એકબીજાને ગમતાં રહીએ / પાપા કહેતે હૈ, બડા નામ કરેગા...

article by kajalozavaidya

આપણે જે સંતાનને ઉછેરી રહ્યા છીએ એના ઉછેરના પાયામાં જ જવાબદારી અને કર્તવ્યનિષ્ઠા રેડવા પડશે. આપણે આપણા સંતાનની નજર સામે ખોટું કરીએ ને પછી આશા રાખીએ કે આપણા બાળકો સારા માણસ બને, આવું શક્ય છે ખરું?

કાજલ ઓઝા વૈદ્ય

May 29, 2019, 12:58 PM IST

થોડા દિવસ પહેલાં અમદાવાદના ભરચક રસ્તા ઉપર ફૂલ ટ્રાફિકમાં 23-24 વર્ષના એક જુવાનિયાએ બીએમડબલ્યુ ગાડી ઊંધી દિશામાં ચાર રસ્તા ઉપર ટર્ન લેવા માટે વાળી. આખો ટ્રાફિક જામ થઈ ગયો. અમદાવાદમાં જેણે પ્રવાસ કર્યો હશે કે ગાડી ચલાવી હશે એને ખબર જ હશે કે અમદાવાદમાં એક વાર કોઈ ટ્રાફિક લોક કરે, પછી બાકીના બધા લોકોની 15 મિનિટથી અડધો કલાક બગડે. બીજી વ્યક્તિએ ઊતરીને આ ટ્રાફિકનું લોક ખોલવાનો પ્રયત્ન કર્યો. એમણે એ છોકરાને આગળ જઈને ગાડી સહેજ ખસેડવાની વિનંતી કરી, પણ એની સાથે બેઠેલા બીજા બે છોકરાઓ નીચે ઊતર્યાં. એમણે પેલા પ્રૌઢ વ્યક્તિને ધક્કા મારવા માંડ્યા, અપશબ્દો બોલવાની શરૂઆત કરી. એ પ્રૌઢ વ્યક્તિ તો બધાં લોકોના ભલા માટે મદદ કરવા માગતા હતા, પરંતુ આ ત્રણ છોકરાઓએ ઇગો પ્રોબ્લેમ બનાવીને વાતને એટલી ગૂંચવી કે છેલ્લે પોલીસને બોલાવવી પડી! લગભગ દોઢ કલાક બગડ્યા પછી પરિસ્થિતિ એવી થઈ કે એ છોકરાઓ ગાડી સ્ટાર્ટ કરીને ભાગી ગયા. પોલીસ આવી ત્યારે આ છોકરાઓ નહોતા.
આ દૃશ્ય જરાય નવું નથી, માત્ર અમદાવાદનું પણ નથી! વિકસી ગયેલા કે વિકસી રહેલા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા ન સમજી શકાય અને કંટ્રોલ ન કરી શકાય એ રીતે વકરી રહી છે. આમાં માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જવાબદારી નથી. ટ્રાફિક પોલીસ કરપ્ટ છે કે પોલીસ ધ્યાન નથી આપતી, બેસી રહે છે, આળસુ છે આવું બધું કહીને છૂટી જવું સરળ છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે જેના માટે આ કાયદા બનાવવામાં આવ્યા છે એ લોકો કેવું અને કેટલું કાયદાનું પાલન કરે છે? કોઈ પણ સરકાર કાયદા બનાવવાનું કામ કરે, ટ્રાફિક હોય કે ક્રાઇમ, અંતે આ કાયદા નાગરિકોના ભલા માટે, એમની જીવન વ્યવસ્થાને વધુ સારી રીતે ગોઠવી શકાય એ માટે બનાવવામાં આવતા હોય છે. આપણે ભારતીયો ખાસ કરીને અમદાવાદીઓ અને ગુજરાતીઓ તો એમ માને છે કે જગતનો દરેક કાયદો તોડવામાં જેટલી બહાદુરી છે, એટલી બીજે ક્યાંય નથી. માતા-પિતા પોતાના નાનકડા કે ટીનએજ બાળકની હાજરીમાં પોલીસને લાંચ આપે, શરૂઆત ત્યાંથી થાય. એથી આગળ વધીને નાનકડો ડેન્ટ પડ્યો હોય કે કોઈની સાથે ગાડી ઘસાઈ હોય કે કોઈની સાથે અથડાયા હોઈએ તો ગાળ બોલીને ભાગી જવું એ ગુજરાતીની સૌથી મોટી આવડત અને ઉપલબ્ધિ છે. કદાચ કોઈના મનમાં રામ વસે, ઊભા રહે તો ઊતરીને પહેલું કામ હાથ ઉપાડવાનું અને ગાળાગાળી કરવાનું હોય છે. જ્યારે જ્યારે એક્સિડેન્ટ થાય ત્યારે પોતાનો વાંક તો છે જ નહીં એમ માનીને વાહન પરથી કે વાહનમાંથી નીચે ઉતરનારા ગુજરાતીઓ એમ માનીને ચાલે છે કે એમણે ગુનો કર્યો જ નથી. સામેવાળાનો વાંક હોય તો જ એક્સિડન્ટ થાય આવી આપણી દૃઢ માન્યતા છે!
સવાલ ટ્રાફિકનો હોય કે બીજા કોઈ પણ કાયદાનો. બિલ્ડિંગમાં ચોકીદાર પાર્કિંગ કરવાની ના પાડે કે કોઈ કાર્યક્રમમાં આપણી પાસે પાસ ચેક કરવા માટે માગે, આપણને ક્યાંક બૂમો પાડવાની ના પાડે કે કોઈક જગ્યાએ ખાવાની કે બેસવાની મનાઈ કરવામાં આવે તો એ બધું પહેલાં જ કરવું, એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. જેને સિક્યોરિટી, સેફ્ટી કે વ્યવસ્થા માટે નોકરીએ રાખવામાં અાવ્યા છે, એનું આ કામ છે તેમ છતાં ‘એ મને પૂછનારો કોણ?’ એવો સવાલ પૂછતાં આપણને જરાય ખચકાટ કે શરમ થતા નથી. સિનેમાગૃહમાં મોટેથી બોલવું, લિફ્ટમાં ધક્કા મારવા કે ગમે ત્યાં થૂંકવું એ આપણી પ્રિય પ્રવૃત્તિઓ છે! થોડા દિવસ પહેલાં એક સિનેમા થિયેટરની લિફ્ટ આગળ એક નાની બાળકી વારંવાર લિફ્ટનું બટન દબાવતી હતી. લાઇનમાં ઊભેલી એક વ્યક્તિએ અનાયાસે એની મમ્મી સામે જોયું. જોનારનો આશય કદાચ એવો હતો કે આ બાળકી વારંવાર બટન દબાવી રહી છે એને રોકો તો સારું. ભણેલીગણેલી, ફ્રોક પહરેલી સ્માર્ટ મમ્મી એ નજરનો આશય સમજી, પણ એણે એની ત્રણ-ચાર વર્ષની દીકરીને કહ્યું, ‘યુ વોન્ટ ટુ પ્રેસ? (તારે બટન દબાવવું છે?) યુ કેન... ડોન્ટ વરી (તું તારે બટન દબાવ, જરાય ડરતી નહીં)’ માત્ર અહંકાર કે ઇગોમાં કહેવાયેલી આ વાત કદાચ મમ્મી સામે જોનાર વ્યક્તિ માટે અપમાન હશે, પણ એથી વધુ તો એ છોકરી માટે ખોટું શિક્ષણ હશે. એની મમ્મીને કદાચ કલ્પના પણ નહીં હોય કે સામેની વ્યક્તિનું અપમાન કરવા માટે કહેવાયેલી વાત એની દીકરીના જીવનમાં ખોટી છાપ છોડી જશે, જેને કારણે એ છોકરીના વ્યક્તિત્ત્વમાં બિનજરૂરી ઇગો અને જાહેર મિલકતને નુકસાન કરવાની વિચિત્ર મનોવૃત્તિ ઉમેરાશે.
કાયદા તોડવા કે જાહેર મિલકતને નુકસાન કરવું એમાં કોઈ બહાદુરી નથી. આપણને વિદેશ માટે બહુ અહોભાવ છે. અમેરિકા જઈને આવનારા કે યુરોપ ફરીને આવનારા લોકોને આપણે અવારનવાર કહેતાં સાંભળ્યાં છે, ‘પબ્લિક ટોઇલેટ’ કેટલા ચોખ્ખા હોય છે, પરંતુ જેને આપણે ‘પબ્લિક ટોઇલેટ’ કહીએ છીએ એ આપણી મિલકત છે, સરકારી કર એટલે કે આપણા ટેક્સ અને આપણે ચૂકવેલા પૈસામાંથી બનાવવામાં આવેલી મિલકત. એરપોર્ટના બાથરૂમ્સ પ્રમાણમાં ચોખ્ખા હોય છે, કારણ કે ત્યાં પ્રવાસ કરતા લોકો મોટાભાગે ભણેલા-ગણેલા હોય છે, પરંતુ એસ.ટી., રેલવે સ્ટેશન કે ટોલબૂથ ઉપર ઊભી કરવામાં આવેલી પબ્લિક ટોઇલેટની સુવિધાનો દુરુપયોગ કરનારા, એને ગંદું રાખનારા કોઈ બીજા નથી, આપણે જ છીએ. સાફ કરવા માટે માણસ રાખ્યા હોય એ સામાન્યત: ટોઇલેટની અંદર આખો દિવસ વિતાવે છે. આપણે એરપોર્ટ ઉપર સો રૂપિયાનું પાણી પી શકીએ, દોઢસો રૂપિયાના સમોસા ખાઈ શકીએ, પરંતુ આખો દિવસ ટોઇલેટ સાફ કરનાર વ્યક્તિને પચાસ રૂપિયા આપવાનો વિચાર કોઈને આવતો નથી! હા, એણે જો ટોઇલેટ સાફ ન રાખ્યું હોય તો તરત ફરિયાદ કરવાનું આપણે સૂઝે છે!
આપણે બધાં બીજાને એમની ફરજો યાદ કરાવવા માટે ઘણા ઉત્સાહી હોઈએ છીએ. કોણ શું નથી કરતું એનું આપણી પાસે લાંબું લિસ્ટ છે. એ સરકાર કે જાહેર સેવાઓ પૂરતું મર્યાદિત નથી, પરિવારમાં પણ કોણ પોતાની જવાબદારી પૂરી નથી કરતું એ વિશે આપણે ઘણું કહેવાનું હોય છે. આપણે શું કરીએ છીએ અથવા આપણી કઈ જવાબદારી આપણે પૂરી નથી કરતા એ જોવાનો કે જાણવાનો આપણે પ્રયત્ન પણ નથી કરતા. કોઈ આપણી જવાબદારી યાદ કરાવવા આવે તો એ વિશે ગંભીરતાથી વિચારવાને બદલે આપણે વળતો હુમલો કરીએ છીએ. આપણે શું નથી કર્યું, કે આપણી કઈ જવાબદારી પૂરી નથી થઈ એ વિશે જો પરિવારમાંથી કોઈ વડીલ કે સ્વજન કંઈ કહેવાનો પ્રયત્ન કરે તો એને કેવી રીતે ઉતારી પાડવા, ચૂપ કરી દેવા અને કઈ રીતે એમને એમની જવાબદારી યાદ કરાવીને એ શું નથી કરતાં એ બાબતે સણસણતી સંભળાવી દેવી એ આપણો મુખ્ય ઉદ્દેશ હોય છે. વોટિંગ કર્યું હોય કે નહીં, પણ સરકાર શું નથી કરતી એ વિશે આપણે ઘણું કહેવાનું છે. આપણે ટ્રાફિકના કાયદા પાળીએ કે નહીં, પણ પોલીસ બીજાને જવા દે છે કે પોલીસનું ધ્યાન નથી એ વિશે આપણી પાસે ઘણી ફરિયાદો છે! સચ્ચાઈ તો એ છે કે, દુનિયાનો કોઈ પણ કાયદો કે જવાબદારી વ્યક્તિગત બાબત છે. આપણે જે સંતાનને ઉછેરી રહ્યા છીએ એના ઉછેરના પાયામાં જ જવાબદારી અને કર્તવ્યનિષ્ઠા રેડવા પડશે. આપણે આપણા સંતાનની નજર સામે ખોટું કરીએ, કાયદાનું ઉલ્લંઘન, સ્વજન સાથે ઉદ્દંડતા અને તોછડાઈ, વાતે-વાતે ઇગો પ્રોબ્લેમ... ને પછી આશા રાખીએ કે આપણા બાળકો સારા માણસ બને, આવું શક્ય છે ખરું? બીએમડબલ્યુ લઈને ટ્રાફિક લોક કરીને અંતે ભાગી ગયેલા આ ત્રણ છોકરાઓ પોતાના વર્તન માટે જેટલા જવાબદાર છે, એનાથી વધુ કદાચ એમનાં માતા-પિતા અને એમનો ઉછેર જવાબદાર છે.
[email protected]

X
article by kajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી