એકબીજાને ગમતાં રહીએ- કાજલ ઓઝા વૈદ્ય / સમય અને સ્વાસ્થ્ય, મેનેજમેન્ટથી મળે છે...

article by kajalozavaidya

Divyabhaskar.com

Dec 10, 2019, 07:44 PM IST
એકબીજાને ગમતાં રહીએ- કાજલ ઓઝા વૈદ્ય
‘ટાઈમ જ નથી મળતો.’ આ વાત અને વાક્ય આપણે કેટલી વાર સાંભળ્યાં છે! લગભગ બધાં જ આપણને આ વાત કહે છે. ઘરમાં કામ કરતા ડોમેસ્ટિક હેલ્પરથી શરૂ કરીને મોટા મોટા, સફળ બિઝનેસમેન સુધી બધાં આ કહે છે, આ માને છે! નવાઈ લાગે એવી વાત છે, છતાં આપણે પણ કેટલીયે વાર આ વાત કહી હશે...
આ સમય નહીં મળવાની ફરિયાદ બહુ ઈન્ટરેસ્ટિંગ છે. આપણને જે કરવું હોય તે કરવા માટેનો સમય અચૂક મળી રહે છે, પણ જે કરવું જોઈએ અથવા જેને માટે ખરેખર સમય કાઢવો જોઈએ એવી પ્રવૃત્તિ માટે આપણને સમય નથી મળતો. કસરત કરવા માટે સમય ન મળે, પણ ગોસિપ કરવા માટે મળી રહે. કોઈ વૃદ્ધ, વડીલની ખબર કાઢવા માટે સમય ન મળે, પણ શોપિંગ કે સિનેમા જોવા માટે સમય મળી જાય છે. સંતાનો માટે સમય ન મળે, પણ સંપત્તિ માટે સમય મળી જાય છે! દિવસના ચોવીસ કલાકમાં એવી કેટલી પ્રવૃત્તિઓ હશે જેમાં આપણે સમય બગાડીએ છીએ કે પછી ખરેખર કરવા જેવી પ્રવૃત્તિ માટે સમય નથી બચતો? આપણે બધાં જ ટાઈમ મેનેજમેન્ટની બાબતમાં જરા નબળા અથવા આળસુ લોકો છીએ. જ્યારે જ્યારે સમય મેનેજ કરવાની વાત આવે ત્યારે દરેક વખતે આપણે આપણા જ ગળે ન ઊતરે એવા બહાનાં કાઢીએ છીએ. એથીયે મજાની વાત એ છે કે આપણે સફળતાના અને સેલ્ફ હેલ્પના એવાં પુસ્તકો વાંચીએ છીએ, જેમાં ટાઈમ મેનેજમેન્ટને સૌથી મહત્ત્વની બાબત ગણાવી હોય! આપણે બધાં, બધું સમજીએ છીએ પણ અમલમાં મૂકવાનું આવે ત્યારે આપણી પાસે એ નહીં કરવાના કારણો એટલા બધા છે કે જેનો જવાબ આપણે જાતે પણ આપી શકતા નથી.
એવું શું હોય છે જે માણસને પોતાની જ વાત માનતાં અટકાવે છે? એવી કઈ બાબત છે જે આપણને આપણી પોતાની માનસિકતા કે માન્યતાને અમલમાં મૂકવા દેતી નથી? સ્વયંને આપેલા વચનો આપણે પોતે જ પાળી શકતા નથી. આનું કારણ એ છે કે આપણે બધાં બુદ્ધિશાળી લોકો છીએ - ભણેલા અને લોજિક અથવા તર્કશાસ્ત્ર સાથે જોડાયેલા. આપણે આપણું સારું શેમાં છે એ સમજીએ છીએ, તેમ છતાં એ પ્રમાણે કરવાને બદલે કંઈક બીજું જ કરીએ છીએ. આ વાત માત્ર ટાઈમ મેનેજમેન્ટ માટે પૂરતી ન રાખીએ, તો પણ આપણને જે ખાવાની ના પાડી હોય એ પરેજી ન પાળવી, દવા ખાવાના સમય આડાઅવળા કરી નાખવા કે પછી જે સંબંધ વિશે સમાજ અને સ્નેહીઓ ના પાડતા હોય એવા સંબંધોમાં જાતને નુકસાન થાય તેમ છતાં દાખલ થવું. ભ્રષ્ટાચાર કે ગુસ્સો ખરાબ છે એવી આપણને ખબર જ છે તેમ છતાં એ કરતી વખતે આપણી પાસે આપણી જાત પરનો કંટ્રોલ નથી. કેટલીક ઘટનાઓ થઈ ગયા પછીનાં પરિણામ ખરાબ અને ખોટા છે, એની આપણને પહેલેથી જ ખબર છે. તેમ છતાં આપણે એ પરિસ્થિતિ કે ઘટનાને રોકી શકતા નથી, કેમ?
આનું કારણ એ છે કે આપણે આપણી નબળાઈને, આપણી તાકાતથી ઉપર જવા દઈએ છીએ. આપણી માનસિક શક્તિઓ આપણે માનીએ છીએ એના કરતાં ઘણી વધારે છે, પરંતુ આપણે જ આપણી જાતને નબળી માનીને આપણે જે કરવું છે તે કરવાનો રસ્તો શોધી કાઢીએ છીએ. માણસ માત્ર નબળાઈ, લાલસા, વાસના કે ઈચ્છાઓનો શિકાર છે. કોઈ પણ નોર્મલ માણસ એવો જ હોય. આપણે સંત નથી કે આપણને લાલચ ન થાય. આપણે સંયમ સાથે કામ પાડવાનું હજી બાકી છે. ઘણું શીખવાનું છે, પરંતુ અગત્યની વાત એ છે કે આ શીખવાની પ્રક્રિયા અને પ્રવૃત્તિ જીવનભર ચાલતી રહેશે. આજે એક લાલચ પર કે નબળાઈ પર વિજય મેળવ્યો એટલે જીવનભર એ નબળાઈ કે લાલચ આપણને નહીં પીડે એવું માની લેવાનું કોઈ કારણ નથી.
આ બધાં પછી કદાચ પ્રશ્ન થાય કે સ્વયં પર નિયંત્રણ મેળવવાનું કે ટાઈમ મેનેજેન્ટ કરવાનો સરળ રસ્તો કયો? સેલ્ફ હેલ્પના પુસ્તકો બહુ અઘરા અને મુશ્કેલ રસ્તા બતાવે છે. મોટા ભાગના પુસ્તકો વિદેશી છે, અનુવાદિત છે. એટલે ભારતીય સમસ્યાઓ એમને કદાચ સમજાતી નથી. આપણી સમસ્યાઓ યુનિક અને વિચિત્ર છે. સૌથી પહેલાં તો આપણી જરૂરિયાતો અને કામનું પ્રાયોરિટી લિસ્ટ બનાવી લેવું જોઈએ. કેટલા કામ જાતે કરવા જોઈએ અને કેટલા કામ કોઈને સોંપી શકાય એ વિશે એક સમજ કેળવવી પડે. આપણે મોટે ભાગે પરફેક્શનના આગ્રહી લોકો છીએ, ‘હું કરું એવું કોઈ ન કરે.’ માનનારા બધા જ સામાન્ય રીતે દુ:ખી થતાં હોય છે. કામ સોંપતાં અને ડિપેન્ડ કરતાં શીખવું જોઈએ. કેટલીક વખત ના પાડવાની બહુ તકલીફ પડે છે. બરાબર કામના સમયે કોઈ આવીને બેસે ત્યારે, મીટિંગમાં જવું હોય ત્યારે, સમારંભોમાં કોઈ બિનજરૂરી સમય બગાડતી વાતચીત કરે ત્યારે, કોઈ ખાવાનો બિનજરૂરી આગ્રહ કરે ત્યારે આપણે બહુ ઈરિટેટ થઈએ છીએ, પણ અંતે સામેનાનું ‘મન રાખવા’ ન ગમતી પ્રવૃત્તિ પણ કરીએ છીએ... પછી સમય વેડફાય કે શરીર બગડે ત્યારે ગુસ્સો આવે. સરળ ઉપાય એ છે કે ના પાડવી, નમ્રતાથી, પણ સ્પષ્ટ કહેતાં શીખી જવું.
આપણે બધાં ફરિયાદ કરીને કે કકળાટ કરીને આપણી નબળાઈને ઢાંકતાં શીખ્યા છીએ. કોઈ બીજી વ્યક્તિ ઉપર દોષનો ટોપલો ઓઢાડીને આપણને જવાબદારીમુક્ત થયાની રાહત થાય છે. સત્ય તો એ છે કે આ બહાનાં કે દલીલ આપણે આપણી જાત સાથે જ કરીએ છીએ. દલા તરવાડીની જેમ આપણું મન જાણે જ છે કે સવાલ પણ આપણે જ પૂછીએ છીએ અને જવાબ પણ આપણે જ આપીએ છીએ. કેમ મોડું થયું?ના જવાબમાં ‘કારણ વગર બેસીને ટો‌ળટપ્પાં કર્યાં’ એવું સ્વીકારવાને બદલે ટ્રાફિકના અથવા બીજા બહાનાં કાઢવાની આપણને મજા આવે છે, પણ આ જવાબ આપણે કોને આપીએ છીએ? સામેની વ્યક્તિને તો કદાચ જવાબ ગળે ઊતરી જાય, પણ આપણને આ જવાબ ગળે ઊતરે છે ખરો? આપણને તો ખબર જ છે કે સત્ય શું છે... આપણે આપણી નબળાઈ, અણઆવડત કે મિસમેનેજમેન્ટ સ્વીકારીએ તો એનો ઉપાય થઈ શકે. જ્યાં સુધી સમસ્યા જ નહીં સ્વીકારીએ ત્યાં સુધી એનો ઉકેલ કેમ જડે? ટાઈમ મેનેજ કરતાં ન આવડવો કે નાની-મોટી લાલચને વશ થઈ જવું, કોઈ પણ કામમાં શોર્ટકટ કે સરળ રસ્તા શોધવાનો પ્રયત્ન કરવો એ કોઈ મોટો ગુનો નથી કે જીવનભર ન બદલી શકાય એવી કોઈ ભયાનક નબળાઈ પણ નથી જ. સાવ નાના-નાના ઉપાયથી સ્વયંને નવી રીતે ઘડી શકાય છે. જે વાતથી આપણી આખીય પ્રવૃત્તિ અને પરિસ્થિતિ ડહોળાતી હોય એ બદલવાનો પ્રયત્ન કેમ ન કરવો? એટલીસ્ટ, પ્રયત્ન તો કરવો જ...
અને છેલ્લી વાત, સમય આપણો, શરીર આપણું... જો આપણને એ મેનેજ કરતાં ન આવડે તો એ માટે બીજાને કેવી રીતે જવાબદાર ઠેરવી શકાય? આપણને ટાઈમ નથી મળતો કે આપણે સ્વાદ અથવા શબ્દ પર કાબૂ નથી રાખી શકતા એ માટે આપણે જ જવાબદાર છીએ, જો નુકસાન થશે તો આપણું થશે. આ વાત સમજી જાય એ કદાચ સેલ્ફ મેનેજમેન્ટ પરફેક્ટલી કરી શકે.
[email protected]
X
article by kajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી