મનદુરસ્તી- ડૉ. પ્રશાંત ભીમાણી / રાત દુશ્મન જેવી લાગે ત્યારે...

article by dr. prashant bhimani

Divyabhaskar.com

Aug 14, 2019, 04:56 PM IST

મનદુરસ્તી- ડૉ. પ્રશાંત ભીમાણી
છેલ્લા બે મહિનાથી પરેશાન પ્રિયલ કંટાળીને ક્લિનિક પર આવી હતી. એણે થાકેલા ચહેરે ફરિયાદ શરૂ કરી. ‘ડોક્ટર, મને છેલ્લા બે-અઢી મહિનાથી ઊંઘનો મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. મને રાત્રે સરખી ઊંઘ જ નથી આવતી. આખી રાત પડખાં ફર્યા કરું છું. મોબાઈલ પર હોઉં છું. યુટ્યૂબ અને બીજાં મૂવીઝ સ્ટ્રીમ કરીને જોયાં કરું છું. મારાં મમ્મી-પપ્પા બંને અમેરિકા છે. એમને હમણાં જ ગયા વર્ષે ગ્રીન કાર્ડ મળ્યું. મારી ઉંમર પચીસની થઈ ગઈ એટલે મને સાથે જવા ન મળ્યું. અહીંયાં અમારું ‘સ્ટ્રોંગ બોન્ડેડ’ ફેમિલી હતું. અમારે એકબીજા વગર ચાલે નહીં. આજકાલ મને એકલતા કોરી ખાય છે. મારા ફ્રેન્ડ્ઝ પણ ખાસ નથી. હું પોતે એક સ્ટાર્ટઅપ ચલાવું છું. મારે એક કાફે છે, જેમાં દિવસ તો પસાર થઈ જાય છે, પણ રાત દુશ્મન જેવી લાગે છે. મને ઊંઘની ગોળીઓ લેવાની ઈચ્છા નથી. કુદરતી રીતે ઊંઘ આવે એવું કંઈ થઈ શકે?’
તાજેતરમાં જ ભારત અને બીજા દસ દેશોમાં ‘ધ ગ્લોબલ પસ્યુટ ઓફ બેટર સ્લીપ હેલ્થ’ નામનો ઊંઘ પરનો એક જાયન્ટ સર્વે થઈ ગયો. આ સર્વે રોયલ ફિલિપ્સ નામની એક વિખ્યાત આઈ.ટી. કંપની દ્વારા કરવામાં આવ્યો હતો. એ મુજબ 73 ટકા ભારતીયોએ કબૂલ કર્યું કે એમની ઊંઘની ક્વોલિટીમાં સુધારાની જરૂર છે. માત્ર 19 ટકા લોકો સવારે જાગ્યા પછી ફ્રેશ હોય છે. જ્યારે 24 ટકા લોકો જાગ્યા પછી પણ ઊંઘ જેવું અનુભવે છે. માનવજાતને ઊંઘની ગુણવત્તામાં પહેલો ઝાટકો વીજળીની શોધે આપ્યો અને પછી ટી.વી., કમ્પ્યૂટર કે મોબાઈલના સ્ક્રીને આપ્યો છે.
એક રસપ્રદ વાત ‘હેલ્થ સાયકોલોજી’ નામના જર્નલમાં પ્રકાશિત થઈ છે. જે લોકોને સામાજિક સપોર્ટ વધારે સ્ટ્રોંગ હોય છે તેમને નિદ્રાની તકલીફો ઓછી હોય છે. સંશોધકોએ કુલ 1,05,431 લોકો પર કરેલા વિવિધ 61 અભ્યાસોના અંતે આ તારણ આપ્યું છે. વાત તો સરળ છે કે, આપણે જેટલા વધુ સોશિયલી સુરક્ષિત એટલા માનસિક રીતે વધુ સ્વસ્થ. સોશિયલ મીડિયા પર આપણા વર્ચ્યુઅલ ફ્રેન્ડ્ઝ વધતા જાય છે અને સોસાયટીમાં વાસ્તવિક ફ્રેન્ડ્ઝ ઘટતા જાય છે. ઘરના લોકો પણ આજકાલ એકબીજા સાથે વોટ્સએપ મેસેજથી વાત કરે છે. ટેક્નોલોજીના સુનામીમાં પર્સનલ ટચ ખોવાતો જાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અદ્્ભુત કામ કરી રહી છે, પણ ક્યાંક કુદરતી લાગણીને સૂકવી રહી છે. વ્યક્તિ જેટલી કુદરતની નજીક જશે તેટલી વધુ સ્વસ્થ રહેશે.
અનિદ્રા માટે કેટલાક સરળ ઉપાયો યોજી શકાય. જેમ કે, રોજે અખરોટ અને બદામ ખાવાથી ફાયદો થાય છે. અખરોટમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે જેનાથી મેલાટોનિન અને સિરોટોનિન નામના ચેતા-રસાયણો વધે છે, જે ઊંઘની ગુણવત્તા વધારે છે. બદામમાંથી સારા પ્રમાણમાં મેગ્નેશિયમ મળે છે, જે પણ સારી ઊંઘ માટે ઉપયોગી છે. જો શક્ય હોય તો હૂંફાળા દૂધમાં મધ મેળવીને પીવાથી પણ ચોક્કસ ફાયદો થાય છે. કેળાં પણ ચોક્કસપણે ફાયદો કરે છે. તમાકુ કે અન્ય વ્યસન સત્વરે ત્યાગો.
ઊંઘને સારી રીતે લાવવામાં મદદ કરે તેવું વાતાવરણ હોવું પણ જરૂરી છે. બેડરૂમમાંથી લેપટોપ, ટી.વી., સેલફોન જેવી વસ્તુઓને દૂર રાખો. નોટિફિકેશન્સને તો મ્યુટ રાખવા અનિવાર્ય જ છે. ઘોંઘાટ અને બિનજરૂરી પ્રકાશ પણ રૂમમાં ન આવે તે જરૂરી છે. સૂવાના એટલિસ્ટ બેથી ત્રણ કલાક પહેલાં હળવું ભોજન લઈ લેવું જરૂરી છે. રોજે અનિવાર્ય રીતે એક કલાક ચાલવું તેમજ યોગ અને પ્રાણાયામ જીવનની ક્વોલિટી ચોક્કસ સુધારે છે. સૂતા પહેલાં હૂંફાળા પાણીથી સ્નાન કરવું અને ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક સાંભળવાથી પણ ફાયદો થાય છે. એટલું યાદ રાખીએ કે આજનો દિવસ જો બરાબર કાર્ય સંતોષથી પૂરો થયો હશે તો સ્ટ્રેસ ઘટશે. સ્ટ્રેસ અને એંગ્ઝાઇટી ઊંઘના દુશ્મન છે, એને ટ્રીટ કરવા જરૂર પડે મનોચિકિત્સા લેવામાં શરમ ન રાખવી.
ઊંઘ એ શક્તિના કુદરતી પુનઃસંચયની પ્રક્રિયા છે. એ નિયમિત થશે તો તમારી યાદશક્તિ, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ને મૂડ સુધરશે. પ્રિયલને સાયકોથેરાપી દ્વારા સારવાર અપાઈ. વચ્ચે એવું બન્યું કે એનો જૂનો બોયફ્રેન્ડ એની વધુ નજીક આવ્યો એટલે એની સેફ્ટીની ભાવના મજબૂત થઈ. એનાથી સોશિયલ સપોર્ટ વધ્યો. હવે તે ‘ઘોડા વેચીને’ ઊંઘી શકે છે. હવે પ્રિયલને રાત સાથે દોસ્તી થઈ ગઈ છે.
વિનિંગ સ્ટ્રોક : જેની ભૂખ અને ઊંઘ નિયમિત, તેની મનદુરસ્તી મજબૂત.
[email protected]

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી