એકબીજાને ગમતાં રહીએ - કાજલ ઓઝા વૈદ્ય / સત્ય : કહેવું, સહેવું, સહન કરવું અને સ્વીકારવું...

article by kajalozavaidya

Divyabhaskar.com

Jul 16, 2019, 04:31 PM IST

એકબીજાને ગમતાં રહીએ - કાજલ ઓઝા વૈદ્ય
‘ઉસે મત બતાના, વો નહીં સમજ પાયેગી.’ એક પત્ની પોતાના પતિને કહે છે. લગ્નનાં 25થી વધુ વર્ષ થઈ ગયાં છે, પતિ લંડનમાં અને પત્ની ભારતમાં, હિમાચલ પ્રદેશના કોઈ રિસોર્ટમાં રહે છે. પતિના માતા-પિતા પુત્રવધૂ સાથે રહે છે. પુત્રવધૂએ-પત્નીએ સંતાનોને ઉછેરવાથી લઇને પોતાની જિંદગીને ઠરીઠામ કરવા સુધીનું બધું જ એકલે હાથે પોતાના ખભે ઉપાડ્યું છે. એક દિવસ બાવન વર્ષનો પતિ અચાનક પ્રગટ થાય છે. એની સાથે એક અડધી ઉંમરની છોકરી છે. પતિ આ છોકરી સાથે લગ્ન કરવા માગે છે! ‘પોતાના પરિવાર’ને મેળવવા માટે આ છોકરીને લઈને ભારત આવ્યો છે.
એક રાત્રે, મોટા ફેમિલી ડ્રામાની રડારોળ પછી થાકી ગયેલી, હાંફી ગયેલી, 50ની નજીક પહોંચેલી પત્ની રડતાં-રડતાં કહે છે, ‘મૈં થક ગઈ હૂં. જો સમજદાર હૈ ઉસસે સબ યહી કહતે હૈ, તુમ તો સમજદાર હો ઔર જો નહીં સમજતા ઉસકે હિસ્સે મેં સારી ખુશિયાં, સારી ગૈરજિમ્મેદારી, સારા સુખ ઔર સારી હસરતેં ડાલ દી જાતી હૈ, ક્યોં? ક્યોંકિ જો સમજદાર હૈ ઉસે તો સમજના હી ચાહિએ! લેકિન, નહીં હૂં મૈં સમજદાર. અચ્છી બનતે બનતે થક ગઈ હૂં.’ આ સાંભળી રહેલો પતિ પોતાના અપરાધભાવમાં કે પછી પોતે જે કરી રહ્યો છે એના ક્ષોભમાં એ રાત્રે પોતાની પત્ની સાથે ફરી એક વાર શારીરિક સંબંધ બાંધી બેસે છે. ગર્લફ્રેન્ડ કોટેજમાં છે, એનો પ્રિયતમ રાતભર પાછો આવતો નથી ને સવારે 25 વર્ષે જૂની પત્ની પતિને કહે છે, ‘હમારે બીચ જો કુછ ભી હુઆ, વો ઉસે મત બતાના. વો સમજ નહીં પાયેગી.’
એક સમજદાર, મેચ્યોર, પ્રૌઢ સ્ત્રીની શિખામણને અવગણીને ‘સત્ય’ કહેવા માટે મરણિયો થયેલો, પ્રામાણિકતા પૂરવાર કરવા નીકળેલો પુરુષ 25 વર્ષની છોકરીને ગઈ કાલે રાત્રે જે કંઈ બન્યું એની ‘કબૂલાત’ કરે છે! બસ, પત્નીએ જે ધાર્યું હતું એમ જ થાય છે. છોકરી પોતાના પ્રિયતમને છોડી દેવા તૈયાર થઈ જાય છે. સામાન ભરીને નીકળતી હોય છે ત્યારે મેચ્યોર, સમજદાર અને જિંદગી જોઈ ચૂકેલી પત્ની પોતાના જ પતિની પ્રિયતમાને પૂછે છે, ‘એક બાર સાથ સોને સે પ્યાર હો જાતા હૈ? અગર નહીં, તો એક બાર સાથ સોને સે ખતમ કૈસે હો જાતા હૈ?’
રમત સત્યની નથી, સમજદારીની છે. આ આખોય પ્રસંગ કે કથા, હજી હમણાં જ રજૂ થઈને વખણાયેલી ફિલ્મ ‘દે દે પ્યાર દે’માં રજૂ કરવામાં આવ્યો છે. અજય દેવગણ, જેની દીકરી હવે ફિલ્મોમાં પદાર્પણ કરવા તૈયાર છે, એ રોમેન્ટિક હીરોનો રોલ કરવા માગે તો એણે કેવો રોલ કરવો જોઈએ? આવો સવાલ એની સામે આવ્યો જ હશે. ખાન ત્રિપુટીની જેમ એને માટે પણ હવે મિડલાઇફ ક્રાઇસિસ અને કારકિર્દીની બંને તરફથી બળી રહેલી મીણબત્તી પૂરી થવાની ચિંતા સમસ્યા બનીને સતાવતી જ હશે. આટલા વર્ષો સુધી ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યા પછી જ્યારે ઉંમર એક જગ્યાએ પહોંચી જાય, ત્યારે વધતી વય અને પૂરી થઈ રહેલી કારકીર્દિને સ્વીકારવા માટે 56ની છાતી તો જોઈએ જ. ‘સિંઘમ’માં પાણીમાંથી નીકળતો અદ્્ભુત ફિઝિક ધરાવતો અજય દેવગણ, કે ‘દૃશ્યમ’નો ચાલાક કેબલ ઓપરેટર. એણે પોતાના રોલને સમજીને બદલવાની શરૂઆત કરી છે. ‘દે દે પ્યાર દે’ આનો જ એક નમૂનો છે.
50 વર્ષની સ્ત્રીને સમજાય છે કે, 25 વર્ષની છોકરી શું વિચારતી હોય અને એની અપેક્ષા કે સમજણ શું હોઈ શકે? શક્ય છે કદાચ એની 25 વર્ષની ઉંમરે એને પણ કોઈ સમજદાર વ્યક્તિએ સમજાવી હોત, તો એ પોતાના પતિથી છૂટા પડવાના ઓપ્શનને બદલે કંઈક જૂદું વિચારી શકી હોત! એમના ડિવોર્સ નથી થયાં, કાયદેસર રીતે જોઈએ તો પણ એમનો શારીરિક સંબંધ ઇલિગલ નથી. તેમ છતાં એક સ્ત્રીની સંવેદનશીલતા એટલી છે કે એ પોતાના જ પતિની પ્રિયતમાને દુ:ખ પહોંચાડવા નથી માગતી. દુ:ખનું મુખ્ય કારણ એ છે કે, આપણે બધા ‘સત્ય’ માગીએ છીએ, પણ પચાવી શકતા નથી. સત્ય કાચા પારા જેવું છે. હાથમાં ટકી શકે નહીં. સિંહણના દૂધ જેવું, જેને ઝીલવા માટે મજબૂત પાત્ર જોઈએ. કાચા-પોચાના હૃદયમાં સત્ય ટકી શકે નહીં.
મોટાભાગના સંબંધોમાં આપણી અપેક્ષા એવી હોય છે કે માણસ તરીકે આપણે જેને પ્રેમ કરતાં હોઈએ એ આપણી સાથે સાચું બોલે, કશું છુપાવે નહીં! આ ‘પ્રેમ’ના સંબંધમાં માત્ર પુરુષ-સ્ત્રી, પતિ-પત્ની નથી, આપણા સંતાનો આપણી સાથે સાચું બોલે, માતા-પિતા આપણી સાથે સાચું બોલે, મિત્રો કે અન્ય વ્યક્તિ જેને આપણે પોતાની ગણતાં હોઈએ, એ આપણી સાથે સાચું બોલે એવી અપેક્ષા હોય છે. આ સ્વાભાવિક છે. જૂઠના પાયા પર કોઈ સંબંધ ટકી શકતો નથી. એ પણ એટલું જ સત્ય છે, તેમ છતાં સમજવાની વાત એ છે કે, સત્ય સાંભળવાનો આગ્રહ સત્ય સ્વીકારવાની કેપેસિટીથી વધુ ન હોવો જોઈએ. મોટાભાગના લોકોની સત્ય પચાવવાની, સ્વીકારવાની કે સાંભળી લીધા પછી એની સાથે કામ પાડવાની આવડત, સમજ અને કેપેસિટી ઓછી હોય છે. આપણે એમ માનીને ચાલીએ છીએ કે સત્ય પણ ‘આપણને ગમે તેવું’ હોવું જોઈએ! આવું કઈ રીતે બને? સત્ય તો સત્ય છે. ગમા-અણગમાથી પર, સુખ-દુ:ખની બહાર અપેક્ષા અને સ્વીકારની સીમા સત્યને નડતી નથી. સત્યનું પોતાનું અસ્તિત્વ છે, જે બદલવામાં આવે તો જૂઠ બની જાય છે.
જે બન્યું, જેમ બન્યું એમ જ સાંભળવું હોય, તો એ સાંભળવા માટે આપણામાં તૈયારી હોવી જોઈએ. જે ઘટના આપણને સંભળાવવામાં કે કહેવામાં આવે, જે કબૂલાત કે સત્ય આપણી સામે ઉઘાડવામાં આવે એ આપણે ધાર્યું હોય એ જ નીકળે એવું વચન કેવી રીતે માગી શકાય? આપણા મોટાભાગના સંબંધો ‘સત્ય’ને કારણે તૂટે છે. કાં તો સત્ય નહીં કહેવાને કારણે અથવા સત્ય કહેવાને કારણે. લગ્ન પહેલાંનો અફેર, સંતાનનો પ્રેમસંબંધ, પતિ કે પત્નીનો લગ્નેતર સંબંધ, ધંધામાં ખોટ, નોકરી છૂટી જવી કે માતા-પિતાને મળવા જવું, એમને પૈસા આપવા જેવી અનેક બાબતો એકબીજાને પ્રેમ કરતી વ્યક્તિઓ એકબીજાથી છુપાવે છે. આનું કારણ એ નથી કે જેને પ્રેમ કરીએ છીએ એને છેતરવાની મજા આવે છે. હકીકત છુપાવવાનું કારણ એ છે કે સત્ય જણાવવાથી સામેની વ્યક્તિને દુ:ખ થશે કે ગુસ્સે થશે અથવા એને પીડા થશે, જે આપણા માટે પણ એટલું જ પીડાદાયક કે અસહ્ય પૂરવાર થશે. આપણી પ્રિય વ્યક્તિને દુ:ખ થાય એનાથી આપણને પણ દુ:ખ થાય જ. ક્યારેક પરિવારમાં કલહ થાય જેની અસર સંતાન ઉપર કે સાથે રહેતા વૃદ્ધ માતા-પિતા ઉપર થાય. આવું બધું ટાળવા માટે કદાચ કોઈ જુઠ્ઠું બોલે કે સત્ય છુપાવે (આ બે વચ્ચે પણ ફેર છે) તો પહેલાં તો એના સત્યના કારણમાં ઊતરવું જોઈએ. જો એ સત્ય બોલ્યા હોત, કે ઘટના જેવી છે તેવી કહી દીધી હોત, તો આપણે સાંભળી શક્યાં હોત? આ પહેલો સવાલ છે. બીજો સવાલ એ છે કે ‘સત્ય’ સાંભળી લીધા પછી આપણે શું કર્યું હોત?
મોટાભાગના લોકો સંબંધને પોતાના હાથમાં પકડેલા અપેક્ષા અને ધારણાના રિમોટ કંટ્રોલથી ચલાવવા માગે છે. મને જે જોઈએ છે તે નહીં હોય તો સંબંધ વિખરાઈ જશે, એવું માનીને જીવનારાઓની સંખ્યા મોટી છે. સચ્ચાઈ તો એ છે કે દરેક વ્યક્તિ પાસે પોતાનું મન, મગજ, શરીર અને સમજણ છે. દરેક વ્યક્તિ પોતાની જિંદગી પોતાની રીતે જ જીવવા માગે છે. સ્વતંત્રતા એ માણસના મનની ફંડામેન્ટલ-બેઝિક-મુખ્ય જરૂરિયાત છે. આપણે જ્યારે સામેની વ્યક્તિને આપણી મરજી, અપેક્ષા, ઇચ્છા મુજબ જીવવાનો આગ્રહ કરીએ છીએ, ત્યારે એને જુઠ્ઠું બોલવા માટે મજબૂર કરીએ છીએ. એને માટે પ્રેમ અને ઇચ્છા વચ્ચેનો આ સંઘર્ષ અંતે એને અસત્ય તરફ દોરી જાય છે! જો સાચે જ સત્ય સાંભળવાનો, જાણવાનો આગ્રહ હોય તો પહેલાં એને પચાવવાની તૈયારી કરી લેવી જોઈએ. સત્યનો અપચો સંબંધ માટે ઝેર પૂરવાર થાય છે.
[email protected]

X
article by kajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી