માય સ્પેસ / કોઈ જીતા... કોઈ હારા...

article by kajal oza vaidya

કાજલ ઓઝા વૈદ્ય

May 27, 2019, 06:45 PM IST

દેશમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીની સરકાર બનશે, એવું સ્પષ્ટ થઇ ગયું છે. ધારી હોય એના કરતાં સારી બહુમતીથી નરેન્દ્ર મોદી ફરી એકવાર પીએમ બનવાના છે.
ઘણા બધા લોકો પોતપોતાના ટ્વિટર અને ફેસબુક ઉપર મોદીસાહેબનો જય જયકાર કરી રહ્યા છે ત્યારે એક સવાલ એવો આવે છે કે આ જનાદેશ હોય તોપણ આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી કોઈ પણ સરકાર આપણું કંઈ પણ ભલું કરી શકશે ખરી?
નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રાઈમ મિનિસ્ટર બનશે એટલે બધાં અધૂરાં કામ હાથમાં લેશે અને આ દેશની કાયાપલટ કરી નાખશે, એમ આપણે માનતા હોઈએ તો એ ખરેખર સાચું પડે એવું સપનું છે? સવાસો કરોડના આપણા દેશમાં સવાસો કરોડ ઝંખનાઓ અને અપેક્ષાઓ છે. એક જ ઘરમાં જુદાં જુદાં સપનાં શ્વાસ લે છે. પ્રૌઢ થઈ ગયેલા પિતાને પોતાના દીકરા માટે યોગ્ય ભવિષ્ય જોઈએ છે, એ ભ્રષ્ટાચાર કરવા તૈયાર છે! તો બીજી તરફ દીકરાને આ દેશ જબરદસ્ત વિકાસ કરે એવી ઝંખના છે. એને ભ્રષ્ટાચાર નાબૂદ કરવો છે અને લેટેસ્ટ ટેક્નોલોજી લઈ આવવી છે. ખેડૂતને પાણી જોઈએ છે અને સેક્યુલરને કોઈ પણ પ્રકારના બંધન વગરની મુક્ત વાણી જોઈએ છે. યુવાનને નોકરી જોઇએ છે અને ગામડામાં વસતા પિતાને ભણેલી છોકરી જોઈએ છે. અદાણી- અંબાણીને વૃદ્ધિ જોઈએ છે તો જૂની પેઢીના વૃદ્ધોને શુદ્ધિ જોઈએ છે.
કેમ થશે આ બધું?
નરેન્દ્ર મોદી ભાજપનાે ચહેરો છે. આપણે જો ધ્યાનથી વાંચ્યું હોય એમના પોસ્ટર્સમાં લખવામાં આવ્યું હતું કે ‘અબ કી બાર, મોદી સરકાર.’
આ હોર્ડિંગ્સ વાંચીને લોકોએ ભાજપને મત આપ્યો છે, પરંતુ અર્થ એ થયો કે હવે જે સરકાર બનશે એ પક્ષની નહીં હોય, નરેન્દ્ર મોદીની સરકાર હશે.
કોઈ એક માણસમાં આપણો વિશ્વાસ કે એના વિશેનું આપણું માન સારી વાત છે, પણ એના ખભે મૂકીને બંદૂક ફોડવાની આખી પ્રક્રિયા બેવકૂફી ભરેલી છે.
નરેન્દ્ર મોદી ભગવાન નથી, બલકે ભગવાન પણ બધી જગ્યાએ પોતાનું ધાર્યું કરી શકતા નથી કે આપણે જે માગીએ તે આપી શકતા નથી. એણે પણ ક્યાંક નિયતિ અને ક્યાંક કર્મને માનવા પડે છે.
ભારતની જનતા એવું શીખી ગઈ છે. સરકારના ખભે બધો ભાર મૂકીને આપણે હાથ ખંખેરીને હળવા થઈ જવાનું. ‘આપણે તો જિતાડી દીધા હવે કરી બતાવો ચમત્કાર.’ એવા નારા સાથે 23મીની સાંજે આ દેશ હવે કેસરિયા ઝંડા લઈને રસ્તા ઉપર ઊતરી પડ્યો હતો.
જીતનારાને કલ્પના પણ નહીં હોય એવી પરિસ્થિતિ હવે નિર્માણ થવાની છે. આ દેશને આગળ લાવવાની, જિંદગીને બહેતર બનાવવાની, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની, એજ્યુકેશનમાં લાવવાની કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની બધી ફરજ સરકારની છે, એવું માનતા અને ધારતા લોકો આ ભાજપને બીજીવાર જિતાડીને એમનું તેલ કાઢી લેવા તૈયાર થઈ ગયા છે. આપણે તો માત્ર ચૂંટણીમાં વોટ આપવાનો અને ભારતીય જનતા પક્ષને જિતાડી દેવાનો. બસ, આટલું થશે એટલે બાકીનું બધું એની મેળે થઈ જશે, એમ માનીને જીવતી આખા દેશની જનતા હવે સરકાર પાસેથી ઘણી અપેક્ષા રાખવાની છે.
‘આપણે તો મોદીસાહેબને જિતાડ્યા હવે એમણે કરી બતાવવાનું છે.’ એવું કહેતા ઘણા લોકો 23મી તારીખની સાંજે ભાજપ જીત્યાનો ઉત્સવ માણતા હતા ત્યારે જીતી ગયેલા નરેન્દ્ર મોદીને ખબર હશે ખરી કે જીત્યા પછી એમના માટે અનેક અજાણી સમસ્યા ઊભી થવાની છે.
ખરેખર તો હવે જ એમની પરીક્ષા શરૂ થવાની છે! કોઈ માને કે ન માને, પરંતુ આ દેશ અને એમાંએ જેમણે ભાજપ માટે મત આપ્યો છે તે બધા જ પોતાના અધિકારો માટે ઊભા થવાના છે.
આ દેશ અપેક્ષાઓના દેશ છે. સગી મા પણ દીકરા માટે પોતે શું શું કર્યું એનું ગણિત બતાવવામાં પાછી પડતી નથી. પોતાના દીકરાને માણસ તરીકે ઉછેરે છે. આપણો દેશ શ્રવણની કથાઓનો દેશ છે, આંધળાં મા-બાપને કાવડમાં બેસાડીને જાત્રા કરાવતો શ્રવણ આપણા માટે આદર્શ છે. વિદેશ જઈને પૈસા કમાતો, માતા-પિતા માટે અહીં માણસોની સગવડ ઊભી કરીને વ્યવસ્થા કરતો દીકરો આ દેશમાં સન્માનની નજરે જોવાતો નથી. પોતાની જિંદગી
જીવવા માટે કે ઘર નાનું પડતું હોય એટલા માટે પણ જુદો રહેતો દીકરો નકામો અને નગુણો ગણાય છે.
આ દેશમાં લગભગ દરેક વાત ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોવાય છે. મેં આટલું કર્યું તો સામેવાળાએ આટલું કરવું જ પડે, એવી માનસિકતા લગભગ દરેક માણસની છે જ. તો પછી જે દેશ નરેન્દ્ર મોદીનો ચહેરો જોઈને ભારતીય જનતા પક્ષને વોટ આપે, એમને જોઈને પક્ષને જિતાડે એ દેશની જનતા મોદીસાહેબ પાસે કેટલું માગશે એની જાણ આ લોકલાડીલા નેતાને હશે જ, એમ માની લઈએ?
આ દેશમાં વસતા લોકોની યાદશક્તિ કેટલીક બાબતોમાં ખૂબ સ્ટ્રોંગ અને મજબૂત છે, જ્યારે કેટલીક બાબતોમાં સાવ ટૂંકી અને ભૂંસી નાખે એવી છે. કોણે શું કર્યું અથવા આપણી શું મદદ કરી એ વિશેની આપણી યાદશક્તિ ઘણી ટૂંકી છે, પરંતુ કોણે શું નથી કર્યું ને આપણને શું ઓછું પડ્યું, એ વિશે આપણી મેમરી ઘણી સ્ટ્રોંગ છે. એટલે હવે મોદીસાહેબે શું નથી કર્યું એનું એક લિસ્ટ બહાર પાડવામાં આવશે. અમે તમને જિતાડ્યા એટલે તમારે આ બધું પૂરું કરવું પડશે, એવી અપેક્ષા સાથે વિરોધીઓ બજારમાં પડશે!
એમના ભક્તો અને વિરોધીઓ વચ્ચે જંગ ખેલાશે.
નરેન્દ્ર મોદી પહેલીવાર જીત્યા ત્યારે એમની પાસેથી આ દેશને આટલી બધી અપેક્ષાઓ નહોતી, એનું કારણ કદાચ એ છે કે ત્યારે એમની શક્તિઓ વિશે આપણને ખબર નહોતી. એમણે છેલ્લાં પાંચ વર્ષમાં જે કરી બતાવ્યું એ સારું હતું કે ખરાબ, યોગ્ય હતું કે નહીં એ તો સમય જ કહેશે, પરંતુ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન એમણે પોતાની એક છબી ઊભી કરી છે. એમણે પોતાની જે ઇમેજ ઊભી કરી એનાથી તમને એટલું નુકસાન નથી થયું જેટલું એમના ભક્તો એમને કર્યું છે.
કોઈ ફેસબુક ઉપર જરાક ટીકા કરે, તેઓ ખડગ અને ખપ્પર લઈને તૂટી પડતા. મોદીભક્તોની તલવારો લોહી ચાખ્યા વિના મ્યાન થતી નહોતી! ‘મોદીસાહેબ કોઈ દિવસ ખોટા હોઈ શકે જ નહીં’ અથવા ‘એમનાથી શ્રેષ્ઠ નેતા આ દેશને કદી મળ્યો જ નથી.’ આવું એમણે કહ્યું હોય કે નહીં, પરંતુ એમના ભક્તોએ બિનજરૂરી પ્રશંસા કરીકરીને એમની છબીને એટલી મોટી કરી નાખી છે હવે ખુદ નરેન્દ્ર મોદી પણ પોતાની જ છબીની સામે ઊભા રહે તો એમના ભક્તો એમને જ ઓળખવા તૈયાર નહીં થાય, એવી શક્યતા છે!
શરદ જોશીની એક વ્યંગ કથામાં સીતાને પાછાં લાવવાની લડાઈમાં જે જે વાંદરાંએ ભાગ લીધેલો એમને પેન્શન આપવાની યોજના જાહેર કરવામાં આવે છે. હનુમાન પેન્શન લેવા જાય છે ત્યારે એમને પોતાની ઓળખ આપવા માટે પૂંછડું બતાવવું પડે છે.
મોદીભક્તોએ કારણ વગરની ચમચાગીરી કરીને નરેન્દ્ર મોદી માટે જ અઘરી ચેલેન્જ ઊભી કરી દીધી છે, જેની એમને પોતાને પણ ખબર નથી!
નરેન્દ્ર મોદી સ્વયં કદાચ શિસ્તના અને સ્પષ્ટતાના માણસ છે. એમને ગમતું નહીં ગમતું એ સ્પષ્ટ કહી શકે છે, કહી નાખે છે. તેઓ કદાચ સાચી, પ્રામાણિક ટીકા હોય તેને સાંભળી પણ શકતા જ હશે. તો ફેસબુક ટ્વિટર ઉપર ભક્તો જે રીતે તૂટી પડે છે, એ જોતાં એવું લાગે છે કે નરેન્દ્ર મોદી માટે હવે પછીની ટર્મ ચમત્કારોની ટર્મ નહીં બની શકે તો આ દેશની જનતા નિરાશ થઈ જશે.
ખેર, હજી તો ચૂંટણીનાં પરિણામ આવ્યાં છે. સરકાર રચાઇ રહી છે. આ સરકાર આપણા માટે નવી નથી, પરંતુ જે રીતે આ સરકાર ગોઠવાઈ રહી છે, એ જોતાં હવે પછી આ સરકાર સામે અનેક સવાલો આવવાના છે, જેમાંનો સૌથી મોટો સવાલ તો નરેન્દ્ર મોદીની સામે એમની પોતાની અનરિયાલિસ્ટિક, ચમત્કારિક, પોતાને મોદીભક્ત કહેવડાવતા ચમચા પ્રકારના લોકોએ રચેલી એવી છબી છે, જેને પહોંચી વળવું હશે તો એ માટે મોદીસાહેબે અથાગ પ્રયત્ન કરવો પડશે, એમાં કોઈ શંકા નથી.

[email protected]

X
article by kajal oza vaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી