બ્લેક એન્ડ વ્હાઈટ- આશુ પટેલ / ‘પૃથ્વી પર પ્રલય વખતે અમે તમને બચાવી લઈશું!’

article by aashu patel

Divyabhaskar.com

Aug 28, 2019, 05:46 PM IST

બ્લેક એન્ડ વ્હાઈટ- આશુ પટેલ
થોડા દિવસ અગાઉ ન્યુ યોર્ક ટાઈમ્સ અખબારે એક સ્પેશિયલ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. એમાં એવી માહિતી અપાઈ હતી કે ન્યુક્લિયર અટેક કે ગ્લોબલ વોર્મિંગ કે ટેરરિઝમ કે સાઇબર અટેકથી કે અને અન્ય પ્રકારના ડિઝાસ્ટરથી બચવા માટે યા સિવિલ વોરથી લોકોને બચાવવા માટે બંકર્સ બનાવીને વેચવાનો ધંધો દિવસે ન વધે એટલો રાતે અને રાતે ન વધે એટલો દિવસે વધી રહ્યો છે.
કોઈ એવી કલ્પના કરે કે લશ્કરના જવાનોને યુદ્ધ વખતે છુપાવા માટે બનાવતા હોય એવા બંકરની આ વાત હશે. જી નહીં. અહીં જે બંકરની વાત થાય છે એમાં વિશાળ લિવિંગ રૂમથી માંડીને સ્વિમિંગ પુલ અને મૂવી થિયેટર સહિતની તમામ ફાઈવ સ્ટાર હોટેલમાં હોય એ પ્રકારની સુવિધાઓ મોજૂદ હશે! અને આ પ્રકારના કેટલાય હાઈ પ્રોફાઈલ ઘરો એ બંકર્સમાં હશે. એટલે એને બંકરને બદલે અંડરગ્રાઉન્ડ કોલોની કહેવાનું જ વધુ યોગ્ય ગણાય. સમજો ને કે અમેરિકાથી માંડીને જર્મની જેવા દેશોમાં બની રહેલી અમુક કોલોનીઝ તો નાના ટાઉન જેવી જ હશે. આવો એક પ્રોજેક્ટ રોબર્ટ વિસિનોએ જર્મનીમાં પ્લાન કર્યો છે. એ શેલ્ટર સવા બે હેક્ટર જમીનમાં બની રહ્યું છે અને એમાં છ હજાર લોકો રહી શકશે. આ કોલોનીમાં આટલી વ્યક્તિઓ એક વર્ષ સુધી કોઈ પણ તકલીફ વિના રહી શકે એવી વ્યવસ્થા છે.
અમેરિકન રિયલ એસ્ટેટ ડેવલપર લેરી હોલ કહે છે કે મેં 2011માં આવા બંકર્સ વેચાણ માટે મૂક્યા એ પછી માત્ર એક જ મહિનામાં તમામ બંકર્સ વેચાઈ ગયા હતા! લેરી હોલે અમેરિકન મિલિટરીનું (જેનો ઉપયોગ બંધ કરી દેવાયો હતો એવું) ન્યુક્લિયર મિસાઈલ વોલ્ટ લક્ઝરી કોન્ડોમિનિયમમાં ફેરવી નાખ્યું અને એ જગ્યા મેળવીને તેણે જમીનની નીચે 15 માળનું બંકર બનાવ્યું છે. લેરીએ આવા બંકર બિલ્ડર્સ અને બ્રોકર્સ પૈકી કે રિયલ એસ્ટેટ ડેવલપર્સ પૈકીના એક છે જે લોકોને ડૂમ્સ ડે એટલે કે પ્રલયના દિવસથી બચવા લલચામણી ઓફર આપીને તગડી કમાણી કરી રહ્યા છે. લેરી હોલે બનાવેલા કોન્ડોસ (અપાર્ટમેન્ટ)ની કિંમત 1.3 મિલિયન ડોલર એટલે કે આશરે નવ કરોડ રૂપિયાથી શરૂ થાય છે.
લેરી હોલ જેવા બંકર બિલ્ડર્સ અને બ્રોકર્સ એવો દાવો કરે છે કે આ અંડર ગ્રાઉન્ડ કોલોની એટલી મજબૂત હશે કે ગમે એવી કુદરતી કે માનવસર્જિત હોનારતથી પણ એને કંઈ નહીં થાય. ભૂકંપ, સુનામી કે ન્યુક્લિયર અટેક સહિતની કોઈ પણ આફત એને નુકસાન નહીં કરી શકે. એ જ રીતે માણસો દ્વારા કરાતા હુમલાથી પણ આ કોલોની સુરક્ષિત હશે. એના પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવે તો પણ એને કંઈ અસર ન થાય. ન્યુ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ઓસામા બિન લાદેને તૈયાર કરેલા આતંકવાદીઓએ બે પ્લેન ટકરાવીને જમીનદોસ્ત કરી નાખ્યા હતા, પણ અંડરગ્રાઉન્ડ કોલોનીઝ બનાવનારાઓ એવો દાવો કરે છે કે અમારી બંકર કોલોની પર કોઈ એ રીતે અટેક કરશે તો પ્લેનના ભુક્કા બોલી જશે, પણ બંકરને નાનું અમથું નુકસાન પણ નહીં પહોંચે! તેમના કહેવા પ્રમાણે આ અંડર ગ્રાઉન્ડ કોલોની એટલી મજબૂત હશે કે ગમે એવી કુદરતી કે માનવસર્જિત હોનારતથી એને કંઈ નહીં થાય.
ઘણા અમેરિકન લોકો જાતજાતના ડર સાથે જીવે છે. હોલિવૂડની ફિલ્મ્સના ચાહક હોય એવા વાચક મિત્રોને ખબર હશે કે હોલિવૂડમાં એ પ્રકારની ઘણી ફિલ્મો પણ બની છે જેમાં પ્રલય આવી ગયો હોય અને છેલ્લે હીરો કે હીરોઇન પોતાના કુટુંબને કે અમેરિકાને એ પ્રલયમાંથી બચાવી લે. 2012માં તો પ્રલય આવવાનો જ છે એવું અનેક લોકો માનતા હતા અને હોલિવૂડમાં 2012 નામથી ફિલ્મ પણ બની હતી જે સફળ પણ થઈ હતી.
ડૂમ્સડે એસ્કેપ તરીકે જાણીતી આવી કોલોની બનાવવાનો વિચાર સૌ પ્રથમ અમેરિકન કંપની વિવોઝના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રોબર્ટ વિસિનોને આવ્યો હતો. તેને એવો વિચાર આવ્યો હતો કે આખી દુનિયાને ખતમ કરી નાખે એવી કોઈ આફત આવે તો સમગ્ર માનવજાત નાશ પામે. એવું થાય તો માનવજાતે બે લાખ વર્ષ દરમિયાન કરેલી પ્રગતિ પર પાણી ફરી વળે. એટલે પૃથ્વી પર પ્રલય આવે ત્યારે માનવજાત બચી જાય એ માટે કશુંક કરવું જ જોઈએ. એ વિચારોને અંતે તેને બંકર કોલોનીઝ બનાવવાનો વિચાર આવ્યો. પ્રલય વખતે થોડાક માણસો પણ બચી જાય તો એવા માણસો સંવનન થકી ફરી નવસર્જન કરી શકે ને એ રીતે માનવસંસ્કૃતિ જીવંત રહી શકે.
એ આઈડિયા અમલમાં મૂકવાનું નક્કી કરીને વિસિનોએ ત્રણ કોલોની બનાવવાનો નિર્ણય કર્યો. આ પૈકી અમેરિકાના ઇન્ડિયાના સ્ટેટમાં તેણે અંડરગ્રાઉન્ડ કોલોની બનાવી લીધી છે. જોકે, એ કોલોની બહુ નાની છે. એ કોલોનીમાં માત્ર 80 વ્યક્તિઓને રાખી શકાય એમ છે. એ કોલોનીમાં છુપાયેલા લોકો એક વર્ષ સુધી બહાર નીકળ્યા વગર સ્વસ્થ રીતે અસ્તિત્વ ટકાવી શકે. એક વર્ષ ટકી રહેવા માટે ખોરાક અને અન્ય તમામ વસ્તુઓની વ્યવસ્થા વિસિનોએ તેના ઇન્ડિયાનાસ્થિત બંકરમાં કરી છે.
વિસિનોએ જર્મનીમાં જે શેલ્ટર બનાવવાનું બીડું ઝડપ્યું છે એનું નામ વિવોઝ યુરોપા વન છે. જર્મનીના રોધેન્સ્ટેઇનમાં આશરે અઢી લાખ ચોરસ ફૂટના અંડરગ્રાઉન્ડ બંકરમાં બનનારી એ બંકર કોલોની ફાઇવસ્ટાર હોટેલ જેવી છે. એ કોલોનીમાં એક નાનકડું પ્રાણી સંગ્રહાલય પણ હશે ને સાંસ્કૃતિક વિરાસતનો ખજાનો સાચવી શકાય એ માટેનું અલાયદું મ્યુઝિયમ પણ હશે. પૃથ્વીનો પ્રલય થઈ જાય એ સંજોગોમાં વનસ્પતિ અને અન્ય સજીવો પણ નાશ પામે. તેમનું અસ્તિત્વ ટકે એ માટે એક જિન્સ બેન્ક પણ હશે.
ઘણા લોકોને રોબર્ટ વિસિનો કે લેરી હોલ જેવા રિયલ એસ્ટેટ ડેવલપર્સની વાત ગધેડાને તાવ આવે એવી લાગી શકે. કુદરત સામે માનવી વામણો છે એ સમયાંતરે પુરવાર થતું રહ્યું જ છે. જ્યાં જલ હોય ત્યાં થલ (એટલે કે જમીન) થઈ જાય અને જ્યાં થલ હોય ત્યાં જલ થઈ જાય એનો માનવી સાક્ષી છે છતાં પણ પશ્ચિમી દેશોના ઘણા નાગરિકો ગંભીરપણે એવું માની રહ્યા છે કે આવી અંડરગ્રાઉન્ડ કોલોનીઝ તેમને પૃથ્વીના પ્રલય વખતે બચાવી શકે છે. અમેરિકાના નોર્થ કેરોલિના સ્ટેટમાં તો એક પ્રિપેર કેમ્પ ચાલે છે જેમાં ત્રણ દિવસ માટેના ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ એક્સપોમાં આવા ડિઝાસ્ટર વખતે શું કરવું એ માટે માર્ગદર્શન અપાય છે. તો સોલ્ટ લેક સિટીની નજીકના એરિયામાં ડિઝાસ્ટર પ્રિપેરકોન દ્વારા તાલીમ અપાય છે. એની મુલાકાતે નજીકના ભૂતકાળમાં જ હજારો લોકો જઈ ચુક્યા છે.
કેટલાક અમેરિકન નાગરિકો તો અતિ ગંભીર રીતે ડૂમ્સ ડે વખતે બચવા માટે ઈન્સ્યોરન્સની જેમ પ્લાનિંગ કરી રહ્યા છે. અમેરિકાના કોલોરાડો સ્ટેટના કેસલ રોકની હેલ્થ ઈન્સ્યોરન્સ એજન્ટ ક્નિકી બેન્ડિલિયાએ ન્યુ યોર્ક ટાઈમ્સને કહ્યું હતું કે હું રીઝનેબલ ઈન્સ્યોરન્સ પોલિસીની જેમ બંકર કોલોનીમાં અપાર્ટમેન્ટ લેવા માટે રોકાણ કરી રહી છું!
ડૂમ્સ ડેથી બચવાની શેખી મારતા રિયલ એસ્ટેટ ડેવલપર્સની તૈયારીઓ અને તેમણે બનાવેલી કે તેઓ બનાવી રહ્યા છે એ બંકર કોલોનીઝની વાતો મજેદાર છે. એ વાતો પછી કરીશું.

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી