મેનેજમેન્ટની- abcd બી.એન. દસ્તૂર / અમેરિકામાં પ્રવેશ માટેની ક્વિઝ

article by bndastur

Divyabhaskar.com

Aug 28, 2019, 05:33 PM IST

મેનેજમેન્ટની- abcd બી.એન. દસ્તૂર
અમેરિકા ખૂબ જ યુવાન દેશ છે.
આપણી સંસ્કૃતિ હજારો વર્ષ પુરાણી છે.
જે શોધો માટે અમેરિકા ક્રેડિટ લે છે તે બધું આપણા દેશમાં હતું જ.
દાખલા તરીકે ક્લોનિંગની શોધ આપણી હતી. ક્લોનિંગની તકનીક વિના ગાંધારીને સો પુત્ર થાય કઈ રીતે? રાવણ પાસે વિમાન હતું અને મહાભારતના યુદ્ધમાં ઘોડાના અને હાથીના માથા ઉપર, રથની ધજા ઉપર સીસીટીવી કેમેરા હતા જેની મદદથી સંજયે યુદ્ધનું
વર્ણન ધૃતરાષ્ટ્રને કરેલું. રામ રાજાના મિલિટરી એન્જિનિયરોએ ભારતને લંકા જોડે જોડતો પુલ બનાવેલો, પણ કોઈ ન સમજાતા કારણસર એ આજે ફક્ત કિતાબોમાં રહી ગયું.
સમયની બલિહારી એવી છે કે આપણા દેશનો યુવાવર્ગ અમેરિકા જવાના સ્વપ્ના જુએ છે.
અને વન્સ અગેઇન સમયની એવી દેન છે કે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પ સાહેબને એ પસંદ નથી. એશિયાની ટેલેન્ટ વિના અમેરિકાની ઇન્ડસ્ટ્રી ટકે એમ નથી, માટે ટ્રમ્પ સાહેબે અમેરિકામાં આવવા ઇચ્છતા લોકો માટે ક્વિઝ તૈયાર કરી છે.
આ ક્વિઝ ‘જનરલ નોલેજ’થી ઓળખાતી ક્વિઝથી જુદી છે.
જનરલ નોલેજની ક્વિઝો મોટા ભાગે વાહિયાત હોય છે અને આપણામાં કોઈ વેલ્યૂ એડિશન કરતી નથી. ફ્રાન્સના વડાપ્રધાનનું નામ, શિવાજીની જન્મતારીખ, સચીનની સેન્ચુરીની સંખ્યા, અમદાવાદની જનસંખ્યા જેવી માહિતી તમારી પાસે હોય તો એ તમારામાં કોઈ જ વેલ્યૂ એડિશન થતું નથી.
આ કારણથી અમેરિકા જવા માટેની જે ક્વિઝ તૈયાર કરાય છે એ લોજિક ઉપર આધારિત છે. સવાલો સીધાસાદા છે, પણ જવાબ માટે મળે છે સરેરાશ ત્રણ સેકન્ડ. આખરે તો તમે જ્યાં જવા માગો છો એ અમેરિકામાં ઝડપ, સ્પીડ લોકોના ડી.એન.એ.માં ઘૂસી ગઈ છે. લગ્ન કરવાં હોય, છોકરાં જણવાં હોય, છૂટાછેડા લેવા હોય, નોકરીમાંથી છૂટા થવાની નોબત હોય, પેટ ભરવું હોય, બધું જ સ્પીડમાં. અમેરિકાનાં સ્વપ્નાને મેનેજ કરવા માટે સ્પીડ જોઈશે.
તો અજમાવો આ સ્પીડ-લોજિક ટેસ્ટ. સમય છે 25 સેકેન્ડ અને યોર ટાઇમ સ્ટાર્ટ્સ નાઉ.
1. મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે મહાત્મા ગાંધીના ડેડીનું નામ શું હતું?
2. તમારા જમાઈના જમાઈની દીકરીનો ગ્રાન્ડફાધર તમારો શો સગો થાય?
3. અમેરિકામાં વિલિયમ નામ ધરાવતા ઇન્સાનો ‘બીલ’થી ઓળખાય. રોબર્ટ ઓળખાય ‘બોબ’થી અને થોમસ ઓળખાય ‘ટોમ’થી તો બોબ કેનેડીનું ઓરિજિનલ નામ શું?
4. ગધેડાને અંગ્રેજીમાં ડોન્કી કહેવામાં આવે તો ગુજરાતીમાં શું કહેવામાં આવે?
5. વિખ્યાત સરોદવાદક ઉસ્તાદ અલી અકબર ખાન કયું વાદ્ય વગાડે છે?
6. અભિમન્યુ વિરાટ રાજાની પુત્રી ઉત્તરાને પરણેલો. એના મૃત્યુ બાદ ઉત્તરાએ પરિક્ષિતને જન્મ આપ્યો. પરિક્ષિતના નાનાનું નામ શું?
7. સાળાની પત્ની સાળાવેલી કહેવાય અને સોનીની પત્ની સોનારણ કહેવાય. તો સોનારણના પતિની સાળાવેલીનો પતિ કોણ?
8. વેદનો પાઠ કરવાની ત્રણ રીત- સંહિતા, પદ અને ક્રમનો જાણકાર કોણ કહેવાય?
1. ચતુર્વેદી 2. દ્વિવેદી 3. ત્રિપાઠી.
9. અક્ષૌહિણી સેનામાં 21,870 બે ઘોડાથી ખેચાતા રથ, 21,870 હાથી, 65610 ઘોડા અને 109350 પાયદળ સૈનિકો હોય તો ઘોડેસવાર સૈનિકોની સંખ્યા કેટલી?
10. દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો ભૂશિર કહેવાય અને જમીનની અંદર ગયેલો દરિયાનો ફાંટો જો અખાત કહેવાય તો ખંભાતના અખાતમાં કોની અંદર શું ગયું?
11. બેવકૂફ શબ્દ ફારસી છે. બે વગર અને વકૂફ એટલે અક્કલ. તો જેનામાં અક્કલ નથી એને ફારસીમાં શું કહેવાય?
12. આઇનસ્ટીનની થિયરી ઓફ રિલેટિવિટીની શોધ કાણે કરેલી?
25 સેકન્ડ પૂરી. જવાબો ટ્રમ્પ સાહેબની વેબસાઇટ ઉપર મોકલો અને વિઝાની અરજી કરો.
[email protected]

X
article by bndastur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી