મેનેજમેન્ટ ગીતા- અશોક શર્મા / ગીતાના ત્રણ સુખમંત્ર સફળતા, સાર્થકતા અને શાંતિ

article by ashok sharma

Divyabhaskar.com

Dec 05, 2019, 05:08 PM IST
મેનેજમેન્ટ ગીતા- અશોક શર્મા
કોઇ ભાઇબંધ લાંબા વખતે મળે સહજ રીતે પૂછો, કેમ છો? એ ભલે ગમે તે ઉત્તર આપે પણ તમને તેના ચહેરા પરથી જ ખબર પડી જાય કે તેને કેમ છે! મહિલાઓને કુદરતે જ એવી તિક્ષ્ણ નિરીક્ષણ શક્તિ આપી છે કે ચહેરા પર નજર પડ્યા સાથે જ તેને ખબર પડી જાય કે તેના સ્વજન સુખી છે કે નહીં? માણસને શું જોઇએ? બે યુનિવર્સલ શબ્દો છે, સુખ-શાંતિ! સુખની વ્યાખ્યા શું? તેમાં ભલભલા ગોથાં ખાઇ જાય છે. હવે તો હેપીનેસ ઇન્ડેક્સ નામની નવી વાત પણ અર્થશાસ્ત્રીઓએ સ્વિકારી છે. જેમાં સુખારોગ્યના જુદા જુદા પરિમાણો બાબતે માણસને તેની અનુભૂતિ પૂછીને અલગ અલગ કેટેગરીમાં મૂકવામાં આવે છે. કહે છે કે ફિનલેન્ડ સહુથી ખુશ દેશ છે! આપણી પડોશના દેશ ભૂતાને હેપીનેસ ઇન્ડેક્સની શરુઆત કરી. તમે માનશો? ગીતાની હેપીનેસ ઇન્ડેક્સ તો સનાતન અને સાર્વભૌમ સત્ય છે. ‘શરૂઆતમાં કડવું લાગે પણ અંતે હિતકર હોય તે સુખ સાત્ત્વિક. પ્રારંભે મીઠું લાગે પણ પરિણામે રોગકર હોય તે રાજસી. અજ્ઞાન અને આળસ તો ન પ્રારંભે ન પરિણામે સુખદ છે, તેવું સુખ તો તામસી!’(18/37,38,39).
કોઇ સારો સંકલ્પ લઇએ ત્યારે કંઇક મૂકવું પડે. કુટેવ લુચ્ચા મિત્ર જેવી છે. તે જકડી રાખે. છોડવા બહુ મથવું પડે. જ્યારે સમૂળી છૂટી જાય ત્યારે મન ખૂબ હળવાશ અનુભવે. વાંચવું, ભણવું, સખત તપ કરી સમર્થ બનવું આ બધું શરૂઆતમાં ખૂબ અઘરું લાગે. ઊંડાં પાણીમાં ઝંપલાવ્યા સિવાય તરણ શીખી શકાય ખરું? વળી આવડી ગયા પછી પાણીમાં તરતા રહેવા હાથ-પગ હલાવતાં રહેવાં પડે. જીવનનું પણ એવું જ છે. કર્મયોગ એટલે સંસાર સાગરમાં સામે પ્રવાહે તરવું! જ્યારે કર્મમાં ધર્મ ભળે ત્યારે કર્મયોગ બને. તેમાંથી મળતા સુખને ગીતાકાર સાત્ત્વિક સુખ કહે છે. જેને ગીતા ‘આત્મસુખ પ્રસાદ’ કહે છે. તેને તમે આત્મસંતોષ કહી શકો. આત્મસંતોષનાં ત્રણ પરિમાણો છે, સફળતા, સાર્થકતા અને શાંતિ!
જો સફળતાના રસ્તે તણાવ, હિંસા કે અન્યાયના વળાંકો હોય તો યાત્રા સુખમય બની શકે ખરી? એ સંદર્ભમાં સાધ્ય-સાધન વિવેક જાળવવો જરૂરી છે. જેમ કે, કોઇ વ્યવસાયમાં પર્યાવરણને નુકશાન થતું હોય કે કાયદા કાનૂનનો ભંગ થતો હોય તો તમે તણાવથી બચી શકો ખરા? વળી જો પૈસા કે પ્રતિષ્ઠા કમાવાની હાયવોયમાં સ્વાસ્થ્ય, પારિવારિક સુખ કે સામાજિક સંબંધનો ભોગ લેવાતો હોય હોય તો અંતે તે ઝેરનો પ્યાલો ન બની રહે? આ બધાં ઉદાહરણો રાજસી સુખનાં છે. ત્રીજી વાત નિષ્ક્રિયતાની છે. તમે કંઇ જ ન કરો તો? જેને પોતાની જાત પર વિશ્વાસ નથી, તે કિનારે બેસીને વાતો કરવા સિવાય બીજું શું કરે? ગીતાકાર તેને તામસી સુખ કહે છે. આમ જુઓ તો સાત્ત્વિક સુખ એ જ ખરું સુખ, રાજસી અને તામસી સુખ તો સુખના નામે ભ્રમણા માત્ર છે.
‘દિવ્ય ભાસ્કર’ની ચિંતન વેદી પર મેનેજમેન્ટ ગીતાના ૧૫૧ મણકા થયા છે. આમ તો ગીતા અનંત છે. ગીતાનો અગાધ જ્ઞાનસાગર આવી નાની આચમનીઓથી ખૂટે ખરો? વળી જેને જીવનમાં સતત કંઇક રચનાત્મક કાર્ય કરતાં રહેવું છે, તેના માટે સંતોષનો એક ઓડકાર બીજી યાત્રાનું મંગલાચરણ બની રહે તેમાં શી નવાઇ? શ્રીમદ્ભગવદ્ગીતાના માહાત્મ્યમાં કહ્યું છે કે ગોપાળ શ્રીકૃષ્ણે ઉપનિષદરૂપી ગૌમાતાને દોહીને ગીતારૂપી જ્ઞાનદુગ્ધ માનવજાતનાં ચૈતસિક પોષણ માટે પીરસ્યું છે. આવો, તેનું આકંઠ પાન કરીએ અને આચરણમાં મૂકીએ. વાચકમિત્રો! યોગેશ્વર શ્રીકૃષ્ણનું અફર વચન યાદ કરાવવા સાથે મેનેજમેન્ટગીતાની ચિંતનયાત્રાને અલ્પવિરામ આપીએ, ‘જે ગીતાને અનુસરે છે, તે મને અતિશય પ્રિય છે’!
[email protected]
X
article by ashok sharma

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી