માય સ્પેસ- કાજલ ઓઝા વૈદ્ય / દોસ્તીનો કોઈ ખાસ દિવસ થોડો હોય?

article by kajalozavaidya

Divyabhaskar.com

Aug 05, 2019, 06:48 PM IST

માય સ્પેસ- કાજલ ઓઝા વૈદ્ય
આજે આખું વિશ્વ ફ્રેન્ડશિપ ડે ઊજવે છે. દુકાનો પર ટીંગાતા ફ્રેન્ડશિપ બેલ્ટ અને ફેસબુક, વોટ્સએપ પર ફ્રેન્ડશિપ ડેના મેસેજીસથી ટ્રાફિક જામ છે. કેટલાય લોકોએ પોતાના મિત્રોની સાથે આજનો દિવસ ઊજવવાનું નક્કી કર્યું હશે. કેટલાય લોકો પોતાના મિત્રોને મિસ કરતા હશે, તો કેટલાય લોકો એકાદ સારી મિત્રતાની શરૂઆત કરવા માટે આજનો દિવસ પસંદ કરશે. દોસ્તીનો કોઈ ખાસ દિવસ હોય? દોસ્તીને ઊજવવા માટે કોઈ એક તારીખ પસંદ કરવી પડે? અને જો પ્લાનિંગ કરીને ઊજવવી પડે તો એને દોસ્તી કહેવાય?
આપણી પાસે દોસ્તીના દાખલા છેક સતયુગથી ઉપનિષદ અને પુરાણો, મહાકાવ્યોમાં જોવા મળે છે. જે કથાઓ આપણને દોસ્તીના નામે સંભળાવવામાં આવે છે એ બધી કથાઓ હૃદયથી હૃદયના સંબંધની કથાઓ છે. ક્યાંય ગણતરી નહીં, ક્યાંક લેવડદેવડ કે અપેક્ષાઓ નહીં. સુદામા અને કૃષ્ણ હોય કે રામ અને હનુમાન. એક સેવક ને બીજો માલિક નથી. હનુમાન પોતાનું હૃદય ચીરીને એમાં વસતા રામ દેખાડી શકે, કારણ કે રામ ત્યાં વસવાનું પસંદ કરે છે. સુદામાનું દારિદ્રય દૂર થાય, કારણ કે કૃષ્ણને પણ પોતાના મિત્રનું સુખ જોઈએ છે. દોસ્તી ક્યારેય એકતરફી નથી હોતી. ગણતરીથી શરૂ કરાયેલી અને સ્વાર્થ માટે ટકાવવામાં આવેલા સંબંધને દોસ્તી ન જ કહેવાય, બીજું જે કહેવાતું હોય તે! આજના સમયમાં આપણી પાસે ‘દોસ્તી’ કે ‘મિત્રતા’ સિવાયના ઘણા સંબંધો છે, પરંતુ જેને ‘દોસ્તી’ કહી શકાય એવો એક સાચો, નિઃસ્વાર્થ, શુદ્ધ સંબંધ છે ખરો? મોટાભાગના લોકો ના પાડશે! આનું કારણ તપાસીએ તો સમજાય કે આપણે પણ એવો સાચો, પાકો, મજબૂત અને ઠોસ સંબંધ કોઈને આપી શક્યા નથી. દલીલ કરવા માટે ઘણી થઈ શકે, મોટાભાગના લોકો કરે પણ ખરા, પણ સત્ય એ છે કે જો આપણે આપણી પૂર્ણ પ્રામાણિકતાથી કે વિશુદ્ધ વિશ્વાસથી કોઈના માટે ઊભા નથી રહી શકતા તો આપણને એવો સંબંધ ઝંખવાનો, માગવાનો કે નહીં મળ્યાની ફરિયાદ કરવાનો અધિકાર નથી.
દોસ્તીનો અર્થ ક્યાંય પણ, કોઈ પણ એન્ગલથી બાર્ટર કે લેવડદેવડ તો નથી જ થતો. હું કરું એટલે તમારે કરવું કે તમે કર્યું એટલે મારે કરવું જ પડે. આ વ્યવહાર છે, મિત્રતા નથી. બીજું સામેની વ્યક્તિ કેટલી સફળ, પ્રસિદ્ધ કે સમૃદ્ધ છે એ જાણી, ઓળખીને ગણતરીપૂર્વક વધારવામાં આવેલો સંબંધ પણ મિત્રતા નથી, જરૂરિયાત છે. આપણે આવી વ્યક્તિની કેટલી નજીક છીએ એ કહીને આપણા અહંકારને મળતી પુષ્ટિ આપણી માનસિકતાને છતી કરે છે. જગત બદલાતું જાય છે. એક જમાનો હતો કે જ્યારે વડની ડાળે ઝૂલા ખાવા, નદીમાં ધુબાકા મારવાથી શરૂ કરીને ખેતરમાંથી કેરી ને જામફળ ચોરી લેવામાં જેણે આપણી સાથે મજા કરી એને આપણે દોસ્ત માનતા હતા. એ પછીના દસકાઓ સુધી એ વ્યક્તિને મળવાનું ન થાય, પરંતુ એની મધુર સ્મૃતિ આપણા હૃદયમાં અકબંધ રહેતી. એ સમયના મિત્રો જ્યારે પાછા એકબીજાને મળે ત્યારે પણ એમની એ નિર્દોષ મજા એવી જ મધુર રહી શકતી. પૈસા, પ્રસિદ્ધિ કે પહોંચના ત્રાજવામાં આ દોસ્તી તોળાય નહીં એનું એ બધા ધ્યાન રાખતા, પરંતુ એ પછીનાં વર્ષોમાં કોલેજ બંક કરીને સિનેમા જોવાની કે એકસાથે એક જ છોકરીને ચાહવાની, પેપર ફોડવાની કે સાચાં-ખોટાં કામો કરવાની મજા હતી. એ મજા વહેંચીને વાગોળવાની એક દોસ્તી હતી. કારકિર્દીના રસ્તે આગળ નીકળી ગયેલા, છૂટા પડી ગયેલા એ સમયના મિત્રો જે આજે પચાસની આસપાસ પહોંચ્યા છે એ બધા જો આજે મળે તો એમની પાસે જૂના દિવસોને યાદ કરવાની થોડીક મિનિટો હોય, પરંતુ એ પછી કેટલી જમીન, કેટલાં મકાન, કેટલી દુકાન, કઈ પોસ્ટ અને દીકરાને વિદેશમાં ભણાવવાની કેટલી કોસ્ટ. આ જ વિષયો બાકી રહે છે! આપણે બધા હવે વ્યક્તિને બદલે વસ્તુમાં ફોકસ કરતા થઈ ગયા છીએ. માણસ કોણ છે એના બદલે એની પોસ્ટ અને બેન્ક બેલેન્સ શું છે એના પરથી આપણને દોસ્તી કરવી કે નહીં એનો નિર્ણય કરવાની સમજણ પડતી થઈ છે.
મારો પોતાનો અંગત અનુભવ છે કે સ્કૂલમાં જે લોકો મારી સાથે વાત પણ નહોતા કરતા, મારી મજાક ઉડાવતા અને હું ‘જુદી’ હતી એટલા જ કારણસર મને એકલી પાડતા, નિગ્લેક્ટ કરતા એ બધા આજે મારી સાથે મિત્રતા કરવા માગે છે. હું એમની સાથે ‘ક્લાસ’માં હતી, એ હવે એમના માટે ગર્વનો વિષય છે. ત્યારે હું એમના ‘ક્લાસ’માં નહોતી આવતી! કોલેજમાં જે લોકો મને એમની સાથે બેસાડવા તૈયાર નહોતા એ બધા આજે મને શોધતા આવે છે. દેશ-વિદેશમાં મને શોધીને, મારા સુધી પહોંચીને મને કોલેજના દિવસો યાદ કરાવે છે. ઘેર લઈ જવાનો આગ્રહ કરે છે! આ મારી સાથેની નહીં લેખક અને વક્તા કાજલ ઓઝા વૈદ્ય સાથેની મિત્રતા છે! જેને સમાજ કે એમની આસપાસના લોકો ‘સફળ’ ગણે છે એ બધા આવા એકાદ અનુભવમાંથી જરૂર પસાર થયા હશે. અહીં મિત્રતા નથી, વિચિત્રતા છે!
મિત્રતા કોને કહેવાય? એવા સવાલનો સાદો જવાબ છે, જે સંબંધની કોઈ વ્યાખ્યા નથી એ મિત્રતા છે. એમાં સ્ત્રી-પુરુષનો ભેદ નથી. એમાં ઊંચ-નીચ, જાતિ, ધર્મ, ઉંમર કે ભાષાનો પણ ભેદ નથી. એકબીજાની ભાષા નહીં સમજતા બે જણા પણ મિત્રો હોઈ શકે (ઈંગ્લિશ વિંગ્લિશની શ્રીદેવી અને એનો ઈટાલિયન દોસ્ત). બે જુદા ધર્મના પણ ઉત્તમ મિત્રો હોઈ શકે (મિયાં ફુસ્કી અને તભા ભટ્ટ) આવા અનેક દાખલા તમારી આસપાસ પણ હશે જ! નવાઈની વાત એ છે કે, રાધા, દ્રૌપદી, અર્જુન, સુદામા અને ઉદ્ધવ પાંચેયની સાથે કૃષ્ણની મિત્રતા છે, પણ આ પાંચેય મિત્રતા એકમેકથી ભિન્ન છે. આ પાંચેય એકમેકના મિત્ર નથી પાછા! એમને એકબીજા સાથે જોડતી દોરી કૃષ્ણ છે, પણ એ પાંચેય મણકા એકબીજાની સાથે જોડાયેલા નથી. મિત્રનો મિત્ર આપણો મિત્ર જ હોય એવું જરૂરી નથી. આપણે સામાન્ય રીતે એવું માની લઈએ છીએ કે સ્ત્રી-પુરુષની મૈત્રીમાં ક્યાંક સેક્સ અથવા વિજાતીય આકર્ષણ હોવું જ જોઈએ. ‘પ્લેટોનિક લવ જેવું કશું હોતું નથી’ એવું માનનારા ઘણા લોકોને આપણે મળ્યા જ છીએ. એ વાત કદાચ સાચી હોય પણ ખરી. વિજાતીય આકર્ષણ સહજ, નૈસર્ગિક અને સ્વાભાવિક છે. જે સહજ અને નૈસર્ગિક છે એ ગંદું અને અપવિત્ર કેવી રીતે હોઈ શકે? જે લોકો આવું માને છે એમને વિશુદ્ધ મૈત્રીની સમજ નથી. આ એવા લોકો છે, જે માને છે કે સ્ત્રી-પુરુષના સંબંધમાં સેક્સ જોડાય એટલે એ સંબંધ અપ્રામાણિક, અપવિત્ર કે ગંદો બની જાય છે! કૃષ્ણ-રાધાના સંબંધોમાં શરીર હતું કે નહીં એ વિશે વિદ્વાનો અને શ્રદ્ધાળુઓમાં અનેક જુદા જુદા મત પ્રવર્તે છે. મહત્ત્વનું એ છે કે એ સંબંધમાં શરીર હોય કે નહીં પ્રામાણિકતા ભરપૂર હતી! જે મૈત્રી પોતાની પ્રિય વ્યક્તિને કે મિત્રને એના જીવનના લાર્જર હેતુ માટે પોતાના નાનકડા સ્વાર્થમાંથી મુક્ત કરી શકે એનાથી વધુ પ્રામાણિક અને પવિત્ર મૈત્રી બીજી કઈ હોઈ શકે? જે મૈત્રીમાં શરીર દાખલ થાય એ મૈત્રી પવિત્ર નથી એવું કોણ માને છે. જેને ફક્ત શરીર સમજાય છે તે બધા!
શરીર તો એક્સટેન્શન છે, આપણા ઉચ્ચતમ ઈમોશનનું! જ્યારે તમે કોઈ વ્યક્તિને બધું જ આપી દો તેમ છતાં હજી વધુ સુખ કે સંતોષ આપવાની ઝંખના થાય. એક વ્યક્તિને આપણા અસ્તિત્વ સાથે જોડી લેવાનું ઝનૂન આવે ત્યારે એક પરમ પવિત્ર શારીરિક સંબંધ બંધાય છે. શરીર દાખલ થાય એટલે મૈત્રી તૂટી જાયતો માનવું કે આ કંઈક બીજું છે, મૈત્રી નથી!
મૈત્રીનો અર્થ મુક્તિ છે, માલિકી નથી. દોસ્તી એટલે દેવું, લેવું નહીં જ! મૈત્રી એટલે લાગણી, કોઈ માગણી વગરની. દોસ્તી એટલે સ્વાર્થ વગરનું સમર્પણ. મિત્રતા એટલે મનથી મનનો એક એવો સેતુ જેના પર કોણ, કોના તરફ કેટલું ચાલે છે એનું કોઈ માપ ન હોય. મૈત્રી તો અસ્તિત્વનો બારમાસી ઉત્સવ છે. આપણા દેશમાં કોઈ પણ સંબંધ માટે ખાસ દિવસની જરૂર નથી, કારણ કે આપણી પરંપરા અસ્તિત્વના ઉત્સવની પરંપરા છે. કોઈ એક ખાસ નિશ્ચિત દિવસે ઊજવવી પડે એને મૈત્રી કહેવાય? જે દિવસે મિત્રો મળે એ દિવસ ‘ફ્રેન્ડશિપ ડે’!
[email protected]

X
article by kajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી