Back કથા સરિતા
લતા હિરાણી

લતા હિરાણી

કાવ્ય (પ્રકરણ - 35)
લેખિકા જાણીતાં કવયિત્રી અને ‘દિવ્ય ભાસ્કર’નાં કોલમિસ્ટ છે.

સાંજનો સૂનકાર

  • પ્રકાશન તારીખ17 Dec 2019
  •  
કાવ્યસેતુ- લતા હિરાણી
વાત ક્યાં ક્યારેય પૂરી થાય છે?
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
આયખાનો અર્થ આરંભાય છે
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
બે’ક અક્ષર ધૂંધળા વંચાય છે
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
દૃશ્ય આછુંપાતળું ઝિલાય છે
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
ક્યાં કિનારો સ્હેજ પણ દેખાય છે
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
માંડ ચપટીક મર્મ આ સમજાય છે
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
એમ જર્જર જાત સંકેલાય છે
- ને અચાનક સાંજ ઢળતી જાય છે.
-નીતિન વડગામા
જી વનમાં એક સમય એવો હોય છે કે જ્યારે માનવી જાણે અમરપટો લખાવીને આવ્યો હોય, મોત કદી આવવાનું જ ન હોય એમ વર્તતો હોય. યુવાનીના નશાની દિમાગમાં સાઝિશ હોય, દુનિયા મુઠ્ઠીમાં કરી લેવાની ખ્વાહિશ હોય, એવરેસ્ટ આંબી લેવાની કોશિશ હોય. મનમાં થનગનાટ ને પગમાં તરવરાટ હોય. જે આ જુસ્સાથી ભરેલા નથી એના માટે પણ પરિણામ કંઇક આવું જ હોય છે, કેમ કે કલાકો ક્ષણોની જેમ અને મહિનાઓ દિવસોની જેમ પસાર થાય છે અને એનું કોઈ ભાન રહેતું નથી અને અચાનક સામે આવીને ટપકે છે, બચેલો થોડો સમય, છવાયેલી સાંજ ને આવનારી રાતની આગાહી.
અલબત્ત, એક સામાન્ય માણસ માટે એનો કોઈ ખાસ અર્થ નથી કેમ કે એનામાં કોઈ જાગૃતિ આવી નથી, પણ જેનામાં જીવન પ્રત્યે કંઈક ગંભીરતા પ્રગટી છે, જેને જીવનનો મર્મ સમજાવા લાગ્યો છે એના માટે આ રચના છે. સમયનું ઝડપથી સરવું તો સૌ માટે છે પણ જાગેલાને એનું ભાન થાય છે અને એ કેટલું જલ્દી ને અચાનક આવી ગયું એની પ્રતીતિ થાય છે. ‘ને અચાનક સાંજ ઢળતી જાય છે’ – આ રદીફને રીપીટ કરીને કવિએ અચાનક પડેલી સાંજનો રંગ ઘેરો બનાવ્યો છે. સાંજ ઢળવાની વાત કરતાંય અહીં ‘અચાનક’ શબ્દ વધારે મહત્વનો છે, કેમ કે સાંજ તો ઢળવાની જ છે પણ આટલી જલ્દી? આમ અચાનક? કોઈ ચેતવણી, ખબર આપ્યા વગર આમ અચાનક જીવનની સાંજ પડી જાય એ કેમ ચાલે? આ પ્રશ્ન દરેક માનવીનો હશે, પણ અહીં કોઈનું કશું ચાલવાનું નથી, સાંજ તો શું રાત ઢળી જશે તોય એ સ્વીકારવાનું જ છે ને હંમેશાં માટે પોઢી જવાનું છે.
કેટલા કામ અધૂરા છે? કેટલી ઈચ્છાઓ પૂરી કરવાની બાકી છે? ને આમ અચાનક સાંજનો સ્વીકાર કેમ કરવો? તારીખિયાંના એક પછી એક પાનાં બદલાવતી વખતે છેલ્લા પાનાંનો આભાસ પણ નહોતો! હજી તો માંડ સમજણ ફૂટી હતી. જીવન એટલે શું એની હજી ખબર પડવાની શરૂ થઈ હતી ને આમ અચાનક આંખ સામે ઝાંખ આવી જાય? મન તો હજી મઝધારમાં છે, કિનારો ક્યાંય ભળાતો નથી ને સાંજ કેવી રીતે પડી શકે? સવાલો ઘણા છે, જવાબ એક જ છે, વિકલ્પ એકેય નથી. સઘળું પૂરું થવા આવ્યું જીવ, જે સમય મળ્યો હતો એની સાથે તેં વફાદારી નિભાવી કે એને વેડફી નાખ્યો એ તારે નક્કી કરવાનું.
વૃદ્ધત્વ કોઈને પસંદ નથી, પણ એ આવે ત્યાં સુધી આંખો બંધ રહે છે. હજી જીવવાનો અર્થ ખબર પડે કે જીવન પૂરું થાય છે. જરૂરી નથી કે ઉંમર સાથે સમજણ આવે જ, પણ એવા લોકો જેઓ જીવનને થોડું સમજ્યા છે, એમને આ અફસોસ રહેવાનો. એટલે જ કહ્યું છે ને કે તમે સમયને સાચવો, સમય તમને સાચવશે. [email protected]
x
રદ કરો

કલમ

TOP