એકબીજાને ગમતાં રહીએ- કાજલ ઓઝા વૈદ્ય / બધીએ મજાઓ હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે

article by kajalozavaidya

Divyabhaskar.com

Aug 07, 2019, 04:02 PM IST

એકબીજાને ગમતાં રહીએ- કાજલ ઓઝા વૈદ્ય
‘મારે છોડી દેવું છે.’ હાથમાં શરાબનો ગ્લાસ પકડીને જ્યારે કોઈ આવું કહે છે ત્યારે એ સામેની વ્યક્તિને નહીં, પોતાની જાતને જ છેતરે છે. આપણા કેટલાય મિત્રો છે, જે સિગારેટનું પેકેટ મંગાવતી વખતે આપણી સામે જોઈને કહે છે, ‘છોડી દેવી છે યાર, પણ...’ આપણે જાણતાં નથી, પરંતુ આપણા સમાજને ધીમે ધીમે વ્યસનનો આ અજગર ભયાનક રીતે ભરડો લઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર તરફ જો નજર નાખીએ તો, ‘માવો’ એવી ગંદી અને ખતરનાક આદત છે જેમાં માણસની અંદર શરીર બગડે છે અને બહાર શહેરના રસ્તા, મકાનની સીડી, બીલ્ડિંગના ખૂણા, લિફ્ટ. નવાઈની વાત એ છે કે સિગારેટના પેકેટ ઉપર લખ્યું હોય, ‘સિગરેટ પીવાથી કેન્સર થાય છે.’ તેમ છતાં એ ભયાનક ચિત્ર અને એની સાથેની કાનૂની ચેતવણીને તદ્દન નજરઅંદાજ કરીને સિગારેટ પેટાવનારા માણસને પોતાની જિંદગી એટલી નકામી કેમ લાગતી હશે કે આવા વ્યસનને સાટે બરબાદ કરી શકાય? કાચી તમાકુ ખાનારા માણસોને જોઈએ તો સમજાય કે લારી ખેંચનારો અભણ મજૂર, બીલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરતો માણસ કે ડ્રાઇવર અથવા મોટા કલાકારો, ડોક્ટર્સ, ફિલ્મ દિગ્દર્શકો અને અભિનેતા વચ્ચે આ બાબતમાં કોઈ તફાવત નથી રહેતો. ઘણા લોકો પોતાના જ વ્યસનથી કંટાળેલા હોય છે. એ ઇચ્છે છે કે વ્યસન એમને તોડી નાખે એ પહેલાં એ વ્યસન છોડી દે, પરંતુ એવું થઈ શકતું નથી. વ્યસન એવું તો વીંટળાય છે, કે જિંદગી લઈને છોડે છે. ખાસ કરીને શરાબ, સિગારેટ, ગુટકા, તમાકુ અને હવે વિડ કે ગાંજો.
વ્યસનનું વિજ્ઞાન બહુ રસપ્રદ છે. આની શરૂઆત બહાદુરીના નામે થાય છે. શાળામાં સિગરેટ પીતા 14-15 વર્ષના છોકરાઓ સીધા, સિગારેટ નહીં પીતા કે માતા-પિતાથી ડરતા છોકરાઓને ઉશ્કેરે, ‘જા, જા મમ્મીને પૂછી આવ...’ અથવા શરાબ પીવા માટે ઉશ્કેરે ત્યારે કહે, ‘એ તો ગુડ બોય છે! એને બાટલીમાં દૂધ આપો, એ દારૂ નહીં પીએ.’ શરાબ પીએ, સિગારેટ પીએ એ જ ‘માચો’ કે મર્દ કહેવાય, આવી બેવકૂફી 14-15 વર્ષના અધકચરા યુવાનની બુદ્ધિમાં ઘુસાડી દેવામાં આવે છે. માત્ર સાબિત કરવા માટે શરૂ કરવામાં આવેલું આવું નાનકડું છમકલું ક્યારે વ્યસન બની જાય છે એની એને પોતાનેય ખબર પડતી નથી. આપણે બધાં એવું માનીને ચાલીએ છીએ કે માતા-પિતા શરાબ પીતાં હોય, ઘરમાં શરાબ આવતી હોય, પિતા સિગારેટ પીતા હોય કે ઘરમાં કોઈ સિગારેટ પીતું હોય તો બાળકને ટેવ પડે, પણ હવે આ વાત સત્ય નથી. હવે તો એના પીઅર પ્રેશરનું મહત્ત્વ એટલું