સોશિયલ નેટવર્ક- કિશોર મકવાણા / શું ખંડિત ભારત ફરી અખંડ બનશે?

article by kishormakwana

Divyabhaskar.com

Aug 12, 2019, 06:35 PM IST

સોશિયલ નેટવર્ક- કિશોર મકવાણા
15 મી ઓગસ્ટે ભારત એક હજાર વર્ષની ગુલામીમાંથી મુક્ત થયું હતું. સાતસો વર્ષ વિદેશી ઇસ્લામી આક્રાંતાઓ અને ત્રણસો વર્ષ અંગ્રેજોએ આ દેશ પર રાજ કર્યું. એક હજાર વર્ષની ગુલામીમાંથી દેશને સ્વતંત્ર કરવા કરોડો દેશભક્તોએ પોતાના પ્રાણની આહુતિ આપી. સાતમી સદીમાં રાજા દાહિરથી લઇ મહાત્મા ગાંધી સુધીની અખંડ હારમાળા રહી.
15 ઓગસ્ટે દેશ આઝાદ તો થયો, પરંતુ આ ઐતિહાસિક વળાંકના થોડાક જ કલાકો પહેલાં, ઇતિહાસ એક ઓર વળાંક લઇ ચૂક્યો હતો. ભારતની ધરતી પર જ એક નવા દેશનો જન્મ થયો અને એનું નામ પડ્યું - પાકિસ્તાન, એક અખંડ રાષ્ટ્રને ચીરીને એના બે ટુકડા કરી દેવામાં આવ્યા. દેશ ખંડિત બની ગયો. આજે 70 વર્ષ પછી 370 કલમ રદ થતાં ભારત ફરી અખંડ બનશે એવી આશા કરોડો દેશવાસીઓના મનમાં જાગી છે. 370 કલમ રદ કરવી અસંભવ લાગતું હતું, પરંતુ પ્રચંડ ઇચ્છાશક્તિ ધરાવતા નરેન્દ્ર મોદી અને અમિતભાઇ શાહના લીધે સંભવ બન્યું. એટલા જ માટે કરોડો દેશવાસીઓની આંખમાં અખંડ ભારતનું સપનું તરવરવા લાગ્યું છે.
વિશ્વમાં અનેક રાષ્ટ્રોનું કૃત્રિમ વિભાજન કરવામાં આવ્યું. એ બધાં રાષ્ટ્રોના વિભાજિત ભાગોના પુનઃ મિલન માટે સદાય અદમ્ય ઇચ્છા અને ઉત્કટ પ્રયાસ થતો રહ્યો છે. કોરિયા, જર્મની, વિયેતનામ એ દિશામાં જઇ રહ્યા છે. દેશના ભાગલા એ સામ્રાજ્યવાદી તાકાતોનાં ષડયંત્રોનાં પરિણામો છે, પરંતુ અવસર મળતાં જ એ વિભાજિત ભાગો આ અકુદરતી ભાગલાને સમાપ્ત કરી દે એવી સતત સંભાવના રહેલી છે. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ અંગે પણ આવી સંભાવનાને નકારી શકાય નહીં. ડો. બાબાસાહેબ આંબેડકરે પણ આવો જ ભાવી સંકેત બંધારણ સભાની પહેલી જ બેઠકમાં (17 ડિસેમ્બર, 1946) આપતા કહે છે: ‘મને આત્મવિશ્વાસ છે કે યોગ્ય સમયે અને અનુકૂળ સંજોગો મળતાં આ દેશને એક થવામાં કોઈ પણ તાકાત રોકી શકવાની નથી. આપણી અલગ-અલગ જાતિઓ અને સંપ્રદાયો હોવા છતાં હું આત્મવિશ્વાસથી કહી શકું છું. આપણે નિ:શંકપણે એક પ્રજા થઇ જવાના.’
ભારતમાંથી બનેલા પાકિસ્તાનની માગણી પાછળ એક વૈચારિક આધાર એ હતો કે ‘એની એક વિશિષ્ટ ઈસ્લામી ઓળખ હશે. એ બધા મુસલમાનોને એક એકમ રૂપે ગુંથી લેશે.’ પરંતુ પાકિસ્તાનની સ્થાપનાના પહેલા દિવસથી જ આ માગણીનું બોદાપણું સ્પષ્ટપણે દેખાવા માંડ્યું. એ બોદાપણાએ જ પાકિસ્તાનના ભાગલા કર્યા અને પૂર્વ પાકિસ્તાનનો 1971માં બાંગ્લાદેશ રૂપે ઉદય થયો. બાંગ્લાદેશનો સંઘર્ષ ચાલી રહ્યો હતો એ દિવસોમાં ઈંગ્લેન્ડના ‘ન્યૂ સ્ટેટ્સમેન’માં પ્રકાશિત એક લેખમાં પાકિસ્તાન વિશે કહેવામાં આવ્યું હતું, ‘એવો દેશ જે ક્યારેય હતો જ નહીં’. એમાં કહેવામાં આવ્યું હતું કે ભૌગોલિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પાકિસ્તાન એક અકુદરતી અને કુરૂપ રચના છે. મતલબ પાકિસ્તાનનું અસ્તિત્વ ગમે ત્યારે સમાપ્ત થઇ શકે છે. પત્તાંના મહેલની માફક ગમે ત્યારે ધરાશાયી થઇ જશે.
ભારત ફરી અખંડ બની શકે છે એનો સૌથી મોટો કોઇ આધાર હોય તો એ છે ત્રણેય દેશની ધરતીનાં સાંસ્કૃતિક જીવનમૂલ્યો એક છે. ત્રણે દેશોના સામાન્ય માનવીને પરસ્પર બાંધી રાખતી સંસ્કૃતિનાં મૂળ હકીકતમાં ખૂબ ઊંડાં છે. પાકિસ્તાનની સ્થાપના પછી તરત જ પાકિસ્તાનના પુરાતત્ત્વીય સલાહકાર આર.ઈ. એમ. વ્હીલરે ‘5000 ઈયર્સ ઓફ પાકિસ્તાન’ (પાકિસ્તાનનાં 5000 વર્ષ) નામનું પુસ્તક લખ્યું હતું. પુસ્તક મોહેં જો દડો અને હડપ્પા સભ્યતાનાં પ્રાગૈતિહાસિક ગ્રામ અને નગર, ઋગ્વેદ, ગૌતમ બુદ્ધ, તક્ષશિલા, બૌદ્ધ ધર્મનો પ્રકાશ ફેલાવનાર મહાન અશોક, જાતકકથાઓ, હિન્દુ મંદિરો અને દુર્ગા, પૂર્વ બંગાળનું પુદાર નગર, ‘ઐતરેય આરણ્યક’ અને ‘ઐતરેય બ્રાહ્મણ’ ધર્મપાલ રચિત સોમપુર વિહાર, અદ્્ભુત શૈલીવાળા એક ભવ્ય મંદિર સાથે મૌર્ય અને ગુપ્તકાલીન નગર વગેરેથી ભરપૂર છે. અનેક સિંધી મુસલમાનો ગર્વથી કહે છે કે રાજા દાહિર એમના વીર નાયકોમાં એક હતા, જેમણે મુહમ્મદ બિનકાસિમના આક્રમણથી સિંધની રક્ષા કરતાં પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું.
જોકે, ભારતમાં પાકિસ્તાનના મિલનની સંભાવના ત્યારે જ શક્ય બને જ્યારે ભારતના લોકો આ લક્ષ્યની પ્રાપ્તિ માટે સતત જ્યોતિ જલતી રાખે. પોતાના માનસપટલ પર અખંડ ભારતનું દેદીપ્યમાન ચિત્ર અંકિત કરી દે. પાકિસ્તાન ભારતમાતાના અંગનો જ એક ટુકડો છે સતત યાદ રાખે, તો એક દિવસ ભારત જરૂર અખંડ બની શકે છે. 15 ઓગસ્ટ, 1947ના દિવસે, પોતાના જન્મદિને આપેલ સંદેશમાં મહાયોગી શ્રી અરવિંદે આહ્્વાન કર્યું હતું: ‘ભારત આજે સ્વતંત્ર થઈ ગયું છે, પરંતુ ભાગલા સમાપ્ત થવા જોઈએ. ભારતના ભાવિની મહાનતા એના ગર્ભમાં છુપાયેલી છે.’
[email protected]

X
article by kishormakwana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી