાતા, લીલ, શેવાળ અને કીડીઓથી ખદબદતા તળાવમાં ગળા સુધી ઘૂસી ચૂક્યો હતો
અને દલદલમાં પૂરેપૂરો ફસાઈ ચૂક્યો હતો.
તરત એણે નજર ફેરવી, ફૂલ હજુ એની પહોંચની બહાર હતું....
એ કશું કરે એ પહેલાં તો, એને ફરી સરકી જતું એ જોઈ રહ્યો...
એ દલદલમાં ખૂંપી ગયો હતો.
એ આગળ વધી શકે એમ નહોતો....
- દર્શિની દાદાવાળા

દ ર્શિની દાદાવાળા વાર્તાક્ષેત્રે જાણીતું નામ છે. એમનો સાહિત્ય અને કુદરત ક્યાં કેવી રીતે જોડાય છે, સમાજ-સંસ્કૃતિ પર એની કેવી અસરો પડે છે એ વિષય પર એક સંશોધન લેખ હતો. મને એ વિષય ગમ્યો. ગ્રામ્ય સંસ્કૃતિમાં પર્યાવરણ અને સાહિત્ય એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. લોકગીતોમાં પ્રકૃતિના ધબકારા અદ્્ભુત રીતે ઝીલાયા છે. સંશોધન માટે આ રસપ્રદ વિષય છે. આ લેખ વાંચતાં, ઘણા સમય પહેલાં મળેલી અને નોંધી રાખેલી એમની આ કવિતા યાદ આવી.
વિચારપ્રધાન ફિલોસોફીથી છલોછલ આ કવિતા શું કહે છે? તળાવમાં દેખાતું ફૂલ એ મૃગજળનું પ્રતીક છે અને એને પકડવાની મથામણ એ માનવીની સુખની ઝંખના? હા. થોડોકેય સંતોષ ધરાવનાર માનવીની આ દશા નથી થતી કેમ કે સુખની ઈચ્છા તો જીવ જન્મ સાથે જ લઈને આવે છે. કદાચ એ જ જીવવાનું બળ બની રહે છે, પણ એનો અતિરેક થાય, સુખ પાછળ માનવી પાગલ બને, એ કંઇ પણ કરવા તૈયાર થાય, સારાસારનો વિવેક ચૂકે ત્યારે એનું પતન થાય છે, એ અધોગતિના દલદલમાં ખૂંપી જાય છે અને પેલું મૃગજળ જેવંુ ફૂલ હાથમાં આવતું જ નથી. સાધન, સંપત્તિ બધું આવવા છતાં ખરું સુખ તો છેટે જ રહી જાય છે, ફરી લલચાવતું! જીવનનું શાશ્વત સત્ય કાદવ અને કમળના પ્રતીકોથી પણ એક જુદી જ શૈલીના વિસ્તારથી રજૂ કરનાર કવિ દર્શના દાદાવાળાને અભિનંદન. [email protected]

x
રદ કરો

કલમ

TOP