એકબીજાને ગમતાં રહીએ- કાજલ ઓઝા વૈદ્ય / દેર કર દેતા હૂં મૈં...

article by kajalozavaidya

Divyabhaskar.com

Dec 25, 2019, 07:29 PM IST
એકબીજાને ગમતાં રહીએ- કાજલ ઓઝા વૈદ્ય
‘બહુ બીઝી થઈ ગઈ છે તું! ભઈ, અમારે માટે તો તું એ જ કાજલ છે. ક્યારેક મળતી રહે, કામ તો રોજ છે જ...’ હજી ગયે અઠવાડિયે જ મારે એમની સાથે ફોન પર વાત થઈ હતી! શુક્રવાર તા. 13 ડિસેમ્બરની સાંજે અભિલાષનો મેસેજ આવ્યો, ‘અક્ષય ભટ્ટ હવે આ દુનિયામાં નથી રહ્યા.’ ક્ષણભર માટે ફોન હાથમાં પકડીને હું મેસેજ સામે જોતી રહી. માન્યામાં ન આવ્યું... એક ફંક્શનમાંથી એમનાં પત્ની, જાણીતાં અભિનેત્રી વૈભવી ભટ્ટને ઘરે ઉતારીને એ ઓફિસ ગયા. ઓફિસમાં ચેસ્ટ પેઈન થયું, હાર્ટએકેટ આવ્યો. 108 બોલાવી. 108માં એ જ વખતે બીજો એકેટ આવ્યો...
અક્ષય ભટ્ટ નામનો એક ખેલદિલ, ખુશમિજાજ, દિલદાર અને મનથી સાચા અર્થમાં ઉદાર, માફ કરી શકે એવો, દિલ ખોલીને ચાહી શકે એવો, ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર ધરાવતો મજાનો માણસ, ષષ્ઠીપૂર્તિ ઊજવાય તે પહેલાં અચાનક જ સૌને મૂકીને ચાલી ગયો. આમ તો કહેવું હોય તો કહેવાય, ‘ઈશ્વર આવું મોત સૌને આપે!’ અત્યંત શાંત અને ઈચ્છનીય મૃત્યુ... પણ આવું અચાનક? કોઈને ગુડબાય કહેવાની પણ તક ન મળે! પત્ની સાંજનું ડિનર શું બનાવવું એ વિચારતી હોય અને અચાનક એને સમાચાર મળે કે જેની સાથે જિંદગીના ત્રણ-સાડા ત્રણ દાયકા વિતાવ્યા એ માણસ હવે ડાઈનિંગ ટેબલ પર સામે જોવા જ નહીં મળે!
અક્ષય ભટ્ટ અમારા બધાનો દોસ્ત, વ્યવસાયે હાર્ડકોર બિઝનેસમેન ને પ્રકૃતિએ સાહિત્યપ્રેમી. એમના પિતા પ્રો. એસ.આર. ભટ્ટ પાસે જે અંગ્રેજી ભણ્યા હશે એ સૌને ખબર હશે કે ભટ્ટ સાહેબ જે રીતે શેક્સપિયર ભણાવતા એ રીતે ગુજરાતીમાં ભાગ્યે જ કોઈ પ્રોફેસર અંગ્રેજી ભાષા ભણાવી શક્યા છે. અક્ષય સેન્સ ઓફ હ્યુમરનો બેતાજ બાદશાહ, સતત અપડેટેડ હોય. આપણે એની સાથે સંપર્કમાં હોઈએ કે નહીં, એને આપણા વિશે ખબર જ હોય. કોઈ પણ કામ લઈને એની પાસે જઈએ એટલે બે શબ્દોમાં જવાબ મળે, ‘થઈ જશે.’ છેલ્લા ઘણા વર્ષોથી મનોજ વડોદરિયા અને સમભાવ પરિવાર સાથે કામ કરતા. મનોજભાઈને મળવા જઈએ ત્યારે અક્ષયભાઈ અચૂક મળે, ‘ભલે સેલેબ્રિટી થઈ ગઈ, અમારે માટે તો દોસ્ત જ છે.’ એ દરેક વખતે કહે. પૂરા ઉમળકાથી ભેટે! ગુજરાતી ટેલિવિઝનનો સુવર્ણ દાયકો હતો, ત્યારે વૈભવી ભટ્ટ સ્ટાર હતાં. અક્ષયભાઈ એમને લેવા-મૂકવા આવે કે ક્યારેક પાર્ટીમાં મળે, ત્યારે વૈભવીના સ્ટારડમની એમના પર કોઈ અસર જોવા ન મળે. ગુજરાતી ટેલિવિઝન, સિનેમા અને નાટક ઈન્ડસ્ટ્રીનો લગભગ દરેક માણસ અક્ષયભાઈનો મિત્ર. પોતે નિર્માતા તરીકે ટેલિવિઝન સિરિયલ પણ બનાવેલી, જે મેં લખેલી. ચંદ્રકાંત બક્ષીની ઓફબીટ નવલકથા ‘બાકી રાત’ ગુજરાતી સિરિયલ બનાવવાની હિંમત એમણે કરેલી, કે જેમાં ઇરફાનખાનને ગુજરાતી સિરિયલ માટે લઇ આવેલા.
એ દિવસોમાં અક્ષયભાઈને મળવાનું વારંવાર થતું. છેલ્લા બે દાયકામાં અમે ખાસ મળ્યાં નથી, પણ જ્યારે મળ્યાં ત્યારે એમના સ્નેહ કે ઉમળકામાં કોઈ ફેરફાર થયો નથી. ત્રણ દિવસ પહેલાં એમની સાથે ફોન પર વાત થયેલી, ‘આપણે સૌ ડિનર માટે મળીએ, ઘરે આવ.’ એમણે કહેલું! આ ક્ષણે મન અને મગજ માનવાની ના પાડે છે કે હવે ‘સમભાવ’ના પગથિયાં ચડીશ ત્યારે મનોજભાઈની કેબિનમાં જતાં પહેલાં અક્ષયભાઈ
નહીં મળે.
વાત ફક્ત એમને અંજલિ આપવાની કે યાદ કરવાની નથી. વાત છે આપણા વધુ ને વધુ બિઝી થતાં જતાં જીવનમાં આપણે અજાણતાં જ એવું ધારી લઈએ છીએ કે આપણી પાસે ઘણો સમય છે! એનાથી તદ્દન કોન્ટ્રાડિક્ટરી, સવારથી સાંજ સુધી આપણી પાસે સમય નથી! કોઈ પણ પૂછે તો આપણો જવાબ એક જ હોય છે, ‘ટાઈમ
નથી મળતો.’
મિત્રો માટે, શોખ માટે, પરિવાર માટે, સ્નેહી, સ્વજન કે બીજું એવું ઘણું કે જે ખરેખર ‘જિંદગી’નો, ‘ખુશી’નો, ‘મજા’નો કે ‘ઈમોશન’નો પર્યાય છે. એ આપણી પ્રાયોરિટીના લિસ્ટમાં છેલ્લું છે. કમાવામાં, કારકિર્દી બનાવવામાં, હરીફાઈ કરવામાં, ઈર્ષ્યા કરવામાં કે પત્તાં કાપવામાં આપણે બધા બિઝી છીએ. આવું કંઈક થાય ત્યારે ઘડીભર માટે યાદ આવી જાય છે કે જે કંઈ કરી રહ્યાં છીએ એ બધું તદ્દન નકામું છે. જ્યારે જિંદગીમાંથી કશું ઓછું થઈ જાય ત્યારે ‘જે છે તે નથી રહેવાનું’ એનો અહેસાસ વધુ તીવ્ર, વધુ પીડાદાયક રીતે થતો હોય છે. થોડા વખત પહેલાં ગુલઝાર સાહેબનું એક વાક્ય વાંચેલું, ‘જૂના મિત્રોને મળતાં રહેવું, કારણ કે એ આપણને આપણી નબળાઈ સાથે ઓળખે છે. જે આપણને સુધારવાનો પ્રયત્ન કર્યા વગર ચાહી શકે એવા લોકોથી બહુ દૂર ન જવું.’
બાળપણના મિત્રો, સ્કૂલના મિત્રો, મારા પિતાના મિત્રો જે ‘કાજલ બેટા’ કહીને માથે હાથ ફેરવી શકે કે સંઘર્ષના દિવસો સાથે વિતાવ્યા હોય એવા સહકાર્યકરોથી આપણે ધીરે ધીરે દૂર જવા લાગીએ છીએ. કોઈનો વાંક કાઢવાનો મતલબ નથી. આપણી જીવનશૈલી અને જીવનની રફતાર બદલાઈ ગઈ છે. જરૂરિયાતોનું લિસ્ટ લાંબુ થઈ ગયું છે અને ગઈ કાલ સુધી જે તદ્દન બિનજરૂરી હતું એ બધું આજે મહત્ત્વનું થઈ ગયું છે. કબાટમાં પડેલા કપડાં સમાતા નથી ને બધા પહેરી શકાતા નથી. છતાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધતો જાય છે. ઈલેક્ટ્રોનિક્સ કે ઈલેક્ટ્રિક એપ્લાયન્સ રીપેર કરાવવાને બદલે નવું ખરીદવાનું આપણને સરળ પડી ગયું છે. કદાચ સંબંધોની બાબતમાં પણ હવે આપણે ઓનલાઈન શોપિંગ કરવા માંડ્યાં છીએ. ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ પર હવે મિત્રોનું શોપિંગ થઈ જાય છે. ચાના ગલ્લા સુધી, એકબીજાના ઘર સુધી ‘ધક્કા ખાવાની’ જરૂર ક્યાં છે? એ ધબ્બા મારવાની, ભેગા થઈને હસવાની, ભેટવાની કે ઝઘડવાની મજા નથી જોઈતી આપણને, કારણ કે એ બધું કરવા માટે તો પર્સનલી મળવું પડે. સમય ક્યાં છે?
‘કોઈ એક દિવસ મળીશું’ એમ કહીને જ્યારે આપણે મહત્ત્વના સંબંધને ટાળી દઈએ છીએ ત્યારે એ દિવસ આવશે કે નહીં એની આપણને ખબર નથી હોતી. અચાનક જ કોઈ જતું રહે ત્યારે અફસોસનો સ્કોર વધવા લાગે છે. હવે એ ક્યારેય નહીં મળે... એ વિચારે ભીતર કશુંક બટકીને તૂટી જાય છે. નહીં મળ્યાની ફાંસ જીવનભર ખૂંચ્યા કરે છે, પણ એ ખૂંચતી ફાંસ સાથે જીવવાનું પણ આપણને અનુકૂળ આવી ગયું છે, કારણ કે અફસોસ કે ખાલીપાની લાગણી હવે બહુ દિવસ ટકી શકતી
નથી. ફરી પાછા એ જ રફતારમાં ઊંંધું ઘાલીને દોડવાનું વ્યસન આપણને લપેટી લે છે. મિત્રો અને સ્નેહી, સ્વજનો જિંદગીની મૂડી છે. એમની સાથે વિતાવેલો સમય સંબંધોની એવી ફિક્સ ડીપોઝિટ છે જેને ખરાબ સમયમાં ધીમે ધીમે વાપરીએ તો એ સમય ક્યારે વીતી જાય છે એની ખબર નથી પડતી, પણ હવે આપણે મનડે ટુ ફ્રાઈડેની જિંદગી જીવતાં થઈ ગયાં છીએ. સંબંધોમાં, સ્નેહમાં, ઈમોશન્સમાં આજે કમાયા અને આજે વાપર્યું, કાલ કોણે દીઠી છે?! જ્યારે અચાનક ખબર પડે કે સંબંધોનું એટીએમ ઘસતાં-ઘસતાં અંતે ડિક્લાઈન થઈ ગયું છે ત્યારે એમાં ડીપોઝિટ નહીં કરવાનું ફ્રસ્ટ્રેશન ભીતરથી કોરી ખાય છે. કોના પર ગુસ્સો કરીએ? કોની સામે આપણી આ અધૂરપને ઉકેલીને એની વાત કરીએ? બધાં સરખાં જ છે... સૌને આવો કોઈક અફસોસ પોતાની ભીતર બાકી રહી ગયો છે.
ખૂબ ગમતા માણસને નહીં મળી શક્યાનો અફસોસ કેટલો મોટો છે એની ખબર તો ત્યારે જ પડે છે જ્યારે એ માણસ હવે ક્યારેય નહીં મળે એની ખબર પડે. તું કહીને સંબોધી શકે એવા લોકો જ્યારે ઘટવા લાગે ત્યારે માનવું કે આપણી પાસબુકના નંબર વધી રહ્યા છે ને શ્વાસબુકના નંબર ઘટી રહ્યા છે...
મુનિર નિયાઝીની ગઝલ જરા જુદી રીતે...
किसी के साथ हँसना हो या, दोस्त को गले लगाना हो
बहुत पहेचाने रास्तों पर किसी से मिलने जाना हो
हमेशा देर कर देता हूँ मैं
[email protected]
X
article by kajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી