મનદુરસ્તી- ડૉ. પ્રશાંત ભીમાણી / હળવું, પણ જૂનું ડિપ્રેશનઃ એક કોમન સમસ્યા

article by dr. prashant bhimani

Divyabhaskar.com

Dec 12, 2019, 03:26 PM IST
મનદુરસ્તી- ડૉ. પ્રશાંત ભીમાણી
‘ડોક્ટર, માય હસબન્ડ ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ માય રિસ્પોન્સિબિલિટીઝ. મારે એક વેડિંગ ડિઝાઈનર તરીકે તલવારની ધાર પર ચાલવાનું હોય છે. મારી અન્ડરમાં સિત્તેર માણસનો સ્ટાફ છે. કેવાં કેવાં ભેજાંને કંટ્રોલ કરવાં પડે. લગ્નના આયોજનમાં છોકરા-છોકરીથી માંડીને સગાંવહાલાં સુધી દરેકની રિક્વાયરમેન્ટ અને પસંદગી એટલાં જુદાં હોય કે બધાંને સંતોષ આપવો શક્ય બનતો નથી. સવાર ઊઠ્યા ત્યારથી ઊંઘતા સુધી આ વાત મને પરેશાન કરી નાંખે છે. ડિપ્રેશન મારા માટે રૂટિન થઇ ગયું છે.’
37 વર્ષની નેહાએ વિરામ લીધા વગર પૂછી લીધું, ‘મારી સ્ટોરી જરા લાંબી છે, કહી દઉં?’
મારા જવાબની રાહ જોયા વગર આગળ વાત ચલાવી. ‘હમણાંથી મારો સ્વભાવ ચીડિયો થઇ ગયો છે. એક બાજુ હતાશા તો બીજી બાજુ વાતે વાતે ટેમ્પર બ્લાસ્ટ થઇ જાય છે. મારો એકનો એક દીકરો યશ સ્કૂલમાં ભણે છે. એના પર તો કોઇ ધ્યાન જ નથી અપાતું. મારી રિલેશનશિપ બધા જોડે બગડવા માંડી છે. બધા એમ્પ્લોઈઝ મને અવોઇડ કરવા લાગ્યા છે. કામ પૂરતી જ વાત કરે છે. મને તો લાગે છે કે બધા મારી વિરુદ્ધમાં એક થઇ ગયા છે. ધીરે-ધીરે બધા કામ પણ છોડી રહ્યા છે. મારે ફ્રેન્ડ્ઝ સાથે પણ ડિસ્ટર્બન્સ વધી ગયા છે. આઇ થિન્ક હું એકલી થઇ ગઇ છું. હસબન્ડને તો મારી કિંમત જ નથી. એ પણ પચાસ માણસની કંપની ચલાવે છે, પણ બિન્ધાસ્ત છે. ઑફિસ અને ઘર બંને સંભાળવાનું હવે ડિફિકલ્ટ થઇ જાય છે. આઇ વોન્ટ સમ રિલેક્સેશન.’
નેહાની કન્ડિશનને હમણાં થયેલું એક રિસર્ચ ટેકો આપે છે. તાજેતરમાં ‘જર્નલ ઑફ હૅલ્થ એન્ડ સોશિયલ બિહેવિયર’માં જણાવ્યા પ્રમાણે જે મહિલાઓ હાઇ ઓથોરિટીની પોઝિશનમાં હોય તેમનામાં એવા જ ઉચ્ચ હોદ્દા ધરાવતા પુરુષોની સરખામણીમાં ડિપ્રેશનનાં લક્ષણો વધારે જોવા મળે છે. એનાં કારણો એ છે કે મોટે ભાગે આવી ઉચ્ચ હોદ્દા ધરાવતી મહિલાઓ સ્ટ્રેસને લીધે પરિચિતો અને પરિવાર સાથેના સંબંધોમાં સંતુલન જાળવી શકતી નથી અને જો કોઇ વાતચીત થાય તો મોટેભાગે તીખી નોકઝોક જ થાય અને સરવાળે સંબંધ બગડે. એનાથી ચોક્કસ વ્યક્તિઓ માટે પૂર્વગ્રહો બંધાતા જાય અને સામાજિક રીતે તે સ્ત્રી એકલી પડતી જાય. પોતાની નીચે કામ કરતા લોકો તરફથી અસહકાર અને પ્રતિરોધ પણ વધતા જાય. વળી પાછું ભારતીય પુરુષપ્રધાન સમાજમાં સત્તાશીલ સ્ત્રીનો સ્વીકાર કચવાતા મને થતો હોય છે.
અહીં નેહાની માનસિક પીડા માટે એની ‘માઇનોર ડિપ્રેસિવ ડિસઓર્ડર’ની સમસ્યા પણ જવાબદાર હતી. આ ડિસઓર્ડરમાં નામ પ્રમાણે જ દર્દીને ડિપ્રેસ્ડ મૂડ રહે છે. તેનાં ચોક્કસ કારણો સ્પષ્ટ નથી, પણ ભૂતકાળમાં કોઇ મોટો આઘાત કે નજીકની વ્યક્તિને ગુમાવી હોય તેવું શક્ય છે. તદુપરાંત અચેતન માનસમાં કોઇ અપરાધભાવના સતાવતી હોય અને નૈતિકતા ખૂબ જડ રીતે વિકસી હોય તેવા લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. પોતાની જાતને માફ ન કરી શકવાને લીધે તેઓ બીજાની ભૂલોને પણ માફ કરી શકતા નથી. એટલે સંબંધોમાં સંઘર્ષ, ડિપ્રેશન તેમજ ચીડિયાપણું હાવી થઇ જાય છે.
નેહા જ્યારે બારમા ધોરણમાં હતી ત્યારે રિઝલ્ટ આવ્યું એ વખતે ઝઘડો થવાના લીધે એની એક ફ્રેન્ડની માર્કશીટ એણે ફાડી નાંખી હતી. એની સાથે પહેલેથી જ નેહાને બનતું નહોતું. એ માટે થઈને એ ફ્રેન્ડને ખૂબ સહન કરવાનું આવ્યું હતું. જોકે, પાછળથી નેહાને ખૂબ પસ્તાવો થયો. બસ ત્યારથી એના અનકોન્શિયસ માઇન્ડમાં અપરાધભાવના ઘુમરાઇ રહી હતી. પોતે એમ્બિશિયસ હોવાથી જીવનમાં આગળ તો વધી ગઇ, પણ આ દમિત થયેલી આઘાતજનક ઘટના અત્યંત ડિપ્રેશનના સ્વરૂપે દેખાઇ રહી હતી.
નેહાને ‘ઇનસાઇટ ઓરિએન્ટેડ સાયકોથેરાપી’ આપવામાં આવી. એ સમજી શકી કે પેલો ઝઘડો એક ભૂલી જવા લાયક દુર્ઘટના હતી અને તે ગિલ્ટ આ વર્તન વિકૃતિ કે ડિપ્રેશનના મૂળમાં હતી. તદુપરાંત સ્ટ્રેસ અને ટાઇમનું મિસ મેનેજમેન્ટ કાઉન્સેલિંગ દ્વારા દૂર કરવામાં આવ્યું. સિટિંગ્સથી નેહાની અપરાધભાવના અને ડિપ્રેશન દૂર થયાં.
વિનિંગ સ્ટ્રોક : કોઈપણ વ્યક્તિ સાથેનો પર્સનલ પૂર્વગ્રહ વાસ્તવમાં પોતાના જ વિકાસને અટકાવતો અનકોન્શિયસ દુરાગ્રહ થઈ જાયછે. [email protected]
X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી