સિમ્પલ સાયન્સ- જ્વલંત નાયક / નવા વર્ષે ભારતમાં ટેક્નોલોજી ક્ષેત્રે કેવો ટ્રેન્ડ રહેશે?

article by jwalant nayak

Divyabhaskar.com

Jan 06, 2020, 05:46 PM IST
સિમ્પલ સાયન્સ- જ્વલંત નાયક
ભારતમાં સામાજિક, આર્થિક કે રાજકીય ક્ષેત્રે ગમે એટલી ઊથલપાથલ થાય, પણ એક વાત તો નક્કી છે કે આપણું બુદ્ધિધન દુનિયાને પડકાર આપવામાં ક્યારેય પાછળ નથી પડતું. પરિણામે આપણા વૈજ્ઞાનિકો અને યુવા સંશોધકો ઉપર કાયમ વિશ્વની નજર રહેતી હોય છે. માત્ર ઇસરોનો જ દાખલો લો, તો ઇસરો આજે અવકાશીય ક્ષેત્રે સૌથી ઓછા ખર્ચે અઘરા પ્રોજેક્ટ્સ પાર પાડવામાં સારી એવી નામના ધરાવે છે. એ જ પ્રમાણે જિનેટિક્સથી માંડીને રોબોટિક્સ સુધીનાં વિવિધ ક્ષેત્રોમાં ભારતીયોનાં નામ ચમકતાં રહે છે. પરિણામે આજે ટેક્નોલોજી સાથે સંકળાયેલ વધુ ને વધુ કંપનીઝ ભારત અને એના ટેક્નોક્રેટ્સ તરફ નજર દોડાવી રહી છે. ઇસરો જેવી સંસ્થા વિશે તો લખાતું જ રહે છે, પરંતુ એ સિવાય પણ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણું બધું બનતું હોય છે. ચાલો આજે જોઈએ કે ઇ.સ. 2020ના નવા શરૂ થયેલા આ વર્ષમાં ભારતની ભૂમિ પર સાયન્સ-ટેક્નોલોજી ક્ષેત્રે ટ્રેન્ડ કેવો રહેશે.
મિક્સ્ડ રિયાલિટી : જમાનો વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને એથીય આગળ વધીને ઓગ્મેન્ટેડ રિયાલિટી(AR)નો છે. તદ્દન સાદા શબ્દોમાં આ બંને વચ્ચેનો તફાવત સમજી લો. વર્ચ્યુઅલ રિયાલિટીમાં તમે કમ્પ્યૂટર, ટેલિવિઝન, મોબાઈલ કે સિનેમાના સ્ક્રીન પર ધમાકેદાર વિઝ્યુઅલ ઈફેક્ટ્સ જોઈ શકો છો એ. માર્વેલ સ્ટુડિયોની ફિલ્મમાં સ્પાઈડર મેન એક બિલ્ડિંગ પરથી કૂદકો મારીને સેંકડો ફીટ દૂરના રસ્તા ઉપરથી પસાર થઇ રહેલી બસના છાપરે જઈ બેસે, એ કમ્પ્યૂટર ગ્રાફિક્સ દ્વારા સર્જાયેલ વર્ચ્યુઅલ ઈફેક્ટ્સને પ્રતાપે. બાકી વાસ્તવમાં આવું કશું હોતું નથી, પરંતુ કમ્પ્યૂટર ગ્રાફિક્સની આવી ઈફેક્ટ્સ એટલી અદ્્ભુત હોય છે કે જોનારને એ એકદમ વાસ્તવિક જ લાગે. આથી જ તો એને કૃત્રિમ વાસ્તવિકતા – વર્ચ્યુઅલ રિયાલિટી કહે છે. હવે એનાથીય જરા આગળ વિચારો, કે તમે મોલમાં ફરી રહ્યા છો અને અચાનક ક્યાંકથી સ્પાઈડરમેન છલાંગો મારતો આવી પહોંચે અને તમારી નજીક મૂકેલા બાંકડા પર બેસી જાય તો?! ભવિષ્યમાં આવાં દૃશ્યો મોટા પાયે જોવા મળશે, કેમ કે આવનારા સમયમાં ઓગ્મેન્ટેડ રિયાલિટીનો બહોળો વપરાશ થવાનો છે, જ્યાં ઈલેક્ટ્રોનિક સ્ક્રીનની બહાર – તમારી આજુબાજુની વાસ્તવિક દુનિયામાં ય કમ્પ્યૂટર ગ્રાફિક્સ દ્વારા સર્જાયેલી સ્પેશિયલ ઈફેક્ટ્સ જોવા મળશે. અત્યારે જે સૌથી ‘ક્રેઝી થિંગ’ ગણાય છે એ છે AR અને VRનો ઉપયોગ કરીને બનાવાયેલી મિક્સ રિયાલિટી! અત્યારે આપણા મુકેશભાઈની રિલાયન્સ આ ક્ષેત્રે ઝંપલાવી ચૂકી છે. ચાઈના અને જાપાનમાં અત્યારે નાના પાયે આ પ્રકારની ટેક્નોલોજી ચાલી રહી છે. જોકે, મિક્સ્ડ રિયાલિટીના કેટલાંક સામાજિક દુષ્પરિણામો પણ છે, એટલે આ ઘટનાક્રમ ઉપર ટેક્નોક્રેટ્સની સાથે જ પોલિસીમેકર્સની પણ નજર રહેશે જ.
સોલાર એનર્જી : ઇ.સ. 1960થી સૂર્યઊર્જાનો વપરાશ શરૂ થયો અને આજની તારીખે સોલાર એનર્જી સૌથી ઝડપથી વિકસી રહેલાં ક્ષેત્રો પૈકીનું એક ગણાય છે. નેધરલેન્ડ જેવા દેશમાં તો હાઈવેઝની આજુબાજુમાં પણ સોલાર પેનલ મૂકીને સૂર્યઊર્જાનો મહત્તમ લાભ મેળવવાના પ્રયોગો થઇ રહ્યા છે. એક ફ્રેન્ચ કંપની તો પાણી ઉપર તરતી સોલાર પેનલ્સ વડે ઊર્જા મેળવવા માટે પ્રયત્નશીલ છે. Ciel et Terre નામની આ કંપની ભવિષ્યમાં ફ્રાન્સ, જાપાન અને ઇંગ્લેન્ડની સાથે ભારત તરફ પણ નજર દોડાવી રહી છે. એ સિવાય ભારતના વૈજ્ઞાનિકો અવકાશમાં તરતી સોલાર પેનલ્સ દ્વારા પણ મહત્તમ સૂર્ય ઊર્જા મેળવી લેવાના મૂડમાં છે. આ રીતે સ્પેસ પેનલ્સ ગોઠવવા બાબતે જાપાન અને ચાઈના સાથે આપણી સીધી સ્પર્ધા છે. જોકે, સ્પેસ પેનલ્સને કાર્યાન્વિત થવામાં ઇ.સ. 2030 સુધીનો સમય લાગી શકે છે, પણ પ્રોજેક્ટની શરૂઆત બહુ જલદી થશે, એવું નિષ્ણાતોનું માનવું છે. આગે આગે દેખિયે હોતા હૈ ક્યા!
તમારા નવા બોસ રોબોટ હોઈ શકે : વર્લ્ડ ઇકોનોમિક ફોરમ(WEF)નો ‘ફ્યૂચર ઓફ જોબ્સ 2018’ નામક રિપોર્ટ જણાવે છે કે ઇ.સ. 2022 સુધીમાં ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશનને કારણે સાડા સાત કરોડ લોકોની નોકરીઓ જશે! આમાં મુખ્ય ફાળો રોબોટ્સનો હશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાબતે ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશોની સરખામણીએ ચાઈનીઝ અને ભારતીય કંપનીઓનો ઝોક ઘણો વધારે છે. એક સર્વે મુજબ કમ્પનીના ટોચના સ્થાને બેઠેલા લોકો માને છે કે મેનેજર તરીકે કામ કરી શકતા રોબોટ્સ હ્યુમનની સરખામણીએ વધુ ચોક્કસ અને પૂર્વગ્રહ વિનાની માહિતી મેનેજમેન્ટ સુધી પહોંચાડી શકશે. (પોઈન્ટ ટુ બી નોટેડ, સિરિયસલી!) ઇ.સ. 2020થી જ ભારતીય કંપનીઝમાં રોબોટિક્સને લીધે થનારા ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશનની અસર વર્તાવા માંડશે. થોડા લોકો નોકરી ગુમાવશે, એની સામે ટેક્નોક્રેટ્સ માટે નવી જોબ્સ ઊભી ય થશે. જોકે, ભારતીય કર્મચારીઓએ ટકી રહેવા માટે આવનારા સમયમાં વધુ કમર કસવી પડશે, ખાસ કરીને તમારા બોસ કોઈ ‘રોબોટ’ હશે તો!
જીન્સ એડિટિંગ : ઇન્સ્ટિટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી (IGIB) અને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ બાયોલોજી (CSIR-IICB) સંયુક્ત રીતે જિનેટિક મ્યુટેશન, એટલે કે મનુષ્યના જીન્સને ‘એડિટ’ કરવા ઉપર પ્રયોગો કરી રહ્યા છે. જો તેમને સફળતા મળશે તો ભવિષ્યમાં પાચનક્રિયાને લગતી ગરબડથી માંડીને વ્યક્તિના મૂડમાં આવતા ત્વરિત બદલાવ સુધીની ઘણી સમસ્યાઓનો હલ મેળવી શકાશે, એવી આશા છે. જોકે, આ બાબતમાં નૈતિક પ્રશ્નો ઊભા થવાની શક્યતાઓ જોતાં એમના પ્રયોગોને કેટલી હદે મંજૂરી મળશે એનો ઉત્તર સમય જ આપશે.
ઇ.સ. 2020 દરમિયાન ખરેખર ઉપર જણાવેલી બાબતોમાં કશુંક નક્કર ડેવલપમેન્ટ થઈ શકશે, તો એ ઘટના જે-તે ફિલ્ડ માટે ખરા અર્થમાં ‘ગેઇમ ચેન્જર’ બની રહેશે એ નક્કી!
[email protected]
X
article by jwalant nayak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી