Back કથા સરિતા
ડૉ. પ્રશાંત ભીમાણી

ડૉ. પ્રશાંત ભીમાણી

સાઈકોલોજી (પ્રકરણ - 38)
સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી ‘દિવ્ય ભાસ્કર’ની ‘મનદુરસ્તી’ કોલમથી સરળ શૈલીમાં મનની આંટીઘૂંટીઓ સમજાવે છે.

‘હું પોતે જ ખર્ચાઈ રહ્યો છું’

  • પ્રકાશન તારીખ16 Oct 2019
  •  
મનદુરસ્તી- ડૉ. પ્રશાંત ભીમાણી
ડૉક્ટર, હવે હું કામ કરીને થાક્યો છું. રોજના ટાર્ગેટથી ત્રાસ્યો છું. હું એક મલ્ટિનેશનલ કંપનીમાં એચ.આર. મેનેજર છું. સવારે નવ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી સોમથી શનિ સતત બિઝી હોઉં છું. નવી નવી જોબ શરૂ કરી ત્યારે મારી ધગશ અને ઉત્સાહ સાતમા આસમાને હતા, કારણ કે આ મારી ડ્રીમ જોબ હતી. મારા બોસે મને એટલા બધા ઈન્સેટિવ અને અપરાઈઝલ્સ આપ્યા છે કે હું વધારે ને વધારે કામ કરતો જ ગયો. મેં મારી કરિયરનાં ખૂબ મહત્ત્વનાં વર્ષો કંપની માટે ખર્ચી નાખ્યાં, પણ લાગે છે કે, હવે હું પોતે જ ખર્ચાઈ રહ્યો છું. જો આમ ને આમ ચાલ્યું તો હું ખલાસ થઈ જઈશ. જાણે મારા કામની ઓફિસમાં કોઈને કદર જ નથી થતી. મને ભયંકર થાક લાગે છે. રાત્રે ઘરે આવું ત્યારે એવું થાય કે મારે જમવું પણ નથી કે નાઈટ ડ્રેસ પણ બદલવો નથી, એમ ને એમ સૂઈ જાઉં. હમણાંથી તો એવું થાય છે પણ ખરું. મારી ફેમિલી અને સોશિયલ લાઈફ જીરો થઈ ગઈ છે. મારો દીકરો સ્કૂલમાં કેવું ભણે છે, એના ફ્રેન્ડ્ઝ કોણ છે. આ બધા પર મેં જરાય ધ્યાન નથી આપ્યું. કદાચ સૌથી વધુ અન્યાય મેં મારી વાઈફને કર્યો છે. અમારી પર્સનલ કે સેકસ્યુઅલ લાઈફ પર તો જાણે બ્રેક જ લાગી ગઈ છે. ખાસ કરીને કામની જગ્યાએ મને એવું લાગે છે કે હું જે કંઈ પણ કરું છું તેનું હવે મહત્ત્વ કે મૂલ્ય નથી રહ્યું. સાચું કહું તો ગ્રોથનો હવે કોઈ સ્કોપ જ નથી દેખાતો. હું જાણે જીરો એનર્જીવાળો થઈ ગયો છું. આઈ એમ શ્યોર. આ સાયકોલોજિકલ પ્રોબ્લેમ જ છે. પણ શું કરવું? મારે હવે બ્રેક જોઈએ છે.’ સુજિત જાણે હવે વધારે ફરિયાદ કરવાથી પણ કંટાળેલો લાગતો હતો.
કામની જગ્યાએ થતા અનિયંત્રિત સ્ટ્રેસને સફળતાપૂર્વક મેનેજ નહીં કરી શકવાની આ સમસ્યાને ‘બર્નઆઉટ સિન્ડ્રોમ’ કહેવાય છે. તાજેતરમાં ઈન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ (ICD-11) કે જે માનસિક અને વર્તનના રોગ કે સમસ્યાઓ વિશેની નિદાનાત્મક વર્ગીકરણની માર્ગદર્શિકા છે, એણે આ સિન્ડ્રોમ વિશે જણાવ્યું છે. સમગ્ર વિશ્વમાં આવા વ્યાવસાયિક તણાવના કિસ્સાઓ અનિયંત્રિત રીતે વધી રહ્યા છે. બર્નઆઉટ એટલે શરીરમાં ઊર્જાનો ઘટાડો અનુભવવો, કામ કરવામાં થાક લાગવો અથવા રસ ઊડી જવો અને વ્યાવસાયિક કાર્યક્ષમતામાં સતત ઘટાડો થતો જવો વગેરે લક્ષણો વ્યક્તિને અનુભવાય છે. કામમાં સ્ટ્રેસ તો ચારે તરફ જબરજસ્ત કક્ષાએ સતત અનુભવાયા કરે. ભૂખ અને ઊંઘ પણ ડિસ્ટર્બ થઈ જાય છે. ચીડિયાપણું અને અધીરાઈ પણ સાથે ધીમા પગલે વધી જાય છે. જૂના સ્ટ્રેસને લીધે ધીમે-ધીમે વ્યક્તિને પોતાનું કામ બદલવાની તીવ્ર ઈચ્છા પણ થઈ આવે છે. અત્રે એ યાદ રહે કે બર્નઆઉટ અને ડિપ્રેશનમાં ફરક છે. બર્નઆઉટમાં મુખ્યત્વે કામને લઈને તીવ્ર તણાવ કે ઉદાસીનતા હોય. જ્યારે ડિપ્રેશનમાં સમગ્ર વર્તન દરેક સ્થળે અસર પામે છે. સતત નિરાશા સાથે દરેક કાર્યમાંથી રસ ઊડી જાય છે.
બર્નઆઉટનો સૌથી પહેલો ઉપાય સ્ટ્રેસ મેનેજમેન્ટ છે. જો સામાન્ય મૂડ, ઊંઘ અને મોટિવેશનમાં ઘટાડો લાગે તો ચેતી જવું. લાઈફસ્ટાઈલમાં ફેરફારો જરૂરી છે. પોષણયુક્ત આહાર અને કસરત અનિવાર્ય છે. આવા સંજોગોમાં કોઈપણ વ્યસન સમસ્યાને વધારે છે. અતિ મહત્ત્વાકાંક્ષા અને જડતાને વિદાય આપવી જરૂરી છે. ઓવર પરફેક્શનિસ્ટ, ઉતાવળિયા અને ટાઈપ-A વ્યક્તિત્વ ધરાવતા લોકો જલદીથી બર્નઆઉટનો શિકાર બને છે. સારો સામાજિક સપોર્ટ કે અંગત મિત્રો હંમેશાં તણાવ હળવો કરવામાં મદદરૂપ થાય છે. ટી.વી. કે ઈન્ટરનેટ પર કોમેડી શો જોવા કે હળવા મજાક-મસ્તી બર્નઆઉટના ભારેખમ જીવનને જીવંતતા બક્ષે છે. કામની બહાર પણ જીવન છે તે સ્વીકારવું જરૂરી છે. ક્ષણે-ક્ષણે પોતાના ‘દરેક’ કામ કે વર્તનનું પરીક્ષણ કે નિરીક્ષણ કરવાની જરૂર હોતી નથી. સરળતા અને સહજતા માનવજીવનની અગત્યની બાબત છે. પોતાના કામનું હળવું આગોતરું આયોજન છેલ્લી ઘડીના તણાવથી બચાવે છે. સંગીત કે અન્ય કોઈ શોખ કેળવવો પણ એટલો જ જરૂરી છે. ફેમિલી ટાઈમ કાઢીને વર્કલાઈફ બેલેન્સ કરી શકાય. સુજિતને સાયકોથેરાપી આપવામાં આવી અને ઉપર પ્રમાણે એનું કાઉન્સેલિંગ પણ થયું. હવે એ ઓફિસ ટાઈમ સિવાય ઓફિસમાં બેસતો નથી. એના બર્નઆઉટ પર રિલેક્સેશનની ઠંડક પ્રસરી ગઈ છે.
વિનિંગ સ્ટ્રોક : જે લોકો ઝડપથી પોતાની જાતને માફ કરી શકે છે તે લોકો બીજાને પણ એમની ભૂલો માટે માફ કરી શકે છે. જીવન પરફેક્શનનું બીજું નામ નથી.
drprashantbhimani @yahoo.co.in
x
રદ કરો
TOP