એકબીજાને ગમતાં રહીએ- કાજલ ઓઝા વૈદ્ય / પુરુષને પણ એના અધિકાર આપવા તો પડશે!

article by kajalozavaidya

Divyabhaskar.com

Dec 03, 2019, 03:20 PM IST
એકબીજાને ગમતાં રહીએ- કાજલ ઓઝા વૈદ્ય
છેલ્લા કેટલાય વર્ષોથી 8મી માર્ચે વુમન્સ ડે ઊજવવામાં આવે છે. સ્ત્રી સન્માનના, સશક્તિકરણના, હેલ્થ અને હાઈજીનના અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. 8 માર્ચનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે’ તરીકે ઊજવવામાં આવે છે. સ્ત્રીઓને પોતાનો આગવો દિવસ મળવો જોઈએ એવું ઘણા લોકોએ ઘણી વાર માગ્યું. એનો ઈતિહાસ પણ હવે ગૂગલ પર ઉપલબ્ધ છે. કેમ અને શા માટે 8 માર્ચ પસંદ કરવામાં આવી એ વિશેની વિગતો પણ હવે ઈન્ટરનેટ પર મળે છે. છેલ્લા થોડા સમયથી આ વુમન્સ ડેને નજીકથી જોવાના અવસર ઊભા થયા છે, ત્યારે એક વાત ચોક્કસ સમજાઈ છે. જ્યાં અને જેમને માટે વુમન્સ ડે ઊજવાવો જોઈએ એમના સુધી આ સેલિબ્રેશન કે ઊજવણી પહોંચતાં નથી. આ સેલિબ્રેશન એવી સ્ત્રીઓ માટે હોય છે જે સમાજના ઉપલા સ્તર, ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી હોય છે. ભણેલી અને વુમન્સ ડે વિશે જાણતી હોય એવી સ્ત્રીઓ એકઠી થઈને પોતાનાં સશક્તિકરણની વાતો કરે છે.
ખરેખર સશક્તિકરણની જરૂર ક્યાં છે એવો સવાલ પૂછવામાં આવે તો આપણને સમજાય કે આ સ્ત્રીઓ ઘરનું કામકાજ કરતી સ્ત્રી(કામવાળી)ને એક દિવસની રજા આપવાની કચકચ કરે છે. ડિઝાઈનર લેબલ્સ પહેરતી આ સ્ત્રીઓ કામવાળીના પગાર કે બોનસ માટે રકઝક કરે છે... એ વખતે પેલી પણ ‘સ્ત્રી’ છે એ વાત મોટા ભાગની સ્ત્રીઓ ભૂલી જાય છે!
છેલ્લા થોડા સમયથી સ્ત્રી સશક્તિકરણના બે વિભાગ પડી ગયા છે. એક ક્લાસ અથવા વર્ગ જે મોટા શહેરોમાં વસે છે. એમની પાસે આર્થિક સદ્ધર હોવાનો ફાયદો છે એમની દીકરીઓ હવે સેલ્ફ ફાયનાન્સ કોલેજીસમાં ભણે છે, ગાડી ચલાવે છે, પિતાનું એડઓન કાર્ડ વાપરે છે, જ્યારે બીજી તરફ બી અને સી ટાઉનની છોકરીઓ છે, જેનાં માતા-પિતા સમાજથી ડરે છે ને સમાજ એમને ડરાવે છે. ભણેલી દીકરીને સરખો છોકરો નહીં મળે એવા વિચાર કે ખ્યાલથી દીકરીનું શિક્ષણ અધવચ્ચે જ રોકી દેવામાં આવે છે. ભણેલી છોકરીને મહેણાં મારવામાં આવે છે. એને વ્યવસાય કે નોકરી કરવાની છૂટ આપવામાં આવતી નથી, કારણ કે જો એ નોકરી કરે કે કમાય તો એ ‘મનસ્વી’ થઈ જાય એવો ભય સમાજે એનાં માતા-પિતાનાં મનમાં ઘુસાડી દીધો છે. એની સામે દીકરા માટે બધા દરવાજા ખુલ્લા છે, બધા ગુના માફ છે અને એની સગવડો સાચવવા માટે મા અને બહેન ઓછાં ઓછાં થઈ જાય છે...
છતાં એક વર્ગ એવો પણ શરૂ થયો છે, જ્યાં સ્ત્રીઓ પુરુષને પોતાનો દુશ્મન અને પ્રતિસ્પર્ધી સમજે છે. ‘સ્ત્રી સશક્તિકરણ’ અથવા ‘સ્ત્રી સ્વતંત્રતા’ એક એવી ગૂંચવાયેલી અને ન સમજાય તેવી વ્યાખ્યા બની ગઈ છે. જેમાં સંડોવાયેલી કે અટવાયેલી સ્ત્રીઓ પુરુષને નીચો દેખાડવામાં પોતાના સ્ત્રીત્વનો વિજય સમજે છે. પતિને દબાવીને રાખવો કે એનાં માતા-પિતાને અપમાનિત કરવામાં જાણે વિતેલી પેઢીનું વેર લેતી હોય એમ કેટલીયે પુત્રવધૂઓ સ્ત્રીત્વ તો ઠીક, માણસાઈની હદ પણ વટાવી જતી હોય છે. 498 કે 375 જેવી કલમોના દુરુપયોગથી આપણે અજાણ્યાં તો નથી જ. જાતીય સતામણી કે ‘મીટુ’ની ફરિયાદ દર વખતે સાચી જ હોય છે એવું આપણે સોગંદપૂર્વક કહી શકીએ તેમ નથી જ... એવા સમયે વુમન્સ ડેની જેમ મેન્સ ડે પણ ઊજવાવો જોઈએ એવી માગણી ઘણા સમયથી વિશ્વના પુરુષોએ કરી હતી.
19 નવેમ્બર, સત્તાવાર રીતે ‘મેન્સ ડે’ ઘોષિત કરવામાં આવ્યો છે. 1960થી મેન્સ ડેની સત્તાવાર ઘોષણા વિશે અનેક પ્રયાસો કરવામાં આવ્યા. પહેલાં 23 ફેબ્રુઆરીને ઈન્ટરનેશનલ મેન્સ ડે જાહેર કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ એ શક્ય બન્યું નહીં. 1968માં અમેરિકન પત્રકાર જ્હોન પી હેરિસે એડિટોરિયલ લખ્યો. જેમાં એમણે વુમન્સ ડેની ઊજવણીના વિરોધ કર્યા વગર લખ્યું કે સ્ત્રીની જેમ પુરુષોને પણ એમનો આગવો દિવસ મળવો જોઈએ. 1960થી 1990 સુધી જુદી જુદી તારીખોએ મેન્સ ડે ઊજવવાના વિચારને વારંવાર રજૂ કરવામાં આવ્યા. 1990માં યુનાઈટેડ સ્ટેટ્સ ઓસ્ટ્રેલિયા અને માલ્ટાએ મિઝુરી રાજ્યમાં યુનિવર્સિટી ઓફ મિઝુરીમાંથી એક ઈવેન્ટ ઊભી કરી. 1993થી શરૂ કરીને 2003 સુધી 19 નવેમ્બરને ‘મેન્સ ડે’ તરીકે ઊજવવામાં આવ્યો. એ લોકોએ પોતાની જાતે જ નક્કી કરેલા આ દિવસને દર વર્ષે 19 નવેમ્બરે ઊજવ્યો. ધીરે ધીરે આ દિવસને આખા અમેરિકામાં મેન્સ ડે તરીકે ઊજવવાનું શરૂ થયું. ગયા વર્ષે 19મી નવેમ્બરને સત્તાવાર રીતે ‘મેન્સ ડે’ જાહેર કરવામાં આવ્યો. યુનેસ્કોએ હવે 8 માર્ચની જેમ 19 નવેમ્બરને પણ ઊજવવાની જાહેરાત કરી છે.
આપણે બધાં, ખાસ કરીને સ્ત્રીઓ એવું ધારી લઈએ છીએ કે પુરુષે સ્ટ્રોંગ હોવું જોઈએ. એણે એના દુઃખને રડીને રજૂ ન જ કરાય. પુરુષે મદદ ન મંગાય, પુરુષે ક્યારેય નબળા કે બિચારા હોવાની જાહેરાત ન કરાય. હમણાં ઈન્ટરનેશનલ મેન્સ ડે ઉપર બોલતી વખતે એક અમેરિકન પત્રકારે કહ્યું, ‘જેમ સ્ત્રીઓ ઈક્વાલિટીની અથવા બરાબરીની માગણી કરે છે, એમ હવે પુરુષે પણ ઈમોશનલી બરાબરિયા હોવાની માગણી કરવી જોઈએ. પુરુષ પણ માણસ જ છે. એના જીવનમાં પણ નબળાઈની પળ આવે જ, એ વાતને સ્ત્રીઓ સ્વીકારવાનો ઈન્કાર કરે તે કેમ ચાલે? સ્ત્રી બિચારી હોય, એને જ રડવાનો કે ફરિયાદ કરવાનો અધિકાર છે, આવું માનતા કે સ્વીકારતા પુરુષોએ આ માન્યતાને નકારવાનો સમય થઈ ગયો છે...’
ઈક્વાલિટી અથવા બરાબરીની આ વાત સમજવા જેવી છે. જ્યારે સ્ત્રીઓ પોતાની સ્ટ્રેન્થને સ્વીકારવાનો આગ્રહ રાખતી હોય ત્યારે પુરુષે પોતાની નબળાઈ સ્વીકારાવાનો આગ્રહ કેમ ન રાખવો જોઈએ? આપણે એવા સમાજમાં પ્રવેશ્યાં છીએ જ્યાં સ્ત્રી-પુરુષ વચ્ચેના જેન્ડર બાયસને મિટાવી દેવાનો પ્રયાસ ખૂબ મજબૂતીથી કરવામાં આવી રહ્યો છે. આપણી જાહેરખબરો પણ હવે સ્ત્રી કે પુરુષને બદલે માણસ હોવાના ઈમોશનને પ્રમોટ કરે છે. પુરુષ ચલાવી શકે તેવું વોશિંગ મશીન કે પિતા તરીકે સંતાનની કાળજી રાખવાની એની ફરજ વિશે હવે જુદા જ પ્રકારની જાહેરાતો બનવા લાગી છે અથવા સિનેમાના હીરો પણ હવે પૌરુષને જુદી રીતે રજૂ કરતા થયા છે, ત્યારે જો સ્ત્રી બરાબરી માંગતી હોય તો એણે બરાબરી આપવાની તૈયારી રાખવી પડશે.
મોટા ભાગની સ્ત્રીઓ માને છે કે ખોખાં ખસેડવાના, ડબ્બા ખોલવાના કે ઘરના નાના-મોટા રિપેરિંગના કામ કરવાની જવાબદારી પુરુષની છે. આ વાત મહદ્દંશે સાચી હોઈ શકે, કારણ કે પુરુષ શારીરિક રીતે સ્ત્રી કરતાં વધુ બળવાન છે. કેટલાક પુરુષોએ આ બળનો દુરુપયોગ પણ કર્યો છે. ઘરેલુ હિંસા કે બળાત્કાર દરેક પુરુષ નથી કરતો. એવી જ રીતે દરેક સ્ત્રી ઋજુ અને કોમળ નથી જ હોતી. જે સ્ત્રી પોતાનાં સાસુ-સસરાને આપઘાતની ધમકી આપીને ડરાવી શકે કે પતિ ઉપર હાથ ઉપાડી શકે, એ સ્ત્રીની અબળા હોવાની વાતને કઈ રીતે સ્વીકારી શકાય?
ઈન્ટરનેશનલ વુમન્સ ડે ઊજવાય છે કારણ કે સ્ત્રીએ સદીઓ સુધી સમર્પણ કર્યું છે. એને વસ્તુ માનીને દુરુપયોગ કરાયો છે, એને દેવી અથવા દાસી બનાવીને એનો માણસ હોવાનો અધિકાર છીનવાયો છે... આ બધું સાચું હોય તો એ પણ સાચું છે કે પુરુષે મજબૂત હોવું જ જોઈએ એવી માન્યતા સાથે એની પાસેથી એનો રડવાનો, ફરિયાદ કરવાનો અધિકાર છીનવાયો છે. એને કોમળ હોવાની, ઋજુ હોવાની કે એનામાં રહેલી લાગણીઓને અભિવ્યક્ત કરવાની તક નથી મળી!
હવેનો સમાજ જેન્ડર ઈક્વાલિટીનો, જાતીય બરાબરીનો સમાજ છે. બદલાતા સમય સાથે હવે જેમ આપણે મજબૂત સ્ત્રીને સ્વીકારી રહ્યા છીએ તેમ જ ઋજુ અને કોમળ પુરુષને સ્વીકારવા જોઈએ. એક સ્ત્રી માતા હોવા છતાં પિતાની ફરજ પૂરી કરી શકે છે, એવી જ રીતે હવે એક પિતા પણ માની જેમ કાળજીપૂર્વક સંતાનનો ઉછેર કરી શકે છે, એ વાતને આપણે નકારી તો નહીં જ શકીએ. એક પત્ની જેમ મજબૂતીથી ઘર ચલાવી શકે છે એવી જ રીતે એક પતિ પણ હવે ઘર સંભાળી શકે છે એ વાતને હાસ્યાસ્પાદ બનાવાને બદલે પુરુષના ગૌરવ તરીકે જોતાં આપણે શીખવું પડશે.
[email protected]
X
article by kajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી