માય સ્પેસ- કાજલ ઓઝા વૈદ્ય / હાશ! કોઈકે તો નિર્ણય લીધો!

article by kajalozavidya

Divyabhaskar.com

Aug 12, 2019, 07:02 PM IST

માય સ્પેસ- કાજલ ઓઝા વૈદ્ય
‘વડાપ્રધાન અભિનંદન! હું મારા જીવનમાં આ દિવસની રાહ જોઈ રહી હતી.’ ભૂતપૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજે પોતાના મૃત્યુના ચાર કલાક પહેલાં આ છેલ્લી ટ્વીટ કરી હતી. સુષમા સ્વરાજ શું કામ? આપણે બધા જ આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. પૃથ્વી પરના સ્વર્ગને નર્ક બનાવતી જે સ્થિતિ હતી, એ સ્થિતિમાંથી એને ફરી સ્વર્ગ બનાવવાનો નિર્ણય માત્ર સુષમા સ્વરાજ જ નહીં, લગભગ દરેક અખબાર, દરેક ચેનલ અને ભારતના દરેક નાગરિકે પૂરા દિલથી આવકાર્યો છે. સત્ય તો એ છે કે આ નિર્ણય ક્યારનો લેવાઈ જવો જોઈતો હતો. આર્ટિકલ 370ની કલમમાં પરિવર્તન કરવાનું બિલ મંગળવારે તારીખ 6 ઓગસ્ટે લોકસભામાં પસાર થઈ ગયું. બિલની તરફેણમાં 370 અને વિરોધમાં 70 મત મળ્યા. અર્થ એ થયો કે ખૂબ મોટી બહુમતીથી આ વાત સ્વીકારવામાં આવી. રાષ્ટ્રપતિની સહી થતાં જ જમ્મુ-કાશ્મીર બે કેન્દ્રશાસિત પ્રદેશમાં બદલાઈ જશે. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અને સરદાર પટેલને અંજલિ આપતાં વડાપ્રધાને કહ્યું, ‘આ સંસદીય લોકશાહીની સૌથી મહત્ત્વપૂર્ણ પળ છે.’ પ્રથમ વાર મોદી સરકારને 20 પક્ષોનું સમર્થન મળ્યું. નવાઈની વાત એ છે કે 370 હટાવવાના મુદ્દા ઉપર પણ કોંગ્રેસ એકજૂથ ન થઈ શકી!
1995માં દિગંત ઓઝાએ એક પુસ્તક લખેલું, ‘કાશ્મીર 95.’ (એ વખતના રાજ્યપાલ જગમોહનના બહુચર્ચિત પુસ્તક ‘કાશ્મીરઃ થીજેલા વમણ’નો અનુવાદ પણ એમણે કરેલો.) ત્યારે એમણે લખેલું, ‘એક ઉપરછલા અડસટ્ટા અનુસાર આજની તારીખે દેશ-વિદેશમાં સાત લાખ કાશ્મીરી પંડિતો વસે છે. તેમાંના કેટલાક ગુજરાતમાં પણ છે, આમાંથી માત્ર પાંચેક હજાર જ હજુ કાશ્મીરના ખીણપ્રદેશમાં વસે છે જ્યારે ત્રણેક લાખ જમ્મુ અને એની આસપાસના વિસ્તારોમાંની રાવટીઓ કે છાવણીઓમાં વસે છે. આ પંડિતોના પુનર્વસન સાથે કાશ્મીરની સમસ્યા જોડાયેલી છે.
આવા કાશ્મીરી પંડિતોમાં જવાહરલાલ નેહરુ પણ હતા. શ્રીમતી ઈન્દિરા પ્રિયદર્શિની તો શ્રીનગરના ઈકબાલ પાર્કમાં, સોપોર કે પાટનની આસપાસના ગામડામાં ગુલાબી પહેરન (કાશ્મીરી પહેરવેશ) પહેરીને ચૂંટણી સભાના ભાષણની શરૂઆત જ એમ કહીને કરતાં કે, ‘મૈં કશ્મીર કી બેટી હૂં.’ તેમ છતાં એમણે કોઈ દિવસ કાશ્મીરનો મુદ્દો સુલઝાવવાનો પ્રયાસ કર્યો નહીં. કદાચ એટલા માટે કે આ મુદ્દો એમને દરેક વખતે ચૂંટણીમાં માઈલેજ અપાવે એવો યુએસપી હતો!
નરેન્દ્ર મોદીની સરકાર પોતાના શાસનને ‘નિર્ણાયક સરકાર’ કહે છે, તો આ એક એવો નિર્ણય છે જે એમના શબ્દોને સાચા સાબિત કરે છે. વિપક્ષનો પ્રશ્ન હતો, અમિત શાહ આટલા આક્રમક કેમ થઈ રહ્યા છે? જેના જવાબમાં અમિતભાઈએ કહ્યું, ‘હું આક્રમક એટલા માટે છું, કારણ કે તમે વિચારો છો કે પીઓકે ભારતનો હિસ્સો નથી, આ અંગે કોઈ શંકા જ હોવી જોઈએ નહીં. જે આપણું છે તે લેવાનું જ...’ આપણે અત્યારે જ્યાં ઊભા છીએ ત્યાંથી જો આપણી સરકાર અને છેલ્લાં પાંચ વર્ષમાં આપણને શું મળ્યું એનો હિસાબ કરીએ તો સમજાય કે બીજું કંઈ મળ્યું કે ન મળ્યું પણ આપણને નિર્ણયો મળ્યા છે. વિશ્વના કોઈ નિર્ણય સાચા છે કે ખોટા એ વિશે તરત ને તરત કોઈ પ્રતિભાવ આપી શકાતા નથી, અપાવા પણ ન જોઈએ! મહત્ત્વના નિર્ણયો એક સમયગાળા પછી પોતાની સફળતા કે નિષ્ફળતા પુરવાર કરતા હોય છે.
જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલા આ વિશેષ અધિકાર (આર્ટિકલ 370) મુજબ એને સ્વાયત્ત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જે મુદ્દાને 71 વર્ષમાં યુનાઈટેડ નેશન્સ પણ કોઈ નિર્ણય નથી આપી શકી એ મુદ્દાનો નિર્ણય આપણા ગૃહપ્રધાન અમિત શાહે પૂરી હિંમત અને દૃઢતાથી લઈ લીધો! આખો દેશ અત્યારે 370ના હટાવવા અને પરિવર્તન કરવા વિશે વાત કરે છે, પરંતુ આ 370 શું છે? એને હટાવવા અથવા પરિવર્તનથી શું મળશે એની સમજ કદાચ જનસામાન્ય સુધી પહોંચી નથી. ‘કાશ્મીર આઝાદ થયું’ આપણે કહીએ તો છીએ, પણ કોનાથી આઝાદ થયું? ખબર છે કોઈને?
આર્ટિકલ 370 મુજબ જમ્મુ અને કાશ્મીરને વિશેષ અધિકારો અપાય છે, પરંતુ આ વિશેષ અધિકાર મુજબ જમ્મુ-કાશ્મીરમાં બે ધ્વજ છે, ભારતના રાષ્ટ્રીય ચિહ્્નોનું અપમાન કરવું એ કાશ્મીરમાં ગુનો બનતો નથી, જમ્મુ અને કાશ્મીરમાં ભારતની સુપ્રીમ કોર્ટનું કાર્યક્ષેત્ર લાગુ પડતું નથી. આવું કેવી રીતે થઈ શકે? કાશ્મીર ભારતનો ભાગ હોય તો ભારતીય નાગરિકોને મળતા કાયદાકીય અધિકારો અને કાયદાના રક્ષણ કરતા તમામ નિયમો જમ્મુ અને કાશ્મીરને લાગુ પડવા જ જોઈએ. જો ગૃહપ્રધાન અમિત શાહે આ નિર્ણય કર્યો છે તો એ નિર્ણય આપણા સંવિધાનના સન્માનને એક વધુ સલામી છે એવું સ્વીકારવું જોઈએ!
જમ્મુ-કાશ્મીરના બંધારણના આર્ટિકલ-35(A)ની જોગવાઈ મુજબ જમ્મુ અને કાશ્મીરના કાયમી રહેવાસીઓને કેટલાક વિશેષ અધિકારો આપવાની જોગવાઈ છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાના નાગરિકત્વ અંગેના કાયદા મુજબ જો કોઈ જમ્મુ/કાશ્મીરની મહિલા ભારતના પુરુષ સાથે લગ્ન કરે તો તેનું કાશ્મીરી નાગરિકત્વ સમાપ્ત થઈ જાય છે, પરંતુ જો કોઈ કાશ્મીરી મહિલા પાકિસ્તાની પુરુષ સાથે લગ્ન કરે તો તેનું નાગરિકત્વ ચાલુ રહે છે. આ આર્ટિકલની સત્તાથી જમ્મુ કાશ્મીર વિધાનસભાએ નાગરિકત્વ અંગે કરેલ કાયદા મુજબ જો કોઈ પાકિસ્તાની પુરુષ કાશ્મીરી મહિલા સાથે લગ્ન કરે તો તેને કાશ્મીરનું નાગરિકત્વ પ્રાપ્ત થાય છે. આ આર્ટિકલની સત્તાથી જમ્મુ કાશ્મીર વિધાનસભાએ કરેલ કાયદા કાશ્મીરનું નાગરિકત્વ ધરાવતી વ્યક્તિ સિવાય ભારતનો કોઈ નાગરિક કાશ્મીરમાં મિલકત ખરીદી કે વસાવી શકે નહીં. જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ન ઈચ્છે ત્યાં સુધી રાજ્યમાં ભારતની સંસદે ઘડેલ કોઈ કાયદો લાગુ કરી શકાતો નથી. આપણા દેશના સંવિધાનને સન્માન નહીં આપનારા દરેક માણસને પાઠ ભણાવવો એ આપણી સરકારની જવાબદારી છે. જે સરકાર આ જવાબદારી નિભાવી રહી છે એ સરકારના પ્રચાર અને પબ્લિસિટી વિશે આંગળી ચીંધવાને બદલે જે થઈ રહ્યું છે એની નોંધ દરેક ભારતીય નાગરિકે લેવી જોઈએ.
1947માં પાકિસ્તાને ભારતના એક મોટા હિસ્સા પર કબજો કર્યો. તેને બે ભાગ આઝાદ કાશ્મીર-ગિલગિટ બાલ્ટિસ્તાનમાં વેચ્યું. એક હિસ્સો 13,300 ચોરસ કિલોમીટરનો છે. એની વસ્તી 45 લાખ છે. આ પીઓકે (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર) આપણું છે. એ પાછું લેવાની જાહેરાત જો અમિત શાહ સંસદમાં કરતા હોય તો એમને વધાવી લેવાનું કામ ભારતીય નાગરિક તરીકે આપણે સૌએ કરવું જોઈએ.
ભાજપ ઘણા લાંબા સમયથી જમ્મુ અને કાશ્મીરના ખાસ દરજ્જાનો વિરોધ દર્શાવતી આવતી પાર્ટી છે. વાજપેયી સરકારમાં પણ પૂરતી બહુમતી ન મળવાના કારણે આર્ટિકલ 370ને રદ કરી શક્યા નહોતા, પરંતુ હવે આ મુદ્દો ભાજપ માટે મહત્ત્વનો થઈ ગયો છે. કાશ્મીરી પંડિતોને તેમના પૂર્વજોની જમીન પર ફરીથી સન્માનપૂર્વક, સુરક્ષા સાથે અને સારા જીવન ધોરણની ખાતરી બીજેપીએ તેમના ચૂંટણી ઢંઢેરામાં દર્શાવી હતી.
આજે જો સરદાર પટેલ હોત તો કદાચ એમણે આ નિર્ણયને પૂરા જોશથી સંમતિ આપી હોત. કાચાપોચા હાથે, પંપાળી પંપાળીને સરકાર ચલાવી શકાય જ નહીં. મતનું રાજકારણ પૂરું થયું, હવે દેશમાં એવો વિરોધ પક્ષ જ નથી જે સરકારને સાચો નિર્ણય કરતા રોકી શકે! આતંકવાદીઓ કાશ્મીરના રસ્તે પ્રવેશે છે, એમણે કાશ્મીરને પોતાનો અડ્ડો બનાવ્યો છે. કાશ્મીરથી કૂણી, કાચી સમજણવાળા છોકરાઓને ભરમાવીને કે જબરજસ્તી ઉઠાવી જવાય છે. એમને આતંકવાદી બનાવવાની ટ્રેનિંગ અપાય છે એ વાત આપણી ફિલ્મોમાં અનેક વાર જોવા છતાં આપણે ચૂપચાપ બેઠા રહ્યા.
ક્ષમમાણં નૃપં નિત્યં નીચઃ પરિભવેજ્જનઃ|
હસ્તિયંતા ગજસ્યેવ શિર એવારુરુક્ષતિ ||
જે રાજા નિત્ય ક્ષમાશીલ હોય છે, તેનું નીચ માણસ પણ અપમાન કરી જાય છે. દૃષ્ટાંત તરીકે હાથી જો ક્ષમાશીલ છે તો તેનો મહાવત સામાન્ય બળવાળો હોવા છતાં મસ્તક પર ચડી બેસે છે.
કૃષ્ણથી શરૂ કરીને નરેન્દ્ર મોદી સુધીના સૌએ જો શાંતિ સ્થાપવી હોય, ધર્મના માર્ગ પર ચાલવું હોય તો એ માર્ગ કડવા નિર્ણયોમાંથી અને પ્રખર વિરોધમાંથી પસાર થાય છે એટલું નક્કી છે. [email protected]

X
article by kajalozavidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી