માય સ્પેસ- કાજલ ઓઝા વૈદ્ય / સંતાનને સ્પેસ, એટલે સ્વૈચ્છિક બરબાદીની છૂટ?

article by kajalozavaidya

Divyabhaskar.com

Dec 23, 2019, 12:40 PM IST
માય સ્પેસ- કાજલ ઓઝા વૈદ્ય
ભાવનગર નજીક આવેલા સિંહોરના ગુંદાળા વિસ્તારમાં સ્મશાન સામે આવેલા હરિહર આશ્રમમાં રેડ પાડતા આશ્રમના મહંત જામુનદાસ અર્જુનમુનિ હરિહર પાસેથી 25 હજાર જેટલો સૂકો ગાંજો મળી આવ્યો હતો. એમણે આશ્રમની જમીનમાં ગાંજાનું વાવેતર કર્યું હતું. આ સમાચાર 17મી ડિસેમ્બર, 2019ના છે. આ વાતને ત્રણ દાયકા પાછળ લઈ જઈએ તો 1988માં કિરણ બેદીએ દિલ્હીથી દૂર ઉત્તર પ્રદેશના ચકરાતા તાલુકા પર બાર હેક્ટર જેટલી જમીનમાં ગેરકાયદેસર રીતે ઉગાડેલા અફીણડોડા અને ગાંજાના વાવેતરનો નાશ કર્યો હતો. એ વખતની કોંગ્રેસ સરકારના બદનામ અને શક્તિશાળી સાંસદ બ્રહ્મદત્ત સાથે સીધી અથડામણમાં ઊતરીને કિરણ બેદીએ ધરપકડો કરાવી હતી. બદલામાં એમની બદલી કરી દેવામાં આવી!
ત્રણ દાયકામાં શું બદલાયું છે એવો સવાલ આપણે પૂછીએ તો જવાબ એ છે કે હવે ગાંજો અને નશીલા પદાર્થો વધુ સરળ રીતે ઉપલબ્ધ થયા છે! અમદાવાદ કે મુંબઈ જેવાં શહેરોમાં તો ઠીક, પણ નાના બી-ટાઉન અને સી-ટાઉનમાં પણ હવે નશીલાં દ્રવ્યોનું પ્રમાણ પૂરબહારમાં ચાલે છે. સૌરાષ્ટ્રનાં નાનાં ગામડાંમાં માવા કે તમાકુ ખાવાની શરૂઆત 10થી 12 વર્ષની ઉંમરે થઈ જાય છે. પિતાના પેકેટમાંથી સિગારેટ ઉઠાવવાની કે એમના શરાબના કલેક્શનમાંથી એકાદ પેગ ચોરી લેવાથી શરૂ થતું વ્યસન માણસને ક્યાં લઈ જાય એની ખબર તો ત્યારે જ પડે જ્યારે બરબાદીની પહેલી નિશાની દેખાય!
નશાના વ્યાપારમાં સંડોવાયેલા લોકો પણ બંધાણી થઈ જાય છે, જેમાં નાની ઉંમરના છોકરા બહુ મોટા પ્રમાણમાં છે. કિરણ બેદીએ જ્યારે એકસામટી 1033 લોકોની ધરપકડ કરેલી ત્યારે જાહેરસભામાં ઊમટી પડેલી મેદનીએ પેટછૂટી કબૂલાત કરેલી, ‘અમે નશીલા પદાર્થોનો વેપાર ન કરીએ તો કરીએ શું? અમારાં બાળકોને બે ટંક પેટ ભરવા કંઈ તો કરવું પડે ને?’ કિરણ બેદીએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહેલું, ‘નવાઈની વાત એ છે કે આ બિઝનેસમાં અને નશીલાં દ્રવ્યોના ટ્રાન્સપોર્ટમાં સ્ત્રીઓ અને બાળકો સૌથી વધુ ઇન્વોલ્વ છે.’ આ બંને એવા વર્ગ છે જેમની ઝાઝી તપાસ કરવામાં આવતી નથી. કદાચ પોલીસ ઝાઝી તપાસ કરવા જાય, સ્ત્રી કે બાળકને થોડીવાર માટે ડિટેઈન કરે તો એને ‘માનવ અધિકાર’ અને પોલીસ એટ્રોસિટીમાં તરત જ ઘસડી લેવામાં આવે!
કેટલાં બધાં મા-બાપને તો ખબર જ નથી કે ગાંજો અથવા વીડ કેવું દેખાય છે? એમનાં બાળકોનાં ડ્રોઅર કે કબાટોમાંથી મળતી તમાકુ જેવી પત્તાંની ભૂકી ‘ગાંજો’ છે, એવું નહીં જાણતાં માતા-પિતા એમના બાળકને તમાકુની ટેવ પડી છે એમ માનીને એને ખખડાવે, મારે, ફટકારે, પણ હવે તમાકુ ‘ઓલ્ડ ફેશન’ છે. લેટેસ્ટ ડ્રગ્સમાં મેરીઉઆના કે બીજી એવી કેમિકલ કમ્પાઉન્ડ સાથેની દવાઓ છે, જે લેવાથી જાતજાતની અસરો થાય છે. જે માતા-પિતાના છોકરાઓ 15થી 25ની વચ્ચે છે, મોટી ઈન્ટરનેશનલ શાળાઓમાં ભણે છે એ માતા-પિતાને ક્યાં ખબર છે કે આવી ટેવોની શરૂઆત સૌથી પહેલાં શાળાના મિત્રો સાથે થાય છે. એકાદો મિત્ર એક્સ્પરિમેન્ટ કરવા માટે વીડ, પિલ્સ કે પાઉડર લઈ આવે. બધા નાઈટઆઉટના બહાને કોકને ઘેર ભેગા થાય. પ્રયોગ કરવામાં આવે ને પછીથી એ પ્રયોગ ટેવમાં પલટાઈ જાય.
આપણને જાણીને આશ્ચર્ય થશે કે આજની તારીખે ભારતના યુવાનોમાં બત્રીસ ટકાથી વધારે યુવાનો વ્યસનનો શિકાર છે. હવે, સિગારેટ છોકરાઓ નથી પીતા, છોકરીઓ પીએ છે. છોકરાઓ માટે હવે વધુ સ્ટ્રોંગ અને ‘વધુ મજા આપે તેવાં’ વ્યસનો ઉપલબ્ધ છે. પિયરગ્રૂપ અથવા પોતાની ઉંમરના મિત્રોની સાથે કોઈ છોકરો જો સિગારેટ પીવાની, વીડ ટ્રાય કરવાની કે નવા એક્સ્ટસી ડ્રગ ટ્રાય કરવાની ના પાડે તો એ ‘બાયલો’ અથવા ‘બીકણ’ છે. ક્લાસ-એ, સહેલાઈથી ઉપલબ્ધ ડ્રગ્સ છે વીડ, ચરસ, કોકેઈન, મેથ, ક્લાસ-બી, થોડાં મોંઘાં અને સહેલાઈથી ન મળે એવાં ડ્રગ્સમાં હેરોઈન, કેટામાઈન, બ્રાઉન સુગરનો સમાવેશ થાય છે અને ક્લાસ સી, કરોડપતિનાં સંતાનોને પોષાય એવાં, રેવ પાર્ટીમાં વપરાય એવા એલએસડી, મશરૂમ્સ, એક્સ્ટસી, ડીએમટી અને આયાહુઆસ્કા જેવાં ડ્રગ્સ આપણા દેશમાં લગભગ બધે જ મળે છે. આ લેખમાં માહિતી આપવાનો આશય નથી, સાવચેત કરવાનો આશય છે. મોટાભાગનાં માતા-પિતા માને છે કે એમના છોકરાઓ બારણું બંધ કરીને નેટફ્લિક્સ જુએ છે, કમ્પ્યૂટર કે ફેસબુક કરે છે. એમને ખબર નથી કે બંધ દરવાજાની પાછળ એમના ઘરમાં જ ક્યારેક એમનું સંતાન પોતાનું જીવન બરબાદ કરી રહ્યું હોય છે.
આમાં બહુ મોટી અસર વેબ સિરીઝ અને સિનેમાની પણ છે. આપણે માનીએ કે નહીં, પણ એક આખી યુવાપેઢી એવું માનતી થઈ છે કે ડ્રગ્સ લેવા એ ‘કૂલ’ છે. કોણ જાણે કેમ, પણ પોતે જ પોતાના જીવનને બરબાદ કરવાનો આ નશો એક આખી પેઢીને અજગરની જેમ ધીમે ધીમે ગળી રહ્યો છે. ઉપરી સતહ કે સપાટી પર આપણને ખાસ કંઈ દેખાતું નથી, પરંતુ ચાની ટપરી કે નાના-નાના કોફીના જોઈન્ટ્સ, કોલેજની બહાર કે યુવાનો બેસતા હોય એવા હાઈવેના અડ્ડાઓ ઉપર આ પ્રકારની વસ્તુઓ ખુલ્લેઆમ વેચાય છે. માતા-પિતા તરીકે આપણા છોકરાઓ ક્યાં બેસે છે એની માહિતી રાખવી જરૂરી છે એટલું જ નહીં, ‘અમસ્તા અહીંથી પસાર થતા હતા એટલે આવી ગયા.’ કહીને ક્યારેક પહોંચી જવામાં ય કશું ખોટું નથી! યુવાપેઢી પાસે એક શબ્દ છે, ‘માય સ્પેસ’. આ શબ્દનો લિટરરી અર્થ થાય છે, મારી જગ્યા, મારી અંગતતા, મારી પ્રાઈવસી અને આ શબ્દનો ટ્રેન્ડી અર્થ થાય છે, મારી જિંદગીમાં દખલ નહીં દેવાની! આ સાંભળીને ઓજપાઈ જવાની કે એમના ટેન્ટ્રમ સાંભળી-સ્વીકારીને ડરી જવાની કોઈ જરૂર નથી. પ્રશ્ન પૂછવો એ માતા-પિતા તરીકે આપણો અધિકાર જ નહીં, ફરજ છે.
બાળકનું ઘટતું વજન, આંખ નીચે પડતાં કાળાં કૂંડાળાં, એના વર્તનમાં આવેલો બદલાવ, ઉજાગરા, ઓછી થતી ભૂખ કે એના મૂડ સ્વિંગ્સ જેવાં કેટલાંય લક્ષણો છે, જે જાગૃત અને વિચક્ષણ મા-બાપની નજર બહાર રહેતાં નથી. આજના સમયમાં માતા-પિતા ‘મોડર્ન’ બનવાનો પ્રયત્ન કરે છે. ‘છોકરાઓને બહુ પૂછવાનું નહીં, કહેવાનું નહીં.’ જેવી માન્યતાઓ ધીમે ધીમે કોમ્યુનિકેશન તોડી નાખે છે. એક યા બીજા બહાના હેઠળ ઘરની બહાર રહેતા છોકરાઓ (હવે તો છોકરીઓ પણ) શું કરે છે એની તપાસ કરવી માતા-પિતા માટે ઓલમોસ્ટ અશક્ય હોય છે.
આપણે જે સમયમાં પ્રવેશ્યા છીએ એમાં વિકાસ તો થયો છે, ટેક્નોલોજીનો, ઔદ્યોગિકીકરણનો, સમાજનો અને જીવનશૈલીનો. આ વિકાસની સાથે જોડાયેલાં કેટલાંક દૂષણો પણ આપણા જીવનમાં પ્રવેશ્યાં છે. મોડર્ન હોવું એટલે સિગારેટ કે શરાબ પીવી, ડ્રગ્સ લેવાં? કે પછી મોડર્ન હોવું એટલે વિચારોથી, વ્યવહારથી મોડર્ન હોવું. નવું વિચારવું, ફ્રેશ અને આઉટ ઓફ ધ બોક્સ વિચારવું. આપણે જે સમાજનો હિસ્સો છીએ એના માટે કશું સારું વિચારવું! એક આખી પેઢી, આ દેશની નસલ બરબાદ થઈ રહી છે. આમાં માત્ર નવી પેઢીનો વાંક નથી. આપણે નથી જાણતા એવી રીતે વિદેશોથી અહીં ડ્રગ્સ આયાત કરાય છે. રાજસ્થાન, પંજાબ અને ક્યારેક કચ્છની બોર્ડર પરથી પાકિસ્તાનના રસ્તે, સેવન સિસ્ટર્સની પર્વતમાળામાં ચાઈનાના રસ્તે આપણે ત્યાં ડ્રગ્સ દાખલ કરાય છે. જેટલું પકડાય છે એનાથી અનેકગણું વધુ દાખલ થઈ જાય છે. છોકરાઓને આ ડ્રગ્સની લતે ચઢાવવા માટે ખાસ માણસોને નોકરીએ રખાય છે. ડ્રગ્સનું વેચાણ વધે તેમ આવા કરિયર્સના નફાની ટકાવારી વધે છે. માત્ર ભારતમાં જ નહીં, આખા વિશ્વમાં જ્યારે ડ્રગ્સની વિરુદ્ધ જેહાદ શરૂ કરવામાં આવી છે ત્યારે અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં, નેધરલેન્ડ, ઉરુગ્વે, પોર્ટુગલ અને સ્વિટ્ઝર્લેન્ડમાં ડ્રગ્સ લિગલ અથવા કાયદેસર કરવામાં આવ્યાં છે. એમનું કહેવું એમ છે કે બંધાણીઓ ગમે ત્યાંથી ખરીદે અને ગેરકાયદેસર વેચાણથી ખોટા લોકો કમાય એના બદલે સરકારને રેવન્યૂ મળે અને ચોખ્ખા, યોગ્ય પ્રમાણમાં ડ્રગ્સ અવેલેબલ કરી શકાય તો કદાચ નશાના ધોરણોમાં પણ સુધારો લાવી શકાય! આ કેટલું સાચું અને ખોટું, કોને ખબર!
અગત્યનું એ છે કે કોઈપણ વ્યસન શરીરને નુકસાન કરે જ છે. સિગારેટથી શરૂ કરીને, માવા, તમાકુ, શરાબ કે પછી ડ્રગ્સ. આપણને મળેલું આ શરીર કુદરતની અલભ્ય ભેટ છે. આપણાં શાસ્ત્રો કહે છે કે, માનવ શરીર વારંવાર મળતું નથી, આ સાચું ન હોય તોપણ જે મળ્યું છે તેને સાચવવું અને માણવું એ આપણી જવાબદારી છે. આપણાં સંતાનો નાનાં છે, યુવાન છે, પોતાની પાંખે ઊડવા માગે છે. આપણે મોડર્ન માતા-પિતા છીએ એ બધું સાચું, પણ અગત્યનું એ છે કે એ પોતાનું ભલું-બૂરું સંપૂર્ણપણે સમજતાં ન થઈ જાય ત્યાં સુધી એમના શ્રેયની જવાબદારી આપણી છે. આપણે એ પૂરી કરવી જ રહી.
[email protected]
X
article by kajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી