સોશિયલ નેટવર્ક- કિશોર મકવાણા / સફળતા માટે પરફેક્શન અને ક્વૉલિટી જરૂરી

article by kisho makwana

Divyabhaskar.com

Dec 02, 2019, 12:08 PM IST

સોશિયલ નેટવર્ક- કિશોર મકવાણા
મૃત્યુ પહેલાં સ્ટીવ જોબ્સે ઈનોવેશન, પરફેક્શન અને ક્વોલિટીમાં શ્રેષ્ઠતાના આગ્રહથી એક એકથી ચઢિયાતી પ્રોડક્ટ આપી. આઇપોડ, પીસી, એનિમેટેડ મૂવીઝ, ફોન્સ, ટેબ્લેટ કમ્પ્યૂટિંગ અને ડિજિટલ પબ્લિશિંગ ક્ષેત્રમાં નવી જ કેડી કંડારી. જીવનમાં પારાવાર મુશ્કેલીઓ હતી, છતાં એપલ કંપનીની સ્થાપના કરી. એણે જીદ અને શ્રેષ્ઠતાના આગ્રહથી વિશ્વની નંબર વન શ્રેષ્ઠ કંપની બનાવી. સ્ટીવે કોલેજનો અભ્યાસ પૂરો કર્યો નહોતો. પિતા માલદાર નહોતા. એક નાનકડા ગેરેજમાં એપલ કંપની શરૂ કરી. ‘કશુંક પ્રદાન કરવાની પ્રેરણા’ તથા આર્ટ અને ટેક્નોલોજીનો અદ્્ભુત સમન્વય કરી સ્ટીવે શ્રેષ્ઠ પ્રોડક્ટ આપી. સ્ટીવની કલ્પનાશક્તિ અદ્્ભુત હતી. તે બહુ દૂરની જોઈ શકતો. તે જિનિયસ હતો. તેણે પોતાના સમયકાળમાં બીજા કરતાં પણ વધુ કલ્પનાશીલ પ્રોડક્ટસ તૈયાર કરી. સ્ટીવ કહેતો: ‘શ્રીમંત બનીને કબ્રસ્તાનમાં પોઢી જવું એ મારી નિયતિ નથી. આજે આપણે કશુંક અદ્્ભુત કર્યું છે, એવું કહીને પથારીમાં સૂવું, મારા માટે મહત્ત્વનું છે.’
સ્ટીવ જોબ્સ દ્વારા દર છ મહિને બે મહિના માટે નજીકના કોઈ રિસોર્ટમાં આખી ટીમને ઉજાણી માટે લઈ જવામાં આવતી. સપ્ટેમ્બર 1982માં આવી જ એક ઉજાણી દરમિયાન સ્ટીવે સંબોધન કરવાની સાથે પાટિયા પર સૂત્રો લખવાનું શરૂ કર્યું. પહેલું સૂત્ર હતું, ‘કોઈ સમાધાન કરો નહીં.’ સ્ટીવ કહેતો ‘ડેડલાઈન જતી રહે તે ચાલે, પણ ઉત્પાદનની ક્વોલિટીમાં કશું ચલાવી લેવાનું નહીં.’ પાટિયા પર બીજું સૂત્ર લખ્યું હતું, ‘સાચી મજા પ્રગતિની અવિરત ગતિમાં છે.’
સ્ટીવ જ્યારે વક્તવ્ય આપી રહ્યો હતો ત્યારે કોઈએ પૂછ્યું કે, ‘માર્કેટ રિસર્ચ કરવું જોઈએ કે કેમ?’ સ્ટીવનો જવાબ હતો, ‘બિલકુલ નહીં, કારણ કે આપણે વસ્તુ ગ્રાહકના હાથમાં મૂકીએ નહીં, ત્યાં સુધી ગ્રાહકોને ખબર નથી હોતી કે તેઓ શું ઈચ્છે છે.’
બે દિવસ એપલની આખી ટીમે આનંદ કર્યો. જુદાં-જુદાં પ્રેઝન્ટેશન પણ થયાં તે પછી છેલ્લા દિવસે જોબ્સે સમાપન પ્રવચનમાં કહેલું, ‘આપણી 50 લોકોની ટીમ જે કામ કરી રહી છે તે બ્રહ્માંડમાં એક જબરદસ્ત મોજું ફેલાવી દેવાની છે.’
Macintoshના ઉત્પાદન માટે ફેક્ટરી તૈયાર થઈ રહી હતી. મશીનરીનો રંગ એપલના રંગ જેવો જ બ્રાઈટ હોવો જોઈએ, એવો આગ્રહ રાખેલો. હવે થયું એવું કે મેન્યુફેક્ચરિંગના ડિરેક્ટર મેટ કાર્ટરે પોતાની રીતે ગ્રે કલર કરાવી નાખ્યો. સ્ટીવ ફેક્ટરીની મુલાકાતે ગયો. ગ્રે કલર જોઈને ભડક્યો. આદેશ આપ્યો કે ફરીથી કલર કરો. કાર્ટરે સમજાવવાની ઘણી કોશિશ કરી કે આ પ્રિસિશન મશીનો છે, તેને ફરીથી રંગ કરવાથી તે બગડી જશે, છતાં સ્ટીવે જીદ છોડી નહીં. ફેક્ટરી કેવી હોવી જોઈએ અને આવો આગ્રહ શા માટે ત્યારે સ્ટીવે કહ્યું કે પરફેક્શનના પેશન માટે. સંપૂર્ણતાના પોતાના આગ્રહ માટે તે કહેતો : ‘હું ફેક્ટરીએ જાઉં ત્યારે સફેદ મોજાં પહેરું અને પછી મશીન પર હાથ ફેરવું એટલે તેના પર ધૂળ જામેલી દેખાય. ફેક્ટરી એકદમ ચોખ્ખી હોવી જોઈએ. નીચે બેસીને જમી શકીએ એટલી સ્વચ્છતા જોઈએ.’
સ્ટીવને જે બાબત ન ગમતી એ ક્યારેય ચલાવી ન લેતો. સ્ટીવ કાયમ કહેતો : ‘અમુક વસ્તુ બરાબર ન લાગતી હોય તો તેને ચલાવી નહીં લેવાની. પછી સુધારી લઈશું એમ કહીને જતું કરવાનું નહીં.’
કલા અને ટેક્નોલોજીનું મિશ્રણ કરવામાં સ્ટીવ માહેર હતો. એનું સૂત્ર હતું : સાદગીમાં જ ભવ્યતા ઝલકતી જોવા મળે છે. એટલે ડિઝાઈન પણ સાદી છતાં ભવ્ય હોય. ઘરમાં ફર્નિચરને સ્ટીવ અડચણરૂપ માનતો.
એપલ ખરીદનારા થિન્ક ડિફરન્ટમાં માનનારા છે એ વાત પુરવાર કરી. એપલ માટે એડ તૈયાર કરી રહ્યા હતા ત્યારે પણ સ્ટીવ અને એના ડિઝાઈનર એક વાતે સહમત હતા કે આ એડમાં એક 60 સેકન્ડનું ગીત મૂકવું, જેના શબ્દો હતા – વાત છે પાગલપણાની. એવા લોકોની વાત છે જે નોખી રીતે ચાલે છે. લાગે સારા કે ખરાબ, પણ અવગણી ન શકો એમને, કેમ કે તેઓ છે દુનિયા બદલનારા. માનવજાતને આગળ ધપાવનારા, તમને લાગશે એ પાગલ, પણ અમને લાગે છે જિનિયસ. દુનિયા બદલવાની ઈચ્છાનું ગાંડપણ હોય જેને, એ જ તો અંતે બદલી શકે છે દુનિયા.’
2003માં કેન્સર હોવાનું ધ્યાનમાં આવ્યું. છતાં એણે સર્જરી કરવાની ના પાડી દીધી. સ્ટીવ નહોતો ઈચ્છતો કે એની બોડીને ડોક્ટરો ઓપન કરે. કેન્સરનું નિદાન થયા પછી સ્ટીવ કહે છે, ‘મોતની વાત આવે એટલે બધું જ દૂર થઈ જાય – બાહ્ય અપેક્ષાઓ, અભિમાન, નિષ્ફળતાનો ડર, સંકોચ બધું જ આપણે કશુંક ગુમાવી બેસીશું તે ભાવનામાં આપણે અટવાઈ જઈએ છીએ. તેમાંથી બહાર આવી જવાનો શ્રેષ્ઠ માર્ગ એ યાદ રાખવાનો છે કે આપણે એક દિવસ અહીંથી જતા રહેવાનું છે.’ [email protected]

X
article by kisho makwana

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી