Back કથા સરિતા
કિશોર મકવાણા

કિશોર મકવાણા

સાંપ્રત (પ્રકરણ - 32)
લેખક વરિષ્ઠ પત્રકાર અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

ચાણક્યની સલાહ: કોઈને કહ્યા વગર જ તમારું કામ શરૂ કરી દો

  • પ્રકાશન તારીખ29 Jul 2019
  •  

સોશિયલ નેટવર્ક- કિશોર મકવાણા
ચાણક્યને આપણે માત્ર રાજનીતિ પૂરતા સીમિત કરી દીધા છે. વાસ્તવમાં ચાણક્યએ કહેલી વાતો જીવનના દરેક સ્તરે બહુ ઉપયોગી છે. મૂળ નામ તો વિષ્ણુગુપ્ત, પણ ‘ચાણક્ય’ તરીકે ઓળખાયા. મક્કમ મનોબળ, પ્રચંડ આત્મવિશ્વાસ, તીક્ષ્ણ બુદ્ધિપ્રતિભા, ચતુર રાજનીતિજ્ઞ અને મહાપંડિત. આજથી અઢી હજાર વર્ષ પહેલાં જન્મેલા, પણ એમણે દેશ, કુટુંબ, મહિલા, રાજનીતિ કે જીવનવ્યવહાર વિશે જે ચિંતન રજૂ કરેલું એ આજ એકવીસમી સદીમાં પણ વ્યવહારુ અને મૂલ્યવાન છે. એમણે શિક્ષણ, રાષ્ટ્ર અને રાજનીતિ માટે સચોટ અને સ્પષ્ટ દિશાદર્શન કર્યું છે. ચાણક્ય સમાજજીવનની દરેક બાબતને સ્પર્શ્યા છે. જોકે, એમની ચાતુવર્ણવ્યવસ્થા અંગે કરેલી ટિપ્પણીઓ કે મહિલાઓ બાબતે કરેલાં વિધાન ગળે ઊતરે એવાં નથી. ચાણક્યે વિદેશી આક્રમણને ખાળવા ભારતને સંગઠિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. એમના જીવન વિશે વધુ લખવા કરતાં આજના સમયમાં પણ એવી એમની કેટલીક નીતિઓ જાણીએ અને અમલ કરીએ તો આપણો ય ઉદ્ધાર થાય અને કુટુંબનો ય ઉદ્ધાર થાય! મહત્ત્વપૂર્ણ કાર્ય સમયે સેવકની, દુ:ખ આવી પડે ત્યારે સગાંસંબંધીઓની, મુશ્કેલીમાં મિત્રની અને દરિદ્રાવસ્થામાં પત્નીની કસોટી થાય. કોઇ રોગ થયો હોય, દુ:ખ આવી પડે, દુશ્મનો મુશ્કેલી સર્જે, કોઇના મૃત્યુની અણીએ પણ જે વ્યક્તિ સાથ ન છોડે વાસ્તવમાં એ જ સાચો મિત્ર છે. જે માણસ નિશ્ચિત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ દોડે છે એ હાથમાં આવેલું કાર્ય અથવા પ્રાપ્ત થયેલી વસ્તુ પણ ગુમાવે છે. જેનો પુત્ર આજ્ઞાકારી, જેની પત્ની ધાર્મિક અને પવિત્ર હોય, જે પોતાના ધન-વૈભવ અર્થાત્ પોતાની પાસે જે કંઇ છે એનાથી સંતુષ્ટ છે તેના માટે અહીં પૃથ્વી પર જ સ્વર્ગ છે.
જે તમારી સામે તમારાં કાર્યોની પ્રશંસા કરે અને તમારી પીઠ પાછળ તમારી ટીકા કરી તમારું કાર્ય બગાડે તેવો મિત્ર ઉપરથી દૂધ ભરેલા ઘડા જેવો છે, એવા મિત્રને છોડી દેવામાં જ ભલાઇ છે. જે કાર્ય કરવાની યોજના બનાવી હોય કે નિર્ણય કર્યો હોય તેનું ગુપ્તમંત્રની જેમ રક્ષણ કરો. કોઇને પણ કહ્યા વગર કરેલા નિર્ણય પ્રમાણે કામ શરૂ કરી દો અને કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને ગુપ્ત રાખો, એનો ઢંઢેરો ન પીટો. બુદ્ધિમાન લોકોએ પોતાના સંતાનને હંમેશાં વિવિધ પ્રકારના સદાચારનું શિક્ષણ આપવું જોઇએ. નીતિવાન સદાચારી સંતાનો જ કુળમાં પૂજાય છે. પોતાનાં સંતાનોને અભ્યાસ ન કરાવનાર માતા-પિતા શત્રુ સમાન છે. હંસોની સભામાં બગલો ન શોભે એમ સાક્ષરોની સભામાં અભણ માણસ શોભતો નથી.
સાપનું ઝેર તેના દાંતમાં હોય છે. માખીનું ઝેર તેના માથામાં હોય છે. વીંછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે. એટલે કે દરેક ઝેરીલા પ્રાણીના એકાદ અંગમાં જ ઝેર હોય છે, પરંતુ દુર્જન વ્યક્તિનાં બધાં જ અંગમાં ઝેર ભરેલું હોય છે. આખી દુનિયા કડવાશથી ભરેલાં ફળોનું ઝેરી વૃક્ષ છે, તેમાં માત્ર બે જ ફળ અમૃત સમાં મીઠાં છે. એક મીઠી વાણી અને બીજું સજ્જનોની સંગત.
જો મોજશોખ માણવા હોય તો અભ્યાસ છોડી દો અને વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો એશોઆરામ છોડો, કારણ કે મોજશોખની ઇચ્છા હોય તેને ક્યારેય વિદ્યા પ્રાપ્ત થતી નથી અને વિદ્યા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તેને ક્યારેય આરામ મળતો નથી. નરકમાંથી સંસારમાં આવતા જીવનાં મુખ્ય લક્ષણ છે - ક્રોધી સ્વભાવ, કડવી વાણી, નિર્ધનતા અને પોતાના જ સ્વજનો સાથે દ્વેષભાવ, કુસંગ તથા અધમ માણસની સેવા. જેમ સુગંધિત ફૂલોવાળું વૃક્ષ સમગ્ર જંગલને મહેકાવી દે છે, તેમ એક જ સુપુત્ર આખા કુળનું નામ રોશન કરી દે છે. તમારા મોઢા પર મીઠી મીઠી વાત કરે એનાથી બચવું જોઇએ, આવા લોકો જ તમારી પીઠ પાછળ બરબાદ કરવાની યોજના બનાવે છે. આવું કરનારા એ ઝેરના ઘડા સમાન છે, જેનું ઉપરનું પડ દૂધથી ઢંકાયેલું હોય છે. જે નિશ્ચિત છે એ છોડી, અનિશ્ચિતની પાછળ દોડે છે, તે નાશ પામે છે.
- ચાણક્યે આવી તો ઘણી વાતો એમણે એના નીતિગ્રંથમાં આપી છે, જે જીવનમાં ઉપયોગી થાય એવી છે. જોકે, ચાણક્યનાં ઘણાં નીતિસૂત્રો સહમત ન થવાય એવાં ય છે. જરૂરી નથી કે ચાણક્ય કહે એને પકડીને આપણે ચાલીએ.
આપણે આપણી નીતિ મુજબ ચાલીએ તો ય સફળ થવાય. કહેવાનું એટલું જ, ચાણક્યનાં સૂત્રોમાંથી જે સારું લાગે અને જીવનમાં ઉપયોગી હોય એને અપનાવવું, બાકીનું છોડી દેવું.
[email protected]

x
રદ કરો

કલમ

TOP