વધારે છે કે પરિવારના સંસ્કાર પણ એને બચાવી શકતા નથી. એક વાર આ વ્યસન માનસિકતામાં દાખલ થઈ જાય પછી એવું લાગવા માંડે છે કે એના વગર સારું કામ થઈ શકતું નથી! કેટલી નવાઈની વાત છે, ડ્રાઇવર તમાકુ ખાધા વગર ગાડી ચલાવી ન શકે, ડોક્ટર તમાકુ વગર ઓપરેશન ન કરી શકે, કલાકાર તમાકુ કે શરાબ વગર સર્જન ન કરી શકે. જે વસ્તુ આપણને બેસુધ કરવાનું કામ કરે છે એ આપણી બુદ્ધિ સતેજ કેવી રીતે કરી શકે? જે ચીજ આપણને વિચારતાં અટકાવે, આપણા પોતાના વર્તન પરથી આપણે જ કાબૂ ગુમાવી બેસીએ એવી કોઈ પણ ચીજ આપણને વધુ શાર્પ, વધુ સર્જનશીલ કે વધુ સંવેદનશીલ કેવી રીતે બનાવે? છતાં વ્યસનનું વિજ્ઞાન કહે છે કે એક વાર વ્યસનના ગુલામ બન્યા પછી વ્યક્તિ પોતે જ એવું માનવા માંડે છે કે જે સર્જન અથવા ઉત્તમ કામ થાય છે, એ એની બુદ્ધિ, શક્તિ કે આવડતને લીધે નહીં, પરંતુ આ વ્યસનને લીધે થાય છે!
બીજી દલીલ એવી છે કે, ‘માણસ પીડાને લીધે પીએ છે.’ જ્યારે તકલીફ પડવા માંડે ત્યારે સિગારેટ, શરાબ, તમાકુનો આશરો લે છે. દેવદાસની જેમ પીને પોતાના દુ:ખને ભૂલી જવાની કોઈ એક મૂર્ખ જેવી ફેશન ક્યાંકથી ઘુસી આવી છે. જો નોંધ્યું હોય તો સમજાશે કે પશ્ચિમમાં હાર્ટ બ્રોકન લોકો શરાબ અને સિગારેટનો આશરો નથી લેતા. આ ભાગેડુ મનોવૃત્તિ કદાચ આપણે ત્યાં જ છે! રાધાને છોડીને ગયેલા કૃષ્ણ શરાબમાં ડૂબી જઈ શક્યા હોત, સીતાને રાવણ ઉપાડી ગયો એ પછી વિરહમાં પડી ગયેલા રામ શરાબને આશરે જઈ શક્યા હોત, દ્યુતમાં હારી ગયેલા યુધિષ્ઠિર અને અર્જુન વનવાસના દિવસો દરમિયાન પીને ચકચૂર થઈને પડી રહી શક્યા હોત, દ્રુપદથી તરછોડાયેલા દ્રોણ, પિતાને ખાતર બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધેલા ભીષ્મ જેવા કેટલાય લોકો પોતાના નસીબની, નિયતિની કે પોતાની સાથે થયેલા અન્યાયની ફરિયાદ શરાબ કે વ્યસનમાં ડૂબીને કરી શક્યા હોત. એમણે એવું કર્યું નથી માટે એ અમર બન્યા છે. લોકહૃદયમાં રાજ કરે છે. શરાબ કે કોઈ પણ વ્યસન આપણી માનસિકતાને નમ્બ અથવા નબળી બનાવવાનું કામ કરે છે. શરાબના નશામાં, તમાકુની બેખયાલીમાં, વિડના કશમાં થોડી વાર માટે આપણે હકીકતથી દૂર જઈ શકીએ, પરંતુ હકીકત આપણાથી દૂર જતી નથી. નશો ઊતરે ત્યારે હકીકત તો ત્યાં જ હોય છે. સ્વજનનો વિયોગ હોય કે સંજોગોનું પ્રેશર, એમાંથી છટકી શકાતું નથી. પીડામાં શરાબ પીનારા કે નશાના આશરે જનારા લોકો જો મહેનત કે હિંમતપૂર્વક પ્રયાસ કરે તો કોઈ પણ પીડામાંથી નીકળી શકે.
ત્રીજી અને છેલ્લી દલીલ એવી છે કે માણસ મજા માટે નશો કરે છે! આનાથી વાહિયાત અને નકામી દલીલ બીજી કોઈ છે જ નહીં. ખરેખર મજા માટે નશો કરવામાં આવતો હોય તો એમાં જે કિંમત ચૂકવવી પડે છે એ વિશે કાં તો એ માણસ પોતાની જાતને છેતરે છે. નશો કેવી રીતે મજા હોઈ શકે? જે ચીજથી શરીરને, દિમાગને, સંબંધોને નુકસાન થાય છે અને આ બધું ઓછું હોય એમ, સામાજિક પ્રતિષ્ઠા, વ્યવસાય અને જીવનના દરેક પાસાં ઉપર અવળી અસર થાય છે. નશો બાળકોનું ભવિષ્ય, પત્ની સાથેના સંબંધ, જીવન, તબિયત બગાડે છે, આવી મજા હોઈ શકે ખરી? કદાચ આમાં મજા આવે છે તો પણ જેની કિંમત પોતાની જિંદગીથી ચૂકવવી પડે એટલી મોંઘી મજા પોસાય ખરી?
છેલ્લા થોડા સમયથી યુવાનોમાં નશાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ગાંજાથી શરૂ થયેલો નશો ધીમે ધીમે હાર્ડ ડ્રગ્સ સુધી ઢસડી જાય છે. આ હાર્ડ ડ્રગ્સ સસ્તા નથી હોતા. ઘરમાંથી મળતા પૈસા પૂરા ન પડે અને નશાને તદ્દન સરેન્ડર થઈ ગયેલા આ યુવાન-યુવતી જ્યારે પૈસા મેનેજ ન કરી શકે ત્યારે ચોરી અને દેહવ્યાપાર સુધી ધકેલાય છે. હવે તો દેહવ્યાપાર માત્ર સ્ત્રીઓ જ કરે એવું પણ નથી રહ્યું! હોમોસેક્સ્યુઆલિટી સમાજને ઊધઈની જેમ કોરી રહી છે. માણસ સ્વાભાવિક રીતે જ આવી કોઈ કુદરતી પરિસ્થિતિનો શિકાર હોય એ સમજી શકાય, સ્વીકારી પણ શકાય, પરંતુ નશાની અસર નીચે થ્રિલ માટે, કોઈક અનુભવના કુતૂહલ માટે જ્યારે યુવાનો આવા સંબંધોમાં પ્રવેશે ત્યારે એ પણ અંતે વ્યસન બની જાય છે. અહીંથી એક એવી માનસિકતા શરૂ થાય છે જે નશાનો બચાવ કરવા લાગે છે. મરીઝસાહેબથી શરૂ કરીને એવા કેટલાય કવિઓ, ગઝલકારો, સર્જકો, અભિનેતા છે, જે પોતાના સર્જનમાં આ નશાના અનુભવને અદ્્ભુત અનુભવ તરીકે વર્ણવે છે. યુવાન અને કાચી માનસિકતા આ અનુભૂતિને સાચી માનીને એમાં દાખલ થાય છે, ફક્ત કુતૂહલથી કે આ અનુભૂતિના આકર્ષણમાં! એક જવાબદાર સર્જક કે કલાકાર કે લેખકની ફરજ એ છે કે નવી પેઢીને આવી કોઈ અર્થહીન અને નકામી બાબત વિશે ઉત્સુકતા ન જગાડે.
આપણે જે સમાજમાં પ્રવેશી રહ્યા છીએ એ હરીફાઈનો, ઝંખનાનો, મહત્ત્વાકાંક્ષાઓનો અને એમાંથી જન્મ લેતી નિરાશાનો સમાજ બની રહ્યો છે. લગભગ દરેકને લાગે છે કે એને જે મળ્યું છે તે ઓછું છે. સંબંધમાં, સ્નેહમાં, સંપત્તિ કે સત્તામાં સૌને ઓછું પડે છે, બીજા સાથેની સરખામણીએ માણસ વધુ દુ:ખી અને ઓછો સુખી છે. આ ઓછપ, અધૂરપ કે જિંદગી માટેની અસીમ મહત્ત્વાકાંક્ષા માણસને નિરાશાની ગર્તામાં ધકેલે છે. દરેકની પત્ની અંગ્રેજી ન બોલી શકે કે દરેકને ઝડપથી પ્રમોશન ન મળી શકે, ટેન્ડર ખૂલે ત્યારે એમાં એક જ વ્યક્તિને ફાયદો થાય એ આપણે ન પણ હોઈએ, તેથી શું? જિંદગી માત્ર ભૌતિક સંપત્તિ, સત્તા, સંબંધો કે સેક્સ ઉપર જ આધારિત છે? માણસની પોતાના પ્રત્યે જવાબદારી નથી? જે સર્જનહારે શરીર આપ્યું, બુદ્ધિ આપી કોઈક દિવસ હિસાબ નહીં માગે, કે મેં જે આપ્યું એનું તમે શું કર્યું?
[email protected]

X
article by kajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી