એકબીજાને ગમતાં રહીએ- કાજલ ઓઝા વૈદ્ય / આઈ એમ યોર ફેન... યુ આર માય સ્લેવ

article by kajalozavaidya

Divyabhaskar.com

Jul 30, 2019, 05:04 PM IST

એકબીજાને ગમતાં રહીએ- કાજલ ઓઝા વૈદ્ય
‘આપ મેરે ફેન હૈ, ઇસકા મતલબ યે નહીં હૈ કી આપ કો મેરી જિંદગી પર કબજા કરને કા અધિકાર હૈ.’ શાહરુખ ખાન એના ફેનને ‘ફેન’ નામની ફિલ્મમાં કહે છે. આપણને કોઈ ચાહતું હોય, આપણા કામને વખાણતું હોય કે એમને અમુક પ્રકારનું આકર્ષણ હોય એનો અર્થ એ નથી કે એ માણસ આપણી જિંદગી કે આપણા અંગત સમય પર અધિકાર ધરાવે છે. કોઈ વ્યક્તિ ગમવી એ બહુ સાહજિક બાબત છે. એમાંય ખાસ કરીને જ્યારે કોઈ સફળ કે બુદ્ધિશાળી, જાંબાઝ કે દેખાવડી વ્યક્તિ એના કોઈ ગુણને લીધે આપણને આકર્ષે ત્યારે એ વ્યક્તિ વિશે બધું જ જાણવાનું આપણને ગમે. એ વ્યક્તિના જીવનની ઝીણી ઝીણી બાબતમાં આપણને રસ પડે, તો પણ એમાં કંઈ અજૂગતું કે અસ્વાભાવિક નથી.
ફિલ્મસ્ટાર, સંગીતકાર કે પેઇન્ટરના ફેન હોય એવું તો આપણે સાંભળ્યું છે, પરંતુ કોઈ આઈ.પી.એસ. ઓફિસરની પાછળ એક છોકરી પાગલ થઈને રિમાન્ડ હોમ અને મેન્ટલ હોસ્પિટલ સુધી પહોંચી જાય એવું કોઈ દિવસ જાણ્યું છે? સચિન અતુલકર અત્યારે ઉજ્જૈનના એસ.પી. છે. એમની પાછળ એક છોકરી એટલી પાગલ થઈ ગઈ કે એ ઉજ્જૈન પહોંચી ગઈ. આ પહેલાં સચિન અતુલકરને એ મળી નથી. એણે માત્ર એમના ફોટા જોયા છે અને એમની કારકિર્દીમાં એમણે કરેલા કામ વિશે અખબારોમાં વાંચ્યું છે. એ છોકરી એટલી તો પાગલ થઈ ગઈ કે એસ.પી. અતુલકર જ્યાં પહોંચે, ત્યાં એ છોકરી પહોંચી જાય. એમની ઓફિસની બહાર બેસી રહે, એમના ઘરે પહોંચી ગઈ. 32 વર્ષના સચિન અતુલકરની બાયોગ્રાફીમાં એ પરણેલા છે કે નહીં એ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. એમના પરિવારમાં મા, પિતા, ભાઈ-બહેન છે. સચિન અતુલકરની પાછળ પાગલ થયેલી આ છોકરી એટલી તો હઠે ચડી કે અંતે એને એક દિવસ લોકઅપમાં રાખવી પડી. સચિન અતુલકરે એને પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું, ‘સરકારી કામ માટે કે બીજી કોઈ પણ તકલીફ માટે નાગરિક તરીકે જે વ્યક્તિ મને મળવા માગે એને માટે હું ચોવીસ કલાક ઉપલબ્ધ છું, પરંતુ અંગત રીતે મારે કોઈને મળવું કે નહીં એ નક્કી કરવાનો અધિકાર મારો પોતાનો છે.’
મજાની વાત એ છે કે, સચિન આ છોકરીને એકલા મળી શક્યા હોત. એના આ આકર્ષણનો ગેરફાયદો પણ ઉઠાવી શક્યા હોત, પરંતુ એવું કરવાને બદલે આ દેખાવડા, ફિલ્મસ્ટાર જેવું આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા આઈ.પી.એસ. અધિકારીએ એને મળવાની વાત
નકારી કાઢી!
આવા અનેક કિસ્સા આપણી આસપાસ બનતા હોય છે. સુરતના એક મનોચિકિત્સકે એક કિસ્સો કહેલો. એક છોકરીને લાગતું હતું કે એનો જગજિતસિંઘ સાથે અફેર ચાલે છે. એ પોતે જ પોતાની વિક્ષિપ્ત મનોદશામાં પોતાના જ ફોન પર મેસેજ કરતી ને પછી બતાવતી, આ જગજિતસિંઘનો મેસેજ છે! અમેરિકાના એક અત્યંત જાણીતા રોક એન રોલ ગ્રૂપ બિટલ્સના લીડ મ્યુઝિશિયન જ્હોન લેનનનો એક ફેન એના જેવા દેખાવાની કોશિશમાં પોતાની જાતને જ્હોન લેનન જ માનવા લાગ્યો ને અંતે એણે જ્હોન લેનનનું ખૂન કરી નાખ્યું. એને જ્યારે પૂછવામાં આવ્યું કે જેને તું આટલું બધું ચાહે છે એનું ખૂન કેમ કર્યું? ત્યારે એ એવું સમજવા કે સ્વીકારવા જ તૈયાર નહોતો કે બીજો કોઈ વ્યક્તિ જ્હોન લેનન છે. એ તો એમ જ માનતો હતો કે એ પોતે જ જ્હોન લેનન છે. આ એક વિચિત્ર પ્રકારની માનસિકતા છે. આપણે જેને ચાહતાં હોઈએ એ વ્યક્તિ આપણા જ કાબૂમાં રહે, આપણી પહોંચની બહાર ન જવી જોઈએ કે આપણે ઇચ્છીએ તેમ જ વર્તે, આ એક એવું પઝેશન છે જેમાં સામેની વ્યક્તિ માણસને બદલે લગભગ વસ્તુ બની જાય એ હદ સુધી ચાહનારને કે ફેનને પોતાનો કન્ટ્રોલ જોઈએ છે. આપણને જે ગમતું હોય તે આપણું જ હોવું જોઈએ. દુર્યોધન કે રાવણથી શરૂ કરીને આજ સુધી જે વ્યક્તિને આપણે પ્રેમ કરતાં હોઈએ, ચાહતાં હોઈએ, આદર્શ માનતાં હોઈએ એ આપણા કન્ટ્રોલમાંથી નીકળી જાય એવું આપણને પોષાતું નથી!
વ્યક્તિ અને વસ્તુમાં ફેર છે એ મોટાભાગના લોકો ભૂલી જાય છે. વસ્તુને ખરીદીને કબાટમાં મૂકી શકાય, જ્યારે જોઈએ ત્યારે ઉપયોગમાં લઈ શકાય. લાંબા સમય સુધી એ ચીજ તરફ ન જોઈએ તો પણ ફરક ન પડે, રોજ બહાર કાઢીએ અને ઉપયોગમાં લઈએ તો પણ. વસ્તુને તોડી શકાય, ફોડી શકાય, પંપાળી શકાય, છાતીએ ચાંપી શકાય, આપણા મૂડ, મરજી અને મિજાજ મુજબ એનો ઉપયોગ અને દુરુપયોગ, સાચવણી અને બેદરકારી દાખવી શકાય. માણસ સાથે એવું કઈ રીતે થઈ શકે? દરેક માણસ પાસે પોતાની આગવી એક પ્રતિભા અને પર્સનાલિટી છે. ખાસ કરીને જે લોકો સફળ છે એવા લોકો પાસે પોતાનો આગવો મિજાજ પણ છે. કોઈ આપણને ગમતું હોય એનો અર્થ એવો ન જ કાઢી શકાય કે આપણે પણ એને ગમી જ જઈશું! રેલવે સ્ટેશન, એરપોર્ટ, રેસ્ટોરાં કે સિનેમા થિયેટરમાં આવા સફળ, પ્રસિદ્ધ, લોકપ્રિય લોકો પોતાની મરજીથી પોતાનો અંગત સમય વસાર કરવા જાય છે. આા સમયે આસપાસના લોકોમાંથી કદાચ કોઈ એમના ચાહક કે પ્રશંસક કે ફેન હોય તો એ એની પાસે જઈને પોતાની લાગણી અભિવ્યક્ત કરી શકે. પોતાની ચાહત, પ્રશંસા પણ શબ્દોમાં વ્યક્ત કરી શકે. આજના જમાનામાં એકાદ સેલ્ફી પૂરતી આ વાત ખતમ થઈ જવી જોઈએ, પરંતુ એવું થતું નથી, કેટલાક પ્રશંસકો અહીંથી ઘણે આગળ, ઘણે દૂર સુધી વાત ખેંચતાં હોય છે. ઓળખાણ કાઢવી, ધર્મ કે ઇષ્ટદેવનું નામ લેવું, પહેલાં ક્યાં મળ્યા છીએ એ વિશે ભારપૂર્વક યાદ કરાવવાનો પ્રયત્ન કરવો કે એમણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એ વિશેની સલાહ, સૂચના સુધી પહોંચી જતાં પ્રશંસકો પણ ઓછા નથી.
