એકબીજાને ગમતાં રહીએ- કાજલ ઓઝા વૈદ્ય / ગયા વર્ષ અને આવતા વર્ષની વચ્ચે...

article by kajalozavaidya

Divyabhaskar.com

Dec 31, 2019, 12:05 PM IST
એકબીજાને ગમતાં રહીએ- કાજલ ઓઝા વૈદ્ય
વર્ષનો છેલ્લો દિવસ... આવતી કાલથી 2020ની સાલ શરૂ થશે! ટ્વેન્ટી-ટ્વેન્ટીનું વર્ષ, વીતેલી ઘટનાઓનો હિસાબ અને આવનારા દિવસોનું ભવિષ્ય કથન. બંને આમ જોવા જઈએ તો, કેટલું નકામું અને ફ્યુટાઈલ છે એની આપણને ત્યારે જ સમજ પડે છે જ્યારે એ દિવસો કે વર્ષોને પાછા વળીને જોઈએ. સમય ક્યાં જાય છે એનું કોઈ માપ કે પરિમાણ રહેતું નથી. લગભગ દરેક માણસ ઝડપથી વીતી રહેલા સમય વિશે ફરિયાદ કરે છે. લગભગ દરેક માણસને મળતા ચોવીસ કલાકથી શરૂ કરીને એને મળેલી જિંદગીના વર્ષો ઓછા છે એવું એને લાગે છે. કારણ કદાચ એ છે કે આપણે બધાં જ શું કરવું છે એ સમજવામાં વાર લગાડીએ છીએ, કદાચ સમજાઈ જાય તો શરૂ કરવામાં તો ઢીલ કરીએ જ છીએ અને એક વાર શરૂ કર્યા પછી પણ એને પૂરું કરીશું જ અથવા જે કરવું છે તે જ કરીશું, એવું કોઈ વચન આપણે આપણી જાતને આપ્યું નથી.
નવાઈની વાત એ છે કે વર્ષના અંતે જ્યારે આપણે વીતેલા દિવસોનો હિસાબ કરીએ ત્યારે એક યા બીજી બાબત બાકી રહી ગયાનો, ન થઈ શક્યાનો અફસોસ આપણને થાય જ છે. વર્ષ પૂરું થાય ત્યારે પરિવાર સાથે સમય ન વિતાવ્યાનો, કોઈ કોન્ટ્રાક્ટ ખોઈ દીધાનો, તક ગુમાવ્યાનો, પ્રિયજનને ખોઈ બેઠાનો, દોસ્તી તોડી નાખ્યાનો કે સમય, સ્વાસ્થ્ય વેડફી દીધાનો અફસોસ આપણને થાય છે. ઝઘડામાં કે લડાઈમાં બરાબર જવાબ ન આપ્યાનો, આપણા હાથમાં ચાન્સ હોવા છતાં કોઈકને પાઠ ન ભણાવ્યાનો, લોકોને સીધા ન કર્યાનો પણ અફસોસ થાય છે ક્યારેક. આશ્ચર્ય એ વાતનું છે કે ક્યારેક આપણને ક્ષમા કરી દીધાનો પણ અફસોસ થાય છે અને ક્યારેક વેર લીધાનો પણ અફસોસ થાય છે! વર્ષ પૂરું થાય ત્યારે અખબારો વીતેલા વર્ષની સમીક્ષા કરે છે, એમ આપણે પણ માણસ તરીકે વીતી ગયેલા વર્ષની સમીક્ષા કર્યા વગર રહી શકતા નથી, પરંતુ વીતી ગયેલા વર્ષ વિશેનો અફસોસ આમ તો અર્થહીન જ છે ને? કદાચ એથી જ વીતેલા વર્ષને ઊજવવાનો એક નવો સંકલ્પ આપણી સામે મૂકાયો છે. દિવાળી હોય કે અંગ્રેજી નવું વર્ષ, જે વીતી ગયું છે તે વર્ષને ઊજવીને નવા વર્ષનો વિચાર પૂર્વ અને પશ્ચિમ બંનેએ સ્વીકાર્યો છે. જે ચાલ્યું જ ગયું છે એનો અફસોસ શું કામ કરવાનો? જેમાં કંઈ બદલી શકાય તેમ છે જ નહીં, એના વિશેનો તરફડાટ, ઉશ્કેરાટ કે અફસોસ કરવાને બદલે નવા વર્ષને નવેસરથી શરૂ કરવાની આ ફિલોસોફી અથવા સમજણ પૂર્વ અને પશ્ચિમ બંનેએ સ્વીકારી છે. તદ્દન જુદી ફિલોસોફી અને માનસિકતામાં ઉછરેલી આ બંને સંસ્કૃતિઓ પણ જે ગયું તેને વિશે અફસોસ નહીં કરવા વિશે એકમત છે!
આપણી જિંદગી પણ આમ તો વીતી રહેલા વર્ષ જેવી જ છે. ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો. ટ્વેન્ટી-ટ્વેન્ટીના વર્ષમાં આપણે ગમે તેટલો પ્રયાસ કરીએ તો પણ 2019નું વર્ષ પાછું નથી આવતું, એવી જ રીતે ગમે તેટલું સારું વીત્યું હોય તો પણ 2016ના, 08ના, 05ના વર્ષમાં પાછા જવું સંભવ નથી, ખરું ને? જિંદગીના જે વર્ષો વીતી જાય છે એ વર્ષોને ફરી પાછા પામવા કે મેળવવા અસંભવ છે. છતાં આપણે એ વર્ષોનું મૂલ્ય કરતાં નથી. વીતેલા વર્ષને ઊજવવાને બદલે જિંદગીના અંતકાળે મોટા ભાગના લોકોને એક યા બીજી વાતનો અફસોસ હોય છે. આપણે બધાં સમજીએ છીએ, કે જે ગયું તેના વિશે કોઈ સમજી નહીં શકે તેમ છતાં, અફસોસ કેમ છૂટતો નથી?
કેટલાય લોકો પોતાના અપમાનને ભૂલતા નથી, પોતાની સાથે થયેલો દગો, નુકસાન કે પીડાને પંપાળી-પંપાળીને વીતેલા વર્ષમાંથી નવા વર્ષ તરફ લઈ જવાની પ્રવૃત્તિ નકામી છે, એવી ખબર હોવા છતાં એ પ્રવૃત્તિમાંથી મુક્ત થઈ શકાતું નથી. આવનારા વર્ષ પાસે પુષ્કળ શક્યતાઓ છે, આવનારી જિંદગી પાસે પણ પુષ્કળ શક્યતાઓ છે. જિંદગીના છેલ્લા થોડા દિવસો બાકી હોય તો પણ પૂર્ણ આનંદથી અને સ્નેહથી જીવી શકાય છે. જે બચ્યું છે એના ઉપર ફોકસ કરવાને બદલે જે ગયું છે, પાછું નહીં જ ફરે એના ઉપર આપણું ધ્યાન વધારે હોય છે... કદાચ એટલે જ જિંદગી અઘરી, મુશ્કેલ અને પીડાદાયક બનતી જાય છે.
આમાં કન્ઝ્યુમર સાયકોલોજી અપનાવવા જેવી છે. તૂટેલા-ફૂટેલા, રીપેર નહીં થઈ શકતા વિચારો કે સંબંધોને બહુ લાંબુ ખેંચ્યા વગર એની જગ્યાએ કશુંક નવું અપડેટેડ, અપગ્રેડેડ રીપ્લેસ કરી દેવું એ પણ જિંદગી જીવવાનો એક સુંદર અને સમજદાર રસ્તો છે. વોશિંગ મશીન કે ફ્રીઝ ક્યારેક રીપેર કરાવવા જઈએ તો મોંઘું પડે એને બદલે હવે ઓપન માર્કેટમાં આવી વસ્તુઓ સસ્તી મળી જાય છે. આપણે ગ્રાહક તરીકે કે કન્ઝ્યુમર તરીકે રીપેર કરવાને બદલે નવું ખરીદી લેવાનું આપણને અનુકૂળ આવે છે. કદાચ, વિચારો કે સંબંધોમાં પણ એવું જ કરવું જોઈએ? ગેરસમજને અવકાશ નથી, વ્યક્તિ રીપ્લેસ કરવાની વાત નથી, વિચાર અને સંબંધ રીપ્લેસ કરવાની વાત છે, સમજવા જેવું છે... પતિ સાથે કે પત્ની સાથે, કદાચ વૈચારિક મતભેદ હોય અને એકબીજા વિશે અમુક પ્રકારનું પઝેશન હોય, અણગમા હોય, વર્તન, વ્યવહાર કે વાણી વિશે સમસ્યા હોય તો એ સંબંધને રીપ્લેસ કરીને ત્યાં દોસ્તીનો સંબંધ મૂકી શકાય! એવી જ રીતે માતા-પિતા સાથે કદાચ વૈચારિક મતભેદ હોય તો ત્યાં વડીલનો, મિત્રતાનો, સમજદારીનો સંબંધ મૂકી શકાય. સંતાનો સાથે પણ ક્ષમાનો કે કાળજીનો સંબંધ મૂકી શકાય...
આપણે બધાં જ આપણી પોતાની પાસેથી ખૂબ અપેક્ષાઓ રાખીએ છીએ. અર્જુન કુરુક્ષેત્રમાં કૃષ્ણને કહે છે, ‘હું આવું કેવી રીતે કરી શકું? મારા જેવી વ્યક્તિ પોતાનાં જ સ્વજનોને મારીને રાજ્ય કેવી રીતે માણી શકે?’ અહીં વિચાર કરતાં વધુ મહત્વ વ્યક્તિનું છે. રાજ્ય ન કરવું, સ્વજનોને ન મારવા એ વિચાર મહત્વનો નથી પણ વ્યક્તિ તરીકે ‘હું’ આવું ન કરી શકું એનું મહત્વ વધારે છે. આપણને સૌને લાગે છે કે આપણે આદર્શ છીએ. સત્ય એ છે કે જગતમાં કોઈ આદર્શ નથી. સૌ પોતાના સમય અને સંજોગોના શિકાર છે, શિકાર નથી તો આધીન છે, આધીન નથી તો સમર્પિત છે... મુદ્દો એ છે કે માણસ તરીકે આપણે બધાં જ આપણાથી થઈ શકે તેટલું ચોક્કસ કરીએ, પણ જ્યારે ન થઈ શકે ત્યારે જે નથી થઈ શક્યું તેનો અફસોસ કરવાને બદલે જે થઈ શક્યું છે એને પણ એક વાર જોઈ લઈએ... એનું નામ વીતેલા વર્ષની ઉજવણી. જ્યારે જ્યારે વર્ષ પૂરું થાય છે ત્યારે બદલાતા સમય સાથે આપણે પણ બદલાઈએ છીએ. ફક્ત કેલેન્ડરનું પાનું નથી પલટતું, આપણી અંદર પણ કઈ પલટાય છે. આપણે જે ગયે વર્ષે હતાં એ આ વર્ષે નથી. જે ગઈ કાલે હતાં એ પણ આજે નથી... જો વ્યક્તિ એની એ ન રહી શકે તો પરિસ્થિતિ, વિચાર કે સંબંધ એનાં એ કેવી રીતે રહી શકે?
વીતી ગયેલું વર્ષ આપણને ‘આવજો’ કહે છે... અર્થ એ થાય છે કે જે ગયું છે તેને મુક્ત કરીને ફટાકડા ફોડવા, સંગીત અને નૃત્યમાં ગુલતાન થઈ જવું (શરાબ પીવી એ કદાચ વીતેલું વર્ષ ઊજવવાની રીત નથી, હોય તો પશ્ચિમ સાથે જોડાયેલી છે) આપણે તો દીપક પ્રગટાવીએ છીએ અને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું એક નવું પ્રસ્થાન શરૂ કરીએ છીએ.
આજે પૂરું થઈ રહેલું વર્ષ સૌના જીવનમાં એક આખું કોરું કડાક વર્ષ લઈને આવશે... ચાલો, વીતેલી ડાયરીને સાચવીને મૂકી દઈએ અને 365 નવા દિવસની એક નવી ડાયરીમાં નવો પ્રવાસ આરંભ કરીએ.
[email protected]
X
article by kajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી