Back કથા સરિતા
જિગિષા ત્રિવેદી

જિગિષા ત્રિવેદી

હાસ્ય (પ્રકરણ - 34)
લેખિકા હાસ્યલેખક છે.

મહિલા મંડળનો વિષય : કઢીથી કીચન સુધી

  • પ્રકાશન તારીખ07 Jan 2020
  •  
હળવાશ- જિગીષા ત્રિવેદી
મેં ઘર પાસે સ્કૂટર પાર્ક કર્યું, ત્યારે ઓટલે-બાંકડે મીટિંગ સ્ટાર્ટ થઇ ગયેલી. સવિતાકાકીએ મને મારા જ ઓટલે બેસવા જગ્યા કરી આપી. હું બેઠી અને વાત સાંભળતાં હું થોડી મોડી પડી હોઉં એવું લાગ્યું.‘બે યાર.. કસ્સી ખબર નહીં પડતી. ધોળી કઢી બનાઇ બોલો.’ સવિતાકાકી બોલ્યાં. કલાકાકી કહે, ‘તે કઢી તો ધોળી જ હોય ને.’ ‘કપાળ તારું. બધ્ધા મેનુમાં ધોળી કઢી ના સેટ થાય. ધોળા જોડે ધોળી ને પીળા જોડે પીળી હોય. ખરેખર તો, સાદો ને સિમ્પલ એક જ નિયમ. ધોળે ધોળું ને પીળે પીળું. ધોળા ભાત જોડે ધોળી, ધોળા દૂધપાક જોડે ધોળી અને પીળી ખીચડી જોડે પીળી. દહાડે અજવાળામ ધોળી ને રાય્તે અંધારામ પીળી.’ સવિતાકાકી બોલ્યાં. મહિલા મંડળની આ અદ્્ભુત ટોપિક પર ચર્ચા ચાલતી’તી. મને કઢી વિશે વધુ માહિતી મળવાની અપેક્ષા હતી, ત્યાં ટીના નીકળી. સવિતાકાકીએ એનો વારો કાઢ્યો, ‘નવું સ્કૂટર લીધું છે, એમાં તો વેંત ઊંચી હાલે છે!’ ‘અલા, હવ્વાર હવ્વારમાં પાણી, ન કકડો લઇન મંડી પડી’તી સાફ કરવા.’ હંસામાસી ચોકઠા વચ્ચે ઘર હોવાનો ફાયદો દર્શાવતાં બોલ્યાં, તો સવિતાકાકીએ સફાઇ ઉપર ફોકસ કર્યું, ‘નવું નવું નવ દહાડા, મહિના પછી ધૂળિયા ગોડાઉનમાંથી લાઇ હોય એવું કરી નાખસે. હાચો કલર ઓળખાસે જ નઇં.’ ‘ના ના હવે.. નવું છે, તે પહેલાં તો હાચવસે જ.’ કંકુકાકી બોલ્યાં.‘ના હવે. જોયું નઇં તમે? જુના સ્કૂટરનું જ કીચન રાખ્યું છ. એટલે નવાને વહેલી તકે જુનું કરીને જ ધરપત થાસે. પંદર દિ’માં જ ઠેકાણે કરી નાખસે.’ સવિતાકાકીએ કી-ચેઇન જોઇને સમયગાળો ઘટાડ્યો. ‘અલા.. આમેય એ તો નવાને જુનું કરવામાં ગ્રેજ્યુએટ થઇ છે. તમે જોજોને. બ્રેકો મારતાં, ઝાટકા ખાતી ફાસમ્ફાસ ચલાઇને છ મઇનામ સ્કૂટરમાંથી ખટારો ના કરી નાખે, તો આપડે તમારા ગુલામ થઇ જવું.’ હંસામાસીએ એનું અવલોકન કરેલું હશે, એટલે એમણે સ્કૂટરનો અંત પણ નિશ્ચિત કરી નાખ્યો. ‘પણ જુનંુ કીચન કેમ રાખ્યું, એ નહીં હમજાતું યાર. ચાવી નવી, તો કીચન બી નવું જ લવાય. સું કહો છો?’ કલાકાકીએ કી-ચેઇન વિશે સ્પષ્ટતા કરતાં પ્રશ્ન કર્યો. ‘ચાવી નવી, ન કીચન જુનું. હારું લાગતું હસે યાર? કાર્ટુનવારી મસ્ત કીચન લવાય.’ હંસામાસીએ પસંદગી જણાવી. ‘આ ઉંમરે કાર્ટુનના કીચન હારા લાગે? ફોટાવારી રખાય.’ કંકુકાકીએ બીજો આઇડિયા આપ્યો. ‘ફોટાને હુ ધોઇ પીવાનો? નામ લખાયું હોય એવી જ કીચન લવાય. કોક દહાડો એક્સિડન થાય ન આપ્ડે બેભાન થઇ જઇએ કે મરી જઇએ, તો ટીવીમ લાવારિસ લાસ તો ના જ લખાઇને આવે. કિચનમાં નામ હોય, તો લોકોન નામ ખબર પડે.’ સવિતાકાકીએ દીર્ઘદૃષ્ટિએ વિચાર્યું. ‘ઘુઘરાવારું જ લવાય. સારું અને સસ્તુ. આપ્ડે જઇએ-આઇએ, તો જણાઇએ.’ હંસામાસી ઘુઘરા ઉપર આવ્યાં.‘હાચી વાત અને એ તો વરી વીસ રુપિયામ જ મલે છે.’ કલાકાકીએ બીજો ફાયદો કહ્યો. સવિતાકાકીએ એનાં સ્વભાવ વિશે કહ્યું, ‘વાત હાચી બેન, પણ એટલા પૈસા ખરચવાનોય ઇ લોભણીનો જીવ તો હાલવો જોઇં ને.’ ‘કાંધિયણ છે એક નંબરની. પૈસો છુટતો જ નહીં. રૂપિયાના તૈણ અડધિયા કરે, એ માંયલી. એક દન મને મોલમ મલી ગયેલી સોપિંગ કરવામાં, તો તમહેમાનોને આલવા સરબત માટે હાવ નાના પ્યાલા લીધા અને એં.., ચટણીની વાડકીઓથી મન-ફેર મોટી વાડકીઓ લીધી આઇશક્રીમ આલવા.. બોલો.’ કંકુકાકીએ ‘કાંધિયણ’ શબ્દનો અર્થવિસ્તાર કર્યો.‘કસ્સું બી આલવામા જીવ નહીં ચાલતો. મફતિયું આલો, તો ખુસ. પાણીપુરી ખાય દહ રૂપિયાની ને પાંચ કોરી પુરી ઘેર લઇ જાય અને સાકવારાને ગાજરનો ભાવ પૂછે ને નાનું ટામેટું તો થેલીમ પધરાવી જ દેવાનું.’ પેલી બિચારી જુના કી-ચેઇન સાથે નીકળી, એમાં એની કુટેવોની યાદી બનાઇ દીધી. મેં મારી કી-ચેઇન જીન્સના ખિસ્સામાં સંતાડી દીધી ભૈસાબ!
x
રદ કરો
TOP