ધીરે ધીરે આ માનસિક વિકૃતિ માણસને પોતાને જ ખાય છે. માત્ર સફળ કે પ્રસિદ્ધ વ્યક્તિત્વની વાત છોડી દઈએ, તો પણ આપણને ગમતી વ્યક્તિ આપણને ગમતું જ વર્તે કે જીવે એવા આગ્રહને કારણે જ મોટાભાગના સંબંધો તૂટી જતા હોય છે. આપણે વિચારી જોઈએ તો સમજાય કે, ‘મને નથી ગમતું’ એવું આપણે કેટલી વાર, કેટલા લોકોને કહ્યું હશે! તમને શું ગમે છે ને શું નહીં એનો ખ્યાલ બીજી વ્યક્તિએ રાખવાનો પણ એને શું ગમી શકે કે એને શું કરવાથી સારું લાગે એની વિચાર કરવાની તસ્દી આપણી લેતા નથી, એ કેવું? આપણે પ્રેમ કરીએ એનો અર્થ એ નથી કે પ્રેમના બદલામાં સામેની વ્યક્તિએ ગુલામી લખી આપવી. પ્રેમ એટલો મોંઘો ન હોઈ શકે કે માણસે પોતાનું સ્વમાન, સ્વત્વ, સુખ અને શાંતિ બાર્ટર કરી નાખવા પડે. ખરેખર તો પ્રેમ મુક્તિ છે, માલિકી નથી. જો આપણે સાચે જ કોઈને ચાહતા હોઈએ તો બદલામાં કશુંય માગ્યા વગર એના સુખની, એની શાંતિની કામના અને પ્રયાસ એ જ આપણા પ્રેમની અભિવ્યક્તિ હોઈ શકે. જો કોઈ માણસે સતત આપણા મૂડ, મિજાજ, ગમા-અણગમાનો ખ્યાલ રાખીને જીવવું પડે, ને એની મોટાભાગની એનર્જી આપણને ખુશ રાખવામાં, ઘરમાં શાંતિ જાળવવામાં વપરાઈ જતી હોય તો આપણને પ્રેમનો દાવો કરવાનો કોઈ અધિકાર નથી.
એવી જ રીતે કોઈ એક વ્યક્તિ એના સર્જન માટે, બહાદુરી માટે, કલા કે દેખાવ માટે આપણને ગમતી હોય તો એને ગમાડવા પૂરતો આપણો અધિકાર છે, ચોક્કસ! આપણે આપણા મિત્રો સાથે એક પ્રશંસક તરીકે જે-તે વ્યક્તિનો બચાવ કરી શકીએ, એનો પક્ષ લઈ શકીએ, એની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે એક વાર ઝઘડી પડીએ, પરંતુ એ વ્યક્તિ આપણને જ્યારે મળે ત્યારે આપણે એના પ્રશંસક છીએ કે આપણો એના પર અધિકાર છે, એના સમય પર અને એની પર્સનાલિટી ઉપર પણ આપણે આપણી સલાહ, સૂચના કે આપણી ઇચ્છા ઠોકી બેસાડીએ, તો આપણે પ્રશંસક નથી, બલ્કે બેવકૂફ છીએ.
17 ફેબ્રુઆરીએ હૈદરાબાદના એરપોર્ટ ઉપર વોશરૂમમાં ફોટો ખેંચવાનો પ્રયાસ કરનાર એક બહેનને મેં ના પાડી. એની પુત્રવધૂ મારી સાથે ઝઘડવા લાગી. એટલું જ નહીં, એણે મને ધમકી આપી, ‘સી યુ ઓન ફેસબુક.’ આ કયા પ્રકારના પ્રશંસક છે અને આ કયા પ્રકારની પ્રશંસા છે?
[email protected]

X
article by kajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી