મનદુરસ્તી- ડૉ. પ્રશાંત ભીમાણી / પહેલો પ્રેમ કે છેલ્લો પ્રેમઃ એક ઈમોશનલ દ્વિધા  

article by dr.prashantbhimani

Divyabhaskar.com

Nov 28, 2019, 11:41 AM IST
મનદુરસ્તી- ડૉ. પ્રશાંત ભીમાણી
27 વર્ષની અનમેરિડ પ્રિશા પારાવાર પીડામાં હતી. ક્લિનિકમાં એનું રડવાનું બંધ થવાનું નામ નહોતું લેતું. એનાં મમ્મી સાથે જ હતાં. છેલ્લા દસ દિવસથી એણે ઓલમોસ્ટ ઉપવાસ કર્યા હતા. પોતાના વેડિંગ પ્લાનિંગનો બિઝનેસ જાતે જ ઠપ કરી નાખ્યો હતો. જેમ તેમ કરીને એણે પોતાની જાતને સંભાળીને વાત કહેવાનું શરૂ કર્યું.
‘ડૉક્ટર, મને છેલ્લા અઠવાડિયાથી ખૂબ માનસિક પીડા થાય છે. મને મારી જાત ઉપર ખૂબ જ ગુસ્સો આવે છે. મેં મારા બૉયફ્રેન્ડ નિગમ સાથે ખૂબ ખરાબ કર્યું છે. અમારી નવ વર્ષથી રિલેશનશિપ છે, પણ છેલ્લા એક મહિનાથી મને મારા એક બિઝનેસ અેસોસિએટ સુહાસ સાથે લગાવ થઈ ગયો છે. સુહાસ એટલો બધો ચાર્મિંગ અને મજાકિયો છે કે હંમેશાં એની કંપનીમાં મને મજા આવવા લાગી છે. એક દિવસ અમે કોઈ ક્લાયન્ટને ત્યાં કારમાં સાથે શહેરથી બહાર જતાં હતાં અને સરસ મ્યુઝિક વાગતું હતું. મારો હાથ એના હાથ પર મુકાઈ ગયો અને પછી તો અમે કાર સાઈડમાં ઊભી રાખી દીધી. કાર તો ઊભી રહી ગઈ, પણ અમારી રિલેશનશિપ ચાલુ થઈ ગઈ. અમે ધીમે ધીમે ઈમોશનલ અને ફિઝિકલ રીતે વધુ નજીક આવવા લાગ્યાં. અમને એકબીજા વગર ચાલતું નથી. હવે પ્રોબ્લેમ એ છે કે મને નિગમ વગર પણ ચાલતું નથી. નિગમ સાથે મેં આટલાં વર્ષ કાઢ્યાં છે એ મને બધી રીતે પ્રોટેક્ટ કરે છે. ફાઈનાન્સિયલી અને ફિઝિકલી બંને. ઑફકોર્સ અમારા ઝઘડા પણ બહુ થાય છે, પણ એ મારો પહેલો પ્રેમ છે. સુહાસની નજીક આવી એટલે મને હવે ગિલ્ટ થાય છે કે મેં નિગમ સાથે ખૂબ ખરાબ કર્યું અને વધારે ખરાબ વાત એ થઈ કે નિગમનું કોઈ બીજી છોકરી સાથેનું ચેટિંગ મેં ગઈ કાલે જ જોયું. નિગમને હું ખૂબ પ્રેમ કરતી હતી, પણ હવે સુહાસ મારો સાચો પ્રેમ છે એવું પણ મને સતત થયા કરે છે. છતાંય હું ખૂબ ડિસ્ટર્બ છું ડૉક્ટર. શું કરું કંઈ ખબર નથી પડતી?’
પ્રિશાનો મનોસંઘર્ષ એની અપરાધભાવનાને લીધે વધી ગયો હતો. એનામાં ડિપ્રેશનનાં લક્ષણો સ્પષ્ટ જણાતાં. આવી પરિસ્થિતિમાં સતત ઉદાસી, બેચેની, અકળામણ, ગુસ્સો, ભૂખ ન લાગવી, ઊંઘ ન આવવી, કામમાંથી રસ ઊડી જવો, નિર્ણય લેવામાં વિક્ષેપો વગેરે લક્ષણો ખૂબ સામાન્ય છે. આ સ્થિતિ ‘ગિલ્ટ ટ્રીપ’ તરીકે સામાન્ય ભાષામાં ઓળખાય છે. ગિલ્ટ ટ્રિપના લીધે માત્ર ગુનાની ભાવના જ નહીં, પણ સામેની વ્યક્તિએ પોતાનું ચીટિંગ કર્યું છે તેવી પ્રક્ષેપિત વિચારણા પોતાના અન્ય સંબંધના કારણે ઊભી થઈ શકે. મતલબ પોતાને હાલના પ્રેમી સિવાય બીજા કોઈ સાથે સંબંધો રાખવાની અચેતન ઈચ્છા હોય અને એમાં સમાજમાન્ય ધારાધોરણના લીધે દબાણ અનુભવાતું હોય તો જે ત્રીજી વ્યક્તિ પ્રત્યે નવી નવી લાગણી બંધાઈ હોય તે ધીરે ધીરે દુશ્મન લાગવા લાગે. ટૂંકમાં, પોતાના આ વર્તન માટે વ્યક્તિ પેલા નવા પાત્રને જ જવાબદાર ઠેરવે અને એ રીતે પોતાના અચેતન અહંને સંતોષે, એટલું જ નહીં, પણ ક્યારેક તો એ નવા પાત્ર માટે પોતે જ સમાજમાં ગેરસમજ ફેલાવે છે કે એના લીધે જ પોતાની ઈમોશનલ લાઈફ બગડી છે. તેમજ સામેની વ્યક્તિના ચારિત્ર્ય માટે ખરાબ વાતો ફેલાવે. આ આખીય ઘટના મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ‘બચાવ પ્રયુક્તિ’ની ઘટના છે, જે બહુ જીરવી ન શકાતા ડિપ્રેશનનાં લક્ષણો થઈ
આવે છે.
પ્રિશાને સાયકોથેરાપી અને કાઉન્સેલિંગનાં સેશન્સ આપવામાં આવ્યાં. એને એ સમજાવવામાં આવ્યું કે પોતાની લાગણીઓની જવાબદારી પોતે જ લેવી જોઈએ. એક વ્યક્તિ સાથે સંબંધમાં હોઈએ એ સમયે અન્ય વ્યક્તિ પરત્વે ખેંચાણ થઈ શકે, એ ધરતીકંપ જેવી દુર્ઘટના નથી, પણ ડહાપણ એમાં જ છે કે જાતે નક્કી કરવું પડે છે, કઈ વ્યક્તિને પસંદ કરવી અને એ પસંદગીનાં કારણો વિશે પણ બુદ્ધિપૂર્વક નિર્ણય કરવો જરૂરી છે. અલબત્ત, પ્રિશાએ કાઉન્સેલિંગ બાદ ઈમોશનલ દ્વિધામાંથી બહાર આવીને બુદ્ધિપૂર્વકનો નિર્ણય એવો કર્યો કે એણે સુહાસ સાથે રહેવું.
વિનિંગ સ્ટ્રોક : સામાન્ય રીતે લાગણીઓ ચીટિંગ કરતી નથી તેમજ કોઈ આપણને લાગણીની દૃષ્ટિએ જબરજસ્તી ફસાવી શકતું નથી.
[email protected]
X
article by dr.prashantbhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી