Back કથા સરિતા
લતા હિરાણી

લતા હિરાણી

કાવ્ય (પ્રકરણ - 35)
લેખિકા જાણીતાં કવયિત્રી અને ‘દિવ્ય ભાસ્કર’નાં કોલમિસ્ટ છે.

હૈયે ઊગેલ સૂર્ય

  • પ્રકાશન તારીખ10 Dec 2019
  •  
કાવ્યસેતુ- લતા હિરાણી
નથી આજ સુધી ડરી હારથી હું,
છતાં પણ બની ના શકી સારથિ હું.
ખભો કોઈનો આજ સુધી નથી હું,
બની ના શકાયું સદીઓ, મથી હું.
દશા પણ, દિશા પણ બધું હાથમાં છે,
નથી માનતી ભાગ્યમાં જ્યારથી હું.
ગમ્યું છે બધું ને ગમાડ્યાં છે સૌને,
બની ગઈ બધાની કહો, ક્યારથી હું?
તરસ પણ નથી ઝાંઝવાની હવે તો,
સભર છું અને મુક્ત સૌ ભારથી હું.
- રેખા જોશી
કોઈક રચના વાંચતાં જ હળવાફૂલ થઈ જવાય છે. એની સહજતા અને સરળતા સ્પર્શી જાય છે. એવી જ આ રચના! એક સમય હતો કે સ્ત્રીઓની કવિતાઓ બહુ ઓછી મળતી. અલબત્ત સરખામણીની દૃષ્ટિએ આજે પણ ઓછી જ છે, પરંતુ કવિતા રચતી સ્ત્રીઓની સરસ મજાની એક કતાર ઊભી થઈ છે અને દમદાર કવિતાઓ લખાય છે એ સ્વીકારવું પડે. વિષયવૈવિધ્ય પણ જોવા મળે છે. શિક્ષણ અને વાતાવરણની એ અસર છે એમ કહી શકાય. આ ગઝલમાં જ એક શેરમાં કવિ કહે છે, ‘દશા પણ દિશા પણ બધું હાથમાં છે/ નથી માનતી ભાગ્યમાં જ્યારથી હું.’ પોતાનું ભાગ્ય જાતે ઘડવા તૈયાર થયેલી સ્ત્રીને વધાવવાની જ હોય.
સ્ત્રીઓની ઘણી કવિતામાં જે આત્મવિશ્વાસ અને ખુમારી છલકે છે એ નવા યુગના એંધાણ બતાવે છે. રુદન અને પીડાની ઘણી વાતો થઈ. એ વાસ્તવિકતા છે અને એમાં આંખ આડા કાન ન થઈ શકે, પણ નજર સામે અજવાળું પાથરવાનો સમય આવી જ ગયો છે. સૂરજની પ્રતીક્ષા કરવાની જરૂર નથી, એને હૈયામાં ઉગાડી લેવાનો છે. તેથી કવિ આટલી સરસ વાત કહી શકે છે, ‘ગમ્યું છે બધું ને ગમાડ્યાં છે સૌને, બની ગઈ બધાંની કહો, ક્યારથી હું?’ જીવનનો સરસ સ્વીકાર આમાં પ્રતિબિંબાય છે એટલે એ વ્યક્તિગત ન રહેતાં સમગ્ર માનવજાતિની ચમકતી સવાર બની જાય છે.
ગઝલની શરૂઆત જુદી રીતથી થઈ છે પણ એ આગળ વધતાં પહેલાંનું કદમ છે.
‘નથી આજ સુધી ડરી હારથી હું,
છતાં પણ બની ના શકી સારથિ હું.
ખભો કોઈનો આજ સુધી નથી હું,
બની ના શકાયું સદીઓ, મથી હું.’
હારથી નહીં ડરવાની વાત એ નિરાશાની નથી અને કોઈના સારથિ નહીં બની શકવાની કિસ્મતનો સ્વીકાર છે. એ તો જિંદગીમાં ડગલે ને પગલે હંમેશાં સૌના માટે રહેવાનું જ. આ માનવમાત્રની વાત છે એટલે આશાવાદ જરૂર છુપાયેલો છે. પ્રયત્ન કરવો એ જ જીવન છે. પરિણામ ઈશને આધીન છે.
તરસ અને ઝાંઝવાથી કાવ્યસાહિત્ય ભર્યું પડ્યું છે ત્યારે આ બંને ઘટનાને અહીં જુદી રીતે આલેખી છે. ગઝલ પ્રથમ શેરથી જ આશાવાદ તરફ પગલાં માંડે છે અને અંતે સભરતાના ખ્યાલથી સમાપ્ત થાય છે. આને શરૂઆત પણ કહી શકાય. હવે કશાની તલાશ નથી, કોઈ પ્યાસ નથી અને કશે પહોંચવું પણ નથી. જે પાસે છે એ પૂર્ણ છે અને મન મુક્ત છે. નથી ભૂતકાળનો ભાર કે નથી ભવિષ્યની ચિંતા. આખું આકાશ, પંખીઓના મધુરા ગાન સાથે મારું છે અને એમાં ઊડવાની, ટહુકવાની સ્વતંત્રતા મેં મેળવી લીધી છે.
[email protected]
x
રદ કરો

કલમ

TOP