Back કથા સરિતા
જિગિષા ત્રિવેદી

જિગિષા ત્રિવેદી

હાસ્ય (પ્રકરણ - 34)
લેખિકા હાસ્યલેખક છે.

હવાર-હાંજના મેનુનું સેટિંગ

  • પ્રકાશન તારીખ20 Aug 2019
  •  

હળવાશ - જિગીષા ત્રિવેદી
‘અલા... આને તો દહ દિ’ પહેલાં ગુલાબી પાટો બાંધેલો હાથમાં અને આજ એકદમ પાટો ગાયબ?’ ખાંચામાં ભાડે રહેતાં માયાબેન પસાર થયાં અને કંકુકાકીને કૌતુક થયું. એમણે સીધું માયાબેનને જ પુછ્યું, ‘તિરાડ પડેલી, તે સંધાઇ ગઇ?’ માયાબેન તો હા પાડીને વહેતાં થયાં, પણ કંકુકાકીને કોણ જાણે કયું જૂનું વેર હશે, તે માયાના પડછાયાએ પણ પોળ છોડી, પછી ચાલુ કર્યું, ‘દહ દા’ડામ તે ક્રેકો મટતી હસે? આ ગોદડા જેવી મહા ફેંકોલોજી છે. ગધેડાન તાવ આવે એવી વાતો કરે છે. આપ્ડે ધૂળ નથ ખાતાં કે કસી ખબર જ ના પડે. ક્રેક હોય ને, તો મિનિમમ એકવીસ દા’ડા પાટો આવે ને આવે જ! ખોટ્ટાડી એક નંબરની. આ ભારેખમ સરીર લઇને પડી હસે ને હાથ પર આખું વજન આઇ ગ્યું હસે. ખાલી મચકોડ હસે. બીજા ખબર પૂછે, એટલા હાટુ ક્રેક-ક્રેક કરી મૂક્યું ગામમાં.’ હંસામાસીએ ટોપિક બદલતાં કહ્યું, ‘એ, કોક આઇડિયા આલોને યાર. હાંજે હું રાંધવુ એ નહીં હમજાતું.’ ‘હવારે હું બનાયું’તું?’ કલાકાકીએ સવાલ પૂછ્યો.‘હાંજનું મેનુ હવારે કરાયું તમાર ભઇએ. એ જ મોંકાણ છે ને યાર. નકર તો કોઇ પ્રસ્ન જ નહોતો. આજ હવાર તમાર ભઇએ ભાજીપાવ કરાવડાયા.’ ‘જુઓ, હવાર-હાંજમાં એક મેનુ આપડા હાથમાં જ હોવંુ જોઇએ. આ લોકો તો આપ્ડાન બહુ મૂંઝવી દે. મેં તો અમુક વસ્તુઓ ફિક્સ રાખી છે. જેમ કે, હવારે પંજાબી મિક્સ વેજીટેબલ, તો હાંજે વેજ પૌંઆ ને હાંજે ભાજીપાંવ કે મિક્સ વેજ કે પનીરનું કસ્સું બી કર્યું હોય, તો બીજે દહાડે હવારે વેજ પુલાવ. કોઇ બી એક ટંક દાળ-ભાત-સાક-રોટલીમાંથી છુટકારો ને વેરાઇટીની વેરાઇટી. વેજીટેબલ પૌંઆ, એમાં તમે કાજુ, બદામ, કિસમિસ નાખો, તો શાહી પૌંઆ કે પછી ભાત બનાઇને મિક્સ કરી દેવાના તો શાહી પુલાવ.’ કલાકાકીએ આખી માહિતી વિગતે જણાવી એટલે સવિતાકાકી સમજી ગયાં, ‘હમજાઇ ગ્યું. આપ્ડે કસ્સું બી શાહી બનાવવું હોય ને, તો સવારે સાક વધેલું હોવું ફરજીયાત છે. બાકી પેસિયલ સાક સમારીન ભાતમાં નાખવા જેવી મુર્ખામી નહીં કરવાની, પણ યાર, આ પંજાબી સાકમાં તો ગ્રેવીનો બહુ કુથલો કરવો પડે. ડુંગરી ને ટામેટાં ને આદું મરચાં બધંુ ક્રસ કરવાનો ત્રાસ નઇં યાર?’ કલાકાકી ભડક્યાં, ‘તુવેરો-વટાણા ફોલવાનો ત્રાસ નહીં લાગતો? તમે વટાણા ને તુવેરા ફોલીફોલીન ફ્રોજન કરો છો. જેની લગભગ બારે માસ એટલી જરૂર રહેતી જ નથી. વરહમાં કેટલી વાર લીલવાની કચોરી કરો છોે?’ હંસાબેને ભારેખમ હાથ મૂક્યો એમના ખભે, એટલે શાંત થતાં કહે, ‘જો બેન, સિજનનંુ ફ્રુટ, ન સિજનનુ સાક-ભાજી. તમે વિચાર તો કરો યાર, તુવેરો ને વટાણા એની પોતાની સિજનમાં બી ફોલવાનો કંટારો આવતો હોય, તો બાર મહિનાનુ ફોલીન રાખવાના કોણે ગળાના હમ દીધા છે?’ ‘હાચી વાત..’ કંકુકાકી પણ સંમત થયાં.‘પંજાબી સબ્જીઓ અને રસ તો બારેમાસ ભાવે. મહિનામ નહીં નહીં તોય તૈણ-ચાર વાર મન થાય ખાવાનું. એટલે કેરીની અને ડુંગરી-ટામેટાની બે સિજન હાચવી લેવાની. હું તો હવેથી નાના નાના બાર-પંદર એરટાઇટ ડબ્બા ભરીન ડુંગરી-ટામેટા-આદું-મરચાંની ગ્રેવી જ ફ્રોજન કરી નાખીસ. એટલે અડધી રાતેય ગેશ્ટો આવ ન પંજાબી ઠોકી મારવું હોય, તોય ઘરમાં હોય, એં સાક બાફીને ભેળવી દેવાનું. સબ્જી રેડી.’ ‘હાચું હાચું ગમ્મે ત્યારે ખાઇ હકીએ. તુવેરો ને વટાણા સિજનમાં ફ્રોજન કરવાનો કોન્શેપ્ટ જ ખોટો. આપ્ડો મેઇન હેતુ સું કે મહેનત ઓછી કરવી. એટલે જેટલું બી ક્રસ કરવાનું હોય, એ બધું ફ્રોજન કરવું એ જ બુદ્ધિમાની કહેવાય. રાંધવાનો ભાર હળવો કરવો હોય, તો બારેમાસ ઘરમાં ગ્રેવી અને પૌંઆ રાખીએ, તો તૈણસો પાંસઠમાંથી એકસો એંશી દિવસ જ રાંધવંુ પડે.’ ‘કઉં છું, એકલા ડીપફ્રીજથી નહીં પહોંચી વળાતું. આ કોલ્ડ શ્ટોરેજના નાના કબાટો મલતા હોય, તો કહેજો ને અલા.’ કલાકાકીએ નવી શરૂઆત સાથે પૂર્ણાહુતિ કરી.

x
રદ કરો

કલમ

TOP