બ્લેક એન્ડ વ્હાઈટ- આશુ પટેલ / બેડમેનની ગુડ બુક!

article by aashu patel

Divyabhaskar.com

Aug 08, 2019, 05:53 PM IST

બ્લેક એન્ડ વ્હાઈટ- આશુ પટેલ
હિન્દી ઉપરાંત હોલિવૂડ, ફ્રેન્ચ, ઈટાલિયન, જર્મન, પોલિશ, મલેશિયન સહિતની 400 ફિલ્મ્સમાં અભિનય કરી ચૂકેલા અને તરીકે પ્રસિદ્ધ થયેલા બોલિવૂડ એક્ટર ગુલશન ગ્રોવરને સફળતા મળી એ અગાઉ તેમણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. એ સમયની ઘણી રસપ્રદ અને રોમાંચક વાતો તેમણે મુંબઈના જાણીતાં અંગ્રેજી પત્રકાર રોશમીલા ભટ્ટાચાર્ય સાથે મળીને લખેલી પોતાની આત્મકથા ‘બેડમેન’માં શેર કરી છે.
ગુલશન ગ્રોવર દિલ્હીથી એક કલાકના અંતરે રહેતા હતા. તેમનું કુટુંબ અત્યંત ગરીબ હતું અને તેઓ ઈંટના ઝૂંપડા જેવા મકાનમાં (જેમાં છત લાકડાની બનેલી હતી) માતા-પિતા અને છ ભાઈ-બહેનો સાથે રહેતાં હતાં. તેમના પિતાની ટૂંકી આવકથી તેમના કુટુંબનું ગુજરાન મુશ્કેલીથી ચાલતું હતું અને તેમણે જીવનમાં એવા દિવસો પણ જોયા છે, જેમાં તેમણે ભૂખ્યા સૂઈ જવું પડતું હતું. ગુલશન તેનાથી મોટાભાઈ રમેશચંદ્ર અને મોટીબહેન રાજદીદી તથા ચાર નાની બહેનો ઉર્મિલા, રીટા, રમણા અને આકાંક્ષા માતા-પિતા સાથે ઘરમાં મીણબત્તી અથવા તો ફાનસના પ્રકાશમાં સાથે ભણવા બેસતાં હતાં. તેમના ઘરથી છ માઈલ સુધી ઇલેક્ટ્રિસિટી નહોતી અને જેવો સૂર્યાસ્ત થતો એ સાથે જ તેમના ઘરમાં ઘોર અંધારું છવાઈ જતું હતું. તેમના ઘર સુધી પહોંચવા માટે તેમણે ખેતરો ખૂંદીને જવું પડતું હતું. ગુલશને જંગલી પ્રાણીઓ અને સાપના ડર સાથે એ રસ્તે ચાલીને ઘર સુધી પહોંચવું
પડતું હતું.
એ સમયમાં ગુલશન ગ્રોવર નાની ઉંમરમાં સ્કૂલમાં જતા પહેલાં ડિટર્જન્ટ પાઉડર અને સાબુ વેચવા જતા હતા. મુંબઈ આવ્યા પછી પણ તેમણે ઘણી સ્ટ્રગલ કરવી પડી હતી. ગુલશને તેમની આત્મકથામાં લખ્યું છે કે અમે ઝૂંપડા જેવા મકાનમાં રહેતાં હતાં અને ઘણી વાર અમને ખાવાનું પણ મળતું નહોતું. એ પછી ગુલશનને અકલ્પ્ય સફળતા મળી ને એક એવો સમય આવ્યો કે ઈંગ્લેન્ડના પ્રિન્સ ચાર્લ્સે તેમને પોતાના પેલેસમાં ડિનર માટે આમંત્રણ આપ્યું અને તેમણે ગુલશન સાથે ફરીને તેમની પોતાની ટીમ સાથે ફરીને પોતાના પેલેસની 37 એકરની પ્રોપર્ટીની ટૂર કરાવી. એ ટૂર દરમિયાન પ્રિન્સ ચાર્લ્સે કેટલીક વખત ‘શોપ’ શબ્દનો ઉલ્લેખ કર્યો. ગુલશન સમજ્યા નહીં એટલે તેમણે અદબ સાથે પ્રિન્સને પૂછ્યું કે આ ‘શોપ’ શું છે? પ્રિન્સે કહ્યું કે એ શોપ અહીં એસ્ટેટમાં જ છે, પરંતુ આજે શનિવાર છે એટલે બંધ છે. તેમણે ગુલશનની ઉત્સુકતા જોઈને શોપ ખોલાવી. એ શોપમાં ડ્રેસિંગ ગાઉનથી માંડીને કોસ્ટર્સ તથા કેન્ડલ્સ અને ચેરી વાઈન તથા સ્ટ્રોબેરી પ્રિઝર્વ જેવી ઘણી બધી વસ્તુઓ હતી. જે એસ્ટેટમાં તૈયાર થયેલી ઓર્ગેનિક પ્રોડક્ટ હતી. ગુલશને કેન્ડલ્સના (મીણબત્તીઓનાં) 10 સેટ ખરીદ્યાં. તેમને ખબર હતી કે આ શોપમાંથી જે ખરીદી થાય એની દરેક પેની એક ઉમદા કાર્ય પાછળ ખર્ચ થવાની છે. એ વખતે ગુલશનને યાદ આવ્યું હતું કે તેઓ બધા ભાઈ-બહેનો મીણબતીના અજવાળે ભણતાં હતાં. ગુલશને જ્યારે કેન્ડલ્સ લીધી એ વખતે તેમણે કલ્પના કરી કે હું મારા પિતા વિશંભરનાથ ગ્રોવર અને મારી માતા રામરખીના હાથમાં આ કેન્ડલ્સ આપીશ ત્યારે તેમના ચહેરા પર કેવો ઉમંગ છલકાશે. જેણે ઘણી વખત ભૂખ્યા રહેવું પડતું તેમને અઢી દાયકા પછી પ્રિન્સ ચાર્લ્સ સાથે ડિનર લેવાની તક મળી.
ગુલશન અને રોશમીલાએ ‘બેડમેન’ પુસ્તકની શરૂઆત નોર્વે ફિલ્મ ફેસ્ટિવલમાં, ગ્લોબલ સિનેમામાં પ્રદાન માટે ગુલશનનું નોર્વેજિયન પ્રાઈમ મિનિસ્ટર એર્ના સોલ્બર્ગના હાથે સન્માન થયું ત્યાંથી કરી છે. એ સન્માન પછી નોર્વેના પ્રાઈમ મિનિસ્ટર એર્ના સોલ્બર્ગે ગુલશનની તારીફ કરી અને પછી તેઓ શુદ્ધ હિન્દીમાં બોલ્યા કે ‘પિક્ચર અભી બાકી હૈ!’ આવી તો ઘણી આસમાની-સુલતાની ગુલશને જોઈ છે.
આ પુસ્તક લખવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતાં ગુલશન ગ્રોવરનાં કો-રાઈટર એવાં જાણીતાં અંગ્રેજી પત્રકાર રોશમીલા ભટ્ટાચાર્ય કહે છે કે હું જે અખબારમાં એન્ટરટેઈનમેન્ટ એડિટર છું એમાં દર અઠવાડિયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કોઈ વ્યક્તિ વિશે લખતી રહું છું. એક વખત મને ગુલશન વિશે લખતી વેળા વિચાર આવ્યો કે તેની આત્મકથા લખાવી જોઈએ. મેં એ વિચાર ગુલશન સાથે શેર કર્યો અને ગુલશને મારી સાથે મળીને ઓટોબાયોગ્રાફી લખવા માટે હા પાડવા માત્ર પાંચ મિનિટ લીધી. એ પછી અમે ત્રણ સપ્તાહ દરમિયાન અંદાજે 15 બેઠકો કરી. પુસ્તકનું કન્ટેન્ટ નક્કી કરવા માટે એટલો સમય અમને લાગ્યો. એ નક્કી થઈ ગયા પછી અમે દોઢ મહિનામાં આ બુક પૂરી કરી.
ગુલશન ગ્રોવરના જીવનના ઘણા રસપ્રદ કિસ્સાઓ આ બુકમાં ટાંકવામાં આવ્યા છે. ગુલશન રોશન તનેજાની એક્ટિંગ સ્કૂલમાં ટીચર તરીકે ફરજ બજાવતા હતા એ દિવસોમાં સૂરજ બડજાત્યાના દાદા અને એ વખતના મોટા ગજાના ફિલ્મનિર્માતા તારાચંદ બડજાત્યા ત્યાં આવ્યા હતા. તેમણે ગુલશનને કહ્યું કે મારી ઓફિસે ક્યારેક મળવા આવજે અને ત્યાં એટલું જ કહેજે કે મને તારાચંદ બડજાત્યાએ મળવા માટે બોલાવ્યો છે એટલે તરત જ તને મારો સ્ટાફ મારી પાસે લઈ આવશે. ગુલશન ખુશ થઈ ગયા. તેઓ હોંશેહોંશે તારાચંદ બડજાત્યાની ઓફિસે પહોંચી ગયા. તારાચંદજીની ઓફિસમાં પ્રવેશતી વખતે ગુલશન સાતમા આસમાનમાં વિહરી રહ્યા હતા. તેમને લાગતું હતું કે આપણો સંઘર્ષ હવે પૂરો થઈ ગયો અને હું આ મિટિંગમાંથી બહાર નીકળ્યા પછી ઘરે ફોન કરીને કહી દઈશ કે હવે તમારે દર મહિને પૈસા મોકલવાની જરૂર નથી, હવે હું ઘરે પૈસા મોકલીશ! તેમણે તારાચંદ બડજાત્યાની ઓફિસમાં જઈને કહ્યું કે હું ગુલશન ગ્રોવર છું, મને તારાચંદ બડજાત્યાજીએ મળવા માટે બોલાવ્યો છે. એ સાથે તરત જ બડજાત્યા પાસે લઈ જવાયા. ગુલશન તો સાતમા આસમાનમાં વિહરી રહ્યા હતા. તેમને હતું કે હું બહાર નીકળીશ ત્યારે મારા હાથમાં તારાચંદજીની નવી ફિલ્મનો કોન્ટ્રાક્ટ હશે, પરંતુ તેમની આશા ઠગારી નીવડી. તારાચંદજીએ તેમની સાથે ઉમળકાથી વાતો કરી, પરંતુ ગુલશન તેમને મળીને બહાર નીકળ્યા ત્યારે તેમના ચહેરાનો રંગ ઊડી ગયો હતો. તેઓ ખાલી હાથે પાછા ફર્યા હતા!
પોતે વિલન બનવાનું શા માટે પસંદ કર્યું એ વિશે ગુલશન કહે છે કે એ સમયમાં બોલિવૂડમાં આવતા બધા યુવાનોને હીરો બનવું હતું. મેં વિચાર્યું કે મારા અવાજમાં અને મારી આંખમાં ફાયર છે અને મારો અવાજ ભારે છે અને મારો ચહેરો કરડો છે એટલે એનો લાભ ઉઠાવીને મારે નેગેટિવ રોલ કરવા જોઈએ.
ગુલશન ગ્રોવરે 1974માં દિલ્હીની પ્રખ્યાત શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી પોતાના પિતાને કહ્યું કે મને મુંબઈ જવા માટે પરવાનગી આપો. તેમના પિતાએ કહ્યું કે કોઈ સલામતીવાળી નોકરી શોધીને જિંદગીમાં સ્થિર થઈ જા, પરંતુ ગુલશન મક્કમ હતા. એ જોઈને તેમના પિતાએ કહ્યું કે હું તને છ મહિનાનો સમય આપું છું. છ મહિનામાં મુંબઈમાં એક્ટર તરીકે સેટ થઈ શકે તો ઠીક છે નહીં તો પાછો દિલ્હીભેગો થઈ જજે.
એ વખતે ગુલશનને મુંબઈમાં કોઈ ઓળખતું નહોતું. એક પરિચિતના સગાનો કોન્ટેક્ટ શોધીને ગુલશન મુંબઈ આવ્યા. મુંબઈમાં તેમણે બાન્દ્રા સ્ટેશનની નજીક ‘મરીના’ ગેસ્ટ હાઉસમાં એક્ટર બનવા સંઘર્ષ કરતા અન્ય યુવાનો સાથે રહેવાનું શરૂ કર્યું. તેમના પિતા તેમને દર મહિને મનીઓર્ડર મોકલતા હતા. મુંબઈ આવ્યા પછી ગુલશન બીજા ઘણા સ્ટ્રગલર્સની જેમ ‘પમ્પોશ’ રેસ્ટોરાંની બહાર એવી આશામાં ઊભા રહેવાનું શરૂ કર્યું કે ત્યાંથી પસાર થતા કોઈ ફિલ્મ પ્રોડ્યુસર કે ડિરેક્ટર કે ફિલ્મસ્ટાર્સની એમના પર નજર પડે ને કોઈ એમને તક આપે! એવી જ આશા સાથે તેઓ મહેબૂબ સ્ટુડિયોમાં પણ જતા હતા અને ત્યાંના પાર્કિંગ એરિયામાં એ આશાએ ઊભા રહેતા કે કોઈ ફિલ્મસ્ટાર કે ડિરેક્ટર સિગારેટ પીવા બહાર આવી જાય અને તેમના પર તેમની નજર પડી જાય અને તેઓ બ્રેક આપે!
થોડા સમયમાં જ ગુલશનને સમજાઈ ગયું કે એ રીતે મુંબઈમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈને બ્રેક મળતા નથી હોતા! આ રીતે ત્રણ મહિનાની રઝળપાટ પછી અને અનેક જગ્યાએ બ્રેક મેળવવા ઉધામા કર્યા પછી ગુલશન પાછા દિલ્હીભેગા થઇ ગયા. એ વખતે શ્રીરામ કોમર્સ કોલેજના સંચાલકો દ્વારા ફરી વાર તેમને પ્રોફેસર બનવા પણ ઓફર ફરાઈ, પરંતુ ગુલશને નક્કી કર્યું કે હું પાછો મુંબઈ જઈશ અને આ વખતે કોઈ પણ હિસાબે સફળતા મેળવીને જ જંપીશ.
એન્ડ રેસ્ટ ઈઝ ધ હિસ્ટ્રી!

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી