સોશિયલ નેટવર્ક- કિશોર મકવાણા / વસ્તી, યુનિફોર્મ સિવિલ કોડ અને ડૉ. આંબેડકર

article by kishor makwana

Divyabhaskar.com

Dec 23, 2019, 06:40 PM IST
સોશિયલ નેટવર્ક- કિશોર મકવાણા
મોદી સરકાર આવ્યા પછી પહેલીવાર રાષ્ટ્રહિતમાં પગલાં લેવાઇ રહ્યાં હોય એવું લાગી રહ્યું છે. અત્યાર સુધી માત્ર કોણ નારાજ થશે અથવા કયાં પગલાં લેવાથી કોના મત મળશે એની ચિંતા વધુ હતી. પરિણામે ભાગ્યે જ રાષ્ટ્રહિતમાં નિર્ણયો લેવાયા. ટ્રિપલ તલાક, કલમ 370 અને CAB જેવા મુદ્દા રાષ્ટ્રહિતમાં તો છે જ, રાષ્ટ્ર માટે મહત્ત્વના અને બંધારણનું સન્માન કરનારા પણ છે. દેશ હવે સમાન સિવિલ કોડ અને વસ્તી પર નિયંત્રણ મૂકતો કાયદો જલદી આવે તેની રાહ જોઇ રહ્યો છે.
બંધારણ સભામાં ડો. બાબાસાહેબ આંબેડકરે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થાય તે માટે ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને મુસ્લિમ પ્રતિનિધિઓનો સૌથી વધારે વિરોધ સહન કરવો પડ્યો. ધર્મના આધારે વહેંચાયેલા દેશમાં મુસ્લિમ પ્રધિનિધિઓની જીદ હતી કે, તેઓ શરિયત અનુસાર પોતાના મામલાનું નિરાકરણ લાવશે. આંબેડકરે કહ્યું કે, ‘મને અંગત રીતે આ વાત સમજાતી નથી કે, ધર્મને આટલો વ્યાપક અને મોંઘો ક્ષેત્રાધિકાર કેવી રીતે આપી શકાય કે, કોઈનું આખું જીવન માત્ર તેનાથી સંચાલિત હોય અને વિધાનસભાને તેમાં કંઈ કહેવાનો અધિકાર જ ન હોય! તો પછી સ્વતંત્રતાથી આપણે શું મેળવ્યું? સ્વતંત્રતાનો ઉપયોગ આપણે સામાજિક માળખું સુધારવામાં કરવો જોઈએ. જે બધા પ્રકારની અસમાનતા, ભેદભાવથી જ ભરેલો છે. આ બધું આપણા મૂળભૂત અધિકારોનું હનન છે.’ પરંતુ તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ સમાન નાગરિક કાનૂન લાગુ કરવાની તરફેણમાં નહોતા. તેમણે બીજા મુદ્દાની જેમ આ મુદ્દે પણ ડો. આંબેડકરનો સાથ ન આપ્યો.
પહેલાં આપણે ડો. આંબેડકરના વસ્તી નિયંત્રણ અંગેની તેમની ઇચ્છા અને વિચાર જોઇએ. ડો. આંબેડકર વસ્તી નિયંત્રણના જોરદાર સમર્થક હતા. એમણે એક જાહેર ભાષણમાં વધુ બાળકોને જન્મ આપવા માટે પોતાના પિતાની પણ ટીકા કરી હતી. એમનો તર્ક હતો કે વધુ બાળકોથી એમનું સારું લાલનપાલન થતું નથી. ઉપરાંત દેશને પણ નુકસાનકારક છે. ડો. આંબેડકરે એક ભાષણ મુંબઈ વિધાન પરિષદમાં આપેલું એ તો આજે પણ કોઇપણ સરકાર, સમાજ અને પરિવાર માટે માર્ગદર્શનરૂપ છે. ડો. આંબેડકર નવેમ્બર 1938ના દિવસે મુંબઈ પ્રાંત વિધાન પરિષદમાં વસ્તી નિયંત્રણ પર પ્રવચન આપવાના હતા, પરંતુ કોઇ કારણ પહોંચી ન શકતા ડો. આંબેડકરનું લેખિત ભાષણ (મુંબઇ લેજિસ્લેટિવ અેસેમ્બલી, ડિબેટ્સ ભાગ-2) પી. જે. રોહમે વાંચ્યું હતું. ડો. આંબેડકરનું પ્રવચન તો ઘણું લાંબું છે, પણ એનાં થોડાંક બિંદુ જોઇએ:
‘શિક્ષિત વર્ગ વસ્તી નિયંત્રણની જરૂરિયાત સમજવા લાગ્યો છે. સૌભાગ્યે આપણા દેશના નેતાઓ પણ આ બાબતે એકમત છે. પં. નેહરુ, વિજયાલક્ષ્મી પંડિત, રવીન્દ્રનાથ ટાગોર વસ્તી નિયંત્રણની જરૂરિયાત સમજે છે અને ગર્ભનિરોધક સાધનોની તરફેણ કરે છે. કોંગ્રેસ પ્રમુખ સુભાષચંદ્ર બોઝે પણ એમના અધ્યક્ષીય પ્રવચનમાં કહ્યું કે, ‘વસ્તી જે ઝડપથી વધી રહી છે એને જોતાં આપણી બધી યોજનાઓ નિષ્ફળ જશે.’
ડો. આંબેડકર આગળ કહે છે: ‘વસ્તી નિયંત્રણ કર્યા વગર ગરીબી દૂર કરવી અસંભવ છે.’ ડો. આંબેડકર કહે છે: ‘જ્યાં સુધી સમજી વિચારીને વસ્તી વધારા પર નિયંત્રણ મૂકવામાં નહીં આવે ત્યાં સુધી આપણા દેશવાસીઓની આર્થિક સ્થિતિમાં શ્રેષ્ઠ સુધારો નહીં આવે.’
એ જ રીતે ડો. આંબેડકરે સમાન સિવિલ કોડની તરફેણમાં જબ્બર દલીલો કરી છે. બંધારણ ઘડતી વખતે એમને પૂરો છૂટો દોર આપ્યો હોત તો સમાન સિવિલ કોડ એ સમયે જ દેશમાં આવી ગયો હોત.
બંધારણ સભામાં ચર્ચા વખતે સમાન સિવિલ કોડનો સૌથી વધારે વિરોધ મુસ્લિમ સભ્યોએ કર્યો હતો. હુસૈન ઈમામ, બી. પોકર, મહેબૂબ અલી બેગ, મહોમ્મદ ઈસ્માઈલ, નઝીરુદ્દીન અહમદે વિરોધ કર્યો. તેમણે કહ્યું કે વિવાહ અને ઉત્તરાધિકારના મામલે કુરાન અને શરિયત અનુસાર જ નિર્ણય લેવાય. હવે અહીં પ્રશ્ન છે કે, બધા મુસ્લિમ આગેવાનો વિવાહ અને ઉત્તરાધિકાર જેવા મામલે પોતાના માટે અલગ નિયમો કેમ ઈચ્છે છે? આ બંને મુદ્દાઓમાં, પર્સનલ લોના નામે મહિલાઓ સાથે ભારે ભેદભાવ અને અત્યાચાર થાય છે. આ અત્યાચાર મુદ્દે કોઈ અવાજ ઉઠાવે તો મુસ્લિમ પક્ષ તરફથી, વારંવાર ધાર્મિક મુદ્દાઓમાં દખલ થતી હોવાનું કહેવામાં આવે છે. પર્સનલ લો અંગે પણ તેમની આ જ દલીલ છે. આવી જ દલીલ બંધારણ સભામાં થઇ ત્યારે ડો. આંબેડકરે જડબાતોડ જવાબ આપેલો. ડો. આંબેડકરે બંધારણ સભામાં 23 નવેમ્બર, 1948ના દિવસે સમાન સિવિલ કોડની તરફેણમાં બહુ લાંબું ભાષણ આપેલું. એ આજે પણ રેકર્ડ પર મોજૂદ છે. ભાષણ વાંચવા જેવું છે. જોકે, વસ્તી નિયંત્રણની જેમ જ ડો. આંબેડકરની સમાન નાગરિક કાનૂનની ઇચ્છા પણ અધૂરી જ રહી ગઇ.
ડો. આંબેડકરના શબ્દોમાં કહીએ તો વધારે વસ્તી દેશની બધી જ યોજનાઓને નિષ્ફળ
બનાવે છે અને સમાન નાગરિક કાયદો સૌને સમાન ન્યાય આપે છે. આથી વસ્તી નિયંત્રણ કાયદો અને સમાન નાગરિક કાયદો - બંને રાષ્ટ્રના હિતમાં છે. [email protected]
X
article by kishor makwana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી