Back કથા સરિતા
બી. એન. દસ્તૂર

બી. એન. દસ્તૂર

મેનેજમેન્ટ, કરિયર ગાઈડન્સ (પ્રકરણ - 36)
મેનેજમેન્ટ અને કારકિર્દી પર અભ્યાસપૂર્ણ લેખો લખતા રહીને યુવાનોમાં લોકપ્રિયતા મેળવનારા બી. એન. દસ્તૂર અચ્છા હાસ્યલેખક પણ છે.

રાલ્ફ ફિક્મેર, ધ સ્પોર્ટ્સ લવિંગ બાર્બર

  • પ્રકાશન તારીખ28 Nov 2019
  •  

મેનેજમેન્ટની abcd- બી.એન. દસ્તૂર

અમેરિકામાં કેલિફોર્નિયાના આગેવાન અખબાર ‘સેન હોઝે મર્ક્યુરી ન્યૂઝ’માં એક મૃત્યુનોંધ અને સ્મરણાંજલિ (Obitury) વાંચી.
આ સ્મરણાંજલિ છે એક ‘બાર્બર’ની.
આપણા દેશમાં ‘બાર્બર’ બોલવાની મનાઈ છે. જેની ખુરશી ઉપર દેશના પ્રેસિડન્ટે માથું નમાવીને, એના ઇશારા ઉપર માથું ઘુમાવતા રહી બેસવું પડે છે તેની કિંમત કેટલી કરીએ છીએ?
જે તમને રૂપાળા બનાવે છે, જે તમારો આત્મવિશ્વાસ મેનેજ કરે છે તેની કદર કરવામાં આપણને તકલીફ થાય છે.
આપણે આપણી મહાન સંસ્કૃતિની વાતો કરતા કદી
થાકતા નથી.
⚫ પહેલાં પ્લાસ્ટિક સર્જન હતા ભગવાન શિવ.
⚫ રાઇટ બ્રધર્સે વિમાન બનાવ્યું. તેના હજારો વર્ષ પહેલાં આપણી પાસે ‘પુષ્પક’ હતું.
⚫ ક્લોનિંગની કરામત મહાભારત જેટલી પુરાણી છે. આ તકનીક વિના 100 કૌરવો જન્મે કઈ રીતે?
⚫ સી.સી.ટી.વી. કેમેરા પણ મહાભારતના જમાનાની શોધ છે. મહાભારતના યુદ્ધમાં દરેક રથની ધજા ઉપર, હાથીની અંબાડી ઉપર સી.સી.ટી.વી. કેમેરા ન હોત તો સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધની કોમેન્ટરી આપતા કઈ રીતે?
⚫ પશ્ચિમના દેશો 15-20 કિલોમીટરનો પુલ બાંધી વટ મારે, ગોલ્ડન ગેટ બ્રિજને આધુનિક એન્જિનિયરિંગની કમાલ ગણાવે, પણ ભારત અને લંકાને જોડતો પુલ બનાવેલો રામ રાજાના એન્જિનિયરોએ.
અપના ભારત મહાન! અને એ જ મહાન ભારતમાં-
⚫ બાળાઓ માટેની ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ‘કોસ્ચ્યુમ ડિઝાઇન’ વિભાગને ‘ગાભા વિભાગ’ કહેવાય. કોસ્ચ્યુમ ડિઝાઇનનું ઔપચારિક ક્વોલિફિકેશન ધરાવતી મારી પત્નીએ આ ‘ગાભા વિભાગ’માં નોકરી કરી છે.
⚫ લંડનમાં ‘એલેક્ઝાન્ડર, ધ મેન્સ વેર’નો માલિક કાંતિ જે પાર્લામેન્ટના મેમ્બરોના સૂટ બનાવે છે તે એના ગામ મહેસાણામાં ‘કાંતિ કાપલો’ કહેવાય.
⚫ ભારતના પ્રેસિડન્ટના કૂતરાનું ઓપરેશન કરનાર, ફેલો ઓફ ધ સોસાયટી ઓફ વેટર્નરી સર્જન્સ(FRCVS)ની સર્વોચ્ચ ડિગ્રી ધરાવનાર ડૉ. ધીરુભાઈ દેસાઈનો દીકરો, વલસાડમાં ‘ધીરું ઢોરના ડૉક્ટરનો પોરીયો’ કહેવાય.
⚫ રૂ. 15,000નો પગાર લઈ રોજના રૂ. 1000/- લેતા કડિયા ઉપર સુપરવિઝન કરનાર કાંતિની મમ્મી ‘મારો દીકરો એન્જિનિયર છે’ એવો વટ મારે, પણ કડિયાની મા ‘મારો દીકરો કડિયો છે’ એવો વટ મારી શકતી નથી.
⚫ નોકરી નથી મળતી એવી સ્યુસાઇડ નોટ મૂકી જનાર, પાણીપૂરી વેચવા તૈયાર નથી.
આ તફાવત છે આપણી અને અમેરિકાની સંસ્કૃતિમાં.
બાવડાંની તાકાતની અમેરિકા કદર કરે છે. એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ બિઝનેસના ડીન ડૉ. કે. ફેરિસને મેં કહ્યું હતું, ‘You are doing a great job creating managers.’ (તમે મેનેજરો તૈયાર કરવાનું મહાન કર્મ કરો છો.) મેડમે જવાબ આપ્યો, ‘We are all managers managing our lives. We only make mangers more effective.’ (આપણે સૌ મેનેજરો છીએ, આપણી જિંદગી મેનેજ કરીએ છીએ. અમે મેનેજરોને વધારે અસરકારક બનાવીએ છીએ.)
આપણા દેશમાં કોઈ બાર્બરની સ્મરણાંજલિ મેં વાંચી નથી. માનું છું, તમે પણ ન વાંચી હોય.
રાલ્ફ હતા સ્પોર્ટ્સના આશિક. ખેલાડીઓની, ટૂર્નામેન્ટોની, સ્ટ્રેટેજીની વાતો કરતા થાકે નહીં. એમના જમાનાના મશહૂર ખેલાડીઓ એમના ક્લાયન્ટ અને દોસ્ત. 1951માં બોબી થોમસનની કમાલ દુકાનના ટી.વી. ઉપર જોઈ એ એટલા ઉત્તેજિત થઈ ગયેલા કે દુકાન છોડી બહાર આંટોફેરો કરી આવેલા, જેથી એ કોઈ ગ્રાહકનો કાન કાપી નહીં નાખે. એની ઓબિચ્યુરીમાં એમની આવી વાતો લખી છે, જન્મસ્થાનને ચમકાવ્યું છે, એમની મરહૂમ પત્ની, બે દીકરીઓ, બે જમાઈઓનાં નામો પણ છે.
ગરવી ગુજરાતની ગરીમાનાં ગીતો ગાતા સૌને ‘રાલ્ફ ફિક્મેર ધ સ્પોર્ટ્સ લવિંગ બાર્બર’ની સત્યકથા અર્પણ. ઇશ્વર રાલ્ફના આત્માને શાંતિ અને આપણને અક્કલ આપે.
આમિન!
[email protected]

x
રદ કરો
TOP