મનદુરસ્તી- ડૉ. પ્રશાંત ભીમાણી / તમારું સંતાન અંતર્મુખી છે કે બહિર્મુખી!

article by dr. prashant bhimani

Divyabhaskar.com

Jul 31, 2019, 05:24 PM IST

મનદુરસ્તી- ડૉ. પ્રશાંત ભીમાણી
​​​​​​​મિનળબહેન અને મનનભાઈ બંને એમના દીકરા યશ માટે એક રસપ્રદ પ્રશ્ન લઈને આવ્યાં હતાં. ‘ડૉક્ટર, યશ આ વર્ષે દસમા ધોરણમાં આવ્યો છે. એ ભણવામાં ખૂબ હોશિયાર છે. અમારે એક નાની દીકરી યેશા છે. એ ભણવામાં ઠીક-ઠીક છે, પણ અમને પ્રોબ્લેમ યશમાં વધારે લાગે છે. અમારા ચાર જણાના પરિવારમાં માત્ર યશ જ ખૂબ શરમાળ છે. એને કોઈની સાથે ફરવાનું ગમતું નથી. બસ એ ભલો ને એનું કામ ભલું. એ કાયમ રિઝર્વ્ડ રહે છે. કોઈની સાથે કામ સિવાય વાત નહીં કરવાની. હંમેશાં વધુ પડતો શાંત જ હોય. અમને તો ચિંતા થાય છે કે યશને કોઈ જાતનું ડિપ્રેશન તો નહીં હોય ને!’ મિનળબહેને જાગૃત પેરેન્ટ તરીકે સવાલ કર્યો.
યશની ક્લિનિકલ હિસ્ટ્રી અને એનાં પેરેન્ટ્સ સાથે વાત કર્યા પછી એ વાત તો કન્ફર્મ થઈ ગઈ કે એને કોઈ પ્રકારનું ડિપ્રેશન તો નહોતું જ. એ શરમાળ પણ નહોતો, પરંતુ ‘અંતર્મુખી’ હતો. આપણે ત્યાં લોકોને લેબલ લગાવી દેવાની કુટેવ છે. આ જજમેન્ટલ માનસિકતાને લીધે સાજો-નરવો અને સારો માણસ પણ દંડાઈ જાય એવું ખૂબ બનતું હોય છે. નવાઈ લાગે પણ કેટલાંક શરમાળ સંતાનો ક્યારેક સામાજિક રીતે વિચિત્ર બહિર્મુખીપણું બતાવી શકે જ્યારે અંતર્મુખી સંતાનો વાસ્તવમાં વધારે આત્મવિશ્વાસભર્યાં હોઈ શકે. જ્યારે ખરેખર નવા લોકો સમક્ષ વાત કરવાની જરૂર પડે ત્યારે આવા સ્વસ્થ અંતર્મુખી લોકો સરસ રીતે વાત કરી શકે છે. માત્ર બીક અને સામાજિક ચિંતાના લીધે શરમાળ લોકો ગમે તે સંજોગોમાં લોકોથી ભાગતા હોય છે, જ્યારે અંતર્મુખી લોકો પોતાને માનસિક શ્રમ પડે એટલા માટે ખાસ હળતામળતા નથી.
સામાન્ય પણે જીવનના શરૂઆતનાં વર્ષોમાં ઈન્ટ્રોવર્ટ કે એક્સ્ટ્રોવર્ટ તરીકેનાં લક્ષણો જણાઈ આવે છે. બાળકના આ વ્યક્તિત્વને બદલવા કરતાં એને સમજવું વધારે જરૂરી છે. બંને વ્યક્તિત્વનાં કેટલાંક લક્ષણો તમને જણાવું.
બહિર્મુખી સંતાનો પોતાના વિચારો અને લાગણીઓ આસાનીથી અભિવ્યક્ત કરે છે. ખૂબ પ્રશ્નો પૂછ્યા કરે અને એના તાત્કાલિક જવાબોની પણ અપેક્ષા રાખે. એમનામાં એક પ્રકારની સતત ઊર્જા જોવા મળે અને એ લોકો પ્રવૃત્તિ પણ એવી જ પસંદ કરે. મોટેભાગે એકલા રહી શકે નહીં. એકલા ઝડપથી ‘બોર’ થઈ જાય. હંમેશાં ગ્રૂપમાં જ રમે. એને ખૂબ વાતો કરવા જોઈએ. મોટેભાગે મા-બાપની પાછળ-પાછળ ફર્યા કરે. નવા લોકો સમક્ષ પોતાની ઓળખાણ જાતે આપે તેમજ પોતાને આવડતી કોઈ એક્ટિવિટી પ્રદર્શિત કરવાનો હંમેશાં પ્રયત્ન કરે. એને લોકોના અપ્રૂવલની પણ ખૂબ દરકાર હોય અને પોતે પણ બીજા માટે એવું જ કરે.
અંતર્મુખી સંતાનો બહુ પસંદગીયુક્ત બનીને પોતાના વિચારો અને લાગણીઓ પ્રદર્શિત કરે. બધા સામે એ ખૂલી ન શકે. માતા-પિતા, ભાઈ-બહેન કે નજીકના મિત્રો સમક્ષ જ પોતાની અંગત વાત શેર કરે. ટોળામાં કે વધારે લોકોની વચ્ચે અકળાઈ જાય. ઝડપથી એ જગ્યા છોડી દે. કોઈ પ્રશ્નનો બહુ વિચારીને જવાબ આપે અથવા ન પણ આપે. જોકે, એનો અર્થ એવો નહીં કે એને એ ન ખબર હોય, પરંતુ એ બોલવાનું ટાળે. સૌથી અગત્યનું લક્ષણ એ છે કે એને ‘પર્સનલ સ્પેસ’ હંમેશાં જોઈએ. પોતાના અંગત સમય કે અંગત વિસ્તારમાં કોઈ ગમે ત્યારે અથવા બળજબરીથી ઘૂસી આવે એ એને જરાય પસંદ ન હોય પછી ભલેને એ નજીકની વ્યક્તિ જ કેમ ન હોય. આવાં સંતાનો ટીનએજમાં વધુ પડતું ‘સિક્રેટિવ’ વર્તન કરે છે એવું મા-બાપને લાગે, પણ એ વિશે બહુ ચિંતા કરવા જેવું નથી હોતું. જરૂર હોય છે માત્ર કમ્યુનિકેશન સરસ રીતે કરવાની અને લાગણીપૂર્વકની દરકાર રાખવાની.
અંતર્મુખી સંતાનોનાં માતા-પિતાએ એના વ્યક્તિત્વને સ્વીકારીને એવો સંદેશ પોતાના બાળકને જરૂરથી પહોંચાડવો જોઈએ કે, અંતર્મુખી હોવું એ કોઈ ખરાબ બાબત કે ગુનો નથી. આવા અનેક લોકો સમાજમાં સ્વસ્થ જીવન જીવે જ છે. દુનિયાના સૌથી મોટા વૈજ્ઞાનિકો તેમજ લેખકો અંતર્મુખી હતા. આવા ઈન્ટ્રોવર્ટ અને એક્સિલન્ટ લોકોમાં નિરીક્ષણ અને કલ્પનાશક્તિ અદ્્ભુત હોય છે. બાળકને વધુ મિત્રો હોય તે સારી બાબત છે, પણ એના માટે એના પર દબાણ ન કરાય. એની લાગણીઓ કે વિચારો કઈ રીતે બહાર લાવી શકાય તેના સ્વસ્થ રસ્તાઓ વિચારવા જોઈએ. એની ‘પર્સનલ સ્પેસ’નું સન્માન કરો તેમજ એ એકલો રહેવા માગે એટલે તમારો અનાદર કરે છે એવું ન સમજો. કેટલીક જગ્યાએ એણે આવવું પડે તો કોઈ મધ્યમ માર્ગ શોધો અને ટોળામાં કે વધુ લોકોની વચ્ચે એ કેવી રીતે રિલેક્સ રહી શકે એ માટે એનું માર્ગદર્શન કરો. યશ માટે વાસ્વતમાં એનાં પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ જરૂરી હતું. એને કોઈ બીમારી નહોતી બલ્કે એને વધુ સમજવાની જરૂર હતી.
વિનિંગ સ્ટ્રોક : ઈન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટ બંનેનાં લક્ષણો ધરાવતા એમ્બિવર્ટ લોકો વાસ્તવમાં બંનેનું શ્રેષ્ઠ સંતુલન ધરાવતા હોય છે. આવા લોકો જીવનમાં વધુ સફળ થઈ
શકે છે. [email protected]

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી