સોશિયલ નેટવર્ક- કિશોર મકવાણા / કાશ્મીરના આતંકવાદને પોષનારી કલમ 35-A

article by kishor makwana

Divyabhaskar.com

Jul 22, 2019, 12:19 PM IST

સોશિયલ નેટવર્ક- કિશોર મકવાણા
આજકાલ કાશ્મીર સંદર્ભની કલમ ‘35-એ’ને લઈને ખૂબ ચર્ચા ચાલી રહી છે, ત્યારે સૌથી પહેલાં જાણીએ કે આ કલમ 35-A છે શું? ડો. આંબેડકરના અધ્યક્ષસ્થાને રચાયેલી બંધારણીય સમિતિએ રચેલા બંધારણમાં કલમ 35-A ન હતી, પણ જમ્મુ-કાશ્મીરને ભારતથી વિખૂટું પાડવા ઇચ્છતા ષડયંત્રકારી શાસકોએ 1954માં આ કલમ જમ્મુ કાશ્મીર વિધાનસભાના માધ્યમથી બંધારણમાં ઉમેરાવી હતી. આતંકવાદને પોષનારી આ કલમ દેશ માટે ઘાતક છે. ષડયંત્રના ભાગરૂપે આ 35-A કલમ બંધારણમાં ઉમેરાવી ત્યારે કોંગ્રેસના પં. નેહરુ પ્રધાનમંત્રી હતા. જોકે, ડો. આંબેડકર તો કલમ 370ના પણ ઘોર વિરોધી હતા. કાશ્મીરને વિશેષ દરજ્જો આપવા માટે શેખ અબ્દુલ્લા પં. નેહરુને મળ્યા. નેહરુએ બંધારણ નિર્માતા ડો. આંબેડકરને મળવાનું કહ્યું. અબ્દુલ્લાએ ડો. આંબેડકરને કાશ્મીરને વિશેષ અધિકારો આપવાની રજૂઆત કરી. શેખની માંગણી સાંભળી ડો. આંબેડકરે રોકડું પરખાવી દીધું, ‘સરકાર તમને બધું ઘણું આપે છે, છતાં ભારતનો કાશ્મીર પર કોઇ અધિકાર નહીં. તમારી આવી વાત હું નહીં સ્વીકારું.’ શેખ અબ્દુલ્લા આંબેડકર પર ગુસ્સે થઇને નેહરુ પાસે ગયા. અંતે નેહરુએ ડો. આંબેડકરના વિરોધ છતાં એમના ખાસ વિશ્વાસુ અને બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય ગોપાલ સ્વામી આયંગરને ધરાર આદેશ આપીને 370 કલમ ઉમેરાવી. ડો. આંબેડકર અને અન્ય સભ્યોના જોરદાર વિરોધ પછી આ કલમને અસ્થાયી તરીકે બંધારણમાં સામેલ કરવામાં આવી. પં. નેહરુ ડો. આંબેડકરનું માન્યા હોત તો આજે 370 કલમના લીધે કાશ્મીરમાં જે અલગતાવાદી પરિબળોને ઉત્તેજન મળી રહ્યું છે એ ન મળ્યું હોત.
1952માં ભારતના વડાપ્રધાન નેહરુ અને કાશ્મીરના વડાપ્રધાન (માર્ચ 1965 સુધી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી વડાપ્રધાન તરીકે ઓળખાતા હતા) શેખ અબ્દુલ્લા વચ્ચે દિલ્હીમાં એક સંધિ થઈ હતી, જે આજે ‘1952 દિલ્હી એગ્રિમેન્ટ’ તરીકે જાણીતી છે. આ સંધિ પછી જ નેહરુએ ચાલાકી કરીને તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા 14 મે, 1954ના રોજ એક આદેશ પસાર કરાવડાવ્યો. રાષ્ટ્રપતિના આ આદેશ અંતર્ગત ભારતના બંધારણમાં કલમ 35-A ઉમેરી દેવામાં આવી અને આ જ કલમ હજારો લોકો માટે શાપરૂપ બની ગઈ.
કલમ 35-A જમ્મુ-કાશ્મીર બહારના ભારતીયોને તે રાજ્યમાં નોકરી કરવાના, સ્થાયી થવાના, સંપત્તિ ખરીદવાના, ઉદ્યોગ-વેપાર શરૂ કરવાની અનુમતિ આપતી નથી. કલમ 35-Aને કારણે ત્યાં ઉદ્યોગો વિકસી શકતા નથી.
આ કલમ અંતર્ગત આ રાજ્યના કાયમી નિવાસીઓને વિશેષાધિકારો પ્રાપ્ત થાય છે અને રાજ્ય બહારના સૌ ભારતીયોને બંધારણે આપેલા ન્યાય તથા સમાનતાના અધિકારોથી વંચિત કરે છે. વળી, આ ‘કાયમી નિવાસીઓ’ કોણ તેની વ્યાખ્યા કરવાનો અધિકાર પણ રાજ્યની વિધાનસભા પાસે રહેલો છે. આમ, આ કલમને કારણે ભારતના બંધારણની ઘોર અવમાનના પણ થઈ રહી છે. કલમ 35-એ હેઠળ કાશ્મીર સિવાયના રાજ્યમાંથી કાશ્મીરી મહિલા સાથે લગ્ન કરનાર વ્યક્તિને મહિલાની મિલકતનો અધિકાર મળતો નથી. વળી, ત્યાંની વિધાનસભામાં તથા સ્થાનિક ચૂંટણીઓમાં માત્ર કાશ્મીરી રહેવાસીને જ ચૂંટણી લડવાનો અધિકાર છે.
આમ, આ કલમ ડો. આંબેડકર દ્વારા ઘડેલા બંધારણને આપેલા મૂળભૂત સ્વાતંત્ર્યના તેમજ ન્યાય-સમાનતાના અધિકારોનું સીધું ઉલ્લંઘન છે.
જમ્મુ કાશ્મીર રાજ્ય ઉપર વંશગત શાસન કરનારા નેતાઓ-પરિવારો અને આતંકવાદને પ્રોત્સાહન આપનારા આજકાલ ચિંતાતુર છે. કારણ અત્યાર સુધી ખીણપ્રદેશમાં આતંકીઓને ઉત્તેજન આપનારી તથા નેતાઓના ધનભંડારોને છલકાવવામાં નિમિત્ત બનનારી બંધારણની કલમ 35-Aના અસ્તિત્વ સામે જ પ્રશ્નાર્થચિહ્્ન લાગ્યું છે. છેલ્લા સાત દાયકાથી ખીણ પ્રદેશમાં ગૃહઉદ્યોગ બનીને ફૂલેલા ફાલેલા આતંકવાદને નાથવા પ્રધાનમંત્રીએ બંધારણીય માર્ગ અપનાવ્યો છે. અને આતંકવાદીઓ સામે મક્કમતાથી કાર્યવાહી શરૂ કરી છે. આતંકવાદીઓને પહેલીવાર લાગી રહ્યું છે કે હવે ટકવું મુશ્કેલ છે. જમ્મુ-કાશ્મીરને ભારતથી અળગું રાખવાના એકમાત્ર હેતુથી
રાજ્ય વિધાનસભાના માધ્યમથી બંધારણમાં ઉમેરાયેલી કલમ 35-એ નો અંત લાવવો દેશના હિતમાં છે.
[email protected]

X
article by kishor makwana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી