Back કથા સરિતા
ડૉ. પ્રશાંત ભીમાણી

ડૉ. પ્રશાંત ભીમાણી

સાઈકોલોજી (પ્રકરણ - 38)
સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી ‘દિવ્ય ભાસ્કર’ની ‘મનદુરસ્તી’ કોલમથી સરળ શૈલીમાં મનની આંટીઘૂંટીઓ સમજાવે છે.

આપણી ઉંમર સાથે આત્મગૌરવનો સંબંધ

  • પ્રકાશન તારીખ28 Aug 2019
  •  

મનદુરસ્તી- ડૉ. પ્રશાંત ભીમાણી
આજે મોર્નિંગ વોકના ગાર્ડનમાં ગરમાગરમી ચાલી રહી હતી. આખું ગ્રૂપ આજે ઉંમરની સાથે આવતા માનસિક ફેરફારો પર ડિસ્કસ કરી રહ્યું હતું. જોકે, સાત મિત્રોના આ ગ્રૂપમાં બે જણ તો પચાસે પહોંચેલા હતા અને બાકીના પાંચેય છ દસકા વટાવી ચૂકેલા હતા. એ બે જણમાંથી એક, મિલનભાઈ છેલ્લાં પાંચ વર્ષથી નિયમિત રીતે અનિયમિત ચાલવા આવતા. બ્લડપ્રેશરે એમના પર ભરડો લઈ લીધો હતો. ગુસ્સાવાળો સ્વભાવ અને વધુ પડતી મહત્ત્વાકાંક્ષાઓએ મિલનભાઈને લાઈફસ્ટાઈલ રોગની ભેટ આપી હતી. ચર્ચા કાશ્મીરને લઈને હતી. કદાચ કાશ્મીરમાં આટલી ઉગ્રતા નહીં હોય એટલી મિલનભાઈના મનમાં હતી. ત્રેસઠ વર્ષના સુમંતરાય એમને શાંત પાડવાની કોશિશ કરી રહ્યા હતા. એ પામી ગયા હતા કે મિલનભાઈના ગુસ્સાની પાછળ કોઈક બીજું જ કારણ હોવું જોઈએ. સુમંતરાયે ખૂબ શાંતિથી અને પ્રેમથી બધાને સમજાવ્યું કે જે વાતની સીધી લેવા-દેવા ન હોય તે વાત માટે ચર્ચા યોગ્ય છે, પણ ઉગ્રતા અસ્થાને છે. વધુમાં સુમંતરાય એ પણ જાણતા હતા કે હાલમાં જ મિલનભાઈનો દીકરો લગ્ન કરી જુદો રહેવા ગયો હતો. એકના એક દીકરાનો આ નિર્ણય એમને ખૂબ પરેશાન કરી રહ્યો હતો. એ હતાશા અને આક્રમકતા અન્યત્ર ઊછળી રહ્યાં હતાં. સુમંતરાય આ વાત એટલા માટે સમજી શક્યા કે એમના જીવનમાં પણ ડિટ્ટો આવો જ આઘાત લાગ્યો હતો, પણ ધીરે ધીરે એ વિધુર હોવા છતાં આ પીડામાંથી આત્મગૌરવના આધારે જાતે બહાર આવ્યા હતા.
ઘણી વાર આપણા પરફેક્ટ રીતે વિચારેલા ભવિષ્યના પ્લાનમાં વિક્ષેપો થતા હોય છે. આ અણધાર્યા વિક્ષેપોને સહન કરવા આપણે કદાચ એટલા તૈયાર નથી હોતા એટલે ઊંડો આઘાત લાગે છે. ખાસ કરીને સામાજિક અને આર્થિક બાબતોમાં આ વાત સૌથી વધુ લાગુ પડે છે. પચાસ વર્ષ સુધી જીવનનાં પાસાંઓને, આર્થિક ભવિષ્યને, સંતાનોની કારકિર્દી અને લગ્ન પાર પાડવામાં એક અદનો ઈન્સાન મોટાભાગની શક્તિ ખર્ચી નાખે છે. જ્યારે આ ભાવનાત્મક અને શારીરિક શક્તિ ખર્ચાય છે ત્યારે અચેતન સ્તરે એક પ્રકારની અપેક્ષા બંધાય છે. આ અપેક્ષા પરિવાર પાસે, સમાજ પાસે તેમજ સૌથી વધુ પોતાની જાત સાથે હોય છે. મતલબ ‘મારે આરામથી જીવવું છે’ એ અહેસાસની વાવણી વીસ-ત્રીસ વર્ષે થઈ ચૂકી હોય છે અને પચાસની આસપાસ એનાં ફળ ચાખવાની તૈયારી હોય છે. મોટાભાગે આવાં ઈમોશનલ આયોજનો કરતાં કરતાં જો આત્મવિશ્વાસ કે સ્વગૌરવ વધ્યા ન હોય તો ભવિષ્ય કપરું બને છે. જોકે, તાજેતરમાં એક રસપ્રદ મનોવૈજ્ઞાનિક તથ્ય બહાર આવ્યું છે.
‘સાયકોલોજિકલ બુલેટિન’ નામના જર્નલમાં સારા સમાચાર આપતો એક વિશ્લેષણાત્મક અભ્યાસ પ્રકાશિત થયો છે. આજકાલ જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેઓ વધારે આરામપ્રદ અને આનંદિત થતા જાય છે. અમેરિકા અને યુરોપના કુલ 191 અભ્યાસોમાં ભાગ લેનાર 1,65,000 જેટલા લોકોના વિશ્લેષણ પરથી આ તારણ બહાર આવ્યું છે. આશરે 4થી 11 વર્ષની ઉંમર દરમિયાન વ્યક્તિના આત્મગૌરવ અને સ્વમાન વધવાનું શરૂ થાય છે. 11થી 15 વર્ષની ઉંમર સુધી તે સ્થિર રહે છે. 30 વર્ષની ઉંમર સુધી તેમાં મજબૂત વધારો થાય છે. 60 વર્ષની આસપાસ વ્યક્તિનું સ્વમાન અને આત્મગૌરવ ટોચ પર હોય છે, જે 70 સુધી ટકે છે. પછી 90 વર્ષ સુધી ઘટાડો નોંધાય છે. બહુ ઓછા લોકોમાં 90 વર્ષ પછી આ ભાવના પહેલાં જેવી જ સાબૂત રહે છે. ટૂંકમાં, વ્યક્તિની આત્મસંતોષ અને સ્વગૌરવની પરાકાષ્ઠા 60ની આસપાસ હોય છે. એનું ભારતીય સંદર્ભમાં કારણ એ કે ઘણા બધા પડાવ પાર કર્યા પછી પણ શારીરિક ક્ષમતા આજકાલ મજબૂત હોય છે. વર્ષો પહેલાંની 60 વર્ષની વ્યક્તિમાં અને આજની 60 વર્ષની વ્યક્તિના માનસિક અને શારીરિક સૌષ્ઠવમાં ઘણો ફરક દેખાય છે. અત્યારનો પ્રૌઢ વધુ યુવાન લાગે છે. માનસિક સજ્જતા કેળવતો થયો છે. ટૂંકમાં, મિલનભાઈમાંથી સુમંતરાય થવા તરફ જઈ રહ્યો છે. અનિશ્ચિત ઘટનાઓને સહજતાથી લેતા થવું એ જ માનસિક સજ્જતાની નિશાની છે. ઉંમર વધતા સાહસ ઘટે, પણ સ્થિરતા વધે એ શક્ય બનાવી શકાય છે. શારીરિક સ્વાસ્થ્ય અને આર્થિક સલામતી પૂરતી હોય તો આવેગાત્મક બાબતો બહુ પરેશાન નથી કરી શકતી. રોજેરોજ વર્તમાનમાં જીવવાની ટેવ પાડી શકાય છે.
વિનિંગ સ્ટ્રોક : અપેક્ષાઓનું ઈન્વેસ્ટમેન્ટ ભાગ્યે જ કોઈને અપેક્ષિત રિઝલ્ટ્સ આપે છે, માટે આજના આનંદને એનકેશ કરવો જરૂરી છે.
d[email protected]

x
રદ કરો
TOP