કાવ્યસેતુ- લતા હિરાણી / કાશ...

article by lata hirani

Divyabhaskar.com

Dec 02, 2019, 03:09 PM IST

- કાવ્યસેતુ- લતા હિરાણી
મારા મોં પર ઓક્સિજન માસ્ક છે
હોલ્ટર સતત મારા હૃદયની ગતિવિધિ માપી રહ્યું છે
બહાર સ્વજનો આપ્તજનો ચિંતાતુર ચહેરે બેઠાં છે
મારી આંખો બંધ છે
મારી ક્ષીણ થતી જતી ચેતનામાં
ઊંડે ઊંડે સળવળાટ થાય છે
હોલ્ટરનો ગ્રાફ ઊંચો નીચો થાય છે
ડોક્ટરના શબ્દો
મારા માનસપટ પર પડઘાય છે
‘careless about her own-self.’
મારી આંખનો ખૂણો ભીંજાય છે,
એક આંસુ ઝળુંબે છે
મારું ‘ઘાયલ’ હૃદય ચિત્કારી ઊઠે છે
તેં એક વાર, માત્ર એકવાર જ
જો મને કહ્યું હોત કે
હું કીમતી છું, તારા માટે જરૂરી છું
તો મારું હૃદય ઘવાયું ન હોત,
હું careless ન રહી હોત,
મેં મારી જાતને સાચવી હોત.
મારા ગાલ પર આંસુ
અને હોલ્ટરમાં ગ્રાફ સ્થિર થઇ જાય છે.
- સુચિતા કપૂર

પ્રેમની તરસ આટલી ઉત્કટ રીતે ભાગ્યે જ ક્યાંક વ્યક્ત થઈ હશે અને તેય સાવ સાદા શબ્દોમાં, રોજિંદી વાતચીતના સ્વરૂપમાં! સ્ત્રી જ આ કરી શકે. પ્રેમની તરસ આટલી તીવ્ર રીતે સ્ત્રી જ અનુભવી શકે. ઈશ્વરે એને હૈયું જ એવું આપ્યું છે. અલબત્ત, અપવાદ બધે જ હોય, માત્રામાં પણ ફરક હોય, પણ છેલ્લા શ્વાસ સુધી પ્રેમ માટે તરસવાનું ગજું સ્ત્રીનું જ હોય.
કોઈકને પોતાની જરૂર છે એ અહેસાસ સમગ્ર જીવજગત માટે વધતે-ઓછે અંશે જરૂરી છે. જ્યારે માણસ અનુભવે કે કોઈને પોતાની જરૂર નથી, ત્યારે આ અનુભૂતિ એની જીવનશક્તિને ક્ષીણ કરી નાખે. આ જરૂરિયાત કોઈ પણ સ્વરૂપે હોઇ શકે. પોતાનાં કુટુંબને, સંતાનોને, પોતાના કામને, સમાજને... પણ ક્યાંક પોતાની જરૂર છે એ લાગણી જીવવાનું બળ બને છે.
આ કવિતામાં જે તરસ પ્રયોજાઈ છે એ અત્યંત વિશેષ બાબત છે અને એ જીવન/મૃત્યુની સીમા સુધી પહોંચે છે. પ્રિયજનની ઉપેક્ષા, અવમાનના શ્વાસ રુંધાવી દે છે. જીવવાનું કોઈ જ બહાનું નથી રહેતું અને આખું તબીબીશાસ્ત્ર આ પીડા સામે હારી જાય છે. કાશ, સમય પર કાનમાં રેડાયેલા ચાર શબ્દો, ‘તું મારા માટે કીમતી છો’ જીવન માટે અમૃત બની શક્યા હોત, પણ એ ન બન્યું. એક લાગણીભર્યા હૃદયની કદર ન જ થઈ.
કવિતા લાંબી છે. વર્ણન છે પીડાનું, સારવારનું, સ્વજનોની ચિંતાનું, પણ એ લંબાણ કઠતું નથી. જે કહેવું છે એ ભાવશિખરની ટોચ સુધી પહોંચવા આટલી યાત્રા જરૂરી છે. તરસ તીવ્ર છે, હલબલાવી નાખનારી છે અને અંત શાંત છે, જીવતેજીવ સળગાવી નાખનારો! ત્યારે થાય છે કે ઈશ્વર શા માટે આટલું બધું ભરપૂર અને તરસ્યું હૃદય આપતો હશે? આપ્યું તો ભલે, પણ પછી એ સચવાય એવી વ્યવસ્થા કરવાને બદલે એને આવા નિષ્ઠુર માનવો સાથે એને કેમ જોડતો હશે? શું આ જ નિયતિ છે? આને પ્રારબ્ધ કહેતાં હશે? હજાર શુક્ર કિ માયુસ કર દિયા તૂને, યે ઔર બાત થી કિ તુમસે ભી કુછ ઉમ્મીદેં થી.
તન મન અને ધનથી કોઇની સેવામાં જાત નિચોવી નાખનારા લોકોને જોઈએ તો એમ થાય કે પ્રેમની તરસનું એમણે જાણે ઊર્ધ્વીકરણ કરી નાખ્યું છે. [email protected]

X
article by lata hirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી