માય સ્પેસ- કાજલ ઓઝા વૈદ્ય / આજ બિછડે હૈં, કલ કા ડર ભી નહીં

article by kajalozavaidya

Divyabhaskar.com

Jul 22, 2019, 01:10 PM IST

માય સ્પેસ- કાજલ ઓઝા વૈદ્ય
દિલ્હી હાઈકોર્ટે ગયા અઠવાડિયે છૂટાછેડાના બે કેસમાં રસપ્રદ ચુકાદા આપ્યા. પહેલા કેસમાં લગ્નનાં 28 વર્ષે એક પતિએ છૂટાછેડા માગ્યા હતા. એણે છૂટાછેડા માટેનું કારણ એવું આપ્યું કે પત્ની રસોઈ નથી બનાવતી અને પતિ સાથે સારી રીતે નથી વર્તતી અથવા સહાનુભૂતિ નથી રાખતી. હાઈકોર્ટે કહ્યું કે આ છૂટાછેડાનું કારણ ન હોઈ શકે. બીજા કિસ્સામાં પત્ની સતત કેસ કરવાની ધમકી આપતી હતી. આખી રાત ઝઘડો કરતી હતી અને પતિ સૂઈ શકતો નહોતો જેને કારણે એના વ્યવસાય ઉપર અસર થતી હતી. આ કારણસર દિલ્હી હાઈકોર્ટે બીજા યુગલના છૂટાછેડા મંજૂર રાખ્યા.
અહીં મજાની વાત એ છે કે રસોઈ ન બનાવવાથી પત્ની ગુનેગાર બનતી નથી અથવા એટલા જ કારણસર છૂટાછેડા ન આપી શકાય એ ચુકાદાને કારણે સ્ત્રીની ભૂમિકા જરા જુદા લેવલ પર તપાસવાની એક શક્યતા ઊભી થઈ છે. સ્ત્રીની જવાબદારી માત્ર રસોઈ બનાવવાથી પૂરી થતી નથી કે નહીં બનાવવાથી અધૂરી રહેતી નથી, તો બીજા કિસ્સામાં દરેક વખતે સ્ત્રી જ ગરીબડી, બિચારી કે શોષિત-પીડિત હોય એવું જરૂરી નથી. ભણેલી, કમાતી, સંભ્રાત પરિવારમાંથી આવતી પૈસાવાળાં માતા-પિતાની દીકરીઓ ઘણી વાર પતિ કે સાસુ-સસરાની જિંદગી મુશ્કેલ બનાવે છે. 458ના ખોટા ઉપયોગની ફરિયાદ થવા લાગી છે તો બીજી તરફ સ્ત્રીએ માથું ઊંચક્યું છે.
વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી અટકાવવા માટે દુકાનો તોડતા અને પ્રેમીઓને ફટકારતા સંસ્કૃતિના રક્ષકો આ વધી રહેલા છૂટાછેડા વિશે કે બીજી સામાજિક સમસ્યાઓ વિશે કેમ કંઈ કરતા નથી? સ્ત્રીએ કેવાં કપડાં પહેરવાં જોઈએ એ વિશે પોતાનો નિર્ણય જાહેર કરીને જો સ્ત્રી એ ઈમેજની બહાર નીકળે તો એના પર બળાત્કાર જસ્ટિફાય કરનારા લોકો, લિવ ઇન રિલેશનશિપની સામે પડેલા આ છૂટાછેડા વિશે કેમ કશું કરતા નથી? ત્યાં કેમ સંસ્કૃતિ હચમચતી નથી? ખરેખર તો આ દેશના ભવિષ્યની ચિંતા કરનારા દરેક માણસે ભાંગી રહેલા પરિવારો અને વધી રહેલા છૂટાછેડાની ચિંતા કરવી જોઈએ.
છેલ્લા કેટલાય સમયથી આપણે છૂટાછેડાના અનેક કિસ્સા સાંભળીએ છીએ. બાળપણથી સાથે ઉછર્યા હોય, પ્રેમમાં પડ્યા હોય, સમજી-વિચારીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હોય તેમ છતાં થોડાક જ મહિનામાં છૂટાં પડેલાં યુગલોના કિસ્સા આપણી આસપાસ પણ જોવા મળે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં મોટી ઉંમરે અથવા લાંબા લગ્નજીવન પછી છૂટાછેડા લેવાના કિસ્સા વધતા જાય છે. સમાજ કે જ્ઞાતિના મોભીઓ આ વિશે ચિંતિત છે. છૂટાછેડા એ સામાજિક દૂષણ છે એવું માનનારા ઘણા લોકો છૂટાછેડા અટકાવવાના સઘન અને ગંભીર પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે આપણે બધા હવે એક અસહિષ્ણુતાના એવા દાયરામાં પ્રવેશી ગયા છીએ જ્યાં માણસ, માણસને સહન કરી શકતા નથી. આજથી બે-ત્રણ દાયકા પહેલાં લગ્નનું મહત્ત્વ અને એના અંગેની સમજણ જરા જુદા પ્રકારની હતી. મોટાભાગના લોકો માટે લગ્ન એ જીવનભર નિભાવવાનો એક મહત્ત્વનો સંબંધ હતો. બદલાતા સમય સાથે લગ્ન એ કામચલાઉ વ્યવસ્થા અથવા જીવન માટેની એક એવી જરૂરિયાત છે જેમાં મજા પડે કે ફાવે તો ઠીક છે, નહીં તો ઘરની જેમ કે નોકરીની જેમ બદલી શકાય.
આ સારું છે કે ખરાબ, સમાજ માટે દૂષણ છે કે અંગત જિંદગી માટે ફાયદાકારક એ વિશેની ચર્ચા કરવાને બદલે આનાં કારણોમાં ઊતરવાની વધુ જરૂર છે. છૂટાછેડાને કારણે આપણા દેશમાં હજીયે પરિવારો છિન્ન-ભિન્ન થાય છે. પુરાણા વિચારનાં માતા-પિતા હોય તો એમના જીવન પર અસર થાય છે અને જો સંતાનો હોય તો એમનું ભવિષ્ય, માનસિકતા અને વ્યક્તિત્વ ઉપર માતા-પિતાના ઝઘડાની કે છૂટાછેડાની અસર થયા વગર રહેતી નથી.
એકબીજા સાથે સમજદારી સાધવાની, એકબીજાને ઓળખવાની કે સમય આપવાની ધીરજ મોટા ભાગનાં યુગલોમાં નથી હોતી. ખરેખર તો પહેલું વર્ષ એકબીજાને ઓળખવાનું, સમજવાનું અને એકબીજાની નજીક આવવાનું વર્ષ છે. આ સમય દરમિયાન બંને જણાને પોતપોતાની જરૂરિયાત અને સામેની વ્યક્તિની અપેક્ષા સમજાય છે. પોતાના અવગુણ અને સામેની વ્યક્તિના ગુણો ઓળખવાનો આ સમય છે. એને બદલે સાવ ઊંધું થાય છે. મોટા ભાગનાં યુગલો પોતાની અપેક્ષા જોરશોરથી જણાવી દે છે અને સામેની વ્યક્તિની જરૂરિયાત સાંભળવાનો કે સમજવાનો પ્રયાસ સુધ્ધાં કરતા નથી. બીજી બાબત એ છે કે સામેની વ્યક્તિના ગુણો જોવાને બદલે એને શું નથી આવડતું, એ શું નથી કરી શકતા, એ ક્યાં ઊણા ઊતરે છે એના ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે.
લગ્ન એ કોઈને સુધારવાનો કે માણસનું જીવન બદલવાનો પ્રોજેક્ટ નથી. એકબીજાને ચાહીને, એકબીજા સાથે આનંદથી જીવવાનો એક સહિયારો પ્રયાસ અને પ્રવાસ છે. કેટલાંક દંપતી એમ માને છે કે પોતાનામાં જે આવડત અને સમજ છે એ એના જીવનસાથીમાં નથી. પોતે વધુ સ્માર્ટ, વધુ વ્યવહારુ, વધુ કુશળ કે વધુ મેટિક્યુલસ છે. એમણે એવું સમજવું જોઈએ કે લગ્ન એ કોઈ હરીફાઈ નથી. ચડિયાતા સાબિત થવાનું કોઈ આ કુરુક્ષેત્ર નથી. એકબીજામાં જે ખામી કે ક્ષતિ હોય એને સમજીને એકબીજાના પૂરક બનવું એને લગ્ન કહેવાય.
આ બધી ફિલોસોફી પોતાની જગ્યાએ પણ દેશમાં જે રીતે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે એ જોતાં આપણી પરંપરાઓ અને ભારતીયતાની ચિંતા થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે એ નકારી શકાય એમ નથી. અહીં આપણે પરંપરાની વાત કરીએ છીએ, રૂઢિચુસ્તતા કે સંકુચિત માનસિકતાની વાત નથી જ કરતા. ભારતીય જનસમાજ સદીઓ પહેલાં પણ બહુપત્નીત્વ, સ્વયંવર અને બહુપતિત્વને સ્વીકારી ચૂક્યો છે. અર્થ એ થયો કે આપણે સદીઓ પહેલાં વધુ મુક્ત સમાજમાં જીવ્યા છીએ. હવે પ્રેમ કે લગ્નના નામે જે થઈ રહ્યું છે તે મૂર્ખતા છે. બીજા ધર્મના યુવકો અન્ય ધર્મની યુવતીઓને ફસાવીને લગ્ન કરે એ વટાળપ્રવૃત્તિ મુઘલોના સમયમાં આ દેશમાં શરૂ થઈ, એ પછી ખ્રિસ્તી મિશનરીઓએ પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખી. આજે પણ આદિવાસી વિસ્તારોમાં કે બી અને સી ટાઉનમાં આવી પ્રવૃત્તિ જોવા મળે છે. ઓનરકિલિંગ પણ આપણા સમાજમાં બહુ ભયાનક રીતે ફેલાઈ રહ્યું છે. હજી અઠવાડિયા પહેલાં જ, કહેવાતી ઉચ્ચ જ્ઞાતિની છોકરી ઉર્મિલાને પરણવાની ‘ભૂલ’ કરનાર એક યુવક હરેશને લાઠીથી મારીમારીને અધમૂઓ કર્યા પછી એનું ગળું કાપી નાખવામાં આવ્યું. એનું રક્ષણ કરવા માટે આવેલી અભયમની ટીમ ટોળું જોઈને ભાગી ગઈ! પત્ની બીજાને પ્રેમ કરે તો એને મારી નાખવી, પતિ કોઈના પ્રેમમાં હોય તો એને અને એની પ્રેમિકાને પોતાના ભાઈ કે પરિવારજનની મદદ લઈને મોતને ઘાટ ઉતારી દેવા. આ કયાં પ્રકારનાં લગ્ન છે? આ કયા પ્રકારનો સમાજ આપણી સામે ઊઘડી રહ્યો છે?
ભારતીય લગ્નો અને એની સાથે જોડાયેલી કમિટમેન્ટ અને ભાવનાત્મક બાબતો પશ્ચિમને આકર્ષે છે ને આપણે પશ્ચિમથી આકર્ષાયેલા છીએ. આપણા માટે સ્વાતંત્ર્યનો અર્થ ધીરે ધીરે ઝનૂની સ્વચ્છંદતા કે બેફામ માનસિકતા થવા લાગ્યો છે. લગ્ન સાથે જોડાયેલી જવાબદારી અને સહિષ્ણુતા ધીમે ધીમે બોજ બનવા લાગ્યા છે. એક આખી પેઢી ને એના પછીની પેઢીઓ હવે લગ્ન કરવા માગતી જ નથી. એમને જોઈને એમની પહેલાંની પેઢીને આ સ્વતંત્રતા માણવાનો અભરખો જાગ્યો છે.
જેમ સ્કીનને બોટોક્સ લઈને યુવાન બનાવવામાં આવે છે, વાળ કાળા કરવામાં આવે છે, વધુ ને વધુ યુવાન દેખાવાનો મરણિયો પ્રયાસ કરવામાં આવે છે તે જ રીતે હવે યુવાનોની જેમ બેફામ અને મુક્ત જીવવાનો શોખ 45 વટાવી ગયેલા, 50ની નજીક પહોંચી રહેલા કે એથીયે મોટી ઉંમરના માણસોમાં જાગ્યો છે. નવાઈની વાત એ છે કે આમાં સ્ત્રી-પુરુષનો ભેદ નથી રહ્યો. સામાન્યતઃ સ્થિરતા અને સલામતી ઝંખતી સ્ત્રી હવે પોતે પણ બેફામ અને મુક્ત જીવવા ઝનૂની બની છે.
સારા-ખરાબના લેબલ ન લગાવીએ તો પણ આ બદલાઈ રહેલા સમાજ વિશે થોડુંક વિચારવું તો પડશે. છૂટાછેડા સામાજિક દૂષણ હોય કે નહીં, પરંતુ આ યુવાની માણવાના રહી ગયેલા અભરખા કે નાની-નાની વાતમાં સંબંધોને તોડી-ફોડીને ફગાવી દેવાની આપણી માનસિકતા આવનારી પેઢીઓને વારસામાં આપીશું તો આપણે જેને પાયો બનાવીને ટક્યા છીએ એ ભારતીયતા, સંસ્કૃતિ અને સંબંધોની મજબૂતીનું શું થશે?
[email protected]

X
article by kajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી