મનદુરસ્તી- ડૉ. પ્રશાંત ભીમાણી / આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે

article by dr. prashantbhimani

Divyabhaskar.com

Aug 08, 2019, 05:43 PM IST

મનદુરસ્તી- ડૉ. પ્રશાંત ભીમાણી
ખાસ કોઈને જણાવ્યા વગર આજે ફરીથી દીપેન ઇમરજન્સીમાં હોસ્પિટલમાં દાખલ થઇ ગયો. વાઇફ મોનલ પોતાની જોબ પરથી દોડીને દીપેન પાસે આવી ગઇ. પાંચ વર્ષની દીકરી કામ્યાને પણ દીપેને ચાલુ સ્કૂલમાંથી લઇ આવવા મોનલને કહ્યું હતું. આજે તો એને એવું જ થયું કે, ‘આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે.’ એટલે ઘરના બધા મારી સાથે જ જોઇએ. ધડાધડ બધા જ રિપોર્ટ્સ થઇ ગયા. એક રાત હોસ્પિટલમાં એડમિટ રહ્યા પછી બીજા બધા રિપોર્ટ્સ નોર્મલ આવતાં ડોક્ટરે તરત રજા આપી દીધી અને છેલ્લે સાઇકોલોજિસ્ટની સારવાર માટે વધુ એક વાર કેસ રિફર કર્યો.
તેત્રીસ વર્ષના દીપેને ક્લિનિકમાં આવતાંની સાથે જ પોતાના પ્રોબ્લેમ્સનું લિસ્ટ બનાવેલું ‘પ્રિન્ટ આઉટ’નું પેપર આપ્યું. ‘ડોક્ટર, આમાં બધું જ લખ્યું છે. સાયન્ટિફિકલી, વિગતવાર અને ટાઇમ સાથે. મને ક્યારે, ક્યાં, કેવી રીતે ‘ચેસ્ટ પેઇન’ થયું છે તે ડિટેઇલમાં છે.’
‘તો પણ તમે જાતે કહો તો સારું’ એવો આગ્રહ રાખ્યો.
‘મને છેલ્લા એક વર્ષમાં આવું દસમી વખત થયું હશે. મને અચાનક છાતીમાં દુખાવો ઊપડે. ખૂબ જ બીક લાગે. શરીરે પરસેવો થઇ જાય. એક પ્રકારની ‘ચોકિંગ’ ફીલિંગ થાય. જાણે હમણાં જ જીવ ઊડી જશે એવું લાગે. આ ગભરામણના હુમલાને લીધે હું ઘરના બધાને મારી પાસે બોલાવી લઉં. આજકાલ તમને તો ખબર જ છે કે હવે તો હાર્ટએટેક પચીસ ત્રીસ વર્ષે પણ આવી જાય છે અને મારું કોલેસ્ટેરોલ લેવલ પણ બોર્ડરથી સહેજ જ ઓછું છે. આ મારા ઇલેક્ટ્રોલાઇટ્સ રિપોર્ટ્સ છે અને આ મારો બ્લડપ્રેશરનો ચાર્ટ છે. હું જાતે જ છેલ્લા ત્રણ મહિનાથી સવાર-સાંજ રેગ્યુલર બ્લડપ્રેશર માપું છું. હા, હું બધા જ રોગથી સુપરિચિત છું. ઇન્ટરનેટ પર મારું સર્ચ ચાલુ જ હોય છે. સાહેબ, મારું કામ પણ ફાર્મા કંપનીના એચ.આર. હેડનું છે. એટલે મેડિકલ સાયન્સ સાથે અમારે રોજનો પનારો પડે. મને આ લોકો સાઇકોલોજિકલ પ્રોબ્લેમ છે એવું કહે છે, પણ આઇ એમ શ્યોર, સમથિંગ ઈઝ વેરી ડેન્જરસ. આઇ વિલ ડાઇ અર્લી. પ્લીઝ, હેલ્પ.’
દીપેનની ક્લિનિકલ હિસ્ટ્રીમાં કેટલીક બાબતો દીપેનના આ ‘પેનિક એટેક્સ’ના મૂળમાં હતી. દીપેન એના ઘરનું એકનું એક સંતાન, એના પપ્પાને મેડિકલ શોપ હતી. દીપેનના પિતાને હંમેશાં એવી ઇચ્છા હતી કે મારો દીકરો મોટો થઇને મેડિકલમાં જાય. એટલે નાનપણથી જ જાણે-અજાણે માત્ર ‘મેડિકલ’ ફિલ્ડ જ શ્રેષ્ઠ છે, એવાં સૂચનોના ધોધ વચ્ચે દીપેન ઉછેર્યો. બારમા ધોરણમાં ‘ટકા’ની મારામારીમાં સ્ટ્રેસનો ભોગ બનેલો દીપેન કોઇ ગર્લફ્રેન્ડના ચક્કરમાં પણ ફસાયો. ઘરે ખબર પડતાં માર પડ્યો. બીજી તરફ રિઝલ્ટ નબળું આવ્યું. એટલે બી.ફાર્મમાં એડમિશન લીધું. એમ.ફાર્મ અધવચ્ચેથી જ છોડી દેવું પડ્યું, પણ મનમાં ‘ડોક્ટર’ નહીં બની શકવાની અધૂરી ઇચ્છાનું ભૂત ધુણ્યા જ કરતું હતું. આ ઈમોશન્સ સમય જતાં સપ્રેસ થઇને અનકોન્શિયસ માઈન્ડમાં જતું રહ્યું. ભયની લાગણી અને એંગ્ઝાઇટી જાણે દરેકેદરેક શ્વાસમાં ભળી ગયાં. હવે એ જ પરંપરાગત ‘મેડિકલમાં જવાનો મોન્સ્ટર’ પોતાની દીકરી કામ્યા પર અત્યારથી થોપવાની તૈયારી થઇ રહી હતી. કામ્યાનો ગ્રેડ પહેલા ધોરણમાં B+ આવ્યો એટલે આ વખતે દીપેનને ‘એંગ્ઝાઇટી એટેક’ પાછો આવ્યો હતો.
દીપેનને વાસ્તવિકતાની વધુ નજીક જવાનું હતું. એનો આ ‘નકલી એટેક’ દૂર કરવા ‘સાયકોથેરાપી’નાં સિટિંગ્સ ચાલુ થયાં. એની અધૂરી ઈચ્છા વાસ્તવમાં એના પપ્પાની અધૂરી ઈચ્છા હતી, જે હવે એ પોતાની દીકરીમાં આરોપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સારવાર પછી દીપેન એવું સ્વીકારી શક્યો કે મારા સંતાનને હું એટલી તો છૂટ આપીશ જ કે એ પોતાની કારકિર્દી પોતાની રીતે પસંદ કરે. દીપેને રોજિંદા જીવનમાં યોગ અને પ્રાણાયામને એક્સરસાઇઝ સાથે સ્થાન આપ્યું. કોઇ ચોક્કસ વ્યવસાય કે કરિયર જ વ્યક્તિને બીજા કરતાં ‘રેટરેસ’માં આગળ રાખે છે તે ભ્રમણાથી દીપેન મુક્ત થયો. એ સમજ્યો કે માત્ર મેડિકલ ફિલ્ડ સિવાયનાં અન્ય ક્ષેત્રો પણ એટલાં જ અગત્યનાં છે.
વિનિંગ સ્ટ્રોક : કોઇ એક જ વ્યવસાય સર્વશ્રેષ્ઠ નથી હોતો, પણ તમે તમારો વ્યવસાય સર્વશ્રેષ્ઠ રીતે કરો તે જરૂરી છે.
[email protected]

X
article by dr. prashantbhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી