સોશિયલ નેટવર્ક- કિશોર મકવાણા / એક અશ્વેત લેખિકાનો યાતનાભર્યો જીવનસંઘર્ષ

article by kishormakwana

Divyabhaskar.com

Jan 06, 2020, 05:34 PM IST
સોશિયલ નેટવર્ક- કિશોર મકવાણા
જીવનના આઠ દાયકા પસાર કરી ચૂકેલાં વિશ્વપ્રસિદ્ધ અમેરિકી લેખિકા માયા એન્જલો જ્યારે પોતાના જીવનને પાછું વાળીને જુએ છે ત્યારે તેના જીવન ઇતિહાસમાં સુખની ક્ષણોને ખૂણેખાંચરેથી એમણે શોધવી પડે છે. સમગ્ર જીવન દરમિયાન દુ:ખના ઓછાયા સામે સંઘર્ષરત માયાના જીવનમાં સુખના પ્રકાશે ભાગ્યે જ ડોકિયું કર્યું. નિરંતર સંઘર્ષના ઊબડખાબડ રસ્તા ઉપર માઇલો સુધી એકલપંડે પગપાળા ચાલ્યા પછી ‘માયા એન્જેલો’ એક એવું નામ બન્યું, જેણે વિશ્વભરમાં નામના મેળવી.
હસતી-ખેલતી ઉછળતી માયા પર બાળપણમાં સાવકા પિતાએ બળાત્કાર ગુજાર્યો, યુવાવસ્થાના પ્રથમ પગથિયે જ સિંગલ મધરની જવાબદારી અને સમગ્ર યુવાની દરમિયાન નાછૂટકે કરવા પડેલાં અણગમતાં કામકાજની દર્દભરી જીવન સફરને એકલા હાથે હિંમતપૂર્વક આગળ વધારી માયા એન્જેલોએ એક લેખિકા, કવયિત્રી, અભિનેત્રી, નવલકથાકાર, પટકથા લેખિકા, ફિલ્મ નિર્દેશિકા જેવાં કલાનાં તમામ ક્ષેત્રે પોતાની પ્રતિભાને સાબિત કરી એક પીડિત શોષિત મહિલામાંથી વિશ્વવિખ્યાત, મજબૂત મનોબળ ધરાવનારી અને આદર્શપાત્ર તરીકે વિશ્વ સમક્ષ પોતાની જાતને પ્રગટ કરી. અથાગ પરિશ્રમ અને હતાશાની ગર્તામાંથી પોતાની જાતને આપબળે જ બહાર લાવી જીવનને ઊંચાઈના શિખરે બિરાજમાન કરનાર માયા એન્જેલોની પાંચ ખંડમાં આલેખાયેલી આત્મકથા લોકહૃદયને ઢંઢોળનારી સાબિત થઇ છે.
કેલિફોર્નિયાના અર્કાન્સાસ સેન્ટ લુઇસ મિસ્સૌરીના લોન્ગબીચમાં રહેતાં જોહાન્સન દંપતીના ઘરે 4 એપ્રિલ, 1928 માયાનો જન્મ. માયા ત્રણ વર્ષની થઇ ત્યારે તેનાં માતા-પિતા વચ્ચે અણબનાવ શરૂ થયો અને છૂટાછેડા થઇ ગયા. બાળકો બોજારૂપ લાગતાં પિતા માયા તથા તેનાથી એક વર્ષ મોટા ભાઈ બૈલેને તેની દાદી એની જોહાન્સનના ઘરે મૂકી આવ્યા.
નિગ્રો ગીચ વસ્તીની વચ્ચોવચ માયાની દાદી એની દુકાન ચલાવતાં. તે મજબૂત મનોબળનાં અને ધર્મપરાયણ હતાં. તેમની દુકાને આવનાર તમામ ગ્રાહકો સાથે ખૂબ જ સહજતાથી વર્તતાં, છતાં દુકાને આવનારા અમુક ગોરા ગ્રાહકો તેમની સાથે દુર્વ્યવહાર કરતા. દાદીની આસપાસ રમતી નાનકડી માયાને શ્વેત ગ્રાહકોનો ખરાબ વ્યવહાર ખૂબ કઠતો. તેના બાળમાનસમાં પ્રશ્ન ઊઠતો કે શા માટે દાદી તેની સાથે થતા દુર્વ્યવહારને ચૂપચાપ સહન કરી લે છે? અશ્વેત હોવું ગુનો છે? અશ્વેતો સાથે ભેદભાવ-અમાનવીય વ્યવહાર શા માટે?
જેમ જેમ માયા મોટી થતી ગઈ તેમ તેમ તેને પોતાને પણ અશ્વેત હોવાથી વારંવાર અપમાનો સહન કરવાં પડ્યાં. એક ગોરી મહિલાના ઘરે નોકરી દરમિયાન પણ માયાને વારંવાર હીનતાનો બોધ કરાવાયો. અશ્વેત હોવાની હીનતાનો અહેસાસ કરાવતી માયાના જીવનની વધુ એક ઘટના કાયમ એના હૃદય પર ઘસરકો કરતી ગઇ, દુખતા દાંતનો ઇલાજ કરવાની ગોરા ડોક્ટરે ધરાર ના પાડી દીધી, ડોક્ટરે કહ્યું, ‘હું કૂતરાનો ઇલાજ કરી શકું, પણ નિગ્રોનો તો નહીં જ.’
માયા માધ્યમિક શાળામાં ભણતી હતી ત્યારે રંગભેદનો કડવો અનુભવ થયો. ભાઇ બૈલે અને માયા પોતાની દાદી અને કાકાને અનેક પ્રશ્નો પૂછતાં કે શા માટે આ ગોરાઓ આપણી સાથે આવો અમાનવીય વ્યવહાર કરે છે? ત્યારે દાદી અને કાકા નિરુત્તર થઇ જતાં, કારણ કે તેમને પોતાને પણ ખબર નહોતી કે તેમની સાથે કૂતરા-બિલાડા કરતાંય હલકો વ્યવહાર શા માટે કરવામાં આવે છે. માયાએ જીવનભર તેની દાદીના આચાર-વિચારનો અમલ કર્યો છે. દાદી એની કહેતી, ‘તમે જ્યારે કોઇની પાસેથી કંઇક લો છો તો એના બદલામાં એને કંઇક આપો,’ અને ‘તમે કોઈની પાસેથી કંઇક શીખ્યા તો એ બીજાને પણ શીખવો.’ આવા વિચારોએ જ માયાના વ્યક્તિત્વને વધુ મજબૂત બનાવ્યું.
1944નું વર્ષ માયા માટે ખૂબ જ મહત્ત્વનું સાબિત થયું. માયા આત્મનર્ભિર થઇને ઊભરી. તેણે સાન ફ્રાન્સિસ્કોની પ્રથમ અશ્વેત મહિલા ટ્રામ કંડક્ટર તરીકે કામ કર્યું. તેના કારણે તેની અંદર આત્મવિશ્વાસ વધ્યો. પોતાના જીવનનો માર્ગ જાતે જ પસંદ કરવા માટે માયાએ પોતાના નાનકડા બાળકની સાથે માતાનું ઘર છોડી દીધું. સત્તરથી ઓગણીસ વર્ષની ઉંમરે માયાએ ગરીબીમાં પોતાના નાનકડા બાળક સાથે જીવન વિતાવ્યું. એક તરફ ગરીબી, બીજી તરફ કુંવારી માતાનો અપરાધ. આવાં બેવડાં દુ:ખમાં એનું જીવન પસાર થતું રહ્યું. પોતાના હાથે પોતાના જીવનનું નિર્માણ કરતી માયાએ અનેક પ્રકારના રોજગાર અપનાવ્યા. તેણે વેશ્યાઓ માટે બિઝનેસ મેનેજર અને ફ્રન્ટ વુમન તરીકે પણ કામ કર્યું.
રેસ્ટોરાંમાં ભોજન પણ બનાવ્યું. નોકરીની શોધમાં અનેક શહેરોમાં ખૂબ ફરી. બધી જ નોકરી માયાના સંઘર્ષનું પરિણામ હતી. માયા ક્લબ સિંગર, ક્લબ નર્તકી, પત્રકાર અને
શિક્ષિકા બની. સંઘર્ષના એ દિવસોમાં તે ક્યારેય સંગીત, નૃત્ય અને કવિતાઓથી અલગ ન થઇ શકી. આ સમયગાળામાં માયાને સૌથી વધુ સંકટનો સામનો કરવો પડ્યો. નીડરતા અને અડગતાના કારણે તેણે દરેક કાર્યમાં ઝંપલાવ્યું. નવી-નવી નોકરીઓના લીધે અનેક જગ્યાએ બદલી. આ બધી પરિસ્થિતિઓએ માયાને વધુ મજબૂત બનાવી. ભાગ્ય તેને અમેરિકાના સેન્ટ લુઇસ, મિસૌરી, સ્ટમ્પ્સ, અર્કાન્સાસ, સાનફ્રાન્સિસ્કો, લોસ એન્જેલસ, બ્રુકલીન તથા ઇજિપ્ત અને ઘાના સુધી ખેંચી ગયું.
‘અકથ્ય કહાણીને પોતાની અંદર સમાવીને જીવવું એ સૌથી મોટું દુ:ખ છે.’ એવું કહેનાર માયા એન્જેલોએ ત્રણવાર લગ્ન કર્યાં અને ત્રણેય લગ્ન ઝાઝું ટક્યાં નહીં. છતાં એ જીવન સામે ઝઝૂમતી રહી અને સફળતાનો માર્ગ કંડારતી રહી.
(વધુ આવતા અંકે)
[email protected]
X
article by kishormakwana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી