Back કથા સરિતા
લતા હિરાણી

લતા હિરાણી

કાવ્ય (પ્રકરણ - 35)
લેખિકા જાણીતાં કવયિત્રી અને ‘દિવ્ય ભાસ્કર’નાં કોલમિસ્ટ છે.

ભોગવ્યું હોય તે જ જાણે

  • પ્રકાશન તારીખ25 Dec 2019
  •  
કાવ્યસેતુ- લતા હિરાણી
જનારા ચાલ્યા જાય છે
વહી જાય છે
વાતવાતમાં
દિવસ-માસ-વર્ષો
રહી જાય છે
એક એકલ
નથી થોભાતું
નથી વહી જવાતું
ફૂટી નીકળે છે વચ્ચોવચ
વહેણને વિસ્તંભિત કરતો ખડક
સાવ અડગ
કોળિયાને અંદર-બહાર
ન જવા દેતો
ડચૂરો
આંસુને ભીતર ને ભીતર
ભંડારતો
ડૂમો...
}દક્ષા વ્યાસ
જી વન પાસે એની પોતીકી મુદ્રા હોય છે અને મોતની પાસે અલગ. માનવીએ આ બંને છેડા વચ્ચે જ રમવાનું હોવા છતાં એ બેમાંથી એકેયને જાણી નથી શકતો. માનવીની જાણ બહાર એની ફરતે એક વિષમ વાવાઝોડું ચકરાયા કરે છે. કોઈ જાણતું નથી કે આ લીધેલો શ્વાસ છેલ્લો છે કે હજી લેવાના બાકી છે. આટલી અનિશ્ચિતતા છતાં તેને પોતાના શ્વાસ ને પોતીકી વ્યક્તિઓના શ્વાસની માયા છૂટતી નથી.
જનારા તો એના મુકરર સમયે ચાલ્યા જ જાય છે. એને કોઈ રોકી નથી શકતું. મોત પાસે લાખ બહાનાં હોય છે, આવી ચડવાના અને ત્યારે જીવનને એક પણ કારણ નથી જડતું, રોકાવાનું. પેટ ભરવાના ફાંફા હોય કે માથે મુસીબતોના પહાડ હોય, તોયે માનવીની જિજીવિષા નથી છૂટતી. દુનિયા જેવી છે એવી કે જીવન જેવું છે એવું, પણ માનવી જીવવા ચાહે છે. લાખો વર્ષોથી જન્મ-મૃત્યુની ઘટમાળ ચાલતી હોવા છતાં અને માનવી વિજ્ઞાન ક્ષેત્ર આગળ વધ્યો હોવા છતાં મૃત્યુ સામે લાચાર જ છે.
દેહ છોડી જીવ તો જતો રહે છે, પણ પાછળ રહેલી વ્યક્તિનો જીવ દેહમાં રહેવા છતાં ન રહે એવી સ્થિતિ થાય છે. આશ્વાસન આપનારા સેંકડો હોય છે, આશ્વાસનની ફિલોસોફી એક જ... જુદા જુદા શબ્દોમાં... પણ જેણે આ વેઠ્યું હોય એને ખબર પડે કે આ શબ્દો કેટલા પોકળ અને નકામા, અર્થ વગરના હોય છે! પણ ચાલ્યા રાખે છે, કેમ કે એ જમાનાની રસમ છે, રીતિ છે, રિવાજ છે.
જે પાછળ રહી જાય છે એનાથી નથી તો જીવી શકાતું, નથી મરી શકાતું. શ્વાસ ચાલે છે એટલે કોઈ ચેતન વગર રોજિંદી ક્રિયાઓ આપમેળે થતી રહે છે. પીડાનું એક અડીખમ તત્ત્વ જે નસેનસમાં ફેલાઈ ગયું છે એ દરેક ક્રિયામાં વિક્ષેપ પાડવા જાગૃત રહે છે. શરીરને જરૂર છે આરામની, ઊંઘની, પણ એ આંખના અધિકારને મન પડે ત્યારે ઠેબે ચડાવી દે છે. પેટની જરૂરિયાત છે ખોરાક, પણ એ જીવનચાલક બળની પણ અવગણના કરી શકે છે. મુખ ખૂલે છે ને કોળિયો અંદર જાય છે, પણ એ ગળેથી ઉતારવા દેવામાં ડચૂરો બની અડચણ ઊભી કરે છે. જીભમાંથી એ સ્વાદેન્દ્રિય ગુમ કરી દે છે. ડૂમાના સામ્રાજ્ય થકી એ એકચક્રી શાસન ભોગવે છે. પોતાનાંને ગુમાવવાની પીડા જીવનારમાં ઊંડે ને ઊંડે ઊતરતી જાય છે ને એનું બહાર દેખાવાનું ઓછું થતું જાય છે. ફેર પડે તો આટલો...
રામબાણ વાગ્યા હોય તે જાણે, એના જેવું જ છે, આ પીડા ભોગવી હોય તે જ જાણે.
[email protected]
x
રદ કરો

કલમ

TOP