માય સ્પેસ- કાજલ ઓઝા વૈદ્ય / "હોવા'નો અભાવ... સલામતીનું અસુખ!

article by kajalozavaidya

Divyabhaskar.com

Jul 29, 2019, 05:05 PM IST

માય સ્પેસ- કાજલ ઓઝા વૈદ્ય
‘ફાટેલાં કપડાં કેમ પહેરે છે આજના છોકરાઓ?’ વિમાનમાં પ્રવાસ કરી રહેલાં એક બહેને પોતાની બાજુમાં બેઠેલા એક ભાઈને પૂછ્યું. એમની બાજુની સીટમાં એક યુવાન છોકરો ઘૂંટણ પાસેથી ફાટેલું જિન્સ પહેરીને બેઠો હતો.
‘ફેશન છે.’ એ ભાઈએ જવાબ આપ્યો, ‘ફાટેલાં જિન્સ વધુ મોંઘાં હોય છે.’ એમણે જ્ઞાન ઉમેરી આપ્યું.‘એવી કેવી ફેશન?’ એ બહેને પૂછ્યું, ‘કપડાં ફાટી જાય, શરીર દેખાય અને સાવ લઘરવઘર વેશ થઈ જાય એને કંઈ ફેશન કહેવાય?’
આમ જોવા જાવ તો વાત સાચી છે. આપણે જે પેઢીને જોઈ રહ્યા છીએ એ પેઢી ફાટેલાં જિન્સ, ઊંધા સીવ્યા હોય એવા શર્ટ્સ, શર્ટમાં એક બટન જુદું હોય એવી ડિઝાઈનર કલેક્શનની બ્રાન્ડ પહેરે છે. આજથી થોડાંક જ વર્ષો પહેલાં જ્યારે કપડાં ફાટેલાં હોય ત્યારે છોકરાઓને શરમ આવતી. જુદું બટન ટાંકવું પડે તો લાગતું કે લોકો મજાક કરશે. એકસરખું પહેરવું એ ફેશન હતી! મેચિંગ કહેવાતું. સેમ પિન, સેમ બુટ્ટી, સેમ ચંપલ, સેમ પર્સ.
હવે એક કાનમાં જુદી અને બીજા કાનમાં જુદી બુટ્ટી એ ફેશન છે! બે જુદાં મોજાં ફેશન છે! આમ નવાઈ લાગે, હાસ્યાસ્પદ પણ લાગે ક્યારેક, પણ ફાટેલાં કપડાં, થીગડાં માર્યાં હોય એવા શર્ટ્સ, જુદી જુદી બુટ્ટી, લઘરવઘર વેશ એ ‘કૂલ’ કહેવાય છે. માતા-પિતા જે હવે 45 વટાવી ગયાં છે ને 55-60ની નજીક પહોંચ્યાં છે એ બધાં માટે આ ફેશન આશ્ચર્યજનક નહીં, આઘાતજનક છે. એમને સમજાતું નથી કે આ છોકરાઓ શા માટે આવું કરે છે?
આ સવાલનો જવાબ જરા સમજવા જેવો છે. નવી પેઢીને કોઈ વાતની ખોટ નથી. એમનાં માતા-પિતાએ એમના માટે ઘર ખરીદી લીધાં છે. ફોર વ્હીલર નહીં તો ટુ વ્હીલર એમને લાઈસન્સ મળે ત્યારે જ મળી ગયાં છે. એમને ખબર છે કે એમના માટે એક સુખી અને સલામત જીવન તૈયાર છે. એમની પાસે હવે ‘કરવાલાયક’ સંઘર્ષ કે સમસ્યા નથી. આવા સમયે જ્યારે સાચા અર્થમાં સંઘર્ષ કે સમસ્યા ન હોય, કોઈ મજબૂરી કે જરૂરત ન હોય, તકલીફ ન હોય ત્યારે યુવાલોહી અને માનસિકતાને સંઘર્ષ શોધવો પડે છે. એમને જે થ્રિલ જોઈએ છે એવી કોઈ મહેનત, મજૂરી, નિષ્ફળતા કે મરણિયા પ્રયાસની એમની પાસે ગુંજાઈશ નથી. એ કરે તો શું કરે? એમની પાસે અભાવ નથી, એમની પાસે કોઈ અધૂરપ એમનાં માતા-પિતાએ બાકી રહેવા જ દીધી નથી.
આપણે બધાં એવું માની લઈએ છીએ કે સંતાનોને સગવડ જોઈએ છે, સલામતી જોઈએ છે. જો કોઈ વાર યુવા માનસને પૂછીએ કે એમને સમજવાનો પ્રયત્ન કરીએ તો જે જવાબ મળે એ સાવ જુદો હોય છે. એમને એમના ભાગનો સંઘર્ષ કરવો છે. તમે બનાવેલું તૈયાર, ઈન્ટીરિયર કરેલું મકાન એમને નથી જોઈતું. કબાટમાં ભરેલાં મોંઘાં બ્રાન્ડેડ કપડાંનો એમને હવે કંટાળો આવે છે. એમને જે કંઈ તૈયાર મળ્યું છે એ બધું તમારી (માતા-પિતાની) પસંદગી છે એમ માનીને એ આખી પેઢી મનોમન એને નકારે છે. એમને એમની પસંદગીથી જીવવું છે. એમની પાસે પસંદગીનો સ્કોપ બહુ મોટો છે. સંબંધોથી શરૂ કરીને સાદા ભોજનના ઓર્ડર આપતા પહેલાં પણ એ ઘણું ગૂંચવાય છે, કારણ કે એમને ‘પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી’ છે. જરૂર કરતાં વધુ હોવાની સમસ્યા. આપણે જોઈએ એના કરતાં વધુ હોય, ઘણું વધુ હોય ત્યારે એનું શું કરવું એ આપણને સમજાતું નથી. એ હવે કો-એડમાં ભણે છે. નાની ઉંમરે ટીવી, ઈન્ટરનેટ અને વેબ ઉપર સેક્સ અને શરીર સમજવા લાગ્યાં છે. શરાબ, સિગારેટ કે અન્ય નશા હવે બહુ અઘરા નથી રહ્યા એમના માટે. એમને જોઈએ એટલા પૈસા મળે છે. હવે એમણે આ બધું મેળવીને એનું શું કરવું?
આજથી બે-ત્રણ દાયકા પહેલાં જે પેઢી યુવાન થઈ રહી હતી એ પેઢી માટે જીવનનો દરેક કલાક ને દરેક પડાવ સંઘર્ષ હતો. પહેલું મકાન, પહેલી ગાડી કે પહેલો પ્રેમ પણ એમના માટે યાદ રાખવાની ઘટના હતી. આ, હવે યુવાન થઈ રહેલી પેઢી માટે એમની યાદગીરી વર્ચ્યુઅલ છે. આ પેઢી સ્પર્શીને, સૂંઘીને, ભેટીને, ચાખીને કે માણીને કશું સંઘરતી નથી. જે માતા-પિતા અભાવ અને અધૂરપમાં ઉછર્યાં છે એમને એવું સમજાતું જ નથી કે મેળવવાની મજા તો અધૂરપ પછી જ આવે. આ પેઢીને એમની ઓછપ કે અધૂરપ આપણે માણવા દીધી જ નથી. એમને એમનો સંઘર્ષ કરવા દીધો જ નથી. જેમ વધુ પડતું ગળપણ કે વધુ પડતી સુંવાળપ અબખે પડે એવી રીતે આ પેઢીને એમની જિંદગીની સગવડો ને સલામતી હવે અબખે પડ્યાં છે. એમની દરેક મૂવમેન્ટને એમને કેમેરામાં કેદ કરવી છે, કારણ કે એમનું મન એટલી બધી માહિતીથી છલકાય છે કે આવી કોઈ સંવેદનશીલ બાબત સંઘરવાની કદાચ એમના મનમાં જગ્યા જ નથી રહી. એમના સંબંધો સાવ નજીવી વાતમાં તૂટી જાય છે અને માત્ર કુતૂહલ ખાતર આ પેઢી ‘મેકઆઉટ’માં પ્રવેશે છે. ‘મેકઆઉટ’ સેક્સ નથી, અનુભૂતિ છે, આવી એમની સ્પષ્ટતા છે! એમની રિલેશનશિપ જગજાહેર છે. મા-બાપને ખબર હોય કે નહીં ફેસબુક અપલોડ થઈ જાય છે. નવાઈની વાત એ છે કે એમને માતા-પિતા સાથે પોતાના મનની વાત કરવા કરતાં સ્ટેટસ અપલોડ કરવું વધુ અનુકૂળ પડે છે. એમને એમની ઉંમરના જ મિત્રો સાથે વાત કરવાનું ફાવે છે, કારણ કે એમની ભાષા જુદી છે. એમના એબ્રેવેઝન એમની પહેલાંની પેઢીને સમજાતા નથી કે એ સમજવા પણ તૈયાર નથી. એમના ઈન્સ્ટાગ્રામ ઉપર દર કલાકે સ્ટોરી બદલાય છે! એમના ફેસબુકના રિલેશનશિપ સ્ટેટસ વારંવાર અપડેટ થઈ જાય છે! એમને હવે લગ્નસંસ્થામાં વિશ્વાસ નથી, કારણ કે એકવાર પસંદગી કરી લીધા પછી સ્વતંત્રતા ન રહે એ વાતે જ એમને ભય લાગે છે. નવી પેઢીના કેટલા બધા યુવાનોને હવે માતા-પિતા નથી બનવું, ફ્રીડમ જોઈએ છે!
ફ્રીડમનો અર્થ એ છે કે એમને જવાબદારી નથી જોઈતી, એનું કારણ એ છે કે એમણે એમનાં માતા-પિતાનાં સપનાંનો બોજ ઉપાડ્યો છે, બહુ નાની વયે! એમનાં માતા-પિતાનાં અધૂરાં અરમાન પૂરાં કરવાં એમણે ડ્રોઈંગ, પેઈન્ટિંગ, સ્કેટિંગ, ટેનિસ, ફ્રેન્ચ કે સ્કૂલમાં ઢગલાબંધ માર્ક લાવવાનો અથાગ પરિશ્રમ કરવો પડ્યો છે. હવે એમને બીજાનાં સપનાં પોતાની આંખોમાં પોષાય તેમ નથી. એમનાં પોતાનાં સપનાં એમને જીવવાં છે. નવાઈની વાત એ છે કે સગવડ આપતાં માતા-પિતા સામે બાર્ટરમાં સ્વતંત્રતા અને સંઘર્ષ ઝૂંટવી લે છે. કોઈ પણ કાચી પાંખવાળા પંખીને પોતાની પહેલી ઉડાન પોતાની દિશામાં ઊડવી હોય એ સ્વાભાવિક છે. એની ધૂંધળી આંખો પોતાની દિશા જાતે શોધવા માગે છે. એની નજર ભલે કમજોર હોય, પણ એને દૃષ્ટિ પોતાની જોઈએ છે. આ વાત સાચી છે એની કોઈ સાબિતી છે ખરી?
હા, ઘરમાં હોય ત્યારે પાણીનો ગ્લાસ પણ ન ભરતા આ છોકરાઓ હોસ્ટેલમાં કે વિદેશ જાય ત્યારે બધું પોતાની જાતે મેનેજ કરે છે ને? એમને ઘરનું ખાવાનું મિસ નથી થતું. એમને કોઈ કપડાં ધોઈ આપે, ઈસ્ત્રી કરીને આપે એવી જરૂર નથી લાગતી. એમને જેટલા પૈસા મોકલવામાં આવે એટલામાં જ ચલાવી લેતા આવડે છે ને? અર્થ એ છે કે એમને એમની જિંદગી જીવવાની ઝંખના પણ છે અને સંઘર્ષ કરવાની એમની તૈયારી પણ છે.
માતા-પિતા પોતાની પ્રતિષ્ઠા ને પાવર પુરવાર કરવા માટે સંતાનને પ્રદર્શનનું સાધન બનાવે છે. ન ગમે તો પણ આ વાત આપણે સ્વીકારવી પડશે. મોટાભાગનાં માતા-પિતાને એમનું સંતાન શું ભણે છે અથવા એના કેટલા પર્સન્ટેજ આવ્યા એ કહેતાં ગર્વથી ઉન્નત થઈ જતાં આપણે બધાએ જોયાં છે. બહુ સારું પેઈન્ટિંગ કરે છે, ખૂબ વાંચે, રસોઈ સારી બનાવે છે આવું કોઈ બીજા યુગમાં કહેતા હતા આપણે. હવેની મા કહે છે, ‘એને રસોડામાં જરાય રસ નથી.’ અથવા ‘એનો રૂમ જુઓ તો ખબર પડે, પણ દરવાજો ખોલતો જ નથી.’ આ કહેતી વખતે માતા-પિતાને પોતાના ઉછેરમાં ક્ષતિ દેખાવી જોઈએ એને બદલે એ વાતને ગર્વપૂર્વક કહે છે. દીકરી રસોઈ નથી બનાવતી કે દીકરો રૂમ સાફ નથી કરતો, દીકરીને ગુજરાતી નથી આવડતું કે દીકરાને ગુજરાતી ભોજન ભાવતું નથી. આ બધા ગુણો છે, આજનાં માતા-પિતા માટે!
આપણે બધા સહજતાથી નવી પેઢીને એમના વ્યવહાર, વાણી, વર્તન, વિચાર અને વેશભૂષા માટે ટોકીએ છીએ, મજાક ઉડાવીએ છીએ કે ક્યારેક એમના પર ગુસ્સે થઈએ છીએ, પરંતુ આપણે ક્યારેય વિચારીએ છીએ ખરા કે જેમને બાળપણથી જ અધૂરપ, ઓછપ કે અભાવ સાથે જીવવાની તક જ નથી મળી એ પોતાના સંઘર્ષને, વિદ્રોહને કે અધૂરપને માણવા માગે તો શું કરે? [email protected]

X
article by kajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી