એકબીજાને ગમતાં રહીએ -કાજલ ઓઝા વૈદ્ય / પોતાના વિનાશની જવાબદારી અન્ય પર ન થોપી શકાય...

article by kajalozavaidya

Divyabhaskar.com

Jul 23, 2019, 05:19 PM IST

એકબીજાને ગમતાં રહીએ -કાજલ ઓઝા વૈદ્ય
‘હે મન્દબુદ્ધિ દુર્યોધન! તારું મોત આવ્યું છે, કારણ કે હે અવિનયવાળા! કુરુશ્રેષ્ઠોની આ સભામાં સ્ત્રી અને તેમાંય ખાસ કરીને ધર્મવધૂ દ્રૌપદીને તું આવાં વચનો બોલી રહ્યો છે.’ આમ કહીને, બાંધવોને સંકટમાંથી ઉગારી તેમનું હિત કરવા ઇચ્છતા, તે બુદ્ધિમાન તથા તત્ત્વ-
વેત્તા ધૃતરાષ્ટ્રએ એ વાતની બુદ્ધિપૂર્વક વિચારણા કરીને અને પાંચાલપુત્રી કૃષ્ણને સાંત્વન આપી તેને આ પ્રમાણે કહ્યું, ‘હે પાંચાલી! તું તારી ઇચ્છામાં આવે તે વરદાન મારી પાસેથી માગી લે. સાચે જ તું સતી છે, ધર્મપરાયણા છે અને મારી પુત્રવધૂઓમાં શ્રેષ્ઠ છે.’ અધ્યાય 71મો સભાપર્વ-દ્યૂતપર્વ (શ્લોક 25થી 27.)
આ મહાભારતનો ઓથેન્ટિક શ્લોક છે! ધૃતરાષ્ટ્રને સતત ગાળો દેતા મોટાભાગના લેખકોએ મહાભારત વાંચ્યું જ નથી. સત્ય તો એ છે કે જે એક વાર મહાભારત વાંચે છે, એને જીવનના સત્યો આપોઆપ સમજાઈ જાય છે. જે એક વાર આ મહાકાવ્યમાંથી પસાર થાય છે એને યુદ્ધ નહીં, યુદ્ધ પછીના વિષાદનું પરિણામ ડરાવતું થઈ જાય છે. આપણે બધા મહાભારતને બે ભાઈઓના, જમીનના યુદ્ધ તરીકે જોઈએ છીએ. ‘દ્રૌપદી ન બોલી હોત તો દુર્યોધન ન ચિડાયો હોત’ અથવા ‘દ્રોણે પક્ષપાત ન કર્યો હોત તો કર્ણ ન પીડાયો હોત’ આવા વિધાનો કરતાં પહેલાં એક વાર આ મહાકાવ્યની માનસિકતા સમજવા જેવી છે, ખાસ કરીને ધૃતરાષ્ટ્રની.
પરિવારના વડીલ તરીકે એમણે જ્યારે જે કહેવાનું હતું ત્યારે તે, કહ્યું જ છે. દુર્યોધને એમની વાત ન સાંભળી એમાં ખરેખર ધૃતરાષ્ટ્ર જવાબદાર નથી, એ વાત આજે કેટલા પરિવારના કેટલા બધા વડીલો સ્વીકારશે! આપણે બગડેલા કે વંઠી ગયેલા સંતાન માટે માતા-પિતાને જવાબદાર ઠરાવતાં અચકાતાં નથી. ‘એમણે લાડ કર્યાં એટલે બાળક બગડ્યું’ આવું સર્ટિફિકેટ આપી દેતા સમાજને કે પરિવારને બે મિનિટ પણ લાગતી નથી, પરંતુ હકીકતમાં ઊતરીને સત્ય શું છે તે સમજવાવાળા પ્રમાણમાં ઘણા ઓછા છે. જગતનાં કયાં માતા-પિતા પોતાના સંતાનને જાણીજોઈને બગાડે? કયાં માતા-પિતા એવું ઇચ્છે કે એનું સંતાન જીવનમાં દુ:ખી થાય, અથડાય-કૂટાય, નિષ્ફળ થાય? એ પોતાની સમજણ અને આવડત પ્રમાણે સંતાનના શ્રેષ્ઠ ઉછેરનો પ્રયાસ કરતાં રહે છે. હવે એમની સમજણ કેટલી છે એ વિશેનો નિર્ણય કદાચ અઘરો પૂરવાર થાય! દ્રોણનો અશ્વત્થામા હોય કે કૃષ્ણનો સામ્બ, ગાંધીનો હરિલાલ હોય કે શાહજહાંનો ઔરંગઝેબ, એમની કથા આ રાજા ધૃતરાષ્ટ્રની કથાથી અલગ નથી. ધૃતરાષ્ટ્રની કથાને ચગાવવામાં આવી છે. એ ખોટા હતા, દીકરાનો બચાવ કર્યો અને દુર્યોધનનું જે કંઈ નુકસાન થયું એ એના પિતાને લીધે થયું એવું પ્રસ્થાપિત કરનારા લેખકોએ આ વાતને એક જુદા આયામ પર મૂકી દીધી છે. કૃષ્ણનો દીકરો સામ્બ શરાબ પીને કશ્યપની મશ્કરી કરે, ત્યારે શું ગીતા કહેનારનો ઉછેર ખોટો હોઈ શકે? શું એનો અર્થ એવો કાઢી શકાય કે જગતભરને જ્ઞાનના પાઠ આપનાર કૃષ્ણ પોતાના સંતાનના ઉછેરમાં બેધ્યાન રહ્યા? જેણે પ્રેમની ઇમારત બંધાવી, જે આજે વિશ્વના ઇતિહાસમાં અમર છે અને દુનિયાની અજાયબીમાં ગણાય છે, એ એના દીકરાને પ્રેમ શીખ‌વવાનું ભૂલી ગયો? એવું નથી હોતું. માતા-પિતા પણ પોતાના સંતાનનાં ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ હોય છે અને એમનો એવો પૂર્ણ પ્રયાસ હોય છે કે એનું સંતાન સારું, પ્રામાણિક અને સુખી જીવન જીવે (કદાચ દરેક વાતની જેમ અહીં પણ અપવાદ હોઈ શકે.) એમાં નિષ્ઠાની કમી હોવાની સંભાવના નથી, પરંતુ જ્યારે સંતાન એનાં માતા-પિતાની વાત ન સાંભળે, એમને ન ગાંઠે, અપમાનિત કે તિરસ્કૃત કરે, પોતે માતા-પિતાથી વધુ સમજે કે જાણે છે માનીનેે એમની સલાહ કે સમજણની અવગણના કરે, ત્યારે માતા-પિતા શું કરી શકે? મોભી હોવાનો અર્થ છે જવાબદાર હોવું. આવનારી પેઢી માટે કશું કરવું. એમનું ભવિષ્ય સુરક્ષિત હોય અને જીવન સુખી, એ જોવાની ઘરના વડીલની કે માતા-પિતાની જવાબદારી છે એ સાચું, પરંતુ એ માટે કેટલીક બેઝિક તૈયારી સામેના પક્ષે પણ હોવી જોઈએ. માતા-પિતાનો આદર નહીં કરનારું સંતાન, એમની વાત નહીં માનનારું સંતાન જ્યારે ખત્તાં ખાય કે જિંદગીમાં નિષ્ફળ જાય, ત્યારે એની જવાબદારી માતા-પિતાના માથે મઢી દેવી કેટલા અંશે યોગ્ય છે? બીજી મહત્ત્વની વાત એ પણ છે કે માતા-પિતાએ સ્વયં પણ આવા પ્રકારના અપરાધભાવમાંથી નીકળી જવું જોઈએ.
ભાગવતમાં ગોકર્ણ ગીતાની વાત આવે છે. પોતાનો ભાઈ ધુંધુકારી જ્યારે પાંચ વેશ્યાઓ (પાંચ ઇન્દ્રિયો) સાથે ઐયાશી કરતાં મૃત્યુ પામે છે. આત્મદેવ નામના પિતા ગોકર્ણને કહે છે, ‘નિ:સંતાન રહેવું સારું, પરંતુ દુષ્ટ સંતાન તો દુ:ખદાયક જ છે. હવે હું ક્યાં જાઉં? ક્યાં રહું? મારા દુ:ખને કોણ દૂર કરે! હવે તો દુ:ખથી મારા પ્રાણનો ત્યાગ કરી દઉં, મારે માથે મહાન કષ્ટ આવી પડ્યું છે.’ (શ્લોક 71-72.) ગોકર્ણ બોલ્યા કે, ‘પિતાજી! અસ્થિ, માંસ, રુધિરથી ભરેલા અને ચર્મથી મઢેલા દેહમાં રહેલી અતિશય આસક્તિને આપ ત્યજી દો અને પત્ની, પુત્ર, ધન, પરિવારમાં રહેલી મમતાને પણ સર્વથા મૂકી દો. આ જગત ક્ષણભંગુર ધર્મવાળું છે. આવું વિચારીને વૈરાગ્યમાં અનુરાગવાળા અને ભગવાનમાં રસવાળા બનીને ભક્તિમાં દૃઢ નિષ્ઠાવાળા બનો. ભગવતસેવા, ભગવતકથા-કીર્તન, શ્રવણ નામના દિવ્ય ભગવદધર્મનું સતત સેવન કરો. લોકસુખના ધર્મોનો ત્યાગ કરો. નિરંતર સાધુજનની સેવા કરો, કામતૃષ્ણાનો ત્યાગ કરો. અવિલંબે અન્યના ગુણ-દોષોનો વિચાર કરવાનો સર્વથા પડતો મૂકો, પુષ્કળ પ્રમાણમાં હરિસેવાપરાયણ, હરિકથારસપાનપરાયણ બનો.’ (શ્લોક 79-80) અધ્યાય 4.
શ્રીમદ ભાગવતમાં અને મહાભારતમાં, વેદ વ્યાસે એક જ વાત કહી છે! જે સંતાન માતા-પિતાનું કહ્યું ન માને, એમને તિરસ્કૃત, અપમાનિત કરે કે એમની સલાહને અવગણીને દુર્વ્યવહાર કરે એ સંતાન વિનાશને માર્ગે જાય, ત્યારે માતા-પિતાની જવાબદારી રહેતી નથી. સંતાનનો મોહ હોવો, એમાં કશું ખોટું પણ નથી. એક વ્યક્તિ જ્યારે પોતાના ડીએનએમાંથી બાળકને જન્મ આપે કે, એક સ્ત્રી જ્યારે નવ મહિના કૂખમાં રાખીને એક જીવને આ ધરતી પર લાવે, ત્યારે એને પોતાના સંતાન માટે પ્રેમ હોય, લાગણી હોય એ સ્વાભાવિક નથી? સંતાનની કેટલીક ભૂલોને માતા-પિતા ક્ષમા કરે એ પણ એટલું જ સહજ છે. માતા-પિતાની સહનશક્તિની મર્યાદા અલગ-અલગ હોય છે. કેટલાંક માતા-પિતા લાંબા સમય સુધી ક્ષમા કરી શકે અને સંતાનના બદલાવાની, એનામાં સુધાર થવાની આશાએ એની એક પછી એક ભૂલ ઇગ્નોર કરી શકે, પરંતુ આ ક્યાં સુધી કરવું એનો નિર્ણય તો અંતે માતા-પિતાએ જ કરવો પડે ને? માત્ર આપણે જન્મ આપ્યો છે એટલા ખાતર એના પાપ-પુણ્યની કે ભૂલોની જવાબદારી પણ આપણે લેવી એવું ન હોઈ શકે.
એ જ મહાભારતમાં ઉદ્યોગપર્વમાં યાનસંધિપર્વ અંતર્ગત 58મા અધ્યાયમાં ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનનો સંવાદ છે. જેમાં અહંકારી દુર્યોધન કહે છે, ‘હે તાત! મેં અને કર્ણે આ રણયજ્ઞ માંડ્યો છે. યુધિષ્ઠિરને એ યજ્ઞમાં પશુ ગણીને એની બલિ આપવા માટે યજ્ઞની દીક્ષા લીધી છે. અમે બંને આત્મયજ્ઞ વડે રણમાં યમરાજનું આહ્્વાન કરીશું, વિજય મેળવીશું, શત્રુઓને હણીશું અને રાજ્યથી સંપન્ન થઈને પાછા આવીશું.’ ત્યારે ધૃતરાષ્ટ્ર સૌને સંબોધીને કહે છે, ‘યમલોકમાં જવા તૈયાર થયેલા, તું મૂર્ખ છે. તેથી મને તમારો સર્વનો શોક થાય છે. યુધિષ્ઠિર બાળપણથી જ ક્ષાત્રતેજથી યુક્ત અને બ્રહ્મચારી છે. હું વલોપાત કરું છું, છતાં મારા મૂર્ખ પૂત્રો તે યુધિષ્ઠિરની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છે! ઓ દુર્યોધન! હે ભરતોત્તમ! તું યુદ્ધ કરવાનું માંડી વાળ. વિદ્વાનો કોઈ પણ અવસ્થામાં યુદ્ધને વખાણતા નથી. તારા મંત્રીઓ સાથે તને આજીવિકા માટે અર્ધી પૃથ્વી પૂરતી છે, તેથી તું આ પાંડુપુત્રોને યથાયોગ્ય ભાગ આપી દે. હે પુત્ર! તું આ તારી પોતાની જ સેના તરફ દૃષ્ટિ કર. એ તારો વિનાશ સૂચવે છે, પરંતુ તું મોહને લીધે સમજતો નથી.’ ધૃતરાષ્ટ્રને જવાબદાર ઠેરવતાં પહેલાં કે ગાંધીને ગુનેગાર ગણતાં પહેલાં એક વાર સંતાનની ઉદ્દંડતા પણ સમજવી પડે... જે સંતાન માતા-પિતાને સન્માન નથી આપી શકતા કે જેમને પોતાના જન્મ અને ઉછેરનું ઋણ પણ નથી સમજાતું એ કુદરતનું, ઇશ્વરનું કે સમાજનું ઋણ કઈ રીતે સમજવાનાં છે?
[email protected]

X
article by kajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી