બ્લેક એન્ડ વ્હાઈટ- આશુ પટેલ / કાશ્મીરનું કોકડું કેમ ગૂંચવાયું?

article by aashu patel

Divyabhaskar.com

Aug 14, 2019, 05:04 PM IST

બ્લેક એન્ડ વ્હાઈટ- આશુ પટેલ
‘શું લાગે છે? સરકારે આવું કરવું જોઈતું હતું? સરકારે સારું કર્યું કે ખરાબ?’
દેશ આખા માટે માથાના દુખાવારૂપ બનેલી, કાશ્મીરની ધરતી પરના સ્વર્ગને બદલે ધરતી પરનું જહન્નમ બનાવી દેનારી કલમ 370 નાબૂદ થઈ એ સમાચાર પ્રસારિત થયા એ પછી એક દુકાનદારે અમારા એક ગાયક મિત્રને પૂછ્યું. આવો સવાલ બીજા ઘણા લોકોએ પણ કર્યો. વિપક્ષોમાંથી પણ આ મુદ્દે અલગ-અલગ સૂર ઊઠ્યા. મમતા બેનર્જી જેવાં માથાભારે પોલિટિકલ લીડરે વળી એવું કહ્યું કે અમે 370ની કલમ હટાવવાના વિરોધમાં પણ નથી કે તરફેણમાં પણ નથી! કોંગ્રેસી નેતાઓ પણ બે ભાગમાં વહેંચાઈ ગયા. કોઈએ કહ્યું કે મોદી સરકારે ખોટું કર્યું તો કોઈ કોંગ્રેસી નેતાએ સોઈ ઝાટકીને કહ્યું કે 370મી કલમ હટાવવાના પગલાને અમે આવકારીએ છીએ.
મોદી વિરોધીઓ આ મુદ્દે પણ ધોકો અને ધડકી લઈને સરકાર પર તૂટી પડ્યા. કલમ 370 હટાવી દેવાને કારણે જેમને તકલીફ થઈ હોય એવાં સજ્જનોને અને સન્નારીઓને મનોચિકિત્સકની વહેલી તકે અપોઈન્ટમેન્ટ લેવાનું સૂચન કરું છું. મારા ઘણા સાઈકિયાટ્રિસ્ટ મિત્રો છે એટલે જરૂર પડે તો તેમની ફીમાં ડિસ્કાઉન્ટ પણ અપાવી દઈશ!
હવે ટુ ધ પોઈન્ટ થોડી વાત કરીએ, આ કોલમના નામ પ્રમાણે બ્લૅક એન્ડ વ્હાઈટમાં જ કેટલીક હકીકતો ફાસ્ટ ફોરવર્ડ કરીને મૂકું છું. મારી કોઈ પણ ટિપ્પણી વિના. આ માહિતીનો સોર્સ વી.પી. મેનન લિખિત પુસ્તક ‘ઈન્ટિગ્રેશન ઓફ ઈન્ડિયન સ્ટેટ્સ’, રાજમોહન ગાંધી લિખિત ‘સરદાર પટેલ – એક સમર્પિત જીવન’ પુસ્તક, લેરી કોલિન્સ-ડોમિનિક લેપિયર લિખિત પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ અને પ્રેમશંકર ઝા લિખિત પુસ્તક ‘કાશ્મીર 1947 રાઈવલ વર્ઝન્સ ઓફ હિસ્ટરી’ છે.
***
24 ઓક્ટોબર, 1947ના દિવસે પાકિસ્તાની ઘૂસણખોરો કાશ્મીરમાં ઘૂસ્યા એ પછી બીજા દિવસે બપોરે ભારતના વડાપ્રધાન નેહરુના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ. એમાં નેહરુ, નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, સંરક્ષણપ્રધાન બલદેવસિંહ, શેખ અબ્દુલ્લા, કાશ્મીરના દીવાન મહાજન, કાશ્મીરના નાયબ વડાપ્રધાન બાત્રા અને વી. પી. મેનન હાજર હતા.
એ મિટિંગમાં કાશ્મીરના દીવાને કહ્યું કે, ‘કાશ્મીરને ભારતીય સૈન્યની મદદની તાતી જરૂર છે.’
‘તમે કહો એટલે ઊભાઊભ લશ્કર મોકલવાનું કંઈ શક્ય ન બને!’ નેહરુ અકળાઈ ઊઠ્યા.
‘તો વાંધો નહીં. તમે સહાય આપવા તૈયાર ન હો તો મારે નછૂટકે જિન્નાહની મદદ લેવા જવું પડશે.’ નેહરુના જવાબથી કાશ્મીરના દીવાન ઉશ્કેરાઈ ગયા.
સામે નેહરુ પણ વધુ અકળાયા. એ જોઈને સરદારે મામલો સંભાળી લેતાં કહ્યું, ‘મહાજન, તમારે પાકિસ્તાન પાસે જવાની જરૂર નથી. હિન્દુસ્તાન જ તમને મદદ કરશે.’
ઉગ્ર ચર્ચાને અંતે અને સમજાવટને અંતે નેહરુ કશ્મીરમાં લશ્કર મોકલવા તૈયાર થયા.
***
26 ઓક્ટોબરના દિવસે સરદારે કશ્મીરના અડિયલ મહારાજા હરિસિંહ પાસે ભારત સાથે કશ્મીરના જોડાણના પેપર્સ પર સહી કરાવી લીધી હતી.
કાશ્મીરમાં લશ્કર મોકલવા માટે નેહરુ તૈયાર થયા એ પછી તરત જ કેબિનેટ મિટિંગનું આયોજન થયું. એ મિટિંગમાં જનરલ સેમ માણેકશાએ કાશ્મીરની સ્થિતિનો ચિતાર આપતાં કહ્યું, ‘પાકિસ્તાની ઘૂસણખોરો શ્રીનગરથી 35 માઇલ જ દૂર છે. તેઓ ગમે ત્યારે શ્રીનગરના એરપોર્ટનો કબજો લેશે. જો એ તેમના કબજામાં હશે તો આપણે કંઈ નહીં કરી શકીએ.’
એ સાંભળીને નેહરુ વિચલિત થઈ ગયા. તેમણે કહ્યું કે આપણે યુનાઇટેડ નેશન્સ પાસે જવું જોઈએ. એની સામે તેમને ચેતવવામાં આવ્યા તો તેમણે કહ્યું કે આપણે રશિયા પાસે જઈએ. નેહરુના આવાં સૂચનો સાંભળ્યાં પછી સરદારે તેમને સાફ શબ્દોમાં કહ્યું, ‘જવાહરલાલ, તમારે કાશ્મીર જોઈએ છે કે પછી પાકિસ્તાનને આપી દેવું છે?’
નેહરુએ કહ્યું, ‘મને કોઈ પણ કિંમતે કાશ્મીર જોઈએ છે.’
‘તો પછી હમણાં જ લશ્કરને આદેશ આપો.’ સરદારે એકદમ મક્કમ અવાજમાં કહ્યું અને જવાહરલાલ કંઈ પણ કહે એ પહેલાં જનરલ માણેકશા તરફ ફરીને તેમણે કહ્યું, ‘તમને ઓર્ડર મળી ગયા છે. કાર્યવાહી શરૂ કરો.’
***
એ પછી થોડા સમય બાદ દિલ્હીના વિલિંગ્ડન એરપોર્ટ પર વિમાનો સાથે પાઈલટ્સ સજ્જ થઈ ગયા હતા. સરદાર ત્યાં પહોંચી ગયા અને તેમના સીધા માર્ગદર્શન હેઠળ પ્રવૃત્તિઓનો ધમધમાટ શરૂ થઈ ગયો. બીજા દિવસે એટલે કે 27 ઓક્ટોબર, 1947ના પરોઢિયે ઇન્ડિયન ઍરફોર્સનું પહેલું વિમાન ઊડ્યું. એ વિમાનમાં લેફ્ટનન્ટ કર્નલ દીવાન રણજિતરાયની આગેવાનીમાં શીખ રેજિમેન્ટના સૈનિકો શ્રીનગર ભણી રવાના થયા. ત્યારબાદ ભારતીય એરફોર્સના ડી.સી. 3 પ્રકારનાં વધુ આઠ વિમાનોનો એક કાફલો શ્રીનગરના વિમાનમથકે ઊતર્યો. એ રેજિમેન્ટમાં 329 સૈનિકો અને આઠ ટન જેટલી સાધનસામગ્રી હતી. એ પછી લગભગ 100 મુલકી (સિવિલ) અને ભારતીય એરફોર્સનાં વિમાનો એક પછી એક શ્રીનગરના રન-વે પર ઊતરવા માંડ્યાં. ભારતીય લશ્કરે શ્રીનગરના એરપોર્ટનો કબજો લઈ લીધો.
બીજી તરફ સરદારે દૂરંદેશી અપનાવીને થોડા સમય અગાઉ જ ગુરદાસપુરથી જમ્મુ સુધી તાત્કાલિક ધોરણે રસ્તો બનાવડાવ્યો હતો એ ખૂબ મદદરૂપ પુરવાર થયો. આ રસ્તે લગભગ એક લાખ સૈનિકોને કાશ્મીર ભણી રવાના કરાયા.
***
ભારતીય લશ્કરે પાકિસ્તાની ઘૂસણખોરોને મારી ભગાવ્યા અને કાશ્મીરનો ઘણો હિસ્સો કબજે કરી લીધો. એ પછી થોડું કાશ્મીર લેવાનું બાકી હતું ત્યારે નેહરુએ યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી! જનરલ થિમૈયાએ નેહરુને કહ્યું કે તમે અમને માત્ર પંદર દિવસ આપો, તો અમે બાકીનું કાશ્મીર પણ કબજે કરી લઈશું, પણ દુનિયાની સામે પોતાની ઈમેજ ઊંચી બનાવવાની લાહ્યમાં નેહરુએ એ વાત માની નહીં. પાકિસ્તાન એવો પ્રચાર કરી રહ્યું હતું કે ભારતીય લશ્કર કાશ્મીરની મુસ્લિમ પ્રજા પર અત્યાચાર કરી રહ્યું છે. જ્યારે હકીકત એ હતી કે પાકિસ્તાની ઘૂસણખોરોએ કાશ્મીરમાં કાળો કેર મચાવ્યો હતો. તેઓ લૂંટફાટ અને સામૂહિક બળાત્કાર કરી રહ્યા હતા. (પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા 14 ખ્રિસ્તી સાધ્વીઓ પર એટલી બેરહેમીથી સામૂહિક રેપ કરાયો હતો કે તે બધી રિબાઈ-રિબાઈને કમોતે મરી ગઈ હતી!)
***
એ પછી નેહરુએ રેડિયો પર સંબોધન કરતાં કહ્યું કે, ‘કાશ્મીર મુદ્દે દરેક પગલાં સમજી-વિચારીને લેવાયા છે. જો આપણે કાશ્મીરની સહાયતા ન કરી હોત તો એ કાશ્મીરીઓનો વિશ્વાસઘાત ગણાત. જો આપણે ઘૂસણખોરો સામે કાશ્મીરની સહાયતા માટે સૈન્ય ન મોકલ્યું હોત તો આપણે તેમના આક્રમણ સામે કાયર છીએ એવું સાબિત થાત. કાશ્મીરના મહાન નેતા શેખ અબ્દુલ્લાની મદદથી (જે ‘મહાન’ નેતાને કારણે નેહરુએ 370મી કલમ ભારતના માથે મારી હતી!) કાશ્મીરના હિન્દુ, મુસ્લિમ અને શીખ લોકો પોતાના દેશનો બચાવ કરવા એકત્રિત થયા. તેમના સહયોગથી આપણા સૈન્યને પણ મદદ મળી છે. કાશ્મીરના મહારાજા પણ અભિનંદનને પાત્ર છે. તેમણે આ કટોકટીભર્યા સમયમાં શેખ અબ્દુલ્લાને વહીવટતંત્રના વડા બનાવ્યા છે (પૂરક માહિતી: સરદારે જે જોડાણખત પર મહારાજા હરિસિંહની સહી કરાવી હતી એ અમાન્ય રાખીને નેહરુએ નવી કલમ ઉમેરીને મહારાજા હરિસિંહની ઈચ્છા વિરુદ્ધ શેખ અબ્દુલ્લાને કાશ્મીરના માથે માર્યા હતા). કાશ્મીરની નિયતિ હવે પ્રજાએ નક્કી કરવાની છે. અમે આ વચન ફક્ત મહારાજાને જ નહીં, પણ કાશ્મીરના લોકો અને આખી દુનિયાને આપીએ છીએ કે જ્યારે શાંતિ અને વ્યવસ્થા સામાન્ય થશે ત્યારે અમે લોકમત લઈશું. આ લોકમત યુનાઈટેડ નેશન્સની દેખરેખમાં લઈશું. પ્રજા જે કંઈ ચુકાદો આપે એને અમે શિરોમાન્ય ગણીશું.’
રેડિયો પર જવાહરલાલ નેહેરુનું એ રાષ્ટ્રજોગ નિવેદન સાંભળીને સરદારે તેમનાં દીકરી મણિબહેન તરફ જોઈને કહ્યું, ‘જવાહરને ખબર નથી કે તેમણે કેવડી મોટી ભૂલ કરી છે. તેમણે પસ્તાવું પડશે.’
આ મુદ્દે હજી થોડી માહિતી દરેક ભારતીય નાગરિકે જાણવા જેવી છે. એ આવતા સપ્તાહે જોઈએ.

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી