Back કથા સરિતા
આશુ પટેલ

આશુ પટેલ

સાંપ્રત (પ્રકરણ - 40)
લેખક વરિષ્ઠ પત્રકાર, તંત્રી અને ‘દિવ્ય ભાસ્કર’ના કટાર લેખક છે.

પાકિસ્તાની હિન્દુઓ ન ઘરના ન ઘાટના!

  • પ્રકાશન તારીખ02 Jan 2020
  •  
બ્લેક એન્ડ વ્હાઈટ- આશુ પટેલ
સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટને કારણે દેશના ઘણા વિસ્તારોમાં વિરોધ જાગ્યો છે. પણ આ એક્ટને કારણે પાકિસ્તાનથી ભારતમાં આવીને નિરાશ્રિત તરીકે વસી રહેલા પાકિસ્તાની હિન્દુઓ માટે ઉત્સવ જેવું વાતાવરણ સર્જાયું છે. પાકિસ્તાનમાં હિંદુઓ પર થતા અત્યાચારને કારણે ઘણા પાકિસ્તાની હિન્દુઓ ભારત આવી ગયા એ પહેલા પાકિસ્તાનમાં તેઓ કઈ દશામાં જીવતા હતા અને હવે તેઓ અહીં કઈ રીતે રહે છે એ વિશે વર્તમાન સમયમાં અખબારોમાં ભાગ્યે જ કશું લખાયું છે. ભારતમાં રહેતા નિરાશ્રિત પાકિસ્તાની હિન્દુઓએ આ એક્ટને વધાવી લેતા ઉજવણી કરી હતી એ વિશે મીડિયાને બહુ રસ પડ્યો નહોતો. સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ વિશે આખા દેશના પત્રકારો અને લેખકો વિરોધ અને તરફેણમાં લખી રહ્યા છે ત્યારે આપણે જોઈએ કે પાકિસ્તાનમાં હિન્દુઓની શી
દશા છે?
થોડા સપ્તાહ અગાઉ આ કોલમમાં પાકિસ્તાનના મીરપુર ઘોટકીની વતની અને બીબી આસિફા ડેન્ટલ કોલેજમાં છેલ્લા વર્ષમાં ભણતી હિન્દુ યુવતી નમ્રિતા ચંદાનીના કમોતનો કિસ્સો લખ્યો હતો. નમ્રિતા 16 સપ્ટેમ્બર, 2019ના દિવસે તેની હોસ્ટેલના રૂમમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. એ પછી 6 નવેમ્બરે સ્પષ્ટ થયું કે તે યુવતી પર રેપ થયો હતો અને પછી તેનું ખૂન કરી દેવાયું હતું. નમ્રિતાના સમાચાર ફેલાયા પછી પાકિસ્તાની હિન્દુઓએ આક્રોશ વ્યક્ત કર્યો. કરાચી અને સિંધના અન્ય વિસ્તારોમાં પણ દેખાવો થયા. જેને કારણે સરકારે નમ્રિતાના મૃત્યુની તપાસ માટે જ્યુડિશિયલ કમિશનની રચના કરવી પડી.
હવે આ કિસ્સો જાણો. પાકિસ્તાનના જેકોબાબાદ શહેરના ઝાંઝરી સ્ટ્રીટ વિસ્તારમાં રહેતા અશોકકુમાર સોનીની પુત્રી ગંગા ગુમ થઈ ગઈ. અશોકકુમાર સોની અને તેમના સગાવહાલા ઘાંઘાવાંઘા થઈને ગંગાને શોધવા નીકળ્યા ત્યારે તેમને ખબર પડી કે આસીફ અલી નામનો યુવાન તેના પિતા બહાદુર અલી, ભાઈ આબિદ અલી તથા મિત્ર તિરન અબ્બાશની મદદથી ગંગાનું અપહરણ કરી ગયો હતો. ગંગાનું અપહરણ કરીને તેને જેકોબાબાદની આમરોત શરીફ દરગાહમા લઈ જવાઈ છે એવી ખબર પડી એટલે અશોકકુમાર સોની અને તેમના સગાવહાલા ત્યાં દોડી ગયા. પણ ત્યાં સુધીમાં એક મૌલવીએ તેમની પુત્રી ગંગાને જબરદસ્તી ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવીને તેને આસિફ અલી સાથે પરણાવી દીધી હતી. ગંગાનું નામ બદલીને આશિયા કરી દેવાયું હતું. અને તે આસિફ અલીની પત્ની બની ચૂકી હતી! ગંગાએ તેના માતા-પિતા અને સગાવહાલાઓને આવેલ જોઈને તેમની સાથે જવા માટે ધમપછાડા કર્યા પણ મૌલવીએ કહ્યુ કે હવે કંઈ ન થઈ શકે. ગંગા મુસ્લિમ બની ચૂકી છે અને હવે તેના પર તેના માતા-પિતાનો નહીં, પણ તેના પતિ આસિફ અલીનો અધિકાર છે. ગંગાનાં માતા-પિતા પોલીસ સ્ટેશનમાં ગયા, પણ ત્યાં તેમની ફરિયાદ નોંધવાની ના પાડી દેવાઈ.
આ વાત ફેલાઈ એટલે હિન્દુઓ રસ્તા પર ઉતરી આવ્યા. તેમણે ઉગ્ર આંદોલન કર્યું. એ સમાચારો અખબારોમાં ગાજ્યા એટલે છેવટે જેકોબાબાદ પોલીસે ફરિયાદ નોંધવી પડી. પોલીસે આસિફ અલીના ભાઈ, પિતા અને મિત્રને પકડી પાડયા પણ આસિફ અલી હાથમાં ન આવ્યો કે ન હાથમાં આવી તેમની દીકરી ગંગા!
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવા સંખ્યાબંધ કિસ્સાઓ બનતા રહે છે. સિંધમાં હિન્દુ યુવતીઓના અપહરણ અને જબરદસ્તીથી ધર્મ પરિવર્તનના કિસ્સાઓ બની રહ્યા છે અને હિન્દુ યુવતીઓ પર બળાત્કાર કરવાના કે તેમને પરાણે મુસ્લિમ યુવાનો સાથે પરણાવી દેવાના કિસ્સાઓ પણ બની રહ્યા છે. 2012માં દબાયેલી સ્પ્રિંગ ઊછળે એ રીતે ગંગાના અપહરણ, ધર્મપરિવર્તન અને પરાણે લગ્નની ઘટનાથી પાકિસ્તાનમાં શાંત બનીને રહેતા હિન્દુઓ ઉશ્કેરાઈ ગયા હતા. 30 માર્ચ, 2012ના દિવસે પાકિસ્તાનમાં હિન્દુ પંચાયતની ચૂંટણીઓ હતી, પણ ગંગાના અપહરણ અને જબરદસ્તી ધર્મપરિવર્તનની ઘટનાને કારણે એ ચૂંટણીઓ મુલતવી રખાઈ હતી અને હિન્દુ પંચાયતના પ્રમુખ હરપાલદાસ છાબરિયાની આગેવાની હેઠળ હિન્દુઓએ ઉગ્ર આંદોલન કર્યું હતું. પાકિસ્તાનમાં હિંદુઓના એ આંદોલનના સમાચાર પાકિસ્તાની અખબારોએ ચમકાવ્યા હતા. જોકે મોટાભાગના ભારતીય અખબારોને એ સમાચારમાં બહુ રસ પડ્યો નહોતો. ઈસ્લામાબાદથી પીટીઆઈના સંવાદદાતાએ એ ઘટનાનું રિપોર્ટિંગ કર્યું હતું. અને પીટીઆઈએ એ સમાચાર વહેતા કર્યા હતા. એમ છતાં બહુ ઓછા ભારતીય અખબારોએ એ સમાચારને મહત્ત્વના ગણ્યા હતા!
પાકિસ્તાનમાં હિન્દુ કુટુંબોની દીકરીઓ પર બળાત્કારની ઘટનાઓ, તેમના જબરદસ્તીથી ધર્મપરિવર્તનની ઘટનાઓ અને તેમના અપહરણ કે પરાણે પરણાવી દેવાની ઘટનાઓ ઉપરાંત પાકિસ્તાની હિન્દુ સમુદાય સાથે બીજા ગુનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
2011માં 880 હિન્દુઓ પાકિસ્તાનથી ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા. એ પાકિસ્તાની હિન્દુઓ પાછા પાકિસ્તાન જવા માગતા નહોતા. તેમને એ વખતની ભારતીય સરકારે આશ્રય આપ્યો નહોતો. તે નિરાશ્રિત હિન્દુઓની એક સ્કૂલમાલિકને દયા આવી હતી. દિલ્હી પાસે કાપસ હેડા ગામની એક સ્કૂલના માલિક નાહર સિંહે સ્કૂલ બંધ કરીને પાકિસ્તાનથી આવેલા એ હિન્દુઓને આશ્રય આપ્યો હતો. કાપસ હેડાની એ સ્કૂલમાં 100 ફૂટના દરેક રૂમમાં વીસ-વીસ હિન્દુઓ મહિનાઓ સુધી રહ્યા હતા.
પાકિસ્તાનથી નાસીને ભારત આવી ગયેલા એ હિન્દુઓની તેમના ટુરિસ્ટ વિઝાની મુદત પૂરી થઈ એ અગાઉ તેમણે ભારતીય નાગરિકત્વ આપવા અથવા શરણાર્થીનો દરજ્જો અથવા ટુરિસ્ટ વિઝાની મુદત વધારી દેવાની માગણી કરી હતી. એ વખતે આપણા વિદેશ ખાતાએ તેમને એક મહિનાની મુદત વધારી આપી હતી અને તાકિદ કરી હતી કે આ વધારેલી મુદત સમાપ્ત થાય એટલે તમારે પાછા પાકિસ્તાન જવું જ પડશે.
પાકિસ્તાનમાં આતંકવાદીઓ અને બહુમતીઓના આતંક હેઠળ જીવતા પણ હિન્દુઓ કોઈ પણ બહાને ત્યાંથી ભારત આવી જાય પછી પાછા પાકિસ્તાન જવા માગતા નથી આવા હિન્દુઓને શરણાર્થીનો દરજ્જો આપવાની માગણી ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વિદેશ પ્રધાન સમક્ષ કરાઈ હતી. એ માગણીઓને મુદ્દે લોકસભામાં રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાન મલ્લાયલી રામચંદ્રને જાહેરાત કરી હતી કે પાકિસ્તાનથી નાસી આવેલા હિન્દુઓને શરણાર્થીનો દરજ્જો નહીં અપાય. પાકિસ્તાનથી ભારત આવતા હિન્દુઓને વિઝાની મુદત પૂરી થાય એટલે પાછા પાકિસ્તાન જવું જ પડશે.
રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાનની એ જાહેરાત પછી અમેરિકાસ્થિત હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને ભારત સરકારના વલણની ટીકા કરી હતી. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના ડાયરેક્ટર અને હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ સમીર કાલરાએ વોશિંગ્ટનમાં પત્રકારોને કહ્યું હતું કે ‘પાકિસ્તાનમાં હિન્દુઓનું ધર્મપરિવર્તન કરાવવાના અને તેમનું નિકંદન કાઢી નાખવાના વ્યવસ્થિત પ્રયાસોને કારણે હિંદુઓ પાકિસ્તાન છોડીને ભારત આવવા મજબૂર બન્યા છે. પણ એવા હિજરતી હિન્દુઓને શરણાર્થીનો દરજ્જો આપવાના કે તેમને ભારતીય નાગરિકત્વ આપવાના ભારત સરકારના નનૈયાને કારણે તેઓ ભારતમાં મુક્ત રીતે હરીફરી શકતા નથી કે રોજગાર મેળવી શકતા નથી.’
પાકિસ્તાનથી ભારત આવીને જેમને પાછા પાકિસ્તાન નથી જવું એવા હિન્દુઓમાંથી ઘણા એવા છે કે જેમની દીકરી યુવાન છે અથવા તો જેમને ધંધો બંધ કરી દેવાની ફરજ પડાય છે. એમાંના કેટલાક હિન્દુઓ એવા છે કે જેમને એટલા માટે ફટકારવામાં આવ્યા હતા કે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સામે હિન્દુસ્તાનની ક્રિકેટ ટીમ મેચ જીતી ગઈ હતી. એક વાર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પાકિસ્તાન સામે સારી ઈનિંગ રમ્યો એથી ઉશ્કેરાઇને પાકિસ્તાનમાં કોહલી સમાજની ત્રણ યુવતીઓના અપહરણ કરાયા જેનો આજ સુધી કોઈ પત્તો લાગ્યો નથી!
પાકિસ્તાનના જેકોબાબાદની જ એક ઘટના સાથે વાત પૂરી કરીએ. રચના કુમારી નામની 16 વર્ષીય છોકરી બજારમાં ડ્રેસ લેવા ગઈ હતી એ પછી ઘરે પાછી આવી જ નહીં. તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી, પણ તે છોકરી પાછી મળી જ નહીં. એ પછી તેના કુટુંબને ખબર પડી કે કોઈ ગુંડાઓએ રચનાનું અપહરણ નહોતું કર્યું, પણ એક પોલીસ ઓફિસરે જ તેનું અપહરણ કર્યું હતું અને તેને મુસ્લિમ બનાવીને તેની સાથે લગ્ન કરી લીધાં હતાં!
બાય ધ વે, આ કિસ્સો મેં કોઈ ભારતીય અખબારમાં નહોતા વાંચ્યો, પણ ‘લોસ એન્જલસ ટાઈમ્સ’માં વાંચ્યા હતો! ‘લોસ એન્જલસ ટાઈમ્સ’ના એલેક્સ રોડ્રિગ્ઝે પાકિસ્તાનના હિન્દુઓની દયનીય સ્થિતિ વિશે એક ચોંકાવનારી સ્ટોરી કરી હતી એની શરૂઆત આ કિસ્સાથી કરી હતી.
x
રદ કરો

કલમ

TOP