જાણવું જરૂરી છે- ડૉ. પારસ શાહ / મારા પતિને માત્ર સેક્સ ભોગવવામાં જ રસ છે!

article by dr. paras shah

Divyabhaskar.com

Jan 09, 2020, 04:13 PM IST
જાણવું જરૂરી છે- ડૉ. પારસ શાહ
સમસ્યા: મારી ઉંમર 24 વર્ષની છે. મારાં લગ્ન 3 વર્ષ પૂર્વે થયાં છે. મારી પત્નીથી મને સંતોષ મળતો નથી. મારી પત્ની સાથે સમાગમ પૂર્વે જ યોનિમાંથી ચીકણો પદાર્થ નીકળે છે અને તેમાંથી દુર્ગંધ પણ મારે છે. સમાગમ વખતે મારું લિંગ અને આજુબાજુનો ભાગ પણ બગડે છે, તેથી મને સંતોષ મળતો નથી. બીજી સ્ત્રી સાથે પૂરતો સંતોષ મળે છે. મારા દાંપત્યજીવનમાં તિરાડ પડી છે. હવે છૂટાછેડા સુધી વાત આવી ગઇ છે. આનો ઉકેલ મને જણાવશો.
ઉકેલ: શારીરિક રીતે જાતીય ઉત્તેજના દરમ્યાન યોનિની દીવાલો ઉપર ભીનાશ સર્જાય છે, જે એકદમ સામાન્ય છે. જુદી-જુદી સ્ત્રીઓમાં યોનિ ચીકાશનું પ્રમાણ જુદું જુદું હોઇ શકે છે. એક જ સ્ત્રીમાં અલગ અલગ સમયે ચીકણા સ્ત્રાવનું પ્રમાણ જુદું હોઇ શકે છે. આ તે સમયના જાતીય આવેગની તીવ્રતા ઉપર નિર્ભય હોય છે. પીડા રહિત સમાગમ માટે પર્યાપ્ત યોનિ ચીકાશ જરૂરી છે, પણ આ ચીકાશ યોનિમાર્ગના ચેપ અથવા એલર્જી દરમ્યાન વધી શકે છે. તેનું કારણ શોધી ઉપાય કરવો એ જ ઉત્તમ માર્ગ છે. સામાન્ય ઘરગથ્થુ ઉપાયમાં આ ભીનાશ રૂમાલથી સાફ કરી ફરીથી સમાગમરત થઇ શકાય છે. બાકી આના માટે છૂટાછેડા લેવા યોગ્ય માર્ગ નથી.
સમસ્યા: મારી ઉંમર 41 વર્ષની છે. લગ્નને 21 વર્ષથી વધુ સમય થયાે છે, પરંતુ મારા પતિને માત્ર સેક્સ ભોગવવામાં જ રસ છે. જ્યારે મને ઇચ્છા થાય કે સેક્સ પહેલાં તેઓ મારી સાથે પ્રેમભર્યા શબ્દોની આપ-લે કરે, મારાં વખાણ કરે વગેરે, પરંતુ તેમને આ બધું ગમતું નથી. આના કારણે મને ઘણીવાર લાગી આવે છે. શું દરેક પુરુષ આવા જ હશે?
ઉકેલ: આપનો પ્રશ્ન એ અનેક સ્ત્રીઓનો પ્રશ્ન છે. ઘણાં યુગલો સમય જતાં બીબાંઢાળ, યાંત્રિક રીતે કરાતા ક્ષણજીવી સમાગમ પૂરતા જ નજીક આવતા હોય છે. પુરુષોને લાગે છે કે તેઓ સ્ત્રીઓ વિષે બધું જ જાણે છે. કદાચ જાણતા હશે, પરંતુ પત્ની સિવાયની સ્ત્રીઓ માટે. સમાગમ પહેલાં જો પત્નીને બે વાર પણ પગમાં નાની અમથી ઠોકર વાગશે તો પણ પતિ કહેશે કે ‘જાનુ વધારે તો વાગ્યું નથી ને’ અને એ જ પત્નીને સમાગમ પતી ગયા પછી એકાદ વાર પણ ઠોકર લાગી જશે તો એ જ પતિનું વાક્ય બદલાઇ જશે. તે કહેશે કે ‘દેખાતું નથી? જોઇને ચાલવામાં શું વાંધો આવે છે?’ કોઇકે સાચું જ કહેલું છે કે ‘સ્ત્રી પ્રેમ પામવા સેક્સ આપે છે, જ્યારે પુરુષ સેક્સ મેળવવા પ્રેમ કરે છે’ આપ પ્રેમ ઇચ્છો છો. આપના સૌંદર્યનાં વખાણ ઇચ્છો છો (જે નેવું વર્ષની સ્ત્રી પણ ઇચ્છતી હોય છે) આ નોર્મલ વાત છે અને દરેક પતિએ આ સમજવાની જરૂર છે, પરંતુ આ અંગે પતિને ટોકવાને બદલે એમને સમજાવો, તેમને રસ પડે તેવી વાતો કરો. પ્રેમાલાપ, આત્મીયતા, વિવિધ જાતીય રમતો એ મજબૂત જાતીય જીવનનો આધારસ્તંભ છે એ દરેક યુગલે સમજવું જોઇએ. એના માટે નિકટતા વધે એવા પ્રસંગો ઊભા કરો. સંબંધને સાહજિક બનાવો. એક સાંજે બધું ભૂલી જઇ દસ વર્ષ પહેલાંની ક્ષણો તાજી કરો. નાની ઉછળતી નવપરિણીત કન્યા બની જાવ. શક્ય છે પતિના જીવનમાં આવી જીવંત પળો નવો પ્રાણ પૂરે દે!
સમસ્યા: હું ખૂબ જ ટેન્શનમાં છું. મારી ઉંમર 24 વર્ષની છે. હું છેલ્લા કેટલાંય વર્ષથી હસ્તમૈથુન કરું છું. મારી ઇન્દ્રિય સામાન્ય અવસ્થામાં નાના બાળકની ઇન્દ્રિય જેવી દેખાય છે. શુક્રપિંડ પણ ઉપર નીચે છે. તો શું હું નપુંસક છું? અને જ્યારે મને ઉત્તેજના થાય છે ત્યારે ઇન્દ્રિયના નીચેના ભાગમાંથી પેશાબ થાય છે. ત્યાં સફેદ નાની નાની ફણસી જેવું કંઇ થઇ ગયું છે. તો શું મને H.I.V. છે કે પછી એઇડ્સ તો નથી ને? મને કાંઇ સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી. હું મારી પત્નીને જાતીય સુખ આપી શકીશ કે નહીં? મારે લગ્ન કરવાં કે નહીં?
ઉકેલ: આ જ કોલમમાં ભૂતકાળમાં ઘણીવાર હસ્તમૈથુનની ચર્ચા થયેલ છે. જીવનમાં મોટાભાગના પુરુષોએ અને ઘણી સ્ત્રીઓએ હસ્તમૈથુન કરેલ હોય છે. નુકસાન થતું નથી. નપુંસકતા એટલે ઇન્દ્રિયમાં ઉત્થાનનો અભાવ. આપ નપુંસક ન કહેવાવ અને ચોક્કસ લગ્ન કરી શકો છો. આપની બીજી તકલીફ પેશાબની છે. ઘણીવાર પેશાબ ઇન્દ્રિયમાં બીજી તરફથી થતો હોય છે. એની તપાસ કરવી પડે અને જો જરૂર લાગે તો ઓપરેશનથી આ મુશ્કેલી સુધારી શકાય. માટે મનમાં બિલકુલ મૂંઝવણ રાખ્યા વગર માતા-પિતાને વાત કરો અને યોગ્ય ડોક્ટર પાસે તપાસ કરાવો. સફેદ ફોલ્લી કદાચ લોકલ ચેપને કારણે હોઇ શકે છે, જે દવાથી દૂર થઇ શકે છે. બાકી આ H.I.V. કે એઇડ્સની નિશાની નથી. એઇડ્સ મોટાભાગે અસુરક્ષિત જાતીય સંબંધને કારણે થાય છે.
[email protected]
X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી