એકબીજાને ગમતાં રહીએ- કાજલ ઓઝા વૈદ્ય / તમને નહીં સમજાય...

article by kajalozavaidya

Divyabhaskar.com

Dec 17, 2019, 06:43 PM IST
એકબીજાને ગમતાં રહીએ- કાજલ ઓઝા વૈદ્ય
‘તને મારે છે?’ મમ્મીએ પૂછ્યું. ‘ના’, દીકરીએ કહ્યું.
‘ખાવા નથી આપતો? ઘરમાં પૈસા નથી આપતો?’ પિતાએ પૂછ્યું, ‘ના, ના.’ દીકરીએ કહ્યું.
‘બહાર લફરું છે?’ મોટી બહેને પૂછ્યું, ‘ના, જરાય નહીં.’ દીકરીએ કહ્યું.
‘તો પછી તારે ડિવોર્સ શું કામ જોઈએ છે?’ ત્રણેય જણાંએ એકસામટું પૂછ્યું.
‘એ તમને નહીં સમજાય.’ દીકરીએ આંખોમાં આંસુ સાથે કહ્યું, ‘હું એને પ્રેમ નથી કરી શકતી...’
માતા-પિતા અને મોટી બહેન ત્રણેય આ વાત સમજી શક્યાં નહોતાં. સૌને લાગ્યું કે સારું કમાતો, વ્યસન ન ધરાવતો, ઘરમાં પૈસા આપતો અને હાથ ન ઉપાડતો પતિ હોય, જેને કોઈ લફરાં ન હોય... તો જીવવા માટે બીજું જોઈએ શું? દીકરીના મનની વાત કોઈ સમજી શક્યું નહીં. એ પતિ સાથે નથી રહેવા માગતી, એ વાતને બધાંએ બેવકૂફી અને મૂર્ખામી માનીને એને હસી કાઢી. આ ચર્ચાના દોઢ વર્ષ પછી એ છોકરી ઘર છોડીને ચાલી ગઈ. આજે એ એકલી રહે છે! એનાં માતા-પિતાને હજી લાગે છે કે એણે ભૂલ કરી છે. એના પતિને હજી એ સમજાતું નથી કે, એણે છૂટાછેડા શું કામ લીધા... ઘણાંને આ મૂર્ખામી લાગે. ઘણાંને એવું લાગે કે આ ‘તદ્દન બેવકૂફી’ છે, પરંતુ જેને માટે લગ્ન એ ફક્ત ઈમોશનલ અથવા લાગણીનો સંબંધ છે એને કદાચ આ પ્રેક્ટિકલ ‘વ્યવસ્થા’ ન સમજાય એવું બને!
સામાજિક રીતે ‘પરફેક્ટ’ લગ્ન એટલે કમાતો અથવા ભણેલો છોકરો, દેખાવડી છોકરી, સંપન્ન અને સંસ્કારી પરિવાર. આનાથી વધુ કંઈ જોવા-વિચારવાની મોટા ભાગના લોકોને સમજ હોતી નથી. સત્ય એ છે કે લગ્ન માટે સૌથી પહેલી અને સૌથી મોટી જરૂરિયાત એ છે કે છોકરો અને છોકરી એકબીજાંને ઓળખે, સમજે અને એકબીજા સાથે જિંદગી જીવી શકશે એવું ‘એમને’ લાગે.
આજકાલ ઘણાં વડીલો એવી ફરિયાદ કરે છે કે છૂટાછેડાની સમસ્યા બહુ વધતી જાય છે. જેને માટે ક્યારેક છોકરીના શિક્ષણ, ક્યારેક સંસ્કાર, ઉછેર તો ક્યારેક એના કમાવાને જવાબદાર માનવામાં આવે છે. કેટલાક વડીલો એમ માને છે કે છોકરી કમાતી થઈ જાય કે બહુ ભણેલી હોય તો એનો ઈગો બહુ મોટો હોય. શું ખરેખર ઈગોને અને શિક્ષણને સંબંધ છે? સત્ય તો એ છે કે જે છોકરી સાચે જ ભણેલી અથવા શિક્ષિત હોય (ડિગ્રી નહીં, શિક્ષણ), જેની પાસે જીવનની સમજ હોય એ ક્યારેય અહંકારી કે તોછડી ન જ હોઈ શકે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે ડિગ્રીને શિક્ષણ માની લઈએ છીએ!
દીકરીને રસોઈ કરતાં શીખવવું એ જાણે કે કોઈ નાનું અથવા અપમાનજનક કામ હોય એમ કેટલીક મમ્મીઓ ગર્વથી કહે છે, ‘મેં આખી જિંદગી રસોડામાં કામ કર્યું. મારી દીકરી શું કામ કરે?’ ખરેખર તો, માએ એમ કહેવું જોઈએ કે મારી દીકરીને જ નહીં, હું દીકરાને પણ ઘરનું કામ શીખવી રહી છું. બદલાતા સમયનો અર્થ એ નથી કે સ્ત્રી ઘરનું કામ ન કરે, બલ્કે બદલાતા સમયનો અર્થ એ છે કે, પુરુષ પણ ઘરનું કામ કરે. આપણે દીકરીને દીકરાની જેમ ઉછેરતાં થયાં છીએ, પણ દીકરાને એની પત્નીને સમજતાં કે એની સંવેદના સાથે સહાનૂભુતિ કેળવતાં ક્યારેય શીખવતાં નથી. લગ્ન એ કોઈ એમઓયુ નથી, તમે આટલું કરજો અને હું આટલું કરીશ! જિંદગી એનાથી ઘણી આગળ અને બિયોન્ડ છે. દરેક વખતે જેને આપણે સમસ્યા માની લઈએ છીએ એટલી જ ‘સમસ્યા’ નથી હોતી. એની આગળ અને એનાથી જુદી પણ સમસ્યા હોઈ શકે છે એ વાત આપણા સમાજે સમજવાની બાકી છે. ડિગ્રી કે બેન્કની પાસબુકથી કદાચ સલામતી કે સંપત્તિ આવતી હશે, પરંતુ સ્નેહ તો મનના મેળથી જ આવે છે. મોટા ભાગનાં માતા-પિતા માને છે કે દીકરીનાં લગ્ન એવા ઘરમાં કરવા જોઈએ કે જ્યાં એની પાસે આર્થિક સગવડ હોય, પરંતુ એનાં મનના સુખનો વિચાર કેટલાં માતા-પિતા કરે છે?
લગ્ન બે વ્યકિતના સુખ માટે કરવામાં આવે છે. આ જીવનભરની એક એવી અવસ્થા છે જેમાં બે વ્યક્તિ સાથે-સાથે વૃદ્ધ થવાનું નક્કી કરે છે. બે જણાં પોતાનાં સહજીવનના ત્રણ દાયકા એકબીજાની સાથે વિતાવવાનું નક્કી કરે, ત્યારે પહેલી શરત સુખની છે. જ્યાં સુખ નથી. ત્યાં બાકી બધી ચીજોનો શો અર્થ છે, એ સવાલ જો જાતને કે સમાજને પૂછવામાં આવે તો એનો જવાબ શું હોઈ શકે?
અહીં પ્રેમલગ્નની વાત પણ આવે જ છે. દીકરી જ્યારે પોતાની પસંદગીનો છોકરો લઈને આવે ત્યારે માતા-પિતા છોકરાના સ્વભાવ કે પરિવારથી વધુ જ્ઞાતિની ચિંતા કરે છે! આ કેવું બેવડું ધોરણ છે? ક્યાંક જ્યાં ખરેખર સમજદારીની ચિંતા કરવાની છે, સ્નેહનો વિચાર કરવાનો છે, ત્યાં આપણે ફક્ત પૈસા અને પ્રતિષ્ઠાનો વિચાર કરીએ છીએ. જ્યાં પૈસા અને પ્રતિષ્ઠા હોય તેમ છતાં ફક્ત જ્ઞાતિના કારણે આપણે દીકરીના સુખનો વિચાર નથી કરી શકતાં!
દીકરી નાની હોય, અણસમજુ હોય ત્યારે એવું બને કે એણે કરેલી પસંદગી આપણને અયોગ્ય લાગે. એવું પણ બને કે એ ઝનૂનમાં અને અમુક પ્રકારની જીદમાં પોતાનો નિર્ણય સાચો સાબિત કરવા માટે આપણી સાથે લડે, ઝઘડે, આટલા વર્ષોનો આપણો સ્નેહ અને વ્હાલ ભૂલીને છ-બાર મહિનાની ઓળખાણમાં પેલા છોકરાને વધુ મહત્વનો પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરે. એ અણસમજુ છે, એ સમજી શકીએ તો આ સમસ્યાને ઉકેલવામાં સરળતા રહે.
આપણા દેશમાં સદીઓ પહેલાં સ્વયંવરની પરંપરા હતી. છોકરી અથવા કન્યા જાતે પોતાના પતિની પસંદગી કરે એવી સવલત એને ત્યારે આપવામાં આવતી હતી. આનું કારણ કદાચ એ હતું કે માતા-પિતા પોતાની દીકરીના સુખનો વિચાર પહેલાં કરતાં હતાં. શકુન્તલાએ દુષ્યંત સાથે લગ્ન કર્યાં અને એમાં જે કોઈ મુશ્કેલી પડી એમાં કણ્વઋષિએ ક્યારેય એને એ વિશે સંભળાવ્યું નથી, બલ્કે દીકરીના દુઃખમાં એની સાથે ઊભા રહ્યા. એના સંતાનને પ્રેમથી ઉછેર્યો. આપણા દેશનું નામ ભારત છે, એ શકુન્તલા અને દુષ્યંતના લવ ચાઈલ્ડના નામ પરથી પડ્યું છે!
‘અહીં સાડી, બ્લાઉઝના મેચિંગમાં, કુંડળી મેચ કરવામાં કે ડિગ્રી અને પરિવારની પ્રતિષ્ઠા મેચ કરવામાં જેટલો સમય બગાડવામાં આવે છે એનાથી દસમા ભાગનો સમય પણ બે જણાંના વિચારો, મન કે સમજણ મેચ કરવામાં વાપરવામાં આવતો નથી...’ ચંદ્રકાંત બક્ષીએ આજથી ત્રણ દાયકા પહેલાં લખ્યું હતું. નવાઈની વાત એ છે કે આટલા વર્ષો પછી પણ આપણે ત્યાં જ ઊભા છીએ. હજી પણ આપણા દેશમાં લગ્ન કરતી વખતે સમજણ ઓછી અને સંપત્તિ વધારે મહત્વના માનવામાં આવે છે!
પેઢીઓ બદલાઈ છે. માનસિકતા પણ બદલાઈ છે. માતા-પિતાને પ્રેમ કરતાં સંતાનો કદાચ માતા-પિતાનાં સુખ કે આગ્રહને કારણે એમણે બતાવેલો છોકરો સ્વીકારી લે, તો પણ એક સ્થળે પહોંચીને સંબંધ આગળ લઈ જવો અઘરો પડે છે. એને બદલે લગ્ન વખતે સંતાનને વિશ્વાસમાં લઈને એની સાથેના બોન્ડને મજબૂત કરીને એને જ નિર્ણય લેવા દેવો જોઈએ. કદાચ લાગે કે એ પરિપક્વ છે, તો અેને જ નિર્ણય લેવા દેવો જેઈએ. સંતાનને બદલે કરેલો નિર્ણય એના જીવનને ગૂંચવે છે. [email protected]
X
article by kajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી