મનદુરસ્તી- ડૉ. પ્રશાંત ભીમાણી / ‘મારે હોસ્પિટલમાં ફરી દાખલ થવું પડશે’

article by dr. prashant bhimani

Divyabhaskar.com

Jan 09, 2020, 04:14 PM IST
મનદુરસ્તી- ડૉ. પ્રશાંત ભીમાણી
‘કેમ છો ડૉક્ટર, આઇ એમ નોટ શ્યોર કે મને તમારી સારવારની જ જરૂર છે. મારે કદાચ ફરીથી હોસ્પિટલમાં જ દાખલ થવું પડશે. આ મારી વાઇફના આગ્રહથી તમને બતાવું છું. હું કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. થયેલો છું.’
‘મને છેલ્લા સાત-આઠ મહિનાથી માથામાં ફરતો દુખાવો રહ્યા કરે છે. ક્યારેક માથાના પાછળના ભાગથી શરૂ થાય તો ક્યારેક એક્ઝેક્ટ કપાળની વચ્ચેથી તો વળી ક્યારેક એક કાન ઉપરથી બીજા કાન સુધી ફેલાય. હમણાં હમણાં તો ચહેરો પણ થોડો ખેંચાય છે. એક્ચ્યુઅલી મેં બધા જ લીડિંગ ન્યુરોફિઝિશિયન અને E.N.T. સર્જન્સને બતાવ્યું છે. બધા એમ કહે છે કે, ‘બધું નોર્મલ છે. તમને માનસિક તકલીફ છે.’ હવે તમે જ કહો ડૉક્ટર, હું પોતે આટલું બધું ભણેલો છું. દુખાવો માનસિક હોય ખરો? મને કોઇ રહસ્યમય સિરિયસ પ્રોબ્લેમ છે. મારી પત્ની તો હાઉસવાઈફ છે. એને કેવી રીતે બધી જ ખબર પડે? અને હા, અમારે આજકાલ ઝઘડા પણ બહુ થાય છે. અમારા મેરેજને નવ વર્ષ થયાં. મારે અમારા ફેમિલી બિઝનેસને હજુ વધારે ડેવલપ કરવાનો છે, પણ હું સવારે આઠથી રાત્રે નવ સુધી કામ કરું છું. બોલો શું કહો છો મારા દુખાવા માટે.’ રચિતભાઈમાં ચિંતા અને શંકા બંને દેખાતાં હતાં.
એમની સાથે થયેલા હિસ્ટ્રી ટ્રેકિંગમાંથી ખબર પડી કે રચિતભાઈના પરિવારમાં ત્રણેય ભાઇઓનો ફેમિલી બિઝનેસ હતો. રચિતભાઈ વચ્ચેના, સૌથી મોટાભાઇ એટલે આટલી મોટી ફેક્ટરીનો જાણે મુખ્ય ચહેરો. બધા વેપારીઓ એમને જ ઓળખે. સૌથી નાના ભાઇ માર્કેટિંગ સંભાળે અને વચ્ચેના રચિતભાઈ ફેક્ટરી પર પ્રોડક્શન સંભાળે. બધા જ કારીગરો અને સ્ટાફ જોડે સતત માથાકૂટ કર્યા કરવાની. હમણાં હમણાંથી સ્ટાફ પણ ઓછો થઇ ગયો હતો એટલે અેકાઉન્ટિંગ અને ટેક્સેશન પણ સંભાળવાનું આવ્યું હતું. રચિતભાઈને એ બધું બહુ ગમે નહીં છતાંય લાફો મારીને ગાલ લાલ રાખવો પડે, કારણ કે ફેમિલિમાં અને બહાર એમનું મહત્ત્વ ઓછું ન થઇ જાય.
રચિતભાઈને જે દુખાવાનાં લક્ષણો હતાં તે માત્ર એમની રોગ વિશેની અવાસ્તવિક માન્યતા જ નહોતી, પણ મનમાં ઊંડે ઊંડે પોતે ક્યાંક ઈગ્નોર થયા છે તેવી ભાવના પણ હતી. આ ઉપેક્ષા ધીમે ધીમે એવી નકારાત્મક લાગણી અને અપમાનમાં બદલાઈ ગઈ કે રચિતભાઈને હળવું ડિપ્રેશન અને એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ્સ શરૂ થયા. પોતે ફેમિલી બિઝનેસમાંથી છૂટા પડવા માંગતા હતા, પણ પોતાની પત્ની સહિત બધા એ બાબતથી સહમત નહોતા અને ખાસ તો બજારમાં અને સમાજમાં સમગ્ર પરિવારની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. ‘મને કોઇ ગંભીર બીમારી છે’ એવા કલ્પનાજન્ય ખ્યાલ ધરાવતા રચિતભાઈને સોમેટાઈઝેશન નામનો ડિસઓર્ડર છે. ગૂગલ પર સર્ચ કરીને વ્યક્તિ પોતાની જાતે જ પોતાના રહસ્યમય રોગનું નામકરણ પણ કરી દે છે. વારંવાર અનેક ડૉક્ટરો બદલ્યા કરે. તમામ પ્રકારનાં ઇન્વેસ્ટિગેશન્સ કરાવ્યા કરે. નાની ફરિયાદોને મોટું સ્વરૂપ આપી દે. ‘મારે ફરી હોસ્પિટલમાં જ દાખલ થવું પડશે તો જ યોગ્ય સારવાર થાય અને કંઈક ઈમરજન્સી આવે તો?’ એવી વાત પણ વારંવાર કર્યા કરે. ‘માંદાનું લેબલ’ લાગે તો અણગમતી જવાબદારીમાંથી છટકી શકાય તેવી પણ ઇચ્છા હોય છે. આસપાસના લોકોનું ધ્યાન ખેંચવાની એક અચેતન પ્રવૃત્તિ પણ હોઇ શકે. વ્યક્તિમાં રહેલા ક્રોધ અને દુશ્મનાવટની ભાવના ક્યારેક આવી શારીરિક ફરિયાદોમાં પરિણમે છે. ભૂતકાળમાં બનેલી તિરસ્કાર કે અવગણના અથવા કોઇ અપરાધભાવનાના બચાવ સ્વરૂપે પણ ચોક્કસ શારીરિક ફરિયાદો જન્મી શકે. ક્યારેક પોતે માની લીધેલાં પાપ કે ભૂલની સજા ઇશ્વર આવી રીતે આપી રહ્યો છે તેવું પણ માને.
ટૂંકમાં, માનસિક મૂળ ધરાવતી આ સમસ્યા શારીરિક લક્ષણોમાં પ્રગટ થાય. રચિતભાઈની વિકૃત ચિંતા મનોચિકિત્સાના સિટિંગ્સ દ્વારા ઓછી કરાઇ. એમના ફેમિલી સાથે પણ કાઉન્સેલિંગ થયું. રચિતભાઈને પરિવાર દ્વારા યોગ્ય માવજત અને કામની ક્રેડિટ મળે તે ખાસ જોવાનું હતું. યોગ્ય કાઉન્સેલિંગ અને હિપ્નોથેરાપી દ્વારા રચિતભાઈનો કહેવાતો ગંભીર માથાનો દુખાવો દૂર થયો.
વિનિંગ સ્ટ્રોક : આપણી નકારાત્મક લાગણીઓનું દમન શરીર દ્વારા કોઈપણ રીતે બહાર આવવા પ્રયાસ કરે જ છે.
drprashantbhimani @yahoo.co.in
X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી