સોશિયલ નેટવર્ક- કિશોર મકવાણા / મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

article by kishormakwana

Divyabhaskar.com

Aug 05, 2019, 06:28 PM IST

સોશિયલ નેટવર્ક- કિશોર મકવાણા
ગુલઝાર સાહેબની એક ગઝલ પંક્તિ છે: ‘હાથ મિલાયા કુછ દોસ્તો સે, કમબખ્ત દુ:ખ કી સારી લકીરેં મિટા ગઇ’ ચાણક્ય કહે છે: ‘મિત્રો દ્વારા શક્તિ મળે છે.’ તો શ્રી ‘ચિત્રભાનુ’ મહારાજની એક રચનાની પંક્તિ છે: ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે...’ આજકાલ બે-ચાર ઘડી સાથે રહ્યા તો ય કહેશે: મારો ફ્રેન્ડ છે. આ તકલાદી સંબંધ અને મૈત્રી વચ્ચે જમીન-આસમાનનું અંતર છે. મૈત્રી એટલે જ વિશ્વાસ, સમન્વય, કરુણા, હું નહીં તું અને સમજણની એકરૂપતા. મૈત્રીભાવમાં સરવાળા-બાદબાકી નથી હોતા. મૈત્રીભાવમાં સંકુચિતતા નથી, વ્યાપકતા છે. મૈત્રી એ વ્યાપાર નથી, આપસમાં પ્રેમ અને વિશ્વાસ છે.
એક રાજકુંવર અને મંત્રીપુત્ર વચ્ચે ગાઢ મૈત્રી. બંને ઘણી વખત સાથે શિકાર કરવા જંગલમાં જતા. એક વાર શિકાર કરવા ગયા ને જંગલમાં ભૂલા પડ્યા. રાત થઈ ગઈ. નગર તરફ જવાનો રસ્તો મળતો નહોતો. એટલે એક વૃક્ષના થડે ઘોડો બાંધી, બંને બેસી ગયા. રાત વધવા લાગી. ભયાનક જંગલ. બંનેએ એવું નક્કી કર્યું કે એક ઊંઘશે અને બીજો જાગી ચોકીપહેરો ભરશે. રાજકુંવર ઊંઘી ગયો. ત્યાં જ ચોકી કરતા મંત્રીપુત્રએ જોયું તો એક ભયંકર કાળો નાગ એની તરફ આવી રહ્યો છે. એ તલવાર લઈને ઊભો થઈ ગયો. ફૂંફાડા મારતો નાગ નજીક આવ્યો. એ માણસની જેમ બોલવા લાગ્યો : ‘સૂતો છે એ તારો મિત્ર ગયા જન્મમાં મારો દુશ્મન હતો, હું બદલો લેવા આવ્યો છું. તું મારા માર્ગમાંથી હટી જા.’ મંત્રીપુત્ર ઉઘાડી તલવારે રાજકુમાર આગળ ઊભો રહી ગયો. કહ્યું : ‘નાગરાજ! શત્રુનો મિત્ર પણ શત્રુ જ ગણાય. આથી તું મને દંશ દે અને તારો બદલો લઈ ચાલ્યો જા, રાજકુમારને છોડી દે.’
‘યુવાન! તું એના માટે શું કામ તારા પ્રાણ આપવા તૈયાર થયો છે? મને ખબર છે કે, રાજકુમારનું મૃત્યુ થશે તો રાજ્યનો ઉત્તરાધિકારી તું જ બનવાનો છે. આથી કહું છું કે તું વચ્ચેથી હટી જા. મને મારું વેર વાળવા દે, તું ઘેર જઈને રાજસુખ ભોગવ.’
‘નાગરાજ! ક્ષમા કરો. હું તમારા કહેવા મુજબ નહીં કરી શકું, કારણ મિત્રદ્રોહીને સપનામાં પણ સુખ મળતું નથી. મારે મિત્ર ગુમાવીને રાજસુખ નથી જોઈતું.’
પોતાની મેલી મુરાદ બર ન આવતાં નાગરાજે કપટ શરૂ કર્યું. મંત્રીપુત્રને કહ્યું, ‘તારી વાતથી હું પ્રસન્ન થયો છું. રાજકુમારને હું અભયદાન આપું છું, પરંતુ મારી એક શરત છે, તું તારા મિત્રના શરીરમાંથી લોહીનું એક ટીપું તારી તલવારથી કાઢી આપ. હું એ ચાટીને મારા બદલાની આગ શાંત કરી લઈશ.’ નાગે એના સ્વભાવ મુજબ એવું વિચાર્યું કે, તલવારથી લોહી લેતા રાજકુમાર જાગી જશે. રાજકુમારને શંકા જશે કે મંત્રીપુત્ર મારી હત્યા કરવા માંગે છે. બંને વચ્ચે સંઘર્ષ થશે, એનો લાભ લઈ હું રાજકુમારને દંશ દઈશ.’
મંત્રીપુત્રએ ખૂબ ધીરજપૂર્વક મિત્રના પગમાંથી સૌથી ઓછા સંવેદનશીલ ભાગમાંથી તલવાર વડે લોહીનું ટીપું લઈ લીધું. છતાંય રાજકુમારની આંખ એક ક્ષણ પૂરતી ખૂલી ગઈ. તલવારની અણી લાગવાથી થયેલી પીડાએ એને જગાડી દીધો, પરંતુ જેવી એની દૃષ્ટિ એના મિત્ર પર પડી, એ હસ્યો અને પડખું ફેરવીને પાછો ઊંઘી ગયો.
નાગ આ દૃશ્ય જોઈ અભિભૂત થઈ ગયો. રાજકુમાર પૂરતી ઊંઘ લઈને જાગ્યો ત્યારે મંત્રી મિત્રએ બધી જ વાત કરતાં પૂછ્યું કે, તારા પગમાંથી હું લોહી કાઢી રહ્યો હતો ત્યારે તારા મનમાં કોઈ શંકા ન જાગી, ક્રોધ ન ચઢ્યો?’ રાજકુમારે કહ્યું, ‘તલવારની અણી લાગતાં જ મારી ઊંઘ તો ઊડી ગઈ, પરંતુ તને જોયો એટલે નિશ્ચિંત થઈને પાછો ઊંઘી ગયો.’ ભલે કદાચ આ કાલ્પનિક કથા હશે, પણ મિત્રતામાં વિશ્વાસ અને શ્રદ્ધા જ સંબંધનો આધાર છે. મૈત્રી બે પુરુષ વચ્ચે જ હોય એવું પણ નથી. મૈત્રી પુુરુષ-સ્ત્રી વચ્ચે પણ હોય અને બે સ્ત્રી વચ્ચે પણ બહેનપણા હોય જ છે. સાચી મૈત્રી ત્યારે જ સંભવે છે, જ્યારે બંને વચ્ચે પ્રામાણિકતા હોય. પરંતુ મિત્રતામાં વ્યાપાર હશે, સ્વાર્થ હશે તો મૈક્યાવેલીએ ‘ધ પ્રિન્સ’ પુસ્તકમાં લખેલી વાત સંભવ બની શકે છે. મૈક્યાવેલી સલાહ આપે છે: ‘એવી કોઇ વાત તમારા મિત્રને ન બતાવશો જે તમે તમારા દુશ્મનને પણ કહેવા માંગતા નથી. કારણ કે આજનો મિત્ર આવતી કાલે શત્રુ પણ બની શકે છે.’ મૈત્રીમાં સ્વાભાવિક અને પ્રામાણિકતા હશે તો મૈત્રીભાવમાં પ્રેમની વિશુદ્ધ ગુણવત્તા અને સુગંધ મહેકતી અનુભવાશે. મૈત્રી એક પવિત્ર પ્રેમ છે.
[email protected]

X
article by kishormakwana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી