મેનેજમેન્ટની abcd / એકવીસમી સદીની માર્કેટિંગ ચેલેન્જો

article by bn dastur

ટેક્નોલોજી એટલી ઝડપથી બદલાઈ રહી છે કે આજની પ્રોડક્ટ આવતી કાલે ગઈ કાલની બની જાય છે. પંદર લાખનું મશીન પંદર મહિનામાં પંદર હજારનું થઈ જાય છે

બી.એન. દસ્તૂર

May 22, 2019, 05:17 PM IST

વાચકોની ફરિયાદ છે કે આ મેનેજમેન્ટની કટારમાં માર્કેટિંગ મેનેજમેન્ટની ચર્ચા થતી નથી. તો આજે તેના વિશે.
1. આજની સૌથી મોટી ચેલેન્જ છે એકવીસમી
સદીનો ગ્રાહક.
⬛ આજનો ગ્રાહક 50 લાખની કાર ખરીદતા પહેલાં ‘એવરેજ કેટલી?’ એવું પૂછતા અચકાતો નથી.
⬛ અમદાવાદમાં BMWને સી.એન.જી. ઉપર ચલાવનારા વીરલાએ મોજૂદ છે.
⬛ કાવડિયાની કિંમત એ પહેલાં કરતાં વધારે સારી રીતે સમજે છે.
⬛ એને બધું આજે અને અત્યારે જોઈએ છે. આજના ડાયનેમિક માહોલમાં ગ્રાહક પાસે નથી સમય, નથી ધીરજ.
⬛ એ જાણે છે, માને છે કે ટેક્નોલોજીએ એટલી બધી પ્રગતિ કરી છે કે એકસરખી પ્રોડક્ટ (દા.ત. કાર) બનાવતી કંપનીની પ્રોડક્ટોની ક્વોલિટીમાં ઝાઝો ફરક હોતો નથી.
⬛ કંપનીઓ પાસે સ્પર્ધાત્મક ફાયદા (Competitive advantage) ઝાઝા નથી. ઉત્તમ સર્વિસ આવો ફાયદો છે, પણ સૌ કોઈ સર્વિસને ઉત્તમ બનાવવાના પ્રયાસો કરે છે. સર્વિસ ગ્રાહક મફતમાં માગે છે, પણ એ આપવી મોંઘી છે.
⬛ કંપનીનાં અન્ય ડિવિઝનોની સરખામણીમાં માર્કેટિંગ વિભાગમાં કર્મચારીઓની, મેનેજરોની ‘ટર્ન ઓવર’ વધારે રહે છે. પ્રતિભાશાળી કર્મચારીઓ જડતા નથી અને જડે છે તો સચવાતા નથી. સાચવો તો એમનાં નખરાં ઉઠાવવાં પડે છે. માર્કેટિંગ મેનેજર દિલ્હી જવા વિમાન પકડે છે. પરમિશન પણ માગતો નથી. એની જ કક્ષાના એકાઉન્ટ્સ મેનેજરને ‘સાંજની ટ્રેન પકડે તો વહેલી સવારે દિલ્હી’ સાંભળવું પડે છે.
⬛ એકસરખી કક્ષાની પ્રોડક્ટોની કિંમત પણ ઓછે-વત્તે અંશે એકસરખી હોય છે.
⬛ એડવર્ટાઇઝમેન્ટ અને સેલ્સ પ્રમોશન પાછળ કરાતો ખર્ચ હાથની બહાર જઈ રહ્યો છે.
⬛ ગ્રાહકને ડિલાઇટ (Delight) કરવો પડે છે. એની અપેક્ષા કરતાં એને વધારે આપવું પડે છે અને આ કરવા માટે પ્રતિસ્પર્ધીઓ આવે છે સાત સમુંદર પારથી, કાવડિયાના કન્ટેનર અને એસોલ્ટ રાઇફલો લઈને.
⬛ ગ્રાહક કસ્ટમાઇઝેશન માગે છે. એની આગવી જરૂરિયાતો પૂરી કરવી પડે છે.
⬛ એક જ કંપનીની પ્રોડક્ટો વાપરનારાં અદૃશ્ય થઈ ગયા છે. સરેરાશ ઘરમાં, દાખલા તરીકે, રેફ્રિજરેટર, માઇક્રોવેવ, વોશિંગ મશીન, ટોસ્ટર, મિક્સર-ગ્રાઇન્ડર, હેન્ડ બ્લેન્ડર, ઇન્ડક્શન પ્લેટ, ગેસ સ્ટવ, વોટર પ્યોરિફાયર અલગ અલગ બ્રાન્ડનાં હોય છે.
⬛ ટેક્નોલોજી એટલી ઝડપથી બદલાઈ રહી છે કે આજની પ્રોડક્ટ આવતી કાલે ગઈ કાલની બની જાય છે. પંદર લાખનું મશીન પંદર મહિનામાં પંદર હજારનું થઈ
જાય છે.
⬛ ‘યૂઝ અેન્ડ થ્રો’ કેટેગરીના ગ્રાહકો વધતા જાય છે. ખરીદો, વાપરો, ફેંકી દો, નવું લાવો. સાગનું સ્થાન પ્લાયવૂડે લીધું અને એનું સ્થાન ધીરે-ધીરે પાઉડર્ડ વૂડ લઈ રહ્યું છે.
2. પ્રતિસ્પર્ધીની પ્રોડક્ટથી પોતાની પ્રોડક્ટ અલગ છે. ડિફરન્ટ છે એવી જાહેરખબરો કરવી જોઈએ, પણ ચેલેન્જ એ છે કે પ્રોડક્ટને કઈ રીતે, કેટલો ખર્ચ કરી, કેટલા સમયમાં ડિફરન્ટ બનાવવી અને કઈ કિંમતે, કઈ માર્કેટમાં, કયા સેગ્મેન્ટમાં, કઈ સ્ટ્રેટેજીથી વેચવી?
3. સરકાર કાયદાઓ બદલતી રહે છે. ટેક્સ સ્ટ્રક્ચર બદલાતા રહે છે. ટેક્સ બચાવવા માટે ગ્રાહક ‘બે નંબરના રોકડા’ આપવા તૈયાર છે. ના પાડો તો જે ‘કાયદાનું પૂછડું પકડતો નથી’ એવા પ્રતિસ્પર્ધીઓ હાથવગા છે.
4. નવી કંપનીઓ રોજ નવી બ્રાન્ડ, ધૂમ ધડાકા સાથે બજારમાં ઉતારતી રહે છે. બ્રાન્ડ એમ્બેસેડરો પાછળ કરોડો ખર્ચ કરતી રહે છે. સીમિત રિસોર્સીસથી આનો સામનો કરવો કઈ રીતે?
5. એડવર્ટાઇઝિંગ, સેલ્સ પ્રમોશન, પબ્લિક રિલેશન્સ અને સેલ્સફોર્સ પાછળ ખર્ચેલાં નાણાંનું વળતર કેટલું મળ્યું તે શોધવું શી રીતે?
(ક્રમશ:)
[email protected]

X
article by bn dastur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી