મેનેજમેન્ટની abcd- બી.એન. દસ્તૂર / કાવડિયાં ક્યાંથી લાવવા?

article by bn dastur

Divyabhaskar.com

Aug 08, 2019, 05:49 PM IST

મેનેજમેન્ટની abcd- બી.એન. દસ્તૂર
​​​​​​​આંત્રપ્રિનર બનવા માટેની જરૂરી આવડતોની આપણે પ્રાથમિક ચર્ચા અગાઉ કરી હતી.
આજે વાત કરીએ નાણાંની. કાવડિયાં ક્યાંથી લાવી, કેવી રીતે વાપરી, સંસ્થાને ઊંચે લાવવી એ તમારે શીખવું-સમજવું પડશે.
આ માટે કોઈ નિષ્ણાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર પડશે, પણ થોડા અગત્યના, અનુભવ આધારિત, સિદ્ધાંતો જાણી લેવા જરૂરી છે.
1. ફક્ત નાણાં રોકે એવી વ્યક્તિની પાર્ટનરશિપ કરવામાં ખતરો છે. ફક્ત નાણાં મેળવવા માટે કરવામાં આવેલી પાર્ટનરશિપ લાંબી ચાલતી નથી. એવો અનુભવ છે.
2. આજે તમારી જે લાઇફસ્ટાઇલ છે તે આજની જેમ જ 1000 દિવસ (ત્રણ વર્ષ) સુધી ચાલે એટલાં નાણાં ઘરમાં હોવાં જોઈએ. એ એકઠાં કર્યા બાદ જ ધંધો શરૂ કરવાનો વિચાર કરવો.
પહેલી નજરે આ સૂચન ચક્કરબત્તી જેવું લાગશે, પણ શરૂઆતના 1000 દિવસમાં એવો દિવસ આવશે જ્યારે ડિનરમાં રોજ બે શાક મળતાં એમાંથી એક ઓછું થઈ જશે. આવી નાનીસરખી વાત તમારા આત્મવિશ્વાસ ઉપર ઘા મારી દેશે.
આંત્રપ્રિનરે વર્ક લાઇફ બેલન્સ પહેલા દિવસથી જ બનાવવાનું છે.
3. એન્ટરપ્રાઇઝ માટે નાણાં ઊભાં કરવા માટે નેશનલાઇઝ્ડ બેન્ક (અન્ય બેન્ક નહીં, નેશનલાઇઝ્ડ બેન્ક)માંથી લોન મળે એવી વ્યવસ્થા કરો.
કોઈ નીવડેલા નિષ્ણાત પાસે ત્રણ વર્ષનો ‘પ્રોજેક્ટ રિપોર્ટ’ તૈયાર કરાવી બેન્કને સબમિટ કરો. કાગળ ઉપર કંપની ત્રણ વર્ષ ચલાવતા આવા રિપોર્ટ ઉપર બેન્ક જે વાંધા ઉઠાવે, જે વિગતો માગે તેનો યોગ્ય પ્રતિભાવ આપો.
આવા પ્રોજેક્ટ રિપોર્ટમાં જરૂરી લોન ઉપરાંત વધારાના 20%ની વ્યવસ્થા કરો. દુનિયાનો કોઈ પણ લશ્કરનો કમાન્ડર, રિઝર્વની વ્યવસ્થા વિના લડાઈ લડતો નથી.
આવી વ્યવસ્થા નહીં કરો તો ફસાઈ જશો. કબૂતરખાનાંના ચક્કરમાં.
કબૂતરખાનું ચલાવે છે એવો ઇન્સાન જે એટલો બધો ‘નિર્દોષ’ છે, કબૂતર જેવો છે કે એને વ્યાજમાં કશી ગતાગમ પડતી નથી. એની પાસે 100/- રૂપિયાની લોન માગે તો એ આપશે રૂ. 90/- અને કહેશે, ‘દસ દિવસ પછી સો રૂપિયા પાછા આપી જજો.’ આવડતું હોય તો રૂ. 90/- ઉપર દસ દિવસના રૂ. 10/-નું વ્યાજ કેટલા ટકા થાય એ તમે ગણજો. પેલા કબૂતરને આવડતું નથી. ત્રણ લાખ માગશો તો આપશે અઢી લાખ. ત્રીસ દિવસે ત્રણ પાછા ફેરવવાની શરતે.
શરતભંગ કરશો તો નિશાળે જતા તમારા દીકરાને મિનિટે મિનિટે ટ્રેસ કરતા ફોન આવશે. કેટલા વાગ્યે નિશાળમાં દાખલ થયો, ક્યારે, કેટલા વાગ્યે નિશાળની બહારની દુનિયામાંથી સિંગદાણાનું પેકેટ ખરીદ્યું, કેટલા વાગ્યે રિક્ષામાં બેસી, ક્યારે ઘરે આવ્યો વગેરે. ફોન તમારા ઉપર નહીં, તમારી પત્ની ઉપર આવશે. થોરામાં ઘનું.
પહેલી નજરે દિમાગમાં ન ઊતરે, પણ અનુભવ છે કે ધંધાના શરૂઆતના દિવસોની સરખામણીમાં, જેમ ધંધો જામતો જશે એમ નાણાંની તંગી વધશે.
⚫ ખર્ચા વધશે.
⚫ ઇન્વેન્ટરી વધશે.
⚫ ઉઘરાણી વધશે.
ખર્ચ અને ઇન્વેન્ટરી તમારા નિયંત્રણમાં રહી શકશે, પણ ઉઘરાણીના ચક્કરમાં ફસાશો તો આંસુડાં ખૂટી જશે.શરૂઆતના દિવસોમાં ગ્રાહક મેળવવા, સાચવવા ઉધાર માલ આપશો, સર્વિસ આપશો તો પસ્તાવાની નોબત આવશે.
⚫ પોસ્ટ ડેટેડ ચેક માગો.
⚫ બેન્ક મારફતે ડોક્યુમેન્ટ્સ મોકલો તો ખૂબ જ પ્રતિષ્ઠિત અને તમારા પસંદગીની બેન્કની Le ખોલશો.
⚫ એક્સપોર્ટ કરો તો કન્સાઇનમેન્ટ પાછું મંગાવવાના ફ્રેઇટ જેટલાં નાણાં એડવાન્સમાં માગી લેજો.
4. એ કદી પણ ભૂલતા નહીં કે વેચેલા માલના સર્વિસના પૂરા પૈસા ન આવે ત્યાં સુધી એ ‘વેચાણ’ Sales કહેવાય જ નહીં. કદાચ ચેરિટી કહેવાય. પૂરા નાણાં કંપનીમાં ન આવે છતાં એ ‘Sales’ બતાવનારા સેલ્સ મેનેજરને, સૌથી નજીકની બારીમાંથી બહાર ફેંકી દેવામાં વિલંબ કરશો તો ઉદ્યોગ જશે કબ્રસ્તાનમાં. (ક્રમશ:)
[email protected]

X
article by bn dastur